અવિનાશીની મંગળ આરતી, જોઇએ ભાવ સહીતી રે (૪)

Submitted by swaminarayanworld on Tue, 18/04/2017 - 10:25pm

પદ-૧

અવિનાશીની મંગળ આરતી, જોઇએ ભાવ સહીતી રે ;          

અસદ્‌ વાસના મટે અંતરની, પ્રભુ પદ વાધે પ્રીતિ રે.       અ૦ ૧

ચાર ઘડી રજની રહે જ્યારે, ઉઠી તત્પર થાવું રે ;   

આળસ ઊંઘ તજી એ ટાણે, હરિ મંદિરમાં જાવું રે.           અ૦ ર

હરખ ભરે નેણે હરિજીનું, કોડે દર્શન કરવું રે ;           

સહિત આરતી વદન શ્યામનું, લઇ અંતરમાં ધરવું રે.       અ૦ ૩

કામ ક્રોધ અંતરની કુબુદ્ધિ, ભૂધર મુખ જોઇ ભાગે રે ;             

બ્રહ્માનંદ ઘનશ્યામ મૂર્તિ, અતિશય વહાલી લાગે રે.         અ૦ ૪

 

પદ-૨

મંગળ આરતી મોહનજીની, કોડે કોડે કરીએ રે ;       

અતિ હેતે પ્રભુજીને આગે, ધૂપ દીપ લઇ ધરીએ રે. મંગળ૦ ૧

મહા પ્રભુની સુંદર મૂર્તિ, ઝાઝે હેતે જોવી રે ;            

અંગો અંગ સહિત અંતરમા ; પ્રીત કરીને પ્રોવી રે.  મંગળ૦ ર

મંગળ રૂપી મહા પ્રભુનાં, ગીત મનોહર ગાયે રે ;     

ફૂલતણી માળા પહેરાવી, પ્રેમમગ્ન થઇ જાઇએ રે.  મંગળ૦ ૩

પ્રાણપતિમાં ચિત્તડું પ્રોવું, બીજું તે વિસરવું રે ;        

બ્રહ્માનંદ કહે હરિમુખ જોઇ, મતવાલા થઇ ફરવું રે. મંગળ૦ ૪

 

પદ-૩

અતિ હેતે કરી મંગળ આરતી, કરીએ કમલા વરની રે ;         

નવલ પ્રીતિ કરી અખંડ નિરખવી, મૂર્તિ સુખસાગરની રે.    અ૦ ૧

ડાબે કાન શ્યામ તિલ બિંદુ, શોભા તેની ઝાઝી રે ;    

દક્ષિણ કપોલે તિલ ટીબકડી, જોઇ જોઇ થાયે રાજી રે.       અ૦ ર

શરદ કમલ જેવું મુખ સુંદર, દંત પંકિત રૂપાળી રે ;   

અધર પ્રવાલાં જેવા જોવા, આરતડી અજુવાળી રે. અ૦ ૩

પ્રભાતે ઉઠીને પહેલું, હરિનું દર્શન લેવું રે ;     

બ્રહ્માનંદ કહે નિશંક થઇને, કૃષ્ણતણાં થઇ રહેવું રે.  અ૦ ૪

 

પદ-૪

મંગળ આરતી સહિતું મુખડું ભૂધરજીનું ભાળું રે ;     

એને જોતાં થાય છે મારે, અંતરમાં અજવાળું રે.    મંગ૦૧

ઝગમગ જ્યોતિ ધૂપ દીપાદિક, પુષ્પમાળા પહેરાવું રે ;         

રૂપ અલૌલિક રસિયાજીનું, હૈડામાં ઠેરાવું રે. મંગ૦ર

ભેર મૃદંગ શંખ શરણાઇ, વાજાં બહુવિધિ વાજે રે ;  

અજબ નવીન પલંગને ઉપર, રસિક સુંદરવર રાજે રે.      મંગ૦૩

મંગળરૂપ મળે મુનિમંડળ, ગીત મંગળ સૌ ગાયે રે ;              

બ્રહ્માનંદ કહે મંગળ મૂર્તિ, જોઇ અમંગળ જાયે રે.            મંગ૦૪

Facebook Comments