અધ્યાય - ૪૧ - ભગવાન શ્રીહરિનું વિસનગર તથા વડનગરમાં આગમન.

Submitted by swaminarayanworld on Thu, 06/07/2017 - 10:04am

અધ્યાય - ૪૧ - ભગવાન શ્રીહરિનું વિસનગર તથા વડનગરમાં આગમન.

ભગવાન શ્રીહરિનું વિસનગર તથા વડનગરમાં આગમન. ચાતુર્માસમાં અવશ્ય કરવાના તપનો ઉપદેશ. તપ સાથે બ્રહ્મચર્યાદિ નિયમોની આવશ્યકતા.

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! પૂર્વે સિધ્ધપુર ક્ષેત્રમાં ભગવાન શ્રીહરિનાં દર્શને ગયેલા વિસનગરના ભક્તજનોએ પ્રણામ કરી અતિ આદરપૂર્વક પોતાને પુર વિસનગર પધારવાની શ્રીહરિને પ્રાર્થના કરી. તેથી ત્યાં પધારતા શ્રીહરિ વિસનગરની સમીપમાં આવી પહોંચ્યા છે, એવા સમાચાર મનુષ્યોના મુખેથી સાંભળવા મળતાં વિસનગરના ભક્તજનો તત્કાળ વડનગરના ભક્તોને વાત કરી, તેમને સાથે લઇ તેઓ સર્વે તત્કાળ શ્રીહરિનું સામૈયું કરવા સન્મુખ ગયા.૧

હે રાજન્ ! તે સમયે શ્રીહરિની અતિશય દયાળુતાનું પોતાના હૃદયમાં સ્મરણ કરતા કરતા તે બન્ને ગામના ભક્તજનોએ સમસ્ત ભક્તજનોના બંધુ અને માર્ગમાં અનંત ભક્તજનોની મધ્યે સિન્ધી ઘોડા ઉપર વિરાજમાન થઇ પધારી રહેલા ભગવાન શ્રીહરિનાં સ્નેહથી દર્શન કર્યાં.૨

હે નરાધિપ ! દર્શન કરતાંની સાથે જ સર્વે ભક્તજનો અતિશય પ્રેમ મગન થઇ શ્રીહરિને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરવા લાગ્યા, ત્યારે પૃથ્વીના દેવતા બ્રાહ્મણો વેદમંત્રોનો ઉચ્ચસ્વરે ઘોષ કરવા લાગ્યા અને સર્વે ભક્તજનો વાજિંત્રો વગાડી શ્રીહરિના ગુણકીર્તનોનું ગાન કરવા લાગ્યા, આ પ્રમાણે વાજતે ગાજતે શ્રીહરિની સાથે વિસનગરમાં પ્રવેશ કર્યો.૩

હે રાજન્ ! તે પુરના ભક્તજનોએ ભગવાન શ્રીહરિ તથા સાથે પધારેલા વર્ણી, સાધુ અને પાર્ષદોને પણ યથાયોગ્ય પોતાના ભવનોમાં ઉતારા કરાવ્યા. પછી અતિ હર્ષપૂર્વક સર્વેનો આતિથ્ય સત્કાર કર્યો અને સેવકોની સાથે ભગવાન શ્રીહરિની સેવા કરતા પોતાના મનોરથો સફળ થયા જાણી જીવન ધન્ય માનવા લાગ્યા.૪

હે રાજન્ ! સૂર્યશર્મા, મોતીરામ, વનમાળી, ઉદ્યમ, અમૂલ્ય તથા અભિરામ આદિક બ્રાહ્મણ ભક્તજનો હતા.૫

તેમજ પીતાંબર, ગણેશ, પૂંજો અને ચેલૈયો આદિ અન્ય ભક્તજનો હતા તે પણ સંતોની સાથે શ્રીહરિની સેવા અતિ હર્ષથી કરવા લાગ્યા.૬

દુર્લભાબા, ઉજ્જ્વલા, જેઠી, ઉદયકુમારિકા, સુવર્ણાબેન, યતિની, જ્ઞાના, પૂંજી, ધનવતી અને શૃંખલા આદિક ધર્મમાં દૃઢ નિષ્ઠાવાળાં અન્ય અનેક સ્ત્રી ભક્તજનો પણ અતિશય સ્નેહપૂર્વક ભગવાન શ્રીહરિની સેવા કરવા લાગ્યાં. અને બીજા સેંકડો ભક્તજનો પણ સેવા કરવા લાગ્યા.૭-૮

હે રાજન્ ! નવીન વસ્ત્રો, અલંકારો તથા બહુ ધન તેમજ ચંદન, પુષ્પના હાર આદિકથી સર્વે ભક્તજનોએ ભગવાન શ્રીહરિની પૂજા કરી.૯

હે નૃપ ! શ્રીસ્વામિનારાયણ ભગવાને વિસનગરમાં અને વડનગરમાં પણ હજારો બ્રાહ્મણોને લાડુ, કંસાર, ઘેબર, શિરો, દૂધપાક, માલપૂવા, જલેબી, ખાજાં, પેંડા આદિ અનંત પ્રકારનાં પક્વાનો તથા અનંત પ્રકારનાં શાકો તથા સાકર મિશ્રિત કેરીનો રસ આદિ સ્વાદિષ્ટ ભોજનોથી બ્રાહ્મણોને તૃપ્ત કર્યા અને સદ્ધર્મનું સ્થાપન કર્યું.૧૦-૧૨

આ પ્રમાણે ભગવાન શ્રીહરિ અઢી માસ પર્યંત બ્રાહ્મણોને જમાડી તૃપ્ત કર્યા અને આષાઢ સુદ બીજને દિવસે પુષ્યનક્ષત્રમાં બહુ સામગ્રીથી રથયાત્રા ઉત્સવ ઉજવ્યો.૧૩

તે સમયે દર્શન કરવા પધારેલા શ્રીનગર નિવાસી નથુભટ્ટ આદિક ભક્તજનો ભગવાન શ્રીહરિની સમીપે આવી પોતાના પુરમાં પધારવા વારંવાર પ્રાર્થના કરવા લાગ્યા. ત્યારે શ્રીહરિએ કહ્યું કે, હે ભક્તજનો ! હું તમારે ત્યાં જન્માષ્ટમીનો ઉત્સવ કરવા પધારીશ. અત્યારે તમો તમારા પુર પ્રત્યે જાઓ. હે રાજન્ ! આ પ્રમાણે શ્રીહરિનું વચન સાંભળી ભક્તજનો પોતાના પુર પ્રત્યે પાછા ફર્યા.૧૪-૧૫

શ્રીહરિ પ્રતિદિન બપોર પછીના સમયે અને રાત્રે મોટી સભામાં પોતાના ભક્તજનોને એકાંતિક ધર્મ સંબંધી વાતો કરીને ખૂબજ સુખ આપતા.૧૬

એમ કરતાં અષાઢસુદ દશમીની રાત્રીએ ભક્તજનોની મોટી સભામાં અમૂલ્ય સિંહાસન પર વિરાજમાન શ્રીહરિએ પોતાની આગળ બેઠેલા ભક્તજનો પ્રત્યે કહેવા લાગ્યા કે, હે ભક્તજનો ! આવતી કાલે નિયમની એકાદશી છે અને તે દિવસથી ચતુર્માસનો પ્રારંભ થાય છે. આ ચાતુર્માસમાં મારા આશ્રિત સર્વે ભક્તજનોએ પોતપોતાની શક્તિ પ્રમાણે તપશ્ચર્યા કરવી.૧૭-૧૮

ચાતુર્માસમાં અવશ્ય કરવાના તપનો ઉપદેશ :-- હે રાજન્ ! ભગવાન શ્રીહરિનાં વચનો સાંભળી ભક્તજનો કહેવા લાગ્યા કે, હે ભગવન્ ! તમે આ પૃથ્વી પર ધર્મ પ્રવર્તાવવા પધાર્યા છો. તેથી તમારા આશ્રિત અમારે કેવા પ્રકારનું તપ કરવું જોઇએ એ અમને તમે જણાવો.૧૯

ત્યારે શ્રીનારાયણમુનિ કહેવા લાગ્યા કે, હે ભક્તજનો ! ચાતુર્માસમાં અવશ્ય કરવા યોગ્ય તપ કેવા પ્રકારનું હોવું જોઇએ તે તમને કહું છું. નેત્ર આદિ પાંચ જ્ઞાનઇંદ્રિયો અને છઠ્ઠું મન તેની એકાગ્રતા કેળવવી, ભગવાન પરાયણ થવું આ સર્વોત્તમ તપ કહેલું છે.૨૦

તપનું ફળ શું છે ? :-- હે ભક્તજનો ! પોતાને ઇચ્છિત વિષય રસથી પુષ્ટ થયેલી ઇંદ્રિયોની વૃત્તિ ક્યારેય પણ શ્રીવાસુદેવ ભગવાનના સ્વરૂપમાં એકાગ્ર થઇ શક્તી નથી. તેથી પ્રથમ પંચવિષયોનો ત્યાગ કરતાં શીખવું.૨૧

હે ભક્તજનો ! પાંચ જ્ઞાનઇંદ્રિયોના વિષય સંબંધી રસોની મધ્યે આ જીહ્વા ઇંદ્રિયનો રસાસ્વાદનો વિષય રસ મુખ્ય મનાએલો છે. તેથી તપશ્ચર્યા કરતા પુરુષોએ પ્રયત્નપૂર્વક ઉપવાસ કરીને તેને જીતવો અને રસાસ્વાદ વિષય સર્વ કરતાં પ્રબળ હોવાને કારણે પૂર્વના સમસ્ત ભક્તો તથા ઋષિમુનિઓ ચાતુર્માસ પર્યંત ઉપવાસ કરતા, તેમજ અત્યારે વર્તમાનકાળે પણ કેટલાક આપણા આશ્રિતો પણ ઉપવાસ કરે છે. (તે તૃતીય પ્રકરણમાં પ્રબોધિનીના ઉત્સવ વર્ણનમાં સ્પષ્ટ કરેલ છે.).૨૨-૨૩

હે ભક્તજનો ! આ કળિકાળના સમયમાં સર્વે મનુષ્યોને ચાતુર્માસ પર્યંત ઉપવાસ કરવા અશક્ય છે. તેથી ચાતુર્માસમાં ફલાહાર કરવું, અથવા દૂધપાન કરવું, અથવા એક અન્નનું ભક્ષણ કરવું, તથા શાકનો ત્યાગ કરવો. અથવા માત્ર શાકનું જ ભોજન કરવું, અથવા કેવળ દહીં જ જમવાનો નિયમ લેવો, અથવા માત્ર તલભક્ષણ કરવા, અથવા ઘી નો ત્યાગ કરવો વગેરે સાત્વિક વ્રતોનો ચાતુર્માસ પર્યંત પાળવાનો નિયમ લેવો.૨૪-૨૫

હે ભક્તજનો ! શ્રાવણમાસમાં શાક ન ખાવું, ભાદરવા માસમાં દહીં ન લેવું, આસો મહિનામાં દૂધનો ત્યાગ કરવો અને કાર્તિક માસમાં તુવેર આદિ દ્વિદલનો ત્યાગ કરવો અને રીંગણાં, કાલિંગડાં (તરબૂચ ન સમજવું) અને મૂળા આ ત્રણનો પણ ત્યાગ કરવો. આ પ્રમાણે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય વર્ણના જનોએ ચાતુર્માસ પર્યંત નિયમ રાખવો.૨૬-૨૭

હે ભક્તજનો ! ચાતુર્માસ પર્યંત ધનાઢય ભક્તજનોએ પ્રતિદિન ગોદાન, સુવર્ણદાન અથવા અન્નદાન પોતાની શક્તિ પ્રમાણે જે કાંઇ થાય તે દંભ રહિત થઇને કરવું.૨૮

હે ભક્તજનો ! ચાતુર્માસમાં ધારણાપારણાવ્રત પણ શ્રેષ્ઠ કહેલું છે. આ વ્રત મહાફળને આપનારું કહેલું છે. તેથી ગૃહસ્થ તથા ત્યાગીઓએ કરવું શક્ય હોવાથી અવશ્ય કરવું. આ ધારણાપારણાવ્રત સર્વોત્તમ હોવાથી પુરુષોએ તથા સધવા, વિધવા સ્ત્રીઓએ યુવાન-અવસ્થા હોય તો વિશેષપણે અવશ્ય કરવું.૨૯-૩૦

તપ સાથે બ્રહ્મચર્યાદિ નિયમોની આવશ્યકતા :-- હે ભક્તજનો ! બ્રહ્મચર્યવ્રત આદિ નિયમો છે તે સર્વે તપના અંગભૂત છે. તેથી તે નિયમોને તો સર્વે નિયમોની સાથે અવશ્ય પાળવાં. જો બ્રહ્મચર્યાદિ વ્રતનું પાલન ન કરે ને કેવળ તપ કર્યા કરે તો તે કેવળ શરીરનો પરિશ્રમ છે, તેને વ્રતનું ફળ કાંઇ પણ મળતું નથી.૩૧

વ્રત કરનારા મનુષ્યના શરીરની સામર્થીને ધ્યાનમાં રાખીને બ્રહ્મવૈવર્ત આદિ પુરાણોમાં ચાતુર્માસમાં કરવા યોગ્ય વ્રતોના અનેક પ્રકારો બતાવ્યા છે તે વ્રતો પણ કરવાં.૩૨

હે ભક્તજનો ! સકામી કે નિષ્કામી પુરુષે ચાતુર્માસમાં કરવા યોગ્ય વ્રતનું આચરણ અવશ્ય પોતપોતાની શક્તિને અનુસારે પ્રયત્નપૂર્વક કરવું, તેમાં સકામી મનુષ્ય પોતે ઇચ્છેલા તે તે વ્રતનું ફળ અવશ્ય પામે છે. અને નિષ્કામી મનુષ્યો ઉપર ભગવાન શ્રીવાસુદેવની અવશ્ય પ્રસન્નતા થાય છે. તેમાં કોઇ જાતનો સંશય નથી.૩૩-૩૪

હે ભક્તજનો ! બ્રહ્મચર્યાદિ નિયમોની સાથે પાલન કરેલાં વ્રતોની જ્યારે સમાપ્તિ થાય ત્યારે મુરારિ ભગવાન શ્રીકૃષ્ણની અવશ્ય મહાપૂજા કરવી. તથા સાધુ બ્રાહ્મણને મિષ્ટાન્ન ભોજન જમાડી તૃપ્ત કરવા, આ પ્રમાણે કરવાથી સમગ્ર વ્રતના ફળની નિશ્ચે પૂર્ણ પ્રાપ્તિ થાય છે.૩૫

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં વિસનગર તથા વડનગરના બ્રાહ્મણોને જમાડી તૃપ્ત કર્યા અને ચાતુર્માસના વ્રતોનું નિરૂપણ કર્યું એ નામે એકતાલીસમો અધ્યાય પૂર્ણ થયો. --૪૧--