અધ્યાય - ૬ - બદરિકાશ્રમમાં ઋષિમુનિઓએ કરેલા ભગવાનનાં દર્શન પૂજન મહોત્સવનું નિરૂપણ

Submitted by swaminarayanworld on Sat, 24/06/2017 - 4:10pm

અધ્યાય - ૬ - બદરિકાશ્રમમાં ઋષિમુનિઓએ કરેલા ભગવાનનાં દર્શન પૂજન મહોત્સવનું નિરૂપણ

શ્રીનારાયણ ભગવાનનું બદરીતળે આગમન, શ્રીનારાયણ ભગાવનનું મુનિઓએ કરેલું પૂજન.

સુવ્રત મુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણેનાં ઋષિમુનિઓનાં સ્તુતિ વચનો સાંભળી નર ભગવાન મંદમંદ હાસ્ય કરતા હતા, તે જ સમયે દેવકર્મ અને પિતૃકર્મની સમાપ્તિ કરી પોતાની પર્ણશાળામાંથી શ્રીનારાયણ ભગવાન બહાર આવ્યા.૧

તે સમયે યોગના પ્રભાવથી સિદ્ધ શરીરને પામેલા શ્વેતદ્વીપવાસી અને બદરિકાશ્રમવાસી મુક્તો માર્ગમાં શ્રીનારાયણ ભગવાનને પ્રણામ કરી રહ્યા છે. અંતરિક્ષમાં પોતાના અનુચરોની સાથે આવેલા દેવતાનાં વૃંદો પણ શ્રીનારાયણ ભગવાનને પ્રણામ કરી રહ્યા છે. ભગવાનના ચરણારવિંદમાં જ એક દૃષ્ટિવાળા ઉદ્ધવજી પાછળ પાછળ ભગવાન શ્રીનારાયણને અનુસરી રહ્યા છે.૨

દેહધારી દેવ મનુષ્યો પણ ન કરી શકે તેવા દુષ્કર તપ કરવાથી બમણી વૃદ્ધિ પામેલી અસંખ્ય સૂર્યના તેજની સમાન શ્વેત કાન્તિ પોતાના દિવ્ય શરીરના અંગોમાંથી નીકળી ચારે તરફ પ્રકાશ પથરાવી રહી છે.૩

એ ભગવાન શ્રીનારાયણના જાનુ પર્યંત લાંબી બે ભૂજાઓ શોભી રહી છે. શરીરનો શ્યામ સુંદર વર્ણ છે. નવીન કમળની સમાન પ્રફુલ્લિત નેત્રકમળો કર્ણ સુધી લાંબાં શોભી રહ્યાં છે. પૂર્ણિમાના ચંદ્રની સમાન મંદમંદ હાસ્યથી શોભતી દંતપંક્તિથી અતિ સુંદર જણાતા મુખારવિંદથી શોભી રહ્યા છે. અને તેમનાં બન્ને ચરણો કમળની સમાન કોમળ છે.૪

આવા શ્રીનારાયણ ભગવાન અતિ સૂક્ષ્મ, રમણીય પીળા તેમજ વાંકડિયાળા વાળથી શોભી રહ્યા છે. મસ્તક ઉપર સુંદર જટા બાંધી છે. વિશાળ વક્ષઃસ્થળ વહાલું લાગે છે. પીપળાના પાન સરખા સુંદર ઉદરમાં ત્રિવળી પડે છે. તેના મધ્યમાં ગોળ ગંભીર ઊંડી નાભી શોભી રહી છે.૫

વિશાળ ભાલમાં શ્વેત ઊર્ધ્વપુંડ્ર તિલક અને કંઠમાં તુલસીની બેવડી કંઠી ધારણ કરેલી છે. ડાબે ખભે શ્વેત યજ્ઞોપવિત ધાર્યું છે, તેમનાં કૃશ શરીરમાં સ્પષ્ટ રીતે નાડીઓનું દર્શન થઇ રહ્યું છે. વર્ણીરાટ હોવાથી એક હસ્ત કમળને વિષે માટીનું કમંડલ અને બીજા હસ્તમાં પલાસનો દંડ ધારણ કર્યો છે.૬


સફેદ રંગની એક પવિત્ર ધોતી ધારણ કરેલી છે. તેમજ ખભા ઉપર લટકતું તેવા જ રંગનું શ્વેત ઉત્તરીયવસ્ત્ર મૂકેલું છે. સદાય કિશોર અવસ્થામાં રહેલા આ નારાયણ ભગવાન પોતાની અમૃતમય દૃષ્ટિરૂપ વૃષ્ટિથી સર્વે મરીચ્યાદિક મુનિઓને પ્રસન્નતા ઉપજાવે છે.૭

પોતાના પ્રાણથી પણ પ્રિય વહાલા સંતોનાં દર્શન થવાથી ઉત્પન્ન થયેલા આનંદાતિશયને પોતાના ઉદરમાં સમાવવા સમર્થ નહિ થવાથી દિવ્ય મનોહરમૂર્તિ ભગવાન શ્રીનારાયણમુનિ વિકસેલા મુખકમળ અને નેત્રકમળદ્વારા હાસ્યસ્વરૂપે અને હર્ષના અશ્રુસ્વરૂપે બહાર વહેવડાવતા હોય એમ લાગે છે.૮


આવા ભગવાન શ્રીનારાયણમુનિને આવતા જોઇ મરીચ્યાદિ મુનિઓ પણ આસન ઉપરથી તત્કાળ ઊભા થયા. અતિશય હર્ષથી પરવશ બન્યા. પ્રેમથી ઉદ્ભવેલાં અશ્રુઓથી નેત્રો ભરાઇ ગયાં, અને નીચે ધરતી પર પડી સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરવા લાગ્યા.૯

મનમાં અતિશય પ્રસન્ન થયેલા મુનિઓનો બહુ દિવસના વિયોગનો તાપ નરબંધુ શ્રીનારાયણ ભગવાનનાં દર્શન થવા માત્રથીજ જેમ ચંદ્રનાં દર્શનથી કુમુદિનીનો વિરહજન્ય તાપ દૂર થાય તેમ દૂર થયો.૧૦


મરીચ્યાદિ મુનિઓ શ્રીનારાયણ ભગવાનનું નેત્રથી પાન કરતા હોયને શું ! મુખેથી ભગવાનને ચાટતા હોયને શું ! ભુજાઓ ભરી જાણે ભેટતા હોયને શું ! આવું દૃશ્ય નર ભગવાને તથા તનુ આદિ મુનિઓએ જોયું.૧૧

સર્વેને માન આપનારા શ્રીનારાયણ ભગવાને સર્વે મુનિઓને ભેટી બહુ પ્રકારે તેમનું સન્માન કર્યું. ત્યારપછી બદરિવૃક્ષ નીચે વેદિકા ઉપર પાથરેલાં દર્ભના આસન ઉપર વિરાજમાન થયા.૧૨

મુનીશ્વર, ભક્તપ્રિય, અચ્યુત શ્રીનારાયણ ભગવાન અતિશય મનોહર આસન ઉપર ઉત્તર દિશા તરફ મુખારવિંદ રાખી મુનિઓને રાજી કરવા વિરાજમાન થયા. આસન ઉપર બેસી ચપળ દૃષ્ટિથી ચારે તરફ મુનિમંડળને નિહાળતા નૈષ્ઠિક વ્રતધારી શ્રીનારાયણ ભગવાનને મરીચ્યાદિ મુનિઓ ફરી દંડવત્ પ્રણામ કરવા લાગ્યા.૧૩

શ્રીનારાયણ ભગાવનનું મુનિઓએ કરેલું પૂજનઃ- ત્યાર પછી મરીચ્યાદિ મહર્ષિઓએ પ્રેમપૂર્વક એકાગ્રચિત્તથી વિધિ અનુસાર ઇષ્ટદેવ શ્રીનારાયણ ભગવાન અને શ્રીનર ભગવાનનું વિવિધ પ્રકારની પૂજા સામગ્રીથી પૂજન કર્યું.૧૪

વિવિધપ્રકારના ઉપચારોમાં કસ્તૂરી, કુંકુમ, કેસર અને કપૂર મિશ્રિત શ્રેષ્ઠ સુગંધીમાન ચંદનથી તેમજ સુગંધીમાન શોભતા મોગરા, ચંપા અને કેવડા આદિ અનેક પ્રકારનાં રંગબેરંગી પુષ્પોથી અને માંજર સહિતના તુલસીપત્રોથી શ્રીનારાયણ ભગવાનનું પૂજન કર્યું.૧૫

વળી મુનિઓએ રંગબેરંગી ઉત્તમ પુષ્પોની સુંદર માળાઓ ભગવાનના કંઠમાં ધારણ કરાવી. પુષ્પોથી બનાવેલા રમણીય ગુચ્છ અને કલંગી પણ ધારણ કરાવ્યાં. મસ્તક ઉપરની જટામાં સુંદર પુષ્પના તોરા ધારણ કરાવ્યા. ત્યારપછી સુગંધીમાન ધૂપ અને દીવડાઓથી પૂજન કર્યું, તેમજ સુંદર સ્વાદિષ્ટ વિવિધ ફળોનું ભગવાન શ્રીનારાયણને નૈવેદ્ય અર્પણ કર્યું.૧૬

અતિ મનોહર આરતી ઉતારી ભગવાનના પવિત્ર શ્રીચરણોમાં મંત્રપુષ્પાંજલિ સમર્પણ કરી સાષ્ટાંગ પ્રણામ કર્યા. આ પ્રમાણે વિધિમાં પ્રવીણ મુનિઓએ ઉચ્ચે સ્વરે ઉદ્ઘોષ કરેલા વેદમંત્રોથી શ્રીનારાયણ ભગવાનનું પ્રેમભર્યું પૂજન કર્યું.૧૭

આ પ્રમાણે પૂજાયેલા ભગવાન શ્રીનારાયણમુનિના અંતરમાં એકાંતિક સંતોના આગમનથી અતિશય આનંદ થયો, સંતોએ પૂજન કરવાથી લટકતા પુષ્પોના અનેકવિધ તોરાઓની પંક્તિથી ભગવાન શોભવા લાગ્યા, કંઠથી આરંભીને ચરણ પર્યંત લાંબી પુષ્પમાળાની પંક્તિથી શોભતા એ ધ્યાનના એક માત્ર આલંબન સ્વરૂપ શ્રી નારાયણ ભગવાનનું મરીચ્યાદિ મુનિઓ સ્થિર નેત્રોથી ધ્યાન કરવા લાગ્યા.૧૮

ધ્યાન કરતા ઋષિમુનિઓએ પોતાના હૃદયકમળને વિષે નારાયણ ભગવાનની કૃપાથી અતિશય તેજસ્વી દિવ્ય શરીરધારી તેમનાં (નારાયણનાં) દર્શન કર્યાં, અને અક્ષરધામને વિષે રહેલા તેમનાજ મૂળ દિવ્ય સ્વરૂપનાં પણ દર્શન કર્યાં, પરમાત્માનાં આવાં દિવ્ય દર્શન થવાથી અંગોઅંગમાં આનંદપૂર્ણ મરીચ્યાદિ મુનિઓ હૃદયથી બહાર વેદિકા ઉપર વિરાજતા આવા જ શ્રીનારાયણ ભગવાનનાં દર્શન કરી આનંદ વિભોર થઇ સ્તુતિ કરવા લાગ્યા.૧૯


આ પ્રમાણે અવતારી શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિ-જીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં બદરિકાશ્રમમાં ઋષિમુનિઓએ કરેલા ભગવાનનાં દર્શન પૂજન મહોત્સવનું નિરૂપણ કર્યું એ નામે છઠ્ઠો અધ્યાય. ૬