અધ્યાય - ૧૭ - ભગવાન શ્રીહરિએ કહેલો ગૃહસ્થનો સદાચાર.

Submitted by swaminarayanworld on Tue, 08/08/2017 - 9:25pm

અધ્યાય - ૧૭ - ભગવાન શ્રીહરિએ કહેલો ગૃહસ્થનો સદાચાર.

ભગવાન શ્રીહરિએ કહેલો ગૃહસ્થનો સદાચાર. દશ યમો અને દશ નિયમો. બ્રાહ્મમુહૂર્તથી શયન સુધીનો ગૃહસ્થનો સદાચાર. પ્રાતઃકાળે પઠન કરવાના ત્રણ શ્લોક.

ભગવાન શ્રીનારાયણ મુનિ કહે છે, હે બ્રહ્મન્ !

હવે હું તમને ગૃહસ્થોને માટે હિતકારી સદાચાર બતાવું છું. સદાચાર એટલે કે જે ધર્મોનું સત્પુરુષોએ આચરણ કર્યું હોય તેવો આચાર.૧

આવા સદાચારનું પાલન કરનારા પુરુષો દીર્ઘાયુષ્ય, ધન, પુત્ર પરિવાર, સુખ અને ધર્મ તથા સનાતન ભગવદ્ ધામને પામે છે. તેમજ આલોકમાં પણ તે વિદ્વાન જનોને માટે પૂજ્ય ભાવ સમાન આદર પામે છે. તો સમાન્ય જનો માટે આદરણીય થાય તેમાં શું કહેવું ?૨

વળી જે વિદ્વાન પુરુષો જીતેન્દ્રિય થઇ નિરંતર સદાચારવાળો થાય છે. તે પરબ્રહ્મ શ્રીવાસુદેવ ભગવાનને પામે છે, તે આલોક અને પરલોકમાં શરણે જવા લાયક શ્રેષ્ઠ સાબિત થાય છે.૩

કારણ કે આચાર પરમ ધર્મ અને પરમ તપ છે, આચારથી આયુષ્ય વધે છે અને પાપનો વિનાશ થાય છે.૪

રાગદ્વેષથી રહિત થયેલા વિદ્વાનો આ પૃથ્વી પર જે સદાચારનું આચરણ કરે છે, તેને જ્ઞાની પુરુષો ધર્મનું મૂળ કહે છે.૫

સમસ્ત ધર્મનાં મૂળ યમો અને નિયમોને માનેલાં છે. તેથી જ્ઞાનીપુરુષોએ તે યમ અને નિયમના પાલનમાં જ પરિશ્રમ કરવો.૬

દશ યમો અને દશ નિયમો :-

સત્ય, ક્ષમા, સરળતા, ધ્યાન, અક્રૂરપણું, અહિંસા, બાહ્ય ઇન્દ્રિયોનું દમન, દયા, માધુર્ય, અને મૃદુતા આ દશ યમો કહેલાં છે.૭

શૌચ અર્થાત્ આહાર આદિકની શુદ્ધિ, સ્નાન, તપ, દાન, મૌન, ઇષ્ટદેવની પૂજા, શાસ્ત્રાધ્યયન, એકાદશીઆદિ વ્રતોનો ઉપવાસ અને બ્રહ્મચર્યનું પાલન, આ દશ નિયમો કહેલાં છે.૮

કામ, ક્રોધ, મદ, મોહ, મત્સર અને લોભ, આ છ શત્રુઓને જીતી સર્વ સ્થાનોમાં વિજયી થવું.૯

પરલોકમાં સુખ આપનારા ધર્મનું સદાય રક્ષણ કરવું, કારણ કે તે ધર્મ વિના પરલોકમાં બીજો કોઇ મનુષ્યને સહાય કરનાર હોતો નથી.૧૦

પોતાનું ધન ઘરમાં જ રહી જાય છે, પુત્રાદિ સંબંધીઓ સ્મશાનથી પાછા ફરે છે, પરંતુ શરીરને છોડીને જતા પુરુષની સાથે કેવળ એક ધર્મ સહાયરૃપ હોઇ પાછળ જાય છે.૧૧

જે મનુષ્ય વેદોનો પાઠ કરતો નથી. સદાચારનું પાલન કરતો નથી. ધર્મપાલનમાં આળસ કરે છે અને નિષેધ કરેલાં અન્નનું ભક્ષણ કરે છે, તેવા મનુષ્યને યમરાજા મારવા ઇચ્છે છે.૧૨

તેથી પોતાનું હિત ઇચ્છનારે આ ચાર દોષથી હમેશાં બચતા રહેવું, તેમજ દ્વિજાતિ પુરુષે પ્રયત્નપૂર્વક સદાચારનું હમેશાં પાલન કરવું. તીર્થો પણ સદાચારી પુરુષોનો સમાગમ ઇચ્છે છે.૧૩

બ્રાહ્મમુહૂર્તથી શયન સુધીનો ગૃહસ્થનો સદાચાર :- હે વિપ્ર ! મનુષ્યોએ બ્રાહ્મમુહૂર્તમાં જાગ્રત થઇ પોતાના હિતનું ચિંતવન કરવું, તેમાં રાત્રીના અંતિમ પ્રહરને બ્રાહ્મમુહૂર્ત કહેવાય છે.૧૪

અથવા ચાર ઘડી બાકી રહેલી રાત્રીને બ્રાહ્મમુહૂર્ત કહેવાય છે, તે બ્રાહ્મમુહૂર્તમાં જે મનુષ્યો નિદ્રા કરે છે, તેના પુણ્યનો નાશ થઇ જાય છે.૧૫

બ્રાહ્મમુહૂર્તમાં જો દ્વિજાતિ રોગાદિ આપત્કાળ પડયા વિના આળસમાં નિદ્રા કરે છે તો તે દોષની નિવૃત્તિનો માટે પાદકૃચ્છ્રવ્રતનું પ્રાયશ્ચિત નિશ્ચે કરવું.૧૬

હે વિપ્ર !
પોતાનું હિત વિચાર્યા પછી તત્કાળ પોતાના હૃદયમાં સદ્ગુરુરૃપ ભગવાન શ્રીહરિનું ધ્યાન કરી તેમનું નામસ્મરણ કરતાં કરતાં તેમને પ્રણામ કરવા.૧૭

તેમના ભક્તોનાં નામોને યાદ કરી તેમને પણ અતિ હર્ષથી પ્રણામ કરવા, તેમજ ભગવાન શ્રીહરિની વિભૂતિ સ્વરૃપ એવા બ્રહ્માદિદેવતાઓ, નારદ, સનકાદિક સંતો, દ્વારિકાદિ પવિત્ર ક્ષેત્રો અને ગંગાદિક પવિત્ર નદીઓનું સ્મરણ કરતાં તેઓને પણ નમસ્કાર કરવા, પછી આ ત્રણ શ્લોકનો પાઠ કરવો.૧૮

પ્રાતઃકાળે પઠન કરવાના ત્રણ શ્લોક :- ગરુડ વાહન પર આરુઢ થયેલા, પદ્મનાભ, મગરથકી પરાભવ પામેલા ગજેન્દ્રની મુક્તિના કારણભૂત, ચક્રાયુધને ધારણ કરનારા, નવીન કમળના પત્રની સમાન વિશાળ નેત્રોવાળા, હે નારાયણ ! સંસારના ભયની પીડાને શાંત કરવા માટે પ્રાતઃકાળે તમારૃં સ્મરણ કરૃં છું.૧૯

જીવને નરકરૃપી મહાસમુદ્રમાંથી તારનારા, પોતાના ભજન-સ્મરણપરાયણ વર્તતા ઉત્તમ ભક્તો એવા નારદાદિ બ્રાહ્મણોને આધિન વર્તતા, એવા પરમ પુરુષ પરમાત્મા, શ્રીનારાયણ ભગવાનના બન્ને ચરણકમળમાં મન, વચન અને મસ્તકથી પ્રાતઃકાળે હું વંદન કરૃં છું.૨૦

પોતાનું ભજન કરનારા ભક્તજનોના સંસૃતિરૃપી મહાભયનો વિનાશ કરનારા, મગરના મુખમાં પડેલા પગવાળા ગજેન્દ્રના ઘોર શોકનો વિનાશ કરનારા, તેમજ શંખ અને ચક્રધારી એવા શ્રીનારાયણ ભગવાનને પ્રાતઃકાળે પૂર્વ જન્મોમાં કરેલાં સર્વ પાપના ભયને દૂર કરવા હું નમસ્કાર કરૃં છું.૨૧

હે વિપ્ર !
જે મનુષ્યો પવિત્ર એવા આ ત્રણ શ્લોકનો પ્રાતઃકાળે પાઠ કરે છે. તેને ત્રિલોકપતિ ભગવાન શ્રીહરિ પોતાનું ધામ અર્પણ કરે છે.૨૨

શ્લોકોનો પાઠ કર્યા પછી પથારીમાંથી ઊભા થઇ નૈઋર્ત્ય દિશાના ભાગમાં બાણની ગતિ જ્યાં સુધી પહોંચે ત્યીં સુધીની ભૂમિનો ત્યાગ કરી મળ-મૂત્રના ત્યાગની ક્રિયા કરવી.૨૩

ત્યારે પ્રથમ ભૂમિને તૃણથી આચ્છાદિત કરી મસ્તક ઉપર વસ્ત્ર ઓઢીને નિર્જન જગ્યામાં મળ-મૂત્રનો ત્યાગ કરવો.૨૪

વળી જમણા કાન ઉપર યજ્ઞોપવિત રાખી દિવસે અને બન્ને સંધ્યા વખતે ઉત્તર દિશા તરફ મુખ રાખીને મળ-મૂત્રનો ત્યાગ કરવો, અને રાત્રીમાં દક્ષિણ દિશા તરફ મુખ રાખીને ત્યાગ કરવો.૨૫

વળી દ્વિજાતિ પુરુષે પોતાના પ્રાણ આપત્તિમાં આવી પડે ત્યારે રાત્રી હોય કે દિવસ, છાયા હોય કે અંધકાર, એ સમયે તો જેમ પોતાને સાનુકૂળ પડે એ રીતે મુખ રાખીને મળ-મૂત્રનો ત્યાગ કરવો.૨૬

રાત્રીએ ત્યાગ કરવા ગામની બહાર ન જવું, પરંતુ ઘરની સમીપે જ જ્યાં કોઇ ઉપાધી થાય તેમ ન હોય તેવા ઉકરડાદિકની જગ્યામાં મળ-મૂત્રનો ત્યાગ કરવો.૨૭

હે વિપ્ર !
નૈઋર્ત્ય કે દક્ષિણ દિશામાં મળમૂત્રનો ત્યાગ કરીને વિશુદ્ધ જળાશયમાં માટી અને જળથી શુદ્ધિ કરવી.૨૮

ઊભા રહીને કે જળમાં મળમૂત્રનો ત્યાગ ન કરવો, તેમજ ગાય, બ્રાહ્મણ, અગ્નિ, સૂર્ય અને ચંદ્રની સન્મુખ પણ ત્યાગ ન કરવો. ખેડેલી જમીનમાં, માર્ગમાં, નદીના કિનારા ઉપર, ગાયોની મધ્યે, ધાન્ય રહેલું હોય ત્યાં, સ્ત્રીની સન્મુખ અને જીર્ણ દેવાલયમાં પણ ક્યારેય મળ-મૂત્રનો ત્યાગ ન કરવો. અને થૂંકવું પણ નહિ.૨૯-૩૦

હે વિપ્ર !
જળાશયથી સો હાથ દૂર મૂત્રનો ત્યાગ કરવો અને બસો હાથ દૂર જગ્યા છોડીને મળનો ત્યાગ કરવો. અને તીર્થમાં તો ચારસો હાથ દૂર મૂત્રનો અને આઠસો હાથ દૂર મળનો ત્યાગ કરવો.૩૧

હે વિપ્ર !
હાથની શુદ્ધિ કરતી વખતે ક્ષારવાળી કે મળ-મૂત્રનો ત્યાગ કર્યો હોય એવી ભૂમિમાંથી માટી ન લેવી, તેમજ શૌચક્રિયા કરતાં બચેલી કે સૂક્ષ્મ જંતુવાળી, અને રાફડાની માટી શુદ્ધિ કરવા માટે ગ્રહણ કરવી નહિ.૩૨

હે વિપ્ર !
દ્વિજાતિ પુરુષોએ શુદ્ધિમાં માટી અને જળથી એક વખત લિંગ, ત્રણ વખત ગુદાનું પ્રક્ષાલન કરવું, અને તે ડાબા હાથને જળ અને માટીથી દશ વખત અને બન્ને હાથ ભેળા કરીને સાત વખત અને પગનું ત્રણ વખત પ્રક્ષાલન કરવું.૩૩

સ્ત્રીઓ અને શૂદ્રજનોએ તો આ કહ્યું તેના અડધા ભાગથી શુદ્ધિ કરવી. તેમજ વિપ્રાદિ ત્રણે વર્ણોએ પણ રાત્રીમાં શૂદ્રોની પેઠે અર્ધાભાગથી જ શુદ્ધિ કરી લેવી.૩૪

મળવિસર્જન પછી બાર કોગળા કરવા, અને મૂત્ર વિસર્જન પછી છ અથવા ચાર કોગળા કરવા.૩૫

દ્વિજાતિ પુરુષોએ જળપાન કરતાં વધેલા કે હસ્તપ્રક્ષાલન કરતાં બચેલા જળથી આચમન ન કરવું, જો બીજું જળ ન હોય તો તે જ જળને થોડું ભૂમિ ઉપર ઢોળી વહેવડાવી દઇને તે જળથી આચમન કરવું.૩૬

હે વિપ્ર !
આ શૌચવિધિ કહ્યો તે ગૃહસ્થ માટે છે. બ્રહ્મચારીઓને માટે તો તેનાથી બમણો કરવાનો જાણવો. વાનપ્રસ્થને ત્રેવડો અને સંન્યાસીઓને તો ચારગણો શૌચવિધિ કરવાનો જાણવો.૩૭

આ વિધિ રોગાદિક આપત્તિવાળા જનોએ પોતાની શક્તિ પ્રમાણે કરવો. અને જે શક્તિમાન હોય તેમણે જેમ કહ્યું એ પ્રમાણે પણ દેશકાળાદિકને અનુસારે પ્રયત્નપૂર્વક કરવો.૩૮

જળ ન હોય ને મળમૂત્રનો ત્યાગ કર્યો હોય તો, જ્યારે જળ મળે ત્યારે શૌચવિધિ કરી વસ્ત્રે સહિત સ્નાન કરવું.૩૯

જળ વગરનાં જંગલમાં, રાત્રે અને ચોર તથા વાઘના ભયથી એકાંત પ્રદેશમાં તેમજ માર્ગમાં પણ જળ વિના મળમૂત્રનો ત્યાગ કરે, છતાં હાથમાં સાથે રહેલાં કોઇ પણ પદાર્થો દૂષિત થતાં નથી.૪૦

હે વિપ્ર !
આ શૌચવિધિ પ્રયત્નપૂર્વક આચરવો, કારણ કે, દ્વિજાતિપુરુષો શૌચાચારનું મૂળ કહેલા છે, અને તે વિના તો તેઓની સંધ્યાવંદનાદિ સર્વે ક્રિયા નિષ્ફળ જાય છે.૪૧

તે શૌચ એટલે બહાર અને અંદરની બન્ને પ્રકારની પવિત્રતા કહેલી છે. તેમાં માટી અને જળથી બહારની પવિત્રતા થાય છે, અને કામાદિ દોષોનો ત્યાગ કરી ભાવશુદ્ધિ રાખવાથી અંદરની પવિત્રતા રહે છે.૪૨

જો અંદરની પવિત્રતા ન હોય તો કેવળ બહારની પવિત્રતાથી શુદ્ધ ગણાતો નથી. તેથી જે દ્વિજાતિ પુરુષ બન્ને પ્રકારની પવિત્રતા રાખે છે, તેજ શુદ્ધ કહેલો છે.૪૩

હે વિપ્ર !
પરસ્ત્રી અને પરધનમાં લોભાયેલા, પ્રાણીઓનો દ્રોહ કરવામાં આસક્ત અને ન બોલવા યોગ્ય શબ્દો બોલતા મનુષ્યોને માટીના ઢગલાથી કે સમગ્ર નદીના જળથી કરેલા શૌચવિધિથી શું થવાનું છે ? કાંઇ જ નહિ. માટે અંદરની પવિત્રતા પહેલી જરૃર છે.૪૪

પ્રતિદિન મુખની શુદ્ધિ માટે બહાર અંદર સૂક્ષ્મ જંતુઓ રહિત અને કનિષ્ઠિકા આંગળીના અગ્રભાગ સરખા સ્થૂલ કાષ્ઠથી દંતધાવન કરવું.૪૫

બ્રાહ્મણોને માટે દાતણ લીલું અને બાર આંગળ લાંબું કહેલું છે. ક્ષત્રિયાદિકને અનુક્રમે એક એક આંગળ ટૂંકુ દાતણ કરવાનું જાણવું.૪૬

પડવો, અમાસ, છઠ્ઠ, એકાદશી આદિક વ્રતના કે સૂર્યની સંક્રાંતિને દિવસે કાષ્ઠનું દાતણ ન કરવું.૪૭

કાષ્ઠનું દાતણ પ્રાપ્ત ન થાય તે દિવસે અને નિષેધને દિવસે જળના બાર કોગળા કરી દંતશુદ્ધિ કરવી.૪૮

જે દ્વિજ કોગળા કરવા સમયે તર્જની આંગળીથી દાંત ઘસે છે, તે મૂઢાત્મા પુરુષને પાપકર્મ લાગે છે, એથી કોગળા કરતી વખતે મુખમાં તર્જની આંગળી ઘસવી નહિ.૪૯

હે વિપ્ર !
સ્નાન, સંધ્યા, જપ, હોમ, સ્વાધ્યાય, દેવતાનું પૂજન, વૈશ્વદેવ, અતિથિસત્કાર અને પિતૃઓનું તર્પણ, આ નવ પ્રતિદિન કરવાનાં અવશ્ય કર્મો છે. તે જે દ્વિજાતિ પુરુષો કરતા નથી, તેને ચંડાલ જાણવા.૫૧-૫૨

તેમાં પ્રથમ પ્રાતઃ સમયનું સ્નાન ઉત્સાહ, મેધા-ધારણ યુક્ત બુદ્ધિ, સૌભાગ્ય, સૌંદર્ય, સંપત્તિ અને મનની પ્રસન્નતા વધારનારૃં હોવાથી શ્રેષ્ઠ કહેલું છે.૫૨

પ્રાતઃકાળનું સ્નાન પાપ, દરિદ્રતા, ગ્લાનિ, અપવિત્રતા અને ખરાબ સ્વપ્નાને હરે છે. મનને સંતોષ આપે છે અને શરીરને પુષ્ટ કરે છે.૫૩

ઘણા જેમાં જીવજંતુ હોય એવા જળાશયમાં અને નીચ જાતિના જનોથી સેવાયેલા જળાશયમાં આપત્કાળ પડયો હોય છતાં પણ સ્નાન-શૌચાદિ ક્રિયા ન કરવી.૫૪

તેવી જ રીતે નીચજાતિના જનોનાં સેવાયેલાં નિર્મળ-જળવાળાં જળાશયમાં આપત્કાળમાં પણ સ્નાન-શૌચાદિ ક્રિયા ક્યારેક ન કરવી.પપ

તેમજ નીચજાતિના જનોનાં વૃક્ષો અને લીંપેલાં સ્થળોનો દ્વિજાતિ પુરુષોએ નિવાસ કરવા માટે ક્યારેય પણ ઉપયોગ ન કરવો.૫૬

અન્ન, નિવાસસ્થાન અને જળ જેમનાં હોય તેમની જાતિ આદિકની પૂછા કર્યા વિના ક્યારેય પણ સ્વીકારવાં નહિં.૫૭

હે વિપ્ર !
સંધ્યાવંદન કર્યા વિનાનો બ્રાહ્મણ અપવિત્ર અને સર્વે કર્મોમાં અયોગ્ય ગણાય છે. તે જે કાંઇ પુણ્ય કર્મો કરે છે, તે કર્મો તેને ફળદાયી થતાં નથી.૫૮

તેમજ પ્રતિદિન જપયજ્ઞા અવશ્ય કરવો. કારણ કે બીજા વિધિયજ્ઞા, પાકયજ્ઞા આદિક સર્વે યજ્ઞો જપયજ્ઞાના સોળમાં ભાગમાં પણ આવતા નથી.૫૯

વળી જે દ્વિજ ધન કમાવવાની આસક્તિમાં અગ્નિ-આધાન કર્મ કરતો નથી, તેમજ પ્રાતઃ સાયં હોમ કરતો નથી તે નરકમાં જાય છે.૬૦

અને જે દ્વિજાતિ પુરુષ વેદ અને તેના શિક્ષાદિક અંગ, તથા મહાભારત અને ભાગવતાદિ પુરાણ તથા શ્રીહરિનાં સ્તોત્રનો પ્રતિદિન યથાશક્તિ પાઠ કરતો નથી, તે બ્રહ્મઘાતી કહેલો છે.૬૧

હે વિપ્ર !
દ્વિજાતિ પુરુષ નિત્ય જગન્નાથ શ્રીવાસુદેવ ભગવાનની ભક્તિથી પૂજા કરતો નથી, તે મરીને ગધેડાના જન્મને પામે છે, પછી ભૂંડની જાતિમાં જન્મ ધરે છે.૬૨

તેમજ દ્વિજાતિ એવા ગૃહસ્થ પુરુષે અન્નની શુદ્ધિને માટે મધ્યાહ્ન સમયે કરવા યોગ્ય વૈશ્વદેવ અર્થાત્ પંચમહાયજ્ઞોનું અનુષ્ઠાન પોતે જાતે કરવું, અને સાંજે તેમની પત્નીએ તૈયાર કરેલ અન્નથી મંત્ર રહિત બલિ અર્પણ કરવો.૬૩

અને જે વૈશ્વદેવ કર્યા વિના ભોજન કરે છે, તે આલોકમાં અન્નહીન થવાનો છે, અને એ અધર્મી મરણ પછી કાગડાની યોનિને પામે છે.૬૪

કોદરા, અડદ, વાલ, તુવેર, ચણા અને તેલમાં પકાવેલું અન્ન તથા નમક નાખેલું અન્ન વૈશ્વદેવ કર્મમાં છોડી દેવું.૬૫

હે વિપ્ર !
હોમ કરવાથી ગૃહસ્થનાં પાપ નાશ પામે છે, સ્વાધ્યાય કરવાથી શાંતિ પ્રાપ્ત થાય છે, ભગવાનની પૂજા કરવાથી તેમનો ઇચ્છિત દિવ્યલોક પ્રાપ્ત થાય છે.૬૬

વૈશ્વદેવને અંતે કોઇ અન્નાર્થી આવે તો પાત્ર અપાત્રનો વિચાર કર્યા વિના અન્ન આપવું, કારણ કે ચંડાળ કે કૂતરાંને આપેલું અન્ન પણ નિષ્ફળ જતું નથી.૬૭

જે દ્વિજાતિ પુરુષ જલાંજલિથી પિતૃઓનું તર્પણ કરતો નથી. તેનું રૃધિર પ્રતિદિન પિતૃઓ પીએ છે- તેને દુઃખ થાય છે.૬૮

હે વિપ્ર !
જો ગૃહસ્થ પુરુષ ભોજન પહેલાં જ પુરાણ સાંભળે તો માત્ર શ્લોક સાંભળે અને અર્થે સહિત પુરાણ સાંભળવાની ઇચ્છા હોય તો પ્રતિદિન ભોજન કર્યા પછી, બપોરના સમયે અથવા રાત્રીના સમયે સાંભળે.૬૯

આવા ગૃહસ્થે પ્રતિદિન ભગવાનની ભક્તિપરાયણ અને ધર્મપરાયણ સંતોનો સમાગમ પોતાને જેવો અવકાશ મળે તેને અનુસારે કરવો, કારણ કે પોતાના કલ્યાણને ઉપયોગી બુદ્ધિ તે સંતના સમાગમથી જ પ્રાપ્ત થાય છે.૭૦

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૃપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ધર્મનો ઉપદેશ કરતાં ભગવાન શ્રીહરિએ દ્વિજાતિ પુરુષોના આહ્નિકવિધિનું નિરૃપણ કર્યું, એ નામે સત્તરમો અધ્યાય પૂર્ણ થયો. --૧૭--