સખી આનંદની વાત કહું આજ રે, મેં તો નેહ કરી નોતર્યા મહારાજ (૧)

Submitted by swaminarayanworld on Thu, 20/04/2017 - 10:04pm

 

રાગ : ગરબી 

 

સખી આનંદની વાત કહું આજ રે, મેં તો નેહ કરી નોતર્યા મહારાજ... રે-૧

પ્રેમે ચોક વચ્ચે ચોકી ઢાળી રે, નાવા ઊઠ્યા મોહન વનમાળી... રે-૨

અંગ ચોળી આનંદે નવરાવ્યા રે; પે’રી પીતાંબર મન ઘણું ભાવ્યા... રે-૩

પે’રી પાવલાં પધાર્યા લટકાળો , મારે મંદિરિયે આવ્યા મરમાળો... રે-૪

પાટે બેસારીને પૂજિયા મોરારી રે, અતિ આનંદ શું આરતી ઉતારી... રે-૫

બેઠા જમવા જગનો આધાર રે, મેં તો પ્રેમ કરી પીરસ્યો કંસાર... રે-૬

શીરો પૂરી સુંવાળી સાબુડી રે, ખાજાં ખાજલાં ને ખાંડ ઘણી રૂડી... રે-૭

સાટા મેસુબ જલેબી જુગતાળી રે, ઘણા ઘેબર પેંડાની ભરી થાળી... રે-૮

દૂધપાક ને પુરણ પોળી રે, ઘણે ઘીએ રસરોટલી ઝબોળી... રે-૯

દહીંથરાં ભાત ભજિયાં ને દાળ રે, મગ મેથીએ વઘારી કર્યાં ભેળાં... રે-૧૧

તળ્યું સૂરણ ઘણું ઘી ઘાલી રે, વડી વાલાને લાગે છે ઘણી વાલી... રે-૧૨

તળ્યાં પરવળ વાલોળ ને વંતાક રે, તળ્યાં તુરિયાં કંકોડાં કેરાં શાક... રે-૧૩

ટાંકો તાંદળજો ને સુવા-ભાજી રે, મેથી મોગરી મૂળાથી પ્રભુ રાજી... રે-૧૪

જમે જુગતે શું દીનદયાળ રે, પાસે અનોપમ અથાણાં રસાળ... રે-૧૫

કેરી કાચરી તળેલ આથ્યાં આદુ રે, ડાળાં ગરમર ને શેલરાં સ્વાદુ... રે-૧૬

કાજુ કેરડાં પાપડ પ્રભુ જમે રે, પીએ જળ ગ્રાસોગ્રાસ મને ગમે... રે-૧૭

જમે મધુર મધુર જદુરાય રે, હું તો વીંઝણે ઢોળું વાય... રે-૧૮

જમી આચમન કર્યુ અવિનાશ રે, પ્રીતે પાનબીડી કરી મુખવાસ... રે-૧૯

સુર મુનિને દુર્લભ સ્વાદ રે, પામ્યા મુક્તાનંદ પરસાદ... રે-૨૦

Facebook Comments