સ્નેહગીતા કડવું - ૨૧

Submitted by swaminarayanworld on Wed, 21/06/2017 - 8:19pm

એમ અબળા અકળાય અતિ ઘણુંજી, મન કરે મોહનમુખ જોવા તણુંજી ।
વણદીઠે વા’લમ અંતર સુખ નહિ અણુંજી, મેલી નિઃશ્વાસ ધિક્કારે આપ્યું ઘણુંજી ।।૧।।

ઢાળ –

આપણો અવગુણ પરઠી, અબળા મુખે એમ ઊચ્ચરે ।
અહો બાઈ કૃષ્ણ વિના, હેત આપણે એવું કોણ કરે ।।૨।।

જેદિ અસન હતાં બાઈ આપણે, પિયુસુખને નવ પ્રિછતાં ।
અસત્ય સત્યને ઓળખ્યા વિના, વળી અનેક વસ્તુને ઈચ્છતાં ।।૩।।

ખબર નહોતી ખોટ બુદ્ધિની, વળી ન્યાય અન્યાય નવ જાણતાં ।
સુખદુઃખને સમજયા વિના, વળી વિષ એ અમૃતવત માણતાં ।।૪।।

એમ વિમત હતી આપણી, બાઈ એશું અવળાં ચાલતાં ।  
હેત કરી હરિ મંદિર આવતા, તેને તસ્કર કરીને ઝાલતાં ।।૫।।

એનો આપણે અભાવ લઈ, જઈ કહેતાં જશોદા આગળે ।
તોયે હૃદયે રોષ નવ ધારતા, કરતા પ્રીત હેતે પળેપળે ।।૬।।

પરાણે એણે પ્રીત કીધી, અલબેલે આપણે સાથજી ।  
જાત બાઈ ભવવારિમાંહી, તેતો હરિએ રાખ્યાં ગ્રહી હાથજી ।।૭।।

સમે સમે એણે સુખ દિધાં, વળી લાડિલાએ લાડ લડાવિયાં ।  
આપણું ગમતું કીધું એણે, માનદઈને મન મનાવિયાં ।।૮।।

વળી આપણી અવળાઈ જુવો, એને બંધાવિયાતા આગળે ।  
એના ગુણ અવગુણ આપણા, કેટલાક લખીએ કાગળે ।।૯।।

જેજે હેત કર્યું હરિયે, તેતો કહ્યે કેમ આવશે ।  
હવે નિષ્કુલાનંદના નાથ વિના, બાઈ લાડ કોણ લડાવશે ।।૧૦।। કડવું ।।૨૧।।