સ્નેહગીતા કડવું - ૦૫

Submitted by swaminarayanworld on Wed, 21/06/2017 - 8:02pm

સ્નેહને વશ સદાય છે શ્રીહરિજી, ભાવે આવે ભૂતળ ભૂધરદેહ ધરીજી ।
તેતો પ્રેમિ જનને પ્રેમે કરીજી, ધન્ય ધન્ય પ્રેમે વ્રજજુવતી ભરીજી ।।૧।।

ઢાળ –

ભરી પૂરણ પ્રેમમાં અંગે, અને રંગે રાતિ રાજને ।
સ્નેહમાંયે ન સુઝે કાંયે, તેણે ભૂલિ ભવનના કાજને ।।૨।।

ખાન પાનની ખબર ભૂલી, વળી વસ્ત્ર પહેરવાં વિસરી ।
આભૂષણ અંગે ધરે અવળાં, એમ શુદ્ધ ભૂલી નેહે કરી ।।૩।।

પય જમાવે જળપાત્રમાં, અને નીર ભરે ક્ષીર ઠામમાં ।
એમ સર્વે અંગે શુદ્ધ વિસરી, વળી ચિત્ત ન રહે ધન ધામમાં ।।૪।।

સુત વિત્ત ને સગાં સંબંધી, વળી એ ઊપરથી મન ઊતર્યું ।  
જેહ જુવે તે એમ જાણે, કહે મન ચિત્ત આનું ફર્યું ।।૫।।

વળી ગોરસ મથતાં ગોપિકા, અને જુવે વા’લાની વાટરે ।
હમણાં આવે મને બોલાવે, એમ તલપે મોહન માટરે ।।૬।।

કસણ તૂટે કેશ છૂટે, તેને નેક ન રહે સંભાળવા ।  
વત્સ છોડાવે ધેનુને ધાવે, તેને ન જાયે વાળવા ।।૭।।

વળી અગ્નિથકી અતિ ઊછળે, અને આવે ઊફાણેદુધ ।
પણ હરિ હેતમાં ચિત્ત ચોરાણું, તેહની ન લહે કાંયે શુદ્ધ ।।૮।।

લક્ષ લાગ્યો લાડિલાશું, અંતર મળ્યું અલબેલશું ।  
રહી હેતે પ્રીતે હળી મળી, જેમ વૃક્ષ વિટ્યું વેલ્યશું ।।૯।।

રાત્ય દિવસ રહે રાતિ, અને માતિ પ્રેમમાં પ્રમદા ।  
નિષ્કુલાનંદ નાવે નવધા, સમતોલ સ્નેહ ને સદા ।।૧૦।। કડવું ।।૫।।