અધ્યાય - ૧૪ - બ્રાહ્મણાદિ ચારે વર્ણની આજીવિકાવૃત્તિમાં ધ્યાન રાખવા યોગ્ય વિવેકનું નિરૃપણ.

Submitted by swaminarayanworld on Tue, 08/08/2017 - 9:18pm

અધ્યાય - ૧૪ - બ્રાહ્મણાદિ ચારે વર્ણની આજીવિકાવૃત્તિમાં ધ્યાન રાખવા યોગ્ય વિવેકનું નિરૃપણ.

બ્રાહ્મણાદિ ચારે વર્ણની આજીવિકાવૃત્તિમાં ધ્યાન રાખવા યોગ્ય વિવેકનું નિરૃપણ.

ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે નિષ્પાપ વિપ્ર !

પૂર્વે વર્ણાશ્રમમાં જે આજીવિકાવૃત્તિ કહી છે તેનાથી જ દ્રવ્ય સંપાદન કરી ગૃહસ્થવિપ્રે સદ્વ્યય કરવો.૧

અને નિરંતર પોતાના વર્ણાનુસાર આજીવિકા વૃત્તિનો આશ્રય કરી દ્રવ્ય સંપાદન કરવું, પરંતુ દ્રવ્યમાટે નીચ પુરુષની ગુલામી કરવી નહિ.૨

આલોકમાં ગૃહસ્થ વિપ્રની શીલોંછ, શાલીન, સંચય અને વાર્તા આ ચાર આજીવિકાવૃત્તિ કહી છે.૩

ઉત્તમ વિપ્રે તે ચારમાંથી ઉત્તરોત્તર હીન આજીવિકાવૃત્તિ જાણવી. દેશ, કાળ અને પોતાની શક્તિને ધ્યાનમાં રાખી તે ચારમાંથી કોઇ એકનો આશ્રય કરવો.૪

હે વિપ્ર !
ખેતરના માલિકે કાપણી કરી લીધા પછી ખેતરમાં પડી રહેલા કણો દુકાન કે ખળાની આસપાસ પડયા રહેલા કણો એકઠા કરી જીવન પસાર કરવું તેને શીલોંછવૃત્તિ કહી છે. માગ્યા વિના પ્રાપ્ત થયેલા અન્નથી જીવન વ્યતિત કરવું તેને શાલીનવૃત્તિ કહી છે, યજ્ઞાયાગાદિકથી જીવન પસાર કરવું તે સંચયવૃત્તિ કહી છે અને ખેતી આદિકથી જીવન પસાર કરવું તે વાર્તાવૃત્તિ કહી છે. આ ચાર વૃત્તિઓ તમને સામાન્યપણે કહી છે, પહેલાં યાયાવરવૃત્તિનું શ્રેષ્ઠપણું કહેલું. અહીં શીલોંછવૃત્તિનું શ્રેષ્ઠપણું કહ્યું છે, એ બન્ને મતનો શ્રેષ્ઠપણે આશ્રય કરવામાં દોષ નથી. બ્રાહ્મણોને માટે એ સિવાયની બીજી પણ આજીકિા વૃત્તિઓ કહી છે. અતિશય વિદ્યાનો અભ્યાસ એ પણ ઘણું બધું ધન પ્રાપ્ત કરાવે છે.૫-૬

હે વિપ્ર !
હવ્ય- દેવતાઓને અર્પણ કરેલા અન્નથી, કવ્ય- પિતૃઓને અર્પણ કરેલા અન્નથી, તથા પવિત્રાદિ નિયમોમાં ખબરદાર રહેવાના અભ્યાસથી, પ્રસન્ન થયેલા દેવતાઓ ક્યારેક ઘણુંક ધન આપી જાય છે.૭

ક્યારેક મણિ, સુવર્ણ આદિકની ખાણમાંથી ધન પ્રાપ્ત થાય છે ક્યારેક બ્રહ્મર્ષિઓના અનુગ્રહથી અને ક્યારેક અકસ્માત ધન પ્રાપ્ત થાય છે.૮

આ સમસ્ત ધન ગૃહસ્થ વિપ્રને ન્યાયથી પ્રાપ્ત થયેલું મનાય છે. અને આ ધન ધર્મકાર્યમાં વાપરવા માટે ઉત્તમ કહેલું છે.૯

હે વિપ્ર !
રાજાને ક્ષત્રિયની રાજનીતિથી પ્રાપ્ત થયેલું ધન ધર્મકાર્ય માટે ઉપયોગી કહેલું છે, તેના સિવાયનું ધન ધર્મકાર્યમાં ઉપયોગી નથી. એમ તમે જાણો.૧૦

ગૃહસ્થ જો પોતાની ઉત્તમ પ્રકારની આજીવિકાવૃત્તિથી પોતાના કુટુંબનું પોષણ કરવા અસમર્થ થાય ત્યારેજ પોતાથી નીચેના વર્ણની આજીવિકાવૃત્તિને ગ્રહણ કરવી, પરંતુ આપત્કાળ પડયા વિના બીજાની વૃત્તિનો સ્વીકાર કરવો નહિ, આ બાબત બ્રાહ્મણાદિ ચારે વર્ણના માટે છે. એમ જાણવું.૧૧

તેમાં પણ બ્રાહ્મણે ક્ષત્રિયોની હિંસામય આજીવિકાવૃત્તિને છોડીને વૈશ્યની આજીવિકાવૃત્તિનો સ્વીકાર કરવો. અને જ્યારે ક્ષત્રિયો પણ પોતાની આજીવિકાવૃત્તિમાં કષ્ટ પડે ત્યારે વૈશ્યની વૃત્તિનો સ્વીકાર કરવો.૧૨

પોતાની આજીવિકાવૃત્તિમાં કષ્ટ અનુભવતા વૈશ્યોએ પણ સેવા કરવારૃપ શૂદ્રની આજીવિકાવૃત્તિનો સ્વીકાર કરવો, અને શૂદ્રોએ તો આપત્કાળમાં શિલ્પી આદિક વૃત્તિનો આશ્રય કરી આપત્કાળને તરી જવું.૧૩

આપત્કાળ ઉતરી જાય કે તત્કાળ સર્વે વર્ણવાળા ગૃહસ્થજનોએ શાસ્ત્રોક્ત પ્રાયશ્ચિત કરી ફરી પોતાની ઉત્તમ આજીવિકાવૃત્તિનો રૃડી રીતે આશ્રય કરી લેવો.૧૪

હે માનદ વિપ્ર !
આ કળિયુગમાં બ્રાહ્મણ અને ક્ષત્રિયોએ પોતાની ઉત્તમ વર્ણવૃત્તિથી જીવન નિર્વાહ કરવો શક્ય નથી.૧૫

તેથી ધર્મકાર્યમાં તત્પર એવા તે બ્રાહ્મણ અને ક્ષત્રિયોએ ખેતી આદિક વૈશ્યવૃત્તિનો આશ્રય કરી કુટુંબનું અને અતિથિઓનું પોષણ કરવું.૧૬

ખેતીના અભાવમાં વેપાર તથા વ્યાજવટુ આદિક કરવાં. તેમાં પણ બ્રાહ્મણોએ તો અન્યને દુઃખ આપનારી અને પાપે યુક્ત એવી કુસીદવૃત્તિ અને વ્યાજવટાની વૃત્તિનો તો ત્યાગ જ કરી દેવો.૧૭

કારણ કે કુશીદ શબ્દનો અર્થ જ એ બ્રાહ્મણને કરવા યોગ્ય નથી એમ સૂચવે છે. કુસીદ એટલે કુત્સિત્ એવા અત્યંજ- ગરીબ જનો કે જેની પાસે પોતાના કુટુમ્બના ભરણ પોષણમાં પણ પર્યાપ્ત ધન ન હોય એવા જનો પાસેથી પીડાની જરાપણ પરવા કર્યા વિના પોતે ધીરેલા ધન કરતાં, ચારગણું કે આઠગણું ધન તેમની પાસેથી પડાવવું, તેનું નામ જ કુસીદ કહેલું છે. તેથી વ્યાજવટાનો ધંધો સારો નથી.૧૮

હે વિપ્ર !
ગૃહસ્થ બ્રાહ્મણે પ્રાણની આપત્તિ વિના ક્યારેય પણ ધનપતિ પાસેથી ધન પોતાના સુખને માટે કે ધર્મકાર્યને માટે પણ ગ્રહણ કરવું નહિ.૧૯

દરિદ્ર ગૃહસ્થને અને તેમાં પણ બ્રાહ્મણને તો વિશેષપણે ઋણથી- ધનપતિઓના ધન ધીરવાના વ્યાજની પીડાથી અધિક બીજું કોઇ દુઃખ નથી.૨૦

પાંચમે કે છઠ્ઠે દિવસે શાક પાંદડું જમીને પડયા રહેવું શ્રેષ્ઠ છે, પરંતુ રાજાઓને ક્યારેય પણ ઋણની પીડા સહન કરવી શ્રેષ્ઠ નથી.૨૧

જો રાજાને માટે પણ કરજનો બોજ સારો નથી, તો પછી સામાન્ય પ્રજાને માટે તે કેમ સારો રહે ? તેથી કલિયુગમાં પોતાની આજીવિકાવૃત્તિથી કુટુંબનું ભરણપોષણ કરવા અસમર્થ બ્રાહ્મણે વૈશ્યવૃત્તિના મધ્યે પણ ખેતીકર્મનો જ કેવળ આશ્રય કરવો.૨૨

હે ઉત્તમ વિપ્ર !
ઉત્તમ બ્રાહ્મણોને માટે આપત્કાળમાં આજીવિકા માટે વૈશ્યની ખેતીવૃત્તિ ઉત્તમ મનાયેલી છે. આ પ્રમાણે નારાયણ ભગવાને નારદજીને સ્કંદપુરાણના વાસુદેવમાહાત્મ્યમાં પૂર્વે કહ્યું છે.૨૩

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૃપ શ્રીમત્સત્સંગિ-જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં શ્રીહરિએ ગૃહસ્થ ધર્મમાં વર્ણની આજીવિકાવૃત્તિનું નિરૃપણ કર્યું, એ નામે ચૌદમો અધ્યાય પૂર્ણ થયો. --૧૪--