અધ્યાય - ૮ - ગૃહસ્થ ધર્મોમાં વિવાહાદિ કર્મોનું નિરૃપણ.

Submitted by swaminarayanworld on Tue, 08/08/2017 - 8:54pm

અધ્યાય - ૮ - ગૃહસ્થ ધર્મોમાં વિવાહાદિ કર્મોનું નિરૃપણ.

ગૃહસ્થ ધર્મોમાં વિવાહાદિ કર્મોનું નિરૃપણ. સ્ત્રી-પુરૃષનાં સગપણ કરતી વખતે રાખવાની સાવધાની. વિવાહના આઠ પ્રકાર. ગૃહસ્થમાટે સ્ત્રીના અંગસંગનો ઉચિત સમય. પરસ્ત્રીના સંગથી પુરૃષને થતું નુકસાન. પરસ્ત્રી સંગનું ફળ મહા ભયંકર યમયાતના.

શ્રીનારાયણમુનિ કહે છે, હે બ્રહ્મન્ !

પૂર્વે ચાર પ્રકારના બ્રહ્મચારીઓ કહ્યા. તેના ષટ્કર્મોનું ચાર અધ્યાયથી નિરૃપણ કરી હવે તેમાંથી જે ગૃહસ્થ થવા ઇચ્છતા હોય તેવા અવધિવાળા બ્રહ્મચારીના ધર્મોનો પ્રારંભ કરી તેના ગૃહસ્થ પ્રવેશના ધર્મો તમને કહું છું. જે મંદ વૈરાગ્યવાળો ઉપકુર્વાણક અર્થાત્ અવધિવાળું બ્રહ્મચર્યવ્રત પાલન કરનાર વિદ્યાભ્યાસી બ્રહ્મચારી એવા દ્વિજાતિ પુરુષે વિદ્યાભ્યાસની સમાપ્તિમાં ગુરુને દક્ષિણા આપી વિધિપૂર્વક સ્નાન કરવું.૧

બ્રહ્મચારી ધર્મની અને વેદાભ્યાસની સમાપ્તિ કરી ગુરુની આજ્ઞાથી સ્નાન કરેલા દ્વિજાતિ પુરુષે વાંસનો દંડ તથા આંતરવસ્ત્ર તથા ઉપરનું વસ્ત્ર ધારણ કરવું.૨

બે યજ્ઞોપવીત, જળસહિત તાંબાનું પાત્ર, છત્ર, મસ્તકપર ધારવાની નિર્મળ પાઘ અને પગમાં પગરખાં પણ ધારણ કરવાં, કાનમાં સુવર્ણનાં કુંડળ અને દર્ભચટુ ધારણ કરવું, કેશ અને નખને દૂર કરી નિત્યે શ્વેત વસ્ત્રો ધારણ કરી સ્નાતક એવા નામે ઘરમાં નિવાસ કરવો.૩-૪

હે વિપ્ર !
આવા સ્નાતક દ્વિજાતિ પુરુષે એક દિવસ પણ અનાશ્રમી ન રહેવું, કારણ કે અનાશ્રમી રહેનારો દ્વિજ પ્રાયશ્ચિતથી શુદ્ધ થાય છે.૫

તેથી તે દ્વિજાતિ પુરુષે પોતાના વર્ણની, સારાં લક્ષણ વાળી પિતાના સમાન ગોત્ર રહિતની તેમજ માતાના સપિંડ સંબંધ રહિતની કન્યા સાથે વિવાહ કરવો.૬

પૂર્વે અતિકામાતુર દ્વિજાતિ પુરુષોને માટે પરસ્ત્રી સંગની આસક્તિ નિવૃત્ત રહે તે અર્થે પોતાના વર્ણની ન હોય તેવી સ્ત્રી સાથે પણ વિવાહ કરી શકવાનું વિધાન કરેલ છે.૭

પરંતુ અત્યારે અસવર્ણ વિવાહ પોતાની જાતિથકી પતનનો હેતુ હોવાથી તત્ત્વજ્ઞા મુનિઓએ કળિયુગમાં નિષેધ કરેલ છે, તેથી કોઇ પણ પુરુષે અસવર્ણ વિવાહ ન કરવા.૮

સ્ત્રી-પુરૃષનાં સગપણ કરતી વખતે રાખવાની સાવધાની :-

બુદ્ધિમાન દ્વિજાતિ પુરુષે સ્ત્રીનો સંબંધ કરતી વખતે વાઇની વ્યાધિ, ક્ષયરોગ, તેમજ કુષ્ઠરોગવાળા કુળનો ત્યાગ કરવો, તેમજ બ્રહ્મહત્યાદિ પાપના અપવાદવાળા કુળનો ત્યાગ કરવો. મદ્ય, માંસાદિના ભક્ષણથી પતિત થઇ ગયેલા કુળનો ત્યાગ કરવો, તેમજ બ્રહ્મહત્યાદિ પાપના અપવાદવાળા કુળનો ત્યાગ કરવો, પરસ્ત્રી સંગ આદિ દુરાચારી કુળનો પણ ત્યાગ કરવો.૯

દાઢી, મુચ્છ આદિ પુરુષનાં લક્ષણ રહિતની પોતાનાથી ઉમરમાં નાની તેમજ સ્વભાવમાં સુશીલ કન્યાની સાથે જ દ્વિજાતિ પુરુષે વિવાહ કરવો.૧૦

જે કન્યા સૌંદર્ય આદિક શુભ લક્ષણોવાળી હોય પરંતુ સ્વભાવે દુષ્ટ હોય અર્થાત્ પરપુરુષમાં આસક્તિ આદિક અનેક કુલક્ષણોમાં બધેથી આગળ હોય તો કુલક્ષણોમાં શિરોમણિ જાણવી અને જે કન્યા અતિ સૌદર્યાદિ લક્ષણો ન ધરાવતી હોય છતાં જો પતિવ્રતા હોય તો તે સર્વ શુભ લક્ષણની સ્થાનરૃપ જાણવી.૧૧

વિવાહના આઠ પ્રકાર :-

હે વિપ્ર !
બ્રાહ્મ, દૈવ, આર્ષ, પ્રાજાપત્ય, આસુર, ગાંધર્વ, રાક્ષસ અને પૈશાચ આ આઠ પ્રકારના વિવાહ કહેલા છે. તેમાં વરરાજાને વિધિપૂર્વક બોલાવી અલંકૃત કરેલી પોતાની કન્યાનું દાન કરવું, તે બ્રાહ્મવિવાહ કહેલા છે. યજ્ઞા કરાવતી વખતે યજ્ઞાના ઋત્વિજને કન્યાનું દાન કરવું, તે દૈવવિવાહ કહેલા છે. વરરાજા પાસેથી બે ગાયો લઇ કન્યાદાન કરવું તે આર્ષ વિવાહ કહેલો છે. બન્ને સહધર્મનું આચરણ કરજો એમ કહીને કરવામાં આવતું કન્યાદાન પ્રાજાપત્ય વિવાહ કહેલા છે. દ્રવ્ય ગ્રહણ કરીને કન્યાદાન કરવું તે આસુર વિવાહ કહેલા છે. સ્ત્રી પુરુષને પરસ્પર પ્રેમ થઇ જતાં પરણી જવું તે ગાંધર્વવિવાહ કહેલા છે, યુદ્ધ કરી કન્યાનું હરણ કરી લઇ જઇ તેમની સાથે લગ્ન કરવાં તે રાક્ષસ વિવાહ કહેલા છે. છેતરપીંડીથી કન્યાને ઉપાડી જઇ તેમની સાથે પરણવું તે પૈશાચ વિવાહ કહેલા છે.૧૨

હે વિપ્ર !
આ આઠ પ્રકારના વિવાહને મધ્યે પહેલા ચાર વિવાહ બ્રાહ્મણને માટે કહેલા છે. ત્યારપછીના ત્રણ ઘણું કરીને ક્ષત્રિયો તથા વૈશ્યોને માટે કહેલા છે અને છેલ્લો પિશાચ વિવાહ શૂદ્રને માટે કહેલો છે.૧૩

વિવાહ કર્યા પછી દ્વિજાતિ પુરુષોએ સર્વે દેવતાઓની નિરંતર પ્રસન્નતા બની રહે તે માટે વૈવાહિક અગ્નિનો સ્વીકાર કરવો.૧૪

જો વિવાહ સમયે આળસથી જો વૈવાહિક અગ્નિનું ચયન ન થયું હોય તો પિતાની સંપત્તિના વિભાગ કરતી વખતે પ્રયત્ન પૂર્વક અગ્નિનો સ્વીકાર કરવો.૧૫

જો મોટોભાઇ પત્ની અને વિવાહના અગ્નિ રહિતનો હોય ત્યાં સુધી નાના ભાઇએ પત્ની અને અગ્નિનો સ્વીકાર કરવો નહિ. જો ગ્રહણ કરે તો તે પ્રાયશ્ચિતથી શુદ્ધ થાય છે.૧૬

આ બન્ને ભાઇઓની મધ્યે નાનો ભાઇ પરિવેત્તા અને મોટો પરિવેત્તિ થયો કહેવાય. તેથી એ બન્નેને પણ પ્રાયશ્ચિત કરવું પડે છે. આ પ્રાયશ્ચિત આગળ ૫૪ મા અધ્યાયમાં જણાવાશે.૧૭

હે વિપ્ર !
જો નાનો ભાઇ મોટાભાઇની આજ્ઞા લઇને પત્ની અને અગ્નિનો સ્વીકાર કરે તો તેમાં કોઇ દોષ નથી. અથવા મોટો ભાઇ પૈસા કમાવવાની આસક્તિમાં પડયો હોય ને સમય ઉપર લગ્ન ન કરતો હોય, અથવા મહારોગથી ઘેરાયેલો હોય જેથી લગ્ન ન થઇ શકે તેમ હોય અથવા વેદવિધિમાં વિશ્વાસ ન હોય ને તે નાસ્તિક હોય તો નાનાભાઇને પત્ની અને અગ્નિનો સ્વીકાર કરવામાં દોષ નથી.૧૮

ગૃહસ્થે પ્રતિદિન કરવા યોગ્ય વૈશ્વદેવાદિક સ્માર્તકર્મ અને રસોઇ પકાવારૃપ લૌકિક કર્મનું અનુષ્ઠાન વૈવાહિક અગ્નિમાં કરવું, અથવા પિતાના ધનના વિભાગ સમયે સ્વીકારેલા અગ્નિમાં કરવું, શ્રુતિએ કહેલા અગ્નિહોત્રાદિક કર્મનું અનુષ્ઠાન આહવનીય અગ્નિમાં કરવું.૧૯

જો ઘરમાં અગ્નિનું રક્ષણ થઇ શકે તેવી વ્યવસ્થા ન હોય,અથવા ગરીબીને કારણે વૈવાહિક અગ્નિનો સંગ્રહ થઇ શક્યો ન હોય તેવા દ્વિજાતિ પુરુષે પ્રાતઃ સંધ્યા અને સાયં સંધ્યાની સમાપ્તિ પછી હોમનું અનુષ્ઠાન ન કરી શકાતાં જલાંજલિ અર્પણ કરવી.૨૦

તેમાં પ્રાતઃ સંધ્યા પછી દિવસે ''સૂર્યપ્રજાપતિભ્યાં નમઃ'' એમ બોલીને જલાંજલિ અર્પણ કરવી અને સાયંકાળે સૂર્યના સ્થાને અગ્નિનો ઉચ્ચાર કરી ''અગ્નિ-પ્રજાપતિભ્યાં નમઃ'' એમ બોલી જલાંજલિ અર્પણ કરવી.૨૧

ગૃહસ્થમાટે સ્ત્રીના અંગસંગનો ઉચિત સમય :-

હે વિપ્ર !
દ્વિજાતિ પુરુષ ભગવાનની બાંધેલી મર્યાદાનું પાલન કરતાં કરતાં પોતાની પત્ની સાથે પણ અંગ સંબંધમાં કામે કરીને ઇચ્છાનુસાર આચરણ ક્યારેય પણ ન કરે.૨૨

પરંતુ શાસ્ત્રોક્ત મર્યાદામાં રહીને જ પોતાની સ્ત્રીનો સંગ કરે, ગૃહસ્થ પુરુષોને ઋતુકાળમાં જ પોતાની સ્ત્રીનો સંગ કરવાનું વિધાન છે. તે ઋતુકાળ કોને કહેવાય ? કે પોતાની સ્ત્રીને જે દિવસે રજસ્વલા ધર્મ પ્રાપ્ત થાય તે દિવસથી સોળ રાત્રી સુધી ઋતુકાળ મનાએલો છે.૨૩

આ સોળ રાત્રીઓમાં પણ પુત્ર પ્રાપ્તિની ઇચ્છા વાળા ગૃહસ્થને સ્ત્રીસંગમાં યુગ્મ સંખ્યા અર્થાત્ સમાન સંખ્યાવાળી રાત્રી યોગ્ય કહેલી છે. અને કન્યા પ્રાપ્તિની ઇચ્છાવાળા ગૃહસ્થને સ્ત્રીસંગમાં અયુગ્મ સંખ્યાવાળી રાત્રી યોગ્ય કહેલી છે. તે યુગ્મ અને અયુગ્મ રાત્રીઓમાં પણ આગળ આગળની રાત્રી શ્રેષ્ઠ કહેલી છે.૨૨-૨૪

હે વિપ્ર !
સોળરાત્રીનો જે ઋતુકાળ કહ્યો તેમાં પણ પ્રયત્ન પૂર્વક છોડી દેવા યોગ્ય તિથિઓ અને રાત્રીઓ છે,તે તમને કહું છું. પહેલી ચાર રાત્રી સ્ત્રી સંગમાં છોડી દેવી, અને દિવસે તો ક્યારેય પણ સ્ત્રીસંગ ન કરવો.૨૫

તેવી જ રીતે ઋતુકાળમાં પણ પોતાના પિતૃઓના શ્રાદ્ધના દિવસો હોય તેની પૂર્વ રાત્રી અને શ્રાદ્ધના દિવસની રાત્રી, તેમજ સર્વે અમાવાસ્યા અને પૂર્ણિમાની રાત્રીઓ, એકાદશીએ સહિત આગળની દશમની રાત્રી અને પાછળની બારસની રાત્રી, સૂર્યની સંક્રાંતિ તથા વ્રતના દિવસોની રાત્રીઓ સ્ત્રીસંગ માટે નિષેધ કરેલી છે. જે ગૃહસ્થ સ્ત્રીસંગ માટે નિષેધ કરેલી આ ઉપરોક્ત રાત્રીઓમાં પોતાની પત્નીનો પણ સંગ કરે છે, તે પુરુષ મરીને બિલાડો અને કૂતરો થાય છે.૨૬-૨૭

હે વિપ્ર !
ગૃહસ્થ પુરુષોએ સર્વે પ્રકારના ઉપાયોથી પોતાની પત્નીનું રક્ષણ કરવું, અન્ન, વસ્ત્ર અને આભૂષણોથી હમેશાં તેને સત્કારવી- રાજી રાખવી.૨૮

સ્ત્રીઓને તેમના વિવાહ પહેલાં તેમના પિતાએ ધર્મમર્યાદામાં રખાવવા રૃપ રક્ષા કરવી. પરણ્યા પછી યુવાનીમાં તેમના પતિએ તેમની રક્ષા કરવી, અને વૃદ્ધાવસ્થામાં તેમના પુત્રોએ રક્ષા કરવી. સ્ત્રીએ સ્વતંત્ર ક્યારેય ન રહેવું.૨૯

મોટા કુળમાં ઉત્પન્ન થયેલી સ્ત્રી પણ જો સ્વતંત્ર વર્તવા લાગે છે, તો નક્કી તેનું પોતાના ધર્મ થકી પતન થાય છે. કારણ કે પ્રજાપતિ બ્રહ્માજીએ તેમની ઉત્પત્તિ જ એવી કરી છે, કે સ્ત્રી સ્વતંત્ર વર્તી શકે નહિ, અને જો વર્તે તો કોઇ ને કોઇ નરાધમના હાથે ભ્રષ્ટ થાય છે.૩૦

પરસ્ત્રીના સંગથી પુરૃષને થતું નુકસાન :- સર્વે વર્ણના જનોએ પરસ્ત્રીનો સંગ તો ક્યારેય પણ ન કરવો, જો પરદારાનો સંગ થઇ જાય તો અતિશય શ્રદ્ધાથી કરેલાં યજ્ઞા-યાગાદિક ઇષ્ટાપૂર્ત-કર્મજન્ય પૂણ્યો તત્કાળ નાશ પામી જાય છે. અને આયુષ્યનો પણ નાશ થાય છે.૩૧

આયુષ્ય, તપ, કીર્તિ, તેજ યશ, પ્રભાવાદિનો અને દ્રવ્યાદિ સંપત્તિનો પણ વિનાશ થઇ જાય છે.૩૨

આ લોકમાં પુરુષને પરસ્ત્રીનું સેવન જેવું આયુષ્યનો નાશ કરે છે, તેવું બીજું કોઇ પાપ આયુષ્યનો વિનાશ કરતું નથી. પરસ્ત્રીના સંગી પુરુષની કોઇ પણ યોનિમાં ટૂંકી આયુષ્ય થઇ જાય છે.૩૩

જે પુરુષો કામભાવે દૂષિત મનથી પરસ્ત્રીઓને જુવે છે. તે પુરુષો પૃથ્વી પર જન્મથી રોગી જન્મે છે, એ જે જે યોનિમાં જન્મે ત્યાં જન્મતાં વેત જ મહારોગથી ઘેરાય છે. એ નક્કી વાત છે.૩૪

વળી જે મૂર્ખ પુરુષો પરસ્ત્રીના શરીર ઉપર કામભાવથી દૂષિત દૃષ્ટિ જોડે છે, તે પુરુષો તેવા દૃષ્ટ સ્વભાવના કારણે જન્મથી અંધ થાય છે.૩૫

પરસ્ત્રી સંગનું ફળ મહા ભયંકર યમયાતના :-

જે પુરુષો પરસ્ત્રીને બંધક બનાવીને એકાંત સ્થળે ઉપાડી લઇ જઇ ઉપભોગ કરે છે, અને જે પોતાના વશમાં ન આવતી સ્ત્રીનો દ્વેષ કરે છે અને પરસ્ત્રીઓના વૃંદમાં વિહાર કરવાના સ્વભાવવાળા છે. જે પરસ્ત્રીઓને પર પુરુષ સાથે સંબંધ જોડવા ઉશ્કેરે છે, જે પોતાની કે પોતાના સંબંધીની સ્ત્રીઓ પાસે વેશ્યાવૃત્તિ કરાવી પ્રાપ્ત થયેલા ધનને ભોગવે છે, જે સ્ત્રીઓને દેવતા તરીકે પૂજામાં સ્થાપન કરી તેના ઉપભોગમાં પ્રસક્ત થાય છે. જે પુરુષો પરસ્ત્રીને ઉપરથી નિયમો બતાવી- સ્ત્રીધર્મોને સ્પષ્ટ નહીં સમજાવી પોતાને વશ થાય તેવા ભાવ સાથે ઉપદેશ કરી ભોગવે છે, જે સ્ત્રીની સમાન વેશ ધારણ કરી પરસ્ત્રીઓને છેતરી તેનો ઉપભોગ કરે છે. જે પરસ્ત્રીઓને ભોગવવા તેમના પર બળાત્કાર કરે છે, જે ઉપભોગની સિદ્ધિમાટે સ્ત્રીના ભાવોને ભજવે છે, જે પરાંગનાઓની કથામાં લુબ્ધ થાય છે, જે પરસ્ત્રીઓને ભોગવવા તેઓને કોઇના કોઇ બહાને લોભાવે છે, તે સર્વે કામી પુરુષો સ્ત્રીના શરીરમાં જેટલા રૃવાળાં છે, તેટલાં વર્ષોનાં હજારો વર્ષો પર્યંત અર્થાત્ એક રોમના એક હજાર વર્ષ પર્યંત નરકમાં પડે છે.૩૬-૩૮

હે વિપ્ર !
તે કામી પુરુષોને નરકમાં કૃમિઓ ખાય છે. તેમ છતાં કર્મવશપણાથી મૃત્યુ નહિ પામતા તે કામી પુરુષોને નરકના કુંડમાં તપાવેલા તેલમાં રાંધવામાં આવે છે, તેમ છતાં મૃત્યુ નહિ પામતા પાપીઓને અગ્નિમાં અર્ધા બાળીને ખારા જળવાળી નદીમાં ફેંકવામાં આવે છે.૩૯

વળી મૂઢ આવા દુરાચારી પુરુષો ગર્દભ આદિક પશુ જાતિમાં મૈથુન કરવા જે પ્રસક્ત હોય છે તથા દુષ્ટબુદ્ધિવાળા દુરાચારી પુરુષો જે બીજા પુરુષો સાથે મૈથુનમાં આસક્ત હોય છે. તે સર્વે આ લોકમાં જ નપુંસકતા પામે છે.૪૦

હે વિપ્ર !
કોઇ પણ ગૃહસ્થાશ્રમી પુરુષે પોતાના સમીપ સંબંધવાળી વિધવા સ્ત્રી વિના અન્ય વિધવા નારીઓનો આપત્કાળ પડયા વિના સ્પર્શ કરવો નહીં.૪૧

અને વિચક્ષણ ગૃહસ્થ પુરુષે તો પોતાની માતા, બહેન અને દીકરીની સાથે પણ એકાંત સ્થળમાં રહેવું નહિ, એકાંત વિના જાહેરમાં પણ તેઓની સાથે જેટલો જરૃરી વ્યવહાર હોય તેટલો જ કરવો, પરંતુ કોઇ બહાનાથી સાહચર્ય રાખવું નહિ.૪૨

હે વિપ્ર !
આ લોકમાં મનુષ્યોને સ્ત્રીઓનો પ્રસંગ અને સ્ત્રૈણ પુરુષનો પ્રસંગ પણ બંધનનો હેતુ છે. તેથી વિવેકી ગૃહસ્થ પુરુષોએ પણ આવા બન્ને પ્રકારના પ્રસંગો છોડી દેવા અને ભગવાનના વહાલા સંતોમાં આસક્ત થવું, તેનો પ્રસંગ કરવો.૪૩

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૃપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ધર્મોનો ઉપદેશ કરતા ભગવાન શ્રીહરિએ ગૃહસ્થના વિવાહ સંબંધી ધર્મોનું નિરૃપણ કર્યું ,એ નામે આઠમો અધ્યાય પૂર્ણ થયો. -૮-