૮૮ પરચા. લાધીબા ને માતાજીએ દેહ મેલ્યો ને એક ચિત્તામાં બાળ્યાં, જોડીએથી આવતાં રવજીની સાથે સમદ્રુમાં કુદી પડ્યા, ને સુંદરજીભાઈનો ગર્વ ઉતાર્યો, સુંદરજીભાઈને ભાગવત ભણવું હતું તે વાત, રણછોડભાઈને દર્શન આપી ધામમાં તેડી ગયા, નૃસિંહાનંદ સ્વામીની વાત, અદાભાઈને પરચો

Submitted by swaminarayanworld on Sun, 11/12/2016 - 5:16pm

અધ્યાય ૮૮ 

શ્રી કચ્છ દેશમાં શ્રીજી મહારાજ સંવત્‌ ૧૮૬૦ની સાલમાં પ્રથમ પધાર્યા અને સંવત્‌ ૧૮૬૭ સુધી રહ્યા. પછી પણ શ્રી ભુજ નગર મધ્યે ઘણીવાર પધાર્યા છે. કચ્છ દેશમાં તથા ગુજરાતમાં, અને કાઠીયાવાડ, હિન્દુસ્થાન આદિ દેશોમાં ઘણાક પરચા આપ્યા છે. તેમાંથી થોડાક નીચે પ્રમાણે લખ્યા છે.

એક સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડામાં બિરાજમાન હતા. રાત્રિ પહોર એક ગઇ હતી ત્યારે શ્રીજી મહારાજે બે પાળાને બોલાવીને કહ્યું જે, કચ્છ દેશના ગાંગા ભક્તને બોલાવો. પછી તે પાળાએ ગાંગા ભક્તને કહ્યું જે, તમને મહારાજ બોલાવે છે. પછી ગાંગા ભક્ત આવીને શ્રીજી મહારાજને દંડવત્‌ કરી પગે લાગીને બેઠા. ત્યારે શ્રીજી મહારાજ ચોફાળ ઓઢીને બેઠા હતા તે ચોફાળ ગાંગા ભક્તને ઓઢાડ્યો અને કહ્યું જે, કાગળ લઇને માતાજીને તેડી જાઓ. શ્રી ભુજ નગરમાં લાધીબાઇને સોંપીને આ કાગળ આપજો તેમાં બીજી વિગત સર્વે લખી છે. હાથોહાથ સોંપીને વહેલા આવજો. પછી તે ગાંગો ભક્ત ચાલ્યા તે ભુજમાં લાધીબાઇને માતાજી સોંપ્યાં અને કાગળ આપ્યો, તે માતાજી લાધીબાઇની સાથે સુખપૂર્વક રહ્યાં. શ્રીજી મહારાજનું ભજન સ્મરણ કરતાં કેટલાંક વર્ષો રહ્યાં. ત્યાર પછી એક દિવસે લાધીબાઇએ કહ્યું જે, માતાજી ! હું હવે દેહ નહીં રાખું, આજે દેહ મૂકીને અક્ષરધામમાં જ્યાં શ્રીજી મહારાજ અખંડ બિરાજે છે ત્યાં જઇશ. ત્યારે માતાજીએ કહ્યું જે, શ્રીજી મહારાજે મને તમારી પાસે મોકલી છે. તે જ્યારે તમે દેહ મૂકીને શ્રીજીમહારાજ પાસે જાવો ત્યારે હું અહીં કોના આધારે રહું ? ત્યારે લાધીબાઇએ કહ્યું, જો તમારે દેહ મૂકીને શ્રીજી મહારાજ પાસે ચાલવું હોય તો ચોકો કરી અને સ્નાન કરીને મારી સામે બેસો, હું તમને દેહ મૂકાવીને ભગવાનના ધામમાં શ્રીજી મહારાજ પાસે પહોંચાડી દઉં. પછી માતાજી નાહી ધોઇ અને પવિત્ર થઇને ચોકામાં બેઠાં. ત્યારે લાધીબાઇએ દેહ મૂકાવીને ભગવાનના ધામમાં શ્રીજી મહારાજ પાસે મોકલ્યાં. પછી તે લાધીબાઇએ પોતાના ભાઇને બીજાં જે સગાં વહાલાં હતાં તેમને પણ કહ્યું જે માતાજીએ દેહ મૂકી દીધો છે, માટે એના દેહને લઇ જાઓ, સ્મશાનમાં મૂકીને ચાર જણા ત્યાં રહેજો અને બીજા પાછા આવજો. પછી હું દેહ મૂકીશ એટલે મારા દેહને લઇને પછી બન્નેને એક ચિત્તામાં ભેળાં બાળજો. એમ કહીને પોતે સ્વતંત્ર રીતે દેહ મૂક્યો એ પ્રતાપ શ્રીજી મહારાજનો છે. (૧)

એક દિવસ શ્રી ભુજના સત્સંગીઓ ભેળા થઇને સુતાર સુંદરજીભાઇને અને સુતાર રવજીભાઇ કાળા તળાવવાળાને કહ્યું જે તમે બન્ને જણ જાઓ અને શ્રીજી મહારાજ જ્યાં હોય ત્યાંથી તેડીને વહેલા આવજો. પછી બન્ને ભેળા થઇને ગામ શ્રી ગોંડલ ગયા. ત્યાં શ્રીજી મહારાજ બિરાજમાન હતા. ત્યાં જઇ દંડવત્‌ કરીને શ્રીજી મહારાજનાં ચરણારવિંદ છાતીમાં લઇને બેઠા. પછી

શ્રીજી મહારાજે સર્વ સમાચાર પૂછ્યા જે, બાઇ ભાઇ સર્વ સત્સંગીઓ સારી પેઠે છે ને ? ત્યારે સુંદરજીભાઇએ કહ્યું જે, સર્વે સારી પેઠે છે. અને સુખેથી તમારું ભજન કરે છે. સર્વ સત્સંગીઓએ અમને તમારી પાસે મોકલ્યા છે. અને કહ્યું છે જે, શ્રીજી મહારાજને સ્તુતિ કરીને અને વિનંતી કરીને વહેલા વહેલા તેડીને આવજો. સત્સંગીઓ બાળ, વૃધ્ધ, સાજા, માંદા તે સર્વે તમારાં દર્શન કરવાને બહુ જ ઇચ્છે છે. અને સર્વે દેશના તથા કચ્છના સત્સંગીઓ જેમ જળ વિના માછલાં તલપે તેમ તમારાં દર્શન માટે તલપે છે. માટે કૃપા કરીને પધારો. ત્યારે શ્રીજી મહારાજે કૃપા કરીને કહ્યું જે, તમો પાંચ દિવસ સુધી વિશ્રાંતિ લ્યો અને દર્શન કરો, પછી આપણે ચાલશું. એવાં મહારાજનાં વચન સાંભળીને પાંચ સાત દિવસ રહીને સુંદરજીભાઇએ કહ્યું જે, મહારાજ ! હવે કચ્છ દેશમાં પધારો.

પછી શ્રીજી મહારાજે કહ્યું જે. ચાલો, ત્યાંથી જમીને ચાલ્યા તે ગામ જોડીએ પધાર્યા. અને ત્યાંથી નાવમાં બેઠા. તે નાવ ચાલ્યું તે સમુદ્રમાં અર્ધા ગાઉને આશરે ગયું. ત્યારે સુંદરજીભાઇને મનમાં સંકલ્પ થયો જે, ભુજના સત્સંગીઓ મને કહેશે જે, તમે શ્રીજી મહારાજને ભલે તેડી આવ્યા. તેનો એવો સંકલ્પ શ્રીજી મહારાજ જાણી ગયા. શ્રીજીમહારાજે વહાણમાંથી કૂદીને પોતાનું શરીર સમુદ્રમાં પડતું મેલ્યું. ત્યારે સુતાર રવજી પણ મહારાજની પાછળ પડ્યા. ત્યારે સુંદરજીભાઇ પણ પડવા તૈયાર થયા. ત્યારે શ્રીજી મહારાજે ના પાડી જે પડશો નહીં.

પછી સુંદરજીભાઇ ન પડ્યા. ત્યારે વહાણના હાંકનારા ખેવટીઆઓ અને બીજાં વહાણમાં માણસો બેઠાં હતાં તે સર્વે બોલ્યાં જે બાવાજી સમુદ્રમાં પડ્યા તે બૂડી જશે. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે, અમે તો નહીં બૂડીએ. અમે તો અનંત જીવોને જળના સમુદ્ર થકી તથા સંસાર સમુદ્ર થકી તારીએ એવા છીએ. માટે તમારું વહાણ હાંકો. એમ કહીને શ્રીજી મહારાજ પોતે સુતાર રવજીનો હાથ ઝાલીને તત્કાળ સમુદ્રને કાંઠે ઉતર્યા. અને ગામ હરિયાણા પધાર્યા. અને ગામ બહાર દરબારના બાગમાં ઉતર્યા, ત્યાં રાત્રિ રહીને ગામ શેખપાટ પધાર્યા. અને સુતાર સુંદરજીભાઇ પાછા ભુજ આવ્યા. અને પોતાને ઘેર આવતાં, તેમણે શ્રીજી મહારાજના સમાચાર સાંભળ્યા જે, મહારાજ ભુજમાં પધાર્યા છે તેને આજે પાંચ દિવસ થયા છે. તેવા મહારાજના સમાચાર સાંભળીને સુંદરજીભાઇ હરખાતા હરખાતા પોતાને ઘેર આવ્યા. શ્રીજી મહારાજનાં છેટેથી દર્શન કરીને અતિ હેતે કરીને મહારાજના ચરણકમળમાં પડ્યા અને ગદ્‌ ગદ્‌ કંઠે થઇને મહારાજની ઘણી પ્રાર્થના કરી.

પછી શ્રીજી મહારાજ સુંદરજીભાઇ પ્રત્યે કહેવા લાગ્યા જે, અમને ગર્વ કોઇ પ્રકારનો ગમતો નથી. તમોને મનમાં કિંચિત્‌ ગર્વનો સંકલ્પ થયો હતો તેને જાણીને અમો સમુદ્રમાં પડીને પાછા વળી નીસર્યા. પણ અમારા મનમાં વિચાર થયો જે, સુંદરજીભાઇને બહુ અફસોસ થાશે, માટે તે શોક ટાળવા સારુ તમને દર્શન દીધાં છે. એવી રીતે મહારાજે દિવ્ય રૂપે સુંદરજીભાઇને ઘેર આવીને તેમનો શોક ટાળ્યો. (૨) જ્યારે ભુજના સુંદરજીભાઇ મહારાજ ભેળા થાય ત્યારે એમ બોલે જે, મહારાજ ! મારે ભાગવત ભણવું છે. ત્યારે મહારાજ કહેતા જે, સત્સંગ જેમ છે તેમ સમજશો ત્યારે ભાગવત એની મેળે આવડશે.

પછી વળી એક દિવસે સુતાર સુંદરજીભાઇ માંદા થયા ત્યારે તેમને દેહ મૂકવા સમયે અનંત અક્ષરમુક્તો અને અનંત વિમાનો સહિત શ્રીજી મહારાજનાં દર્શન થયાં. ત્યારે સુંદરજીભાઇએ બહુ પ્રકારે સ્તુતિ કરી. અને બોલ્યા જે, હે મહારાજ ! હું રાજ-કાજના કામમાં તથા લોકલાજમાં અટવાઇ ગયો હતો, તે માટે હે મહારાજ ! જેવો તમારો મહિમા તથા જેવી તમારી સામર્થી છે. તેવી રીતે યથાર્થ જાણી નથી શક્યો. તમે તો શરણાગતવત્સલ છો. તે કૃપા કરીને આ ટાણે પોતાનો દાસ જાણીને ખબર લીધી તેથી હું બહુ જ કૃતાર્થ થયો છું. અને હવે તમારા ચરણકમળ સમીપે રાખો. એમ કહીને દેહ મેલ્યો. અને ગઢપુરમાં મહારાજે કહ્યું જે, સુંદરજીભાઇ અત્રે આવ્યા છે તે એમ કહે છે જે, હે મહારાજ ! મને ત્રણ દિવસમાં ભાગવત આવડી ગયું. (૩)

સંવત્‌ ૧૮૬૦ની સાલમાં શ્રીજી મહારાજ શ્રી ભુજનગરમાં હીરજીભાઇને ઘેર બિરાજમાન હતા. ત્યારે હીરજીભાઇના દીકરા રણછોડભાઇનું આયુષ્ય આવી રહ્યું હતું. પછી મહારાજે તેમને દર્શન દઇને અને છાતી ઉપર ચરણારવિંદ મૂકીને પચાસ વર્ષનું આયુષ્ય આપ્યું હતું. અને તેમને પચાસ વર્ષ પૂરા થયાં ત્યારે દેહ મૂકવાના દિવસની આગલી રાત્રિએ શ્રીજી મહારાજે ભુજના મહંત સદ્‌ગુરુ આનંદાનંદ સ્વામીને સ્વપ્નમાં દર્શન દઇને કહ્યું જે, સ્વામી ! અમે સવારે રણછોડભાઇને ધામમાં તેડી જાશું. માટે તમે સવારમાં અમરબાઇને કહેવડાવજો જે, રણછોડભાઇ આઠ વર્ષની ઉંમરે બિમાર થયા હતા અને મહારાજે એમને પચાસ વર્ષની ઉંમર આપી તે આજે પૂરી થઇ રહી છે, માટે શ્રીજી મહારાજ તેમને આજે અક્ષરધામમાં તેડી જાશે. એમ કહીને મહારાજ અંતર્ધાન થઇ ગયા અને સવારમાં ઊઠીને આનંદસ્વામીએ જેઠી ગંગારામભાઇની સાથે કહેવડાવી મોકલ્યું. તે જેઠી ગંગારામભાઇ તેમને ઘેર જઇને આ વાત સર્વે કહી. અને રણછોડભાઇ તો શરીરે સાજા હતા અને કાંઇ પણ મંદવાડ નહીં. પછી ગંગારામભાઇએ આવીને કહ્યું જે, ‘‘સ્વામી ! સર્વ વાત કહી આવ્યો અને રણછોડભાઇને શરીરે કાંઇ પણ મંદવાડ નથી.’’ ત્યારે આનંદ સ્વામીને મનમાં આશ્ચર્ય થયું જે, મહારાજનું કહેવું ખોટું હોય નહીં. અને આ તો સાજા સારા બેઠા છે. પછી નવ વાગ્યા તે સમયે સ્વામીએ ફરીને જેઠી ગંગારામભાઇને જોવા મોકલ્યા. ત્યારે રણછોડભાઇને શરીરે થોડી થોડી કસર જણાવા માંડી અને પછી દિવસ અસ્ત થવા સમયે શ્રીજી મહારાજ પોતે દિવ્યરૂપે પોતાનાં દર્શન આપીને અલૌકિક પ્રતાપ દેખાડીને રણછોડભાઇને ધામમાં તેડી ગયા. (૪)

સુંદરજીભાઇના દીકરા રાઘવજી તેમનું આયુષ્ય પૂરૂં થયું ત્યારે મહારાજ તેમને તેડવા પધાર્યા. તેમને દેહ મૂકવાનો સમય થયો. ત્યારે તેમની માતાએ તેમના મુખમાં મહારાજની પ્રસાદીની તુલસીની માળાનો એક મણકો મૂક્યો. તે બીજા કોઇ જન જાણે નહીં અને માત્ર રાઘવજી જ એક જાણે. પછી રાઘવજી દેહ મૂકીને મહારાજ સાથે અક્ષરધામમાં ગયા. તે વખતે તેમની માતાને મહારાજનાં દર્શન નહોતાં થયાં, તે માટે રાઘવજીની માતાના મનમાં નિત્યે એમ થાય જે, રાઘવજીધામમાં ગયો હશે કે કેમ હશે ? એમ સંભાળી સંભાળીને રોયા કરે. પછી એક બાઇને સમાધિ થઇ, તે બાઇ અક્ષરધામમાં ગઇ. ત્યારે રાઘવજીભાઇ ત્યાં મહારાજ પાસે બેઠા હતા. પછી રાઘવજીભાઇ તે બાઇ પ્રત્યે કહેવા લાગ્યા જે મારી માતાને કહેજો જે, તમે રુદન કરશો નહીં, હું તો અક્ષરધામમાં નિરંતર મહારાજની સેવા કરું છું. મારો દેહ પડ્યો તે સમયમાં મારી માતાએ મહારાજની પ્રસાદીની તુલસીની માળાનો એક મણકો મારા મુખમાં મેલ્યો હતો તે એધાણી આપજો, એમ અક્ષરધામમાં કહ્યું. પછી તે બાઇએ દેહમાં આવીને રાઘવજીની માતા પુંજીબાઇને એ સર્વે વાત વિસ્તારીને કહી. પછી રાઘવજીની માતાનો શોક ટળી ગયો. એવી રીતે શ્રીજી મહારાજ કસરવાળા બે સાધુને સુંદરજીભાઇ તથા હીરજીભાઇના ઘેર જન્મ ધારણ કરાવીને અક્ષરધામમાં તેડી ગયા. (૫)

બીજા નૃસિંહાનંદ સ્વામી અયોધ્યામાં કોઇક ઠાકોરજીના મંદિરમાં બાર વર્ષ સુધી ઠાકોરજીની પૂજા કરવી એવો નિયમ ધારીને રહ્યા હતા. પછી કોઇક દિવસ વૈરાગી દ્વારિકાની યાત્રા કરીને અયોધ્યામાં આવીને જેમાં નૃસિંહાનંદ સ્વામી રહ્યા હતા તે મંદિરમાં ઉતર્યા. અને એમ બોલવા માંડ્યા જે, પશ્ચિમ દેશમાં એક જીવન મુક્તાકા પંથ ચાલ્યા હૈ, સો ભગવાન કહેલાતે હૈ, ઔર એસા પાખંડ કરતે હૈ કે સબકું સમાધિ કરાતે હૈ, એ તો એમ નિંદા કરતા હતા પણ અંદર અવતારી સ્વામિનારાયણનું નામ લેવાણું તેણે કરીને મંદિરમાં અંધારું ટળીને પ્રકાશ પ્રકાશ થઇ ગયો, અને તે વૈરાગી નિંદા કરતા રહ્યા, એટલે પ્રકાશ ન દેખાણો. ત્યારે ઠાકોરજીના શણગાર કરતાં નૃસિંહાનંદ સ્વામીના મનમાં એમ થયું જે, જેનાં નામમાં આવો પ્રતાપ છે, તો પોતામાં કેવો પ્રતાપ હશે ? માટે જરૂર ભગવાન પ્રગટ થયા છે, અને હું રહી જઇશ, એમ જાણીને ત્યાંથી ચાલી નીસર્યા. તીર્થ કરતા કરતા દ્વારિકામાં આવીને પૂછ્યું જે, અહીં કોઇ સત્પુરુષ છે ? ત્યારે કોઇકે કહ્યું જે, માંડવીમાં ખિયો ખત્રી સત્પુરુષ છે, એમ બતાવ્યું. એટલે માંડવીમાં આવીને પૂછપરછ કરતાં ખિયાને કારખાને આવ્યા. ત્યારે ખિયા ખત્રીએ પૂછ્યું જે, કેમ સાધુ મહારાજ ! ભેખ શા સારું લીધો છે ? ત્યારે તે બોલ્યા જે, ભગવાન મળે તે સારું. અને હું તમને સત્પુરુષ જાણીને આવ્યો છું. તે તમો ભગવાન બતાવો. ત્યારે તે બોલ્યો જે, હેકડો ચરાચર નિરાકાર બ્રહ્મ જોઇતો હોય તો હું બતાવું. મૂર્તિમાન સાકાર બ્રહ્મ જોઇતો હોય તો ભુજમાં ગંગારામને ઘેર બેઠા છે, તે તું ત્યાં જા. ત્યારે તેણે કહ્યું જે મારે સર્વ વ્યાપક બ્રહ્મનું કામ નથી, મારે તો મૂર્તિમાન પરબ્રહ્મનું જ કામ છે. પછી પૂછતા પૂછતા ગંગારામ જેઠીને ઘેર આવ્યા. નિસરણીએ ચડતાં મેડા ઉપર મહારાજનાં અલૌકિક દર્શન થયાં, એટલે સમાધિ થઇ ગઇ. તે જોઇને મહારાજ બોલ્યા જે, ઝાલો ઝાલો એ પડી જશે. પછી હરિભક્તોએ ઝાલીને ઉપર લીધા. સમાધિમાંથી જાગ્યા ત્યારે મહારાજનો અલૌકિક પ્રતાપ જાણ્યો. અને ભગવાનપણાનો પોકો નિશ્ચય કરીને સાધુ થઇને મહારાજની પાસે રહ્યા. (૬)

સંવત્‌ ૧૮૬૭ની સાલમાં શ્રીજી મહારાજે માનકૂવામાં અદાભાઇને કહ્યું હતું જે, તમારે ઘોડું ન રાખવું અને રાખશો તો કોઇક દિવસ તમને અગવડ આવશે,  માટે ઘોડું માર્ગમાં મરી જશે અને ઘોડાનો સમાન માથે લેવો પડશે, તમારી લાજ જાશે. એમ કહીને મહારાજ કેટલાક દિવસે ગુજરાતમાં પધાર્યા. અદાભાઇએ મહારાજનું વચન લોપીને પણ ઘોડું રાખ્યું અને પોતાનું ગામ જે વાડાસર ત્યાં પટેલીયાને ઘેર ઘોડું બાંધતા અને જ્યારે કામ પડે ત્યારે લઇ આવતા. પછી ઓગણોતેરો કાળ પડ્યો ત્યારે અદાભાઇને તેમના પટેલીયાના સમાચાર આવ્યા જે, તમારો ઘોડો ઘાસ વિના ભૂખે મરે છે. અને મારા બળદોને પણ ખડ ખાવા નથી તો તમારા ઘોડાને શું નાખીએ ? પછી અદોભાઇ ત્યાં ગયા. ઘોડા ઉપર કાઠું માંડીને તેના ઉપર બેસીને ચાલ્યા તે માર્ગમાં ઘોડો પડ્યો, અને મરી ગયો. પછી કાઠું માથે લઇને ઘેર આવ્યા અને સત્સંગીઓ આગળ વાત કરી જે, જેવી રીતે શ્રીજી મહારાજે સડસઠની સાલમાં વચન કહ્યું હતું તેવી રીતે થયું.

ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે મહારાજે લાધીબાઇને તથા માતાજીને એક સાથે દેહનો ત્યાગ કરાવ્યો, તથા રવજીને સમુદ્રને કાંઠે ઉતાર્યો તથા સુંદરજી તથા રણછોડ તથા રાઘવજી તથા  નૃસિંહાનંદ સ્વામી તથા અદાભાઇને પરચા પૂર્યા એ નામે અઠ્યાસીમો અધ્યાય. ૮૮