અધ્યાય - ૫૧ - સુરતમાં ભગવાન શ્રીહરિએ મોટી સત્સંગ સભામાં ભાલચંદ્રશેઠના ભક્તિસંબંધી પ્રશ્નોના ઉત્તરો આપ્યા.

Submitted by swaminarayanworld on Thu, 06/07/2017 - 10:10am

અધ્યાય - ૫૧ - સુરતમાં ભગવાન શ્રીહરિએ મોટી સત્સંગ સભામાં ભાલચંદ્રશેઠના ભક્તિસંબંધી પ્રશ્નોના ઉત્તરો આપ્યા.

સુરતમાં ભગવાન શ્રીહરિએ મોટી સત્સંગ સભામાં ભાલચંદ્રશેઠના ભક્તિસંબંધી પ્રશ્નોના ઉત્તરો આપ્યા. ભક્તિના નવ પ્રકાર. દશમી પ્રેમલક્ષણા ભક્તિનું વિવેચન . ભક્તને માટે ભયાવહ સ્થાન.

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ભગવાન શ્રીહરિ સુરત શહેરના સમસ્ત ભક્તજનોને આનંદ ઉપજાવતા થકા મોટી સભામાં રમણીય ઊંચા સિંહાસન ઉપર વિરાજમાન થયા અને સર્વ ભક્તજનોએ મહામોંઘાં વસ્ત્રો, આભૂષણો તથા ચંદન, પુષ્પાદિક ઉપચારોથી પૂજા કરી.૧

પછી સંતો તથા બ્રહ્મચારીઓ શ્રીહરિના સિંહાસનની ચારે બાજુ ફરતા યથાયોગ્ય સ્થાને બેઠા. અને તે ત્યાગીઓને ફરતા બીજી પંક્તિમાં સર્વે ગૃહસ્થ ભક્તજનો પણ પોતાના સ્થાને મર્યાદામાં બેઠા. પછી નૈષ્ઠિક વર્ણિરાજ શ્રીહરિ પોતાની પ્રેમ ભરેલી દૃષ્ટિથી નિહાળતા કહેવા લાગ્યા.૨

હે ભક્તજનો ! તમારા સર્વેનું હિતકારી એવું મારું વચન સાંભળો. તમારે સર્વેને પોતપોતાના અધિકારક્ષેત્રમાં સાવધાન રહીને વર્ણાશ્રમ ધર્મનું યથાર્થ પાલન કરવું, અને સાથે નિઃસંશય થઇને પ્રગટ ભગવાન શ્રીકૃષ્ણનું ભજન કરવું.૩

હે ભક્તજનો ! તમને કોઇને કોઇ પણ પ્રકારનો સંશય હોય તો અત્યારે મને પૂછો. હે રાજન્ ! આ પ્રમાણે શ્રીહરિનું અમૃતની સમાન વચન સાંભળી બુદ્ધિમાન ભાલચંદ્ર શેઠ ભગવાન શ્રીહરિને પૂછવા લાગ્યા.૪

હે ભગવાન્ ! સાક્ષાત્ પરમાત્મા ભગવાન શ્રીકૃષ્ણ એવા આપની ભક્તિ છે તે ભક્તજનોનાં સમસ્ત ભવબંધનને તોડનારી છે. તે શ્રુતિ અને સ્મૃતિમાં પ્રસિદ્ધ છે. અને પૃથ્વીપર મોક્ષનો એજ પ્રસિદ્ધ ધોરી માર્ગ છે. તેથી ભક્તિની બાબતમાં જ હું તમને પૂછવા માગું છું.૫

હે નાથ ! એ ભક્તિ કેવા પ્રકારની અને કેવા સ્વરૂપની છે ? આ પૃથ્વી પર તેમનો આશ્રય કરનારા મનુષ્યોનાં લક્ષણો કેવાં હોય છે ? શ્રીકૃષ્ણ ભગવાનને વિષે ભક્તજનોને કેવી પ્રીતિ હોય છે ? ભગવાનને ભક્ત ઉપર કેવી પ્રીતિ હોય છે ?.૬

સુવ્રતમુનિ કહે છે હે રાજન્ ! આ પ્રમાણે ભાલચંદ્રશેઠનો પ્રશ્ન સાંભળી જગદ્ગુરુ પરમાત્મા ભગવાન શ્રીહરિ અતિશય પ્રસન્ન થયા અને સમગ્ર શાસ્ત્રના સારભૂત રહસ્ય કહેવા લાગ્યા કે, જે રહસ્યને માત્ર ભગવાનના એકાંતિક ભક્તો જ જાણી શકે છે, બીજા જાણી શકતા નથી. તે રહસ્ય હું તમોને કહું છું.૭

ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે વૈશ્યોમાં શ્રેષ્ઠ ભાલચંદ્રશેઠ ! તમે જે પ્રશ્ન કર્યો છે તેનો ઉત્તર ભગવાનના અનુગ્રહ વિના સકલ શાસ્ત્રના જ્ઞાતા પુરુષે પણ આપવો દુષ્કર છે. આવા તમારા શ્રેષ્ઠ પ્રશ્નનો ઉત્તર હું તમને આપું છું. તમે સાવધાન થઇને સાંભળો.૮

હે ભક્તરાજ ! આલોકમાં પ્રથમ મનુષ્યે ધર્મ અને ભક્તિમાં નિષ્ઠાવાળા સાચા સદ્ગુરુનું શરણું સ્વીકારી તેમના થકી ભાગવતી દીક્ષા ગ્રહણ કરવી, પછી તે સદ્ગુરુ થકી જ પોતાને પ્રતિદિન પૂજવા યોગ્ય ભગવાનની પ્રતિમા પ્રાપ્ત કરવી, પછી ગુરુના કહેવા પ્રમાણે આળસ અને પ્રમાદ છોડી ભગવાન શ્રી વિષ્ણુની ભક્તિ કરવી.૯

ભક્તિના નવ પ્રકાર :-- હે ભક્તરાજ ! શ્રીકૃષ્ણભગવાનના સ્વરૂપના યથાર્થ માહાત્મ્યજ્ઞાને સહિત પ્રેમે યુક્ત પોતાની નેત્રાદિ સર્વે ઇન્દ્રિયોની વૃત્તિ શ્રીકૃષ્ણના સ્વરૂપમાં સ્વાભાવિકપણે અખંડ અવિચ્છિન્નપણે જોડાઇ રહે, તેને જ ''ભક્તિ'' કહેલી છે. તે ભક્તિના નવ પ્રકાર છે. ૧. ભગવાનની કથાનું શ્રવણ કરવું, ૨. ભગવાનના ગુણોનું કીર્તન કરવું, ૩. ભગવાનના સ્વરૂપનું અને ચરિત્રોનું હમેશાં સ્મરણ કરવું. ૪. ભગવાનના ચરણકમળની પગચંપી આદિ સેવા કરવી. ૫. વિધિપૂર્વક યથા સમયે પોતાની શક્તિ પ્રમાણે ઉપચારોથી પૂજન કરવું, ૬. ભગવાનને સાષ્ટાંગ કે પંચાંગ પ્રણામ કરી વંદન કરવા, ૭. નિર્માનીપણે દાસની પેઠે સદાય સેવાપરાયણ રહેવું, ૮. ભગવાનની સાથે અસાધારણ વિશ્વાસપૂર્વક મિત્રતા કરવી. ૯. અને શ્રીકૃષ્ણ ભગવાનને પોતાનો સમગ્ર પરિવાર અને શરીરે સહિત આત્માનું અનન્યભાવે સમર્પણ કરી દેવું.૧૦-૧૧

આ પ્રમાણે ભક્તિના નવ પ્રકારના ભેદ છે. તેમાંથી પોતાની શક્તિને અનુસારે કોઇ પણ એક પ્રકારની ભક્તિથી પરમેશ્વર શ્રીકૃષ્ણની ઉપાસના, ભજન કરવું. ઉપરોક્ત નવપ્રકારની ભક્તિમાંથી કોઇ પણ એક પ્રકારની ભક્તિ કરનાર સકામી ભક્તને પોતાના મનમાં ઇચ્છેલા મનોરથો પૂર્ણ થાય છે અને નિષ્કામી ભક્તને મુક્તિ પ્રાપ્ત થાય છે.૧૨

હે ભક્તરાજ ! અણિમાદિક અષ્ટ સિદ્ધિઓથી પણ અતિશય શ્રેષ્ઠ એવી અને દિવસે દિવસે પરમાત્મા શ્રીહરિમાં વૃદ્ધિને પામતી નિષ્કામ ભક્તિ છે. તે ઉદરમાં રહેલા જઠરાગ્નિ જેવી છે. જેવી રીતે જઠરાગ્નિ જમેલાં અન્નને પચાવી જીર્ણ કરી દે છે, તેમ આ નિષ્કામભક્તિ જીવાત્માના અનાદિ અજ્ઞાનરૂપ કોશને જીર્ણ કરી વિનાશ કરે છે.૧૩

હે ભક્તરાજ ! આલોકમાં જે પુરુષો રમાપતિ શ્રીકૃષ્ણના અનન્ય નિષ્કામ ભક્તો છે તે પુરુષો તો કૈવલ્યમુક્તિને પણ ઇચ્છતા નથી. તો બીજી મુક્તિને ક્યાંથી ઇચ્છે ? તેવા ભક્તો તો સદાય પરમાત્મા શ્રીકૃષ્ણની સેવામાં જ આસક્ત રહે છે. અને સેવાને માટે જ તેમની સકલ ઇંદ્રિયોનો વ્યાપાર હોય છે. તેઓ એક ભગવાનની સેવામાં જ પોતાની પરિપૂર્ણતા અને કૃતાર્થતા અનુભવે છે, અને સદાય ભગવદ્ ચરિત્રોનું સ્મરણ કરતા પ્રસન્ન રહે છે.૧૪

હે ભક્તરાજ ! આવા આત્મનિવેદી ભગવાનના અનન્ય ભક્તો ભેળા મળીને શ્રીકૃષ્ણ પરમાત્માનાં ચરિત્રોનું જ વર્ણન કરતા રહે છે, અને વક્તા વિદ્યામાન હોય તો એકાગ્રચિત્તથી ભગવાનનાં ચરિત્રોને સાંભળતા રહે છે. ક્યારેક અનન્ય ભક્તો એકાગ્ર ચિત્તથી ભગવાનનાં ચરિત્રોનું કીર્તનગાન કરતા રહે છે. આવી રીતે સદાય ભગવાનના સ્વરૂપમાં પોતાના ચિત્તને ધારી રહેલા નિષ્કામી ભક્તો ભગવાનના સ્મરણ વિનાનો એક ક્ષણમાત્રનો કાળ પણ વ્યર્થ ગુમાવતા નથી. તેવા નિષ્કામી ભક્તો પૃથ્વીપરના પ્રગટ ભગવાનના અવતાર સ્વરૂપોનું સાક્ષાત્ દર્શન કરતા હોય છે. અને મૂર્તિની સાથે વાતો પણ કરતા હોય છે.૧૫-૧૬

હે ભક્તરાજ ! ઇંદ્રની ત્રિલોકીના ભોગ, સમૃદ્ધિ આદિ વૈભવ તે નિષ્કામી ભક્તજનોના મનને શ્રીહરિનાં ચરણકમળમાંથી એક ક્ષણમાત્ર પણ ચલાયમાન કરવા સમર્થ થતા નથી, તો પૃથ્વી પરના મનુષ્યોના રાજ્ય, ધન આદિનો અલ્પ વૈભવ ચલાયમાન કરવા ક્યાંથી સમર્થ થાય ? ન જ થાય.૧૭

હે ભક્તરાજ ! આ બાબતમાં બીજું હું અધિક શું કહું ! કારણ કે આવા નિષ્કામી ભક્તજનો છે, તે બ્રહ્માજીના સત્યલોકને કે અણિમાદિક અષ્ટસિદ્ધિનાં ઐશ્વર્યને પણ ક્યારેય ઇચ્છતા નથી. વિશેષ સ્વયં ભગવાને બલાત્કારે અર્પણ કરેલી સાલોક્યાદિ ચાર પ્રકારની મુક્તિને પણ ક્યારેય ઇચ્છતા નથી. તો બીજું શું ઇચ્છે ? ભગવાનના ચરણકમળને વિષે પ્રીતિવાળા આવા નિષ્કામી ભક્તોના ચિત્તમાં કોઇ પણ પ્રકારના વૈભવોની ઇચ્છા હોતી નથી. છતાં પણ ભગવાન તેમને દેવતાઓને પણ દુર્લભ એવા શ્રેષ્ઠ વૈભવો પોતાના ધામમાં અર્પણ કરે છે.૧૮-૧૯

હે ભક્તરાજ ! આવા નિષ્કામી ભક્તજનોને પોતાનો પ્રિય પતિ, પુત્ર, મિત્ર, ઇષ્ટદેવ, કુળદેવ અને પોતાનો આત્મા કે આ લોકમાં જે કાંઇ પદાર્થ કહો તે સર્વસ્વ એક પરમાત્મા શ્રીહરિ જ હોય છે. તેઓને ક્યારેય પણ કાળમાયાનો ભય હોતો જ નથી. એટલું જ નહિ પણ તેમની સાથે સ્નેહ રાખનારા પણ કાળમાયાના ભયથી મુક્ત થઇ જાય છે.૨૦

હે ભક્તરાજ ! આવા જે નિષ્કામી ભક્તો છે કે જે પોતાના પુત્ર, ધન, ધામ, ઘર, અને લોકની લાજ છોડીને તથા બ્રહ્માદિ દેવતાઓના લોક અને તેના વૈભવ સુખની આશા છોડીને એક ભગવાનને વિષે જ દૃઢ અનુરાગને પામ્યા છે. તેવા ગુણોવાળા નિષ્કામી ભક્તને સ્વયં ભગવાન પણ પોતાના હૃદયમાં અખંડ યાદ કર્યા કરે છે. આવા ભક્તને અને ભગવાનને પરસ્પર સ્નેહ હોય છે.૨૧

હે ભક્તરાજ ! જે ભગવાનના ભયથી આ જગતમાં સૂર્યદેવ પ્રકાશ કરે છે, અગ્નિ બાળવાનું કામ કરે છે, વાયુદેવ નિરંતર પવન ઢોળે છે, ઇંદ્ર સમયે સમયે વૃષ્ટિ કરે છે, મૃત્યુ પણ સર્વત્ર વિચરણ કરે છે. એવા શ્રીકૃષ્ણ ભગવાન પોતે આવા ભક્તનું સર્વે આપત્તિઓ થકી રક્ષણ કરે છે.૨૨

હે ભક્તરાજ ! અખંડ ધ્યાનાવસ્થાને લીધે હૃદયમાં ધારણ કરેલાં ભગવાનના ચરણકમળની આંગળીઓના નખમંડળના ચંદ્રમાની કાંતિથી મહા આનંદરૂપ શીતળતાનો અનુભવ કરતા આવા નિષ્કામી ભક્તજનોના હૃદય કમળમાં ભગવાન સિવાયના ઇતર પંચવિષયના સુખની ઇચ્છાથી જન્મેલો સંતાપ જેમ ગંગાજીના પ્રવાહમાં ઊભેલા મનુષ્યને અગ્નિજન્ય તાપ તપાવી શક્તો નથી. તેમ તે નિષ્કામી ભક્તને પંચવિષયની ઇચ્છારૂપ અગ્નિથી જન્મેલો સંતાપ તપાવી શકતો નથી.૨૩

જે પરમાત્મા ભગવાન શ્રીકૃષ્ણના ચરણારવિંદનું બ્રહ્માદિ દેવતાઓ પણ સદૈવ ધ્યાન કરે છે. જે પરમાત્મા સર્વ સ્થાવર જંગમ શરીરધારીઓના અંતરમાં રહી તેમનું નિયમન કરે છે. આવા સર્વના સ્વતંત્ર નિયામક છે. છતાં પણ આવા નિષ્કામી ભક્તજનોના પ્રેમના બંધનથી તેમનાં ચરણકમળ બંધાયેલાં હોવાથી નિષ્કામી ભક્તજનોના હૃદયકમળને છોડીને અન્યત્ર જવા સમર્થ થઇ શકતા નથી.૨૪

આ પૃથ્વી પર ભગવાનને વિષે દૃઢ ભક્તિ પરાયણ આવો નિષ્કામી ભક્ત જેવો ભગવાનને વ્હાલો છે. તેવાં વ્હાલાં તો રાધા, લક્ષ્મીજી આદિ શક્તિઓ અને બ્રહ્મા, શેષાદિ દેવતાઓ પણ નથી. વિશેષ શું ? પોતાનું શરીર પણ ભગવાનને એટલું વ્હાલું નથી કે જેટલો પ્રેમી ભક્ત વ્હાલો છો.૨૫

હે ભક્તરાજ ! પૂર્વ જન્મમાં ભગવાનની પ્રસન્નતાર્થે અનુષ્ઠાન કરેલાં સાંખ્ય, યોગ, યજ્ઞા, તપ, સંન્યાસ, વેદાધ્યયન, વ્રત અને અનેક પ્રકારનાં સત્પાત્રમાં દાન કર્યાં હોય, આવાં અનંત સાધનો વડે કરીને આ નવ પ્રકારની ભક્તિ પ્રાપ્ત થાય છે.ર૬

દશમી પ્રેમલક્ષણા ભક્તિનું વિવેચન :-- સાક્ષાત્ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીકૃષ્ણને વિષે અતિશય ગાઢ સ્નેહ થવો, તે જ આ નવ પ્રકારની ભક્તિનું સર્વોત્તમ ફળ છે. ભગવાનનું ભજન કરતા ભક્તજનોને જ્યાં સુધી ભગવાનમાં આવો ગાઢ અનુરાગ ઉત્પન્ન થતો નથી, ત્યાં સુધી તે ભક્તના હૃદયમાં ભક્તિમાત્ર અંકુરિત જ થઇ છે એમ જાણવું. અને નવ પ્રકારની ભક્તિને કરતા ભક્તજનને જ્યારે આત્યંતિક સુખપદ એવા પરમાત્મા ભગવાનને વિષે ગાઢ સ્નેહ થાય છે ત્યારે તેમના વિના આલોક કે પરલોક સંબંધી કોઇ પણ વસ્તુમાં રુચિ જ થતી નથી. તેમજ ભગવાનની સેવા પરિચર્યાદિકમાં ગાઢ અનુરાગ હોવાથી બહુકાળ વ્યતીત થવા છતાં ક્ષણ માત્ર લાગે છે. અને ભગવાનની સેવા સ્મરણ વિનાનો અલ્પકાળ પણ મહાકલ્પ સમાન લાંબો લાગે છે.૨૭-૨૮

હે ભક્તરાજ ! આવો પ્રેમી ભક્ત ધ્યાનની અતિશય દૃઢતાને કારણે પોતાનાં નેત્ર આગળ પ્રગટ થયેલા પરમાત્માનાં દર્શન કરતાં કરતાં તે ભગવાન જ્યારે અચાનક અદૃશ્ય થાય છે. ત્યારે તેમના વિરહના વેગમાં અતિશય વ્યાકુળ થઇ ગાંડા જેવો થઇ જાય છે. અને જેમ પ્રિયતમાના વિરહમાં પ્રેમી અને પ્રેમીના વિરહમાં પ્રિયતમા જગતના વિવેકનું ભાન ભૂલી જાય છે. તેમ તે પ્રેમીભક્ત જગતના વિવેકનું ભાન ભૂલી આખા વિશ્વને ભગવાનમય જુવે છે. ત્યારે તે વૃક્ષ કે થાંભલાં આદિકને ભગવાનનું સ્વરૂપ માની તેની સાથે પણ વાર્તાલાપ કરે છે. ક્યારેક તો પોતાને જ ભગવત્સ્વરૂપ માનીને તેમની ચેષ્ટાનું અનુકરણ કરે છે. ક્યારેક તો ભગવાનના વિરહને સહન નહિ કરી શકવાથી રુદન કરે છે. ક્યારેક તો પોતાનાથી જાણે ભગવાન પરાજિત થયા હોય એવા અનુભવથી ખડખડાટ હસે છે. ક્યારેક તો ગ્રહે પકડયો હોય એમ ઉન્મત્ત થઇને અતિ આનંદમાં આવીને જીત્યો જીત્યો એમ બોલતો થકો નૃત્ય કરે છે. અને ક્યારેક તો હે હરિ ! મારા ઉપર અનુગ્રહ કરજો. આ પ્રમાણે બોલી ઉચ્ચ સ્વરે ગાવા લાગે છે.૨૯

હે ભક્તરાજ ! આ પ્રેમીભક્ત ક્યારેક પોતાના દેહાદિકમાંથી અનુસંધાન હટી જતાં માત્ર ધ્યાનના બળથી હૃદયમાં પરમાત્માની ઝાંખી થતાં તેમાં અતિશય સ્નેહ ઉભરાવાથી આંખમાંથી આવતાં આંસુઓથી તેનો કંઠ રૂંધાય છે અને તે ભગવાનના ગાઢાનુરાગમાં વિલીન થઇ જાય છે. અને ફરી ભગવાનની ઇચ્છાથી બહુકાળે દેહના ભાનમાં આવે છે.૩૦

આ પૃથ્વી પર કેવળ શાસ્ત્રને જાણનારા પુરુષોજ આવા પ્રેમી ભક્તો થઇ શકે એવું નથી, પરંતુ સ્વધર્મમાં અતિશય દૃઢતા રાખતી સ્ત્રીઓ પણ ભગવાનમાં અતિશય ગાઢ અનુરાગી થઇ દેવતાઓને પણ વંદન કરવા યોગ્ય પ્રેમીભક્ત થઇ શકે છે.૩૧

હે ભક્તરાજ ! આ લોકમાં મનુષ્યો ભગવાનનું પ્રેમપૂર્વક ભજન સ્મરણ કરે છે તે જનો શાસ્ત્રને જાણતા હોય કે ન જાણતા હોય, બ્રાહ્મણ હોય કે ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર હોય કે પછી ભલેને વર્ણસંકર જાતિના હોય તે સર્વે જનો કમલાપતિ પરમાત્માને સરખા છે. પરમાત્માના સ્વરૂપનો જેવો શાસ્ત્રીય મહિમા છે તેવો મહિમા યથાર્થ સમજે કે ન સમજે પણ આ લોકમાં જે મનુષ્ય પોતાનું મન પરમાત્મા શ્રીકૃષ્ણને વિષે અતિશય ગાઢ પ્રીતિથી જોડે છે. તે મનુષ્ય મુક્તભાવ પામી અખંડ ભગવાનની સેવામાં જોડાઇ જાય છે.૩૨-૩૩

ભગવાનની નવધા ભક્તિમાં અતિશય તત્પર ભક્તજને સત્પુરુષના સમાગમથી ભક્તિની નિરંતર દૃઢતા કરતા રહેવું, અન્યથા કોઇના સંગે કરીને સ્વાભાવિક દયાથી ભરેલું પોતાનું મન ઋષભદેવના પુત્ર જડભરતની જેમ તે ભક્તને ભગવાનના સ્વરૂપમાંથી ચલાયમાન કરી દે છે. માટે સંત-સમાગમ પ્રતિદિન કરવો.૩૪

ભગવાનની ભક્તિ કરવામાં સદાય તત્પર રહેતો અપક્વયોગી ક્યારેક કુસંગના પ્રસંગથી ભક્તિયોગથી ભ્રષ્ટ થાય છે, તો પણ તેણે પૂર્વે કરેલી ભગવાનની ભક્તિ નિષ્ફળ જતી નથી. કારણ કે આ જન્મમાં કરેલી ભક્તિ બીજા જન્મમાં પણ ફરી તેને પ્રાપ્ત થાય છે.૩૫

તે કારણથી સદાય સાવધાન વર્તતા વિવેકી ભક્તજનોએ પોતાના મનનો વિશ્વાસ છોડી દેવો તથા પોતાના મોક્ષમાર્ગમાં શત્રુ એવા દંભનો પણ ત્યાગ કરી દેવો અને હૃદયમાં સંતોનાં અને શાસ્ત્રોનાં વચનોમાં વિશ્વાસ રાખી ભગવાન શ્રીકૃષ્ણને વિષે પ્રીતિ કરવી.૩૬

હે ભક્તરાજ ! શ્રીહરિના ભક્તે કાયમ સત્ય વચન બોલવું. પોતાની ઇંદ્રિયોને જીતવાનો સ્વભાવ કેળવવો. સર્વજનો પ્રત્યે મિત્રભાવ રાખવો અને સર્વનું હિત જ વિચારવું. જ્ઞાન, વૈરાગ્ય, સ્વધર્મ અને ભક્તિ આદિ સદ્ગુણી સંતો-ભક્તોને વિનયથી નમસ્કાર કરવા. દીન, ગરીબ જનોને પણ પોતાનાં માતાપિતાની જેમ સુખ ઉપજાવે તેવાં વચનોથી બોલાવવા. પોતાની સમાન સ્થિતિવાળા સદ્ગુણશાળી ભગવાનના ભક્તોમાં ભ્રાતૃભાવ કેળવવો.૩૭

વળી શ્રીકૃષ્ણ ભગવાનને વિષે પ્રેમભાવવાળા ગુરુજનો કે સંતજનોને વિષે ભગવાન પણાની બુદ્ધિ રાખી તેમાં પ્રેમ કરવો. વિદ્યા, ધન, રૂપ, સારા કુળમાં જન્મ વગેરેનો ક્યારેય ગર્વ કરવો નહિ, બાહ્યઇંદ્રિયોનું દમન કરવું, અઢાર પ્રકારના વ્યસનોથી હમેશાં દૂર રહેવું, ભગવાન સિવાયની ઇતર ભોગની ઇચ્છાઓ ઉપર વિજય મેળવવો, તેમજ આ સર્વજગતને નાશવંતપણે જોવું.૩૮

વળી શ્રીકૃષ્ણના ભક્તજનોએ જે પ્રદેશનું વધારે સેવન કર્યું હોય તેવા પ્રદેશમાં રહેવાની વધુ પ્રીતિ રાખવી. અને ભગવાન સંબંધી ક્રિયા કરવામાં તત્પર એવા ભક્તજનોની સાથે મળીને કે સ્વયં એકલાએ પણ એકાદશી આદિ વ્રતના દિવસો હોય અથવા પૂર્ણિમા આદિ પર્વણીના દિવસો કે પછી ભગવાનના મંદિરો પ્રત્યે જવારૂપ યાત્રાના ઉત્સવો ઉજવવા. શ્રીકૃષ્ણ ભગવાનને પોતાના આત્માની અંદર કે બહારના ભાગમાં માયાના આવરણે રહિત અને આકાશની જેમ નિર્લેપ સમજવા. તેમજ પૂર્વના શુકદેવજી, નારદજી, ઉદ્ધવજી, અંબરીષ આદિ મુક્તો હોય કે અત્યારના મુક્તાનંદ કે ગોપાળાનંદ આદિ આત્મનિષ્ઠ સંતપુરુષો હોય તેની એકાંતિકી રીતિનો આશ્રય કરવો.૩૯

હે ભક્તરાજ ! સ્ત્રી, સ્ત્રીલંપટ, વિધર્મી, પાખંડી, દંભથી ઉધ્ધત અને શાસ્ત્રોના અર્થને ઉલટા કરી લોકોને ધર્મમાંથી ભ્રષ્ટ કરવામાં તત્પર એવા વિદ્વાન પુરુષનો સંગ ન કરવો. વળી પોતાની બુદ્ધિથી કલ્પિત ધર્મનું આચરણ કરનારા, વ્યસની, ક્રોધી, લોભી, લોકોને છેતરનારા, પરધર્મનું આચરણ કરતા અને ભગવાન શ્રીહરિ સાથે દ્વેષભાવ રાખતા, આ ચૌદ જણાનો ભગવાનના ભક્તે સંગ ન કરવો.૪૦

જો ભગવાન શ્રીહરિમાં અચળ પ્રીતિ પ્રગટ ન થાય તો બીજા યોગ, તપ, શાસ્ત્રાધ્યયન આદિ સદ્ગુણોને ભેળા કરીને સંઘરવાનું શું પ્રયોજન છે ? કોઇ પ્રયોજન નથી. પરંતુ જો શ્રીહરિમાં એક ભક્તિ ઉત્પન્ન થઇ જાય તો બીજા ગુણો પ્રાપ્ત થાય કે ન થાય તેનો શું મતલબ છે ? કોઇ નહિ. માત્ર એક ભક્તિ ઉત્પન્ન થવી જોઇએ.૪૧

જે મનુષ્ય શ્રીકૃષ્ણ ભગવાનને પ્રસન્ન કરવા માટે જે કાંઇ પણ વ્રત, તપ કે નિયમનું પાલન કરે છે તે સર્વે ભગવાનની ભક્તિમાં વૃદ્ધિ કરનારાં જરૂર છે, પણ જો ભગવાનને પ્રસન્ન કરવા સિવાય બીજા ફળની ઇચ્છા રાખીને કરવામાં આવે તો તે સર્વે અલ્પ ફળ આપનારાં થાય છે.૪૨

હે ભક્તરાજ ! ચોર્યાસી લાખ યોનિઓમાં ભ્રમણ કરી પછી પ્રાપ્ત થયેલા અને દેવતાઓને પણ દુર્લભ એવા આ મનુષ્યશરીરને પામીને બુદ્ધિમાન પુરુષોની બુદ્ધિનું ફળ એ જ છે કે, વિષયોમાંથી વિરક્તિ થવી અને ભગવાનમાં પ્રીતિ થવી.૪૩

આલોકમાં ભગવાનને વિષે અત્યંત પ્રીતિવાળો ભક્ત જ્યારે જ્યારે વિજયશીલ પરમાત્માનાં મધુર ચરિત્રોનું પરમ આનંદથી શ્રવણ કરે છે કે, ગુણોનું સંકીર્તન કરે છે. તે સમયે તેના અંતરમાં ઉભરાયેલો આનંદ નેત્રદ્વારા બહાર આવે છે. તેમનું ચિત્ત ભગવાનના સ્વરૂપમાં એક રસ થઇ જાય છે. અને ગાત્ર ગદ્ગદ્ અને પુલકિત થઇ ઉઠે છે. તેમજ ભગવાનના અલૌકિક મહિમાનું સ્મરણ કરતાં કરતાં તેમની આંખમાંથી પ્રેમનાં અશ્રુઓ વહેવા લાગે છે.૪૪

આ પ્રમાણે જે મનુષ્યો દિવ્ય મનુષ્યાકૃતિ ધરીને વર્તતા પ્રત્યક્ષ ભગવાન શ્રીકૃષ્ણને વિષે ભક્તિ કરે છે, તે મનુષ્યાકાર ભગવાનના સ્વરૂપ, સ્વભાવ, ગુણ અને ચરિત્રોમાં જે દિવ્યભાવ કેળવી ભજન કરે છે તેમના પર અતિશય પ્રસન્ન થયેલા પ્રગટ શ્રીકૃષ્ણ ભગવાન તેમના સમગ્ર મનોરથો પૂર્ણ કરે છે. તેમજ જે મનુષ્યો આ પ્રગટ શ્રીકૃષ્ણના મનુષ્ય શરીરને વિષે કુતર્ક કરે છે, ને તેના સિવાય બીજે આસક્તિ કરે છે, તેવા મનુષ્યોનો કામ, ક્રોધ, રસ, લોભ આદિ અંતઃશત્રુઓ તત્કાળ પકડીને વાઘ જેમ જીવતાંજ મનુષ્યને પકડી પીડા આપી પ્રાણનો નાશ કરે છે તેમ નાશ કરે છે.૪૫

હે ભક્તરાજ ! શ્રીકૃષ્ણ ભગવાનની એકાંતિકી નિષ્કપટ ભક્તિનો ત્યાગ કરવાથી સન્યાસ ધર્મ અંગિકાર કરવા છતાં પણ ભગવાનને પ્રસન્ન કરવામાં મદદરૂપ થતું દૈવત કે સુરતા પ્રગટ થતી નથી. મનુષ્યત્વ કેળવ્યું હોય, બ્રાહ્મણપણું હોય, ઊંચા કુળમાં જન્મ થયો હોય, યજ્ઞાયાગાદિ ઇષ્ટ કર્મો કર્યાં હોય, વાવકૂવા આદિ પૂર્તકર્મ કરાવ્યાં હોય, તપશ્ચર્યા કરી હોય, નિયમોનું યથાર્થ પાલન કર્યું હોય, એકાદશી આદિ વ્રતો કર્યાં હોય, સુપાત્રમાં દાન કર્યું હોય, સદાચારનું પાલન કર્યું હોય, ઘણાંક શાસ્ત્રોનું અધ્યયન કર્યું હોય, ઇત્યાદિ અનંત સદ્ગુણો પણ ભગવાનને રાજી કરી શક્તા નથી. પરંતુ એક નિષ્કપટ ભક્તિ છે તે જ ભગવાનને રાજી કરવાનું ઉત્તમ સાધન છે.૪૬

નિષ્કપટ ભક્તિથી અર્પણ કરેલાં જળ, ફળ, પુષ્પ, પત્ર, આદિ પદાર્થોનો ભગવાન ઉપભોગ કરે છે. પરંતુ નિષ્કપટ વિશુદ્ધ ભક્તિ વિના અનંત સુવર્ણના ઢગલા અર્પણ કરે કે અનંત પ્રકારનાં ભોજનો અર્પણ કરે તેથી ભગવાન પ્રસન્ન થતા નથી.૪૭

હે ભક્તરાજ ! આજ કે સો જન્મ પછી પણ ભગવાન શ્રીહરિની ભક્તિવિના જીવની સદ્ગતિ થતી જ નથી. તેથી આ રીતે દૃઢ નિશ્ચયવાળો થઇ ભગવાન શ્રીહરિની ભક્તિ કરે છે તેજ પુરુષ આ પૃથ્વી પર અતિશય ધન્ય ભાગ્યશાળી છે.૪૮

ભક્તને માટે ભયાવહ સ્થાન :-- હે ભક્તરાજ ! જે પુરુષ નારીનયન કટાક્ષરૂપી બાણથી વીંધાયો નથી. ઘોર ક્રોધરૂપી રાત્રીમાં જે સદાય જાગતો રહે છે, મોહના દૃઢ કંઠપાસથી બંધાયો નથી અને શ્રીકૃષ્ણ ભગવાનને વિષે દૃઢ ભક્તિવાળો છે. તે પુરુષ ભગવાનને અતિશય પ્રિય થાય છે.૪૯

બાળક, સ્ત્રી, દર્પણ, સ્વજન, રાગ, ધન, માદક પદાર્થ અને હોળીની રમત આ આઠ વસ્તુઓમાં બુદ્ધિમાન મનુષ્યોનાં પણ ચિત્ત વિભ્રાંત થઇ જાય છે. પરંતુ શ્રીકૃષ્ણ ભગવાનના ચરણારવિંદમાં એકરસ થયેલું જે ભક્તનું ચિત્ત ઉપરોક્ત આઠ પદાર્થોમાં આસક્ત થતું નથી, તે ભક્તની ચરણરજને તો દેવતાઓ પણ ઇચ્છે છે.૫૦

હે ભક્તરાજ ! આ પૃથ્વી પર આવા પ્રકારના ધાર્મિક ભગવાનના દૃઢ ભક્ત એવા સંતજનો હોય, તેનું મુમુક્ષુજનોએ શરણું સ્વીકારી તેમને ગુરુસ્થાને સ્વીકારવા, તેમજ તેમનું સન્માન કરવું, પૂજન કરવું, તેમની સાથે જ મિત્રભાવ રાખવો અને તેમનાં વચનોને આચરણમાં ઉતારવાં.૫૧

અને જે પુરુષો તેવા પ્રકારના સંતો સિવાય ઇતર જનોમાં પૂજ્યબુદ્ધિ, મિત્રતા કે ગુરુબુદ્ધિ કરે છે. તે પુરુષોમાં અને પશુઓમાં કોઇ ભેદ નથી. તેમ છતાં તેમાં ભેદ પાડવો હોય તો બે પગવાળા અને ચારપગવાળા પશુઓ છે, એવો ભેદ પાડી શકાય છે.૫૨

સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! આવા પ્રકારની ભગવાન શ્રીહરિની અમૃતની સમાન વાણીનું વૈશ્ય ભક્તોમાં શ્રેષ્ઠ ભાલચંદ્ર શેઠ કાનરૂપી પડીયાના પાત્રદ્વારા પાન કરી અતિશય પ્રસન્ન થયા. તેવી જ રીતે સભામાં બેઠેલા શ્રીહરિના અનન્ય આશ્રિતો હતા તે પણ અતિશય આનંદ પામ્યા.૫૩

હે નરાધિપ ! ધર્મનંદન શ્રીહરિને જ શ્રીકૃષ્ણ, શ્રીવિષ્ણુ અને શ્રીહરિસ્વરૂપે જાણતા ભક્ત ભાલચંદ્ર શેઠ તથા અન્ય ભક્તજનો પણ શ્રીહરિને વિષે જ ભક્તિની દૃઢતા પામ્યા.૫૪

હે રાજન્ ! ભગવાનના ભક્તોનું અતિશય માહાત્મ્ય જાણતા સુરત શહેરના ભક્તજનોએ શ્રીહરિની સાથે પધારેલા મુક્તાનંદ સ્વામી આદિ સમગ્ર સંતોનું ભગવાન શ્રીહરિની માફક જ અતિ આદરપૂર્વક પૂજન કર્યું. ચંદન, ચોખા, પુષ્પના હારો, વસ્ત્રો તથા સારાં ભોજનો જમાડી સુરતવાસી ભક્તજનોએ સંતોનું શાસ્ત્રવિધિ અનુસાર પૂજન કરી દંડવત્ પ્રણામ કર્યા.૫૫-૫૬

હે રાજન્ ! શ્રીહરિ પણ ભાલચંદ્ર આદિ સુરતવાસી ભક્તજનોની પોતાને વિષે તથા પોતાના સંતોને વિષે નિશ્ચળ પ્રેમભક્તિ જોઇ અત્યંત રાજી થયા.૫૭

હે રાજન્ ! મુનિપતિ ભગવાન શ્રીહરિ પૂર્વોક્ત પ્રકારે પરમ એકાંતિક ધર્મનો બોધ કરાવતા પ્રશ્નોત્તરથી સમગ્ર ભક્તજનોને દરરોજ આનંદ ઉપજાવતા ચારેબાજુથી પાખંડમાર્ગનું મૂળે સહિત ખંડન કરી, સુરત શહેરમાં સાત દિવસ સુધી નિવાસ કરીને રહ્યા.૫૮

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં સુરત શહેરમાં ભગવાન શ્રીહરિએ ભગવાનની ભક્તિ અને ભક્તનાં લક્ષણોનું નિરૂપણ કર્યું એ નામે એકાવનમો અધ્યાય પૂર્ણ થયો. --૫૧--