વચનવિધિ કડવું - ૪૬

Submitted by swaminarayanworld on Thu, 22/06/2017 - 6:46pm

પ્રભુ પાસ વાસ કરવા આશ જેનીજી, અતિ મતિ અવળી ન જોયે તેનીજી
જે સુખનિયે શીખ ન લેવી કેનીજી, શી ગતિ થાશે તપાસું છું તેનીજી

તપાસું છું હું તને મને, શી થાશે ગાફલ નરની ગતિ ।।
અવળું કરવા છે ઉતાવળો, નથી સવળું કરવા શ્રદ્ધા રતિ ।। ર ।।

શરીરના સુખ કારણે, તતપર રહે છે તૈયાર ।।
હરિ આજ્ઞામાં હાલતાં, પગ ભાંગી પડે છે તે વાર ।। ૩ ।।

પ્રભુ આજ્ઞામાં થયો પાંગળો, પંડ પોષવામાં પાંખો મળી ।।
ખરી કરી રાખી વાતો ખોટિયું, સાચી વાત સર્વે ગયો ગળી ।। ૪ ।।

જેમ હોય કોઈ અતિ અમલી, આફૂ પૂરું શેર પીનાર ।।
તેને પૈસાભાર પચાવતાં, સહુ સમજો છે શિયો ભાર ।। પ ।।

તેમ અનેક શાસ્ત્ર સાંભળ્યાં, સર્વે ગટકાવી ઉતાર્યા ગળે ।।
તેને અલપ સલપ ઉપદેશથી, કહો અજ્ઞાન કેમ ટળે ।। ૬ ।।

ગમતું કરવા ગોવિંદનું, જેના જીવમાં જરાયે નથી ।।
તેને આગે વાતો ઉપદેશની, કેટલીક કહીએ કથી ।। ૭ ।।

મનમુખી કે’છે સૌ મુખ ઉપરે, નથી કે’તા વાત વળી વાંસળ્યે ।।
નિષ્કુળાનંદ નિરભાગી નરને, નથી જાવું પ્રભુને પાસળ્યે ।। ૮ ।।