સ્નેહગીતા કડવું - ૩૨ શ્રીનાથ સાથે મન માનિયું, ઉદ્ધવ એ વિના અમે ન રહેવાયે હો; પદ-૮

Submitted by swaminarayanworld on Thu, 22/06/2017 - 5:07pm

ઊદ્ધવજી અમે જોગ કેમ કરીએજી, અમે કૃષ્ણકામિની કાષાયાંબર કેમ ધરીએજી ।
તેથકી વીરા મર વિષ ખાઈને મરીએજી, ગજથી ઊતરી કેમ ચડીએ ખરીએજી ।।૧।।

ઢાળ –

ખરીએ ન બેસાયે કરી તજી, કણ મુકી કુકસ કોણ ગ્રહે ।
કંચન મુકીને કાદવ કોઈ, લોભાવે પણ નવ લહે ।।૨।।

મણિરત્નની માળા મુકી, શંખલાનો શણગાર કોણ કરે ।
બાવના ચંદન તજી તનમાં, ભસ્મ કોણ ભુંશી ફરે ।।૩।।

અંબર અંગે ઓઢવાં મેલી, વળી કોણ ધરે મૃગચર્મને ।
ઊત્તમ ક્રિયા મુકી અંગની, કોણ કરે મલિન વળી કર્મને ।।૪।।

ખીર ખાંડ ઘૃત ખાવું તજીને, ખાયે કોણ આક ધંતુરા પાન ।   
સેજ પલંગને પરહરીને, કોણ સુવે જઈ સ્મશાન ।।૫।।

જેહ મુખે અમે પાન ચાવ્યાં, તેહ મુખે આવળ કેમ ચાવશું ।
કૃષ્ણ વિના ઊદ્ધવ અમે, બીજું અંતરે કેમ ઠેરાવશું ।।૬।।

પ્રીતે પતંગ અંગ પાવકે આપે, મૃગ મરે નિઃશંક થઈ નાદમાં ।  
ઊદ્ધવજી સુખ એટલું, શું નહિ જાણિયે શ્યામના સ્વાદમાં ।।૭।।

આતો તન મન આપ્યું છે એહને, એક રતિ અમે રાખ્યું નથી ।  
શ્રીકૃષ્ણ કૃષ્ણ કે’તાં મરશું, પણ બીજું નહિ થાય અમથી ।।૮।।

આ જીહ્વા તો અન્ય ન ઊચ્ચરે, પણ મુવા પછી પારખું કોઈ લેશે ।  
નળી ભુંગળી વળી વાંસળી કરે કોય, તોએ કૃષ્ણ કૃષ્ણ એમ બોલશે ।।૯।।

અમો અબળાનું અંતર એવું, જેણે ઢાળે ઢળ્યું તેણે ઢળિયું ।  
નિષ્કુલાનંદના નાથ સાથે, મન મળિયું તેહ મળિયું ।।૧૦।। કડવું ।।૩૨।।


પદ-૮
રાગ : ગોડી
‘પ્રાણ મ રે’જો પ્રીતમ વિના’ એ ઢાળ.
શ્રીનાથ સાથે મન માનિયું, ઉદ્ધવ એ વિના અમે ન રહેવાયે હો;
વાલાને વિયોગે વીતે પળ વળી, તે તો જુગતુલ્ય જાયે હો..
                                                               શ્રીનાથ૦ ।। ૧ ।।
સુતાં બેઠાં સાંભરે છે સલુણો, સુખકારી શ્યામ સદાયે હો;
ખાતાં પીતાં ખટકે હૃદયે, અલબેલો અંતરમાંયે હો..
                                                              શ્રીનાથ૦ ।। ૨ ।।
દર્શન વિના જે દલડું દાઝે છે, તે તો કેને ન કહેવાયે હો,
અવર કોયે ઓષડ ઉસતાદે, શરીર સુખ નવ થાયે હો..
                                                             શ્રીનાથ૦ ।। ૩ ।।
પ્રેમના પાશમાં પાડી ઉદ્ધવ અમને, ઘેરીને માયરું છે ઘાયે હો;
નિષ્કુળાનંદના નાથે નથી રાખ્યો, ઊગરવાનો ઉપાયે હો..
                                                             શ્રીનાથ૦ ।। ૪ ।।