૬૬ ત્યાંથી ધમડકા, ભચાઉ આવ્યા, નિર્વાસનિક થવાની વાત, જગજીવનની આડેડાઈના કારણે મૃત્યુ, ત્યાંથી વાંઢીયા, માળીયા, પીપલીયા, હાલાર, પંચાળા, કરીઆણા, સુખપુર, સારંગપુર, બુધેજ, વઉઠા, વારસિંહ, ડભાણ, બોચાસણ, શેરડી, એકલબારા, સરસવાણી, બામણગામ, વડતાલ, ઉમરેઠ, ડડુસર, કઠલાલ

Submitted by swaminarayanworld on Thu, 20/10/2016 - 9:59pm

અધ્યાય - ૬૬

એક દિવસે શ્રીજીમહારાજે ભુજનગરથી ચાલવાનો વિચાર કર્યો. તે સાંભળીને ભુજના સત્સંગી બાઇઓ ભાઇઓ સર્વે ઉદાસ થઇ ગયાં અને અતિ પ્રેમે સહિત મહારાજની સમીપે આવ્યાં અને હાથ જોડીને ગદ્‌ગદ્‌ કંઠે કહેવા લાગ્યાં જે, હે મહારાજ ! તમે અહીંથી ચાલશો તે અમને તમારાં દર્શન વિના ઘણું દુઃખ થાશે. માટે અમને જેવી રીતે સદાય સુખ રહે તેમ તમે કરો. એવી રીતનાં તે હરિભક્તોનાં વચન સાંભળીને શ્રીજીમહારાજ બોલ્યા જે, હે હરિજનો ! તમે દુઃખીયા ન થાશો, અને હું હમણાં જ ફરીને પાછો આવીશ, ને વળી તમારા સુખને માટે શ્રીનરનારાયણદેવ આદિક મારાં સ્વરૂપોને અહિં સ્થાપન કરીશ. હમણાં દેશાંતરમાં હરિભક્તોને દર્શન દેવા સારું જઇશ. એમ કહીને સાધુને ભેગા લઇને ચાલ્યા. તે સમયે ભુજનગરનાં સત્સંગી નરનારીઓ પણ મહારાજની વાંસે ઘણેક સુધી આવ્યાં.

ત્યારે શ્રીજી મહારાજે તેમને કહ્યું જે, હવે તમે સર્વે પાછા વળો. ત્યારે તે હરિભક્તો સર્વે મહારાજની મૂર્તિ સામું જોઇને ચિત્રામણની પેઠે સ્થિર થઇ ગયા, તે જ્યાં સુધી મહારાજની મૂર્તિ દેખાણી ત્યાં સુધી ઊભા થઇ રહ્યા અને જ્યારે તે મૂર્તિ ન દેખાણી ત્યારે તે દિશા સામા નમસ્કાર કરીને પોતાને ઘેર પાછા વળી ગયા. શ્રીજીમહારાજ ત્યાંથી ચાલ્યા તે માર્ગમાં પોતાના ભક્તજનોને આનંદ પમાડતા અને હાસ્ય-વિનોદ કરતા થકા ધમડકે પધાર્યા. શ્રીજી મહારાજ ધમડકે પધારે છે તે વાર્તા સાંભળીને ગામના હરિભક્તો લાધાજી આદિક સન્મુખ આવ્યા, અને ઘણુંક સન્માન કર્યું તથા ગાજતે વાજતે પોતાના દરબારમાં તેડી ગયા અને ત્યાં અતિશય હેતે સહિત મહારાજની સેવા પોતાના પુત્રો રાયધણજી, રામસંગજી આદિ સર્વે જનો કરવા લાગ્યા, શ્રીજીમહારાજ પણ તે હરિભક્તોને ઘણુંક સુખ આપીને ત્યાંથી ચાલ્યા તે ભચાઉ પધાર્યા. અને પોતાના ભક્ત જેરામ તથા વાઘા આદિ હરિભક્તોને ઘેર મુકુંદ બ્રહ્મચારી પાસે થાળ કરાવીને જમતા અને પોતાના ભક્તજનને હંમેશાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને માહાત્મય જ્ઞાને સહિત ભક્તિ સંબંધી વાતો કરીને આનંદ પમાડતા.

એક દિવસે સભામાં શ્રી હરિએ કહ્યું હે ભક્તજનો ! આ જગતના વિષયો ખોટા છે અને નાશવંત છે. આ જીવ અનંત યોનિમાં વિષયોને ભોગવતો આવ્યો છે. તો પણ તૃપ્ત નથી થયો અને હજુ તૃપ્ત થાશે પણ નહીં. તે માટે ભગવાન ભજીને પોતાના જીવનું કલ્યાણ કરી લેવું અને નિર્વાસનિક થાવું. નિર્વાસનિક થયા વિના પ્રભુને પમાતું નથી. ભગવાનનો આશરો હોય અને ભગવાન તેડી જાય તો પણ તે જીવથી ત્યાં રહેવાશે નહીં. માટે નિર્વાસનિક થઇને ભગવાન ભજી લેવા. અને આ વાર્તા છે તે સર્વ શાસ્ત્રનો સિધ્ધાંત છે. તે આજ સમજો કે લાખો વર્ષે સમજો કે અનંત જન્મે સમજો પણ એટલી જ વાત સમજવી છે. એવી રીતે વાર્તા કરીને ભક્તજનોને સંસારના સુખથી નિર્વાસનિક કર્યા.

ભુજનગરમાં કુબુધ્ધિવાળા જગજીવન વિપ્રે શ્રીજી મહારાજનું વચન લોપીને હિંસામય યજ્ઞ કરાવ્યો, તેથી ભગવાનની પ્રેરણાથી તત્કાળ તેના ઉપર રાજાનો ક્રોપ થયો. ને તે રાજા પોતાનું યવન સૈન્ય લઇને જગજીવનને ઘેર જઇને તેના યજ્ઞનો જે સામાન પડ્યો હતો તેને પોતાના સૈન્ય પાસે ઉપડાવીને ચારે કોરે છિન્નભિન્ન કરીને નાખી દેવડાવ્યો. જેમ શિવના અપમાનથી દક્ષના યજ્ઞનો વીરભદ્રે નાશ કર્યો હતો તેવી જ રીતે મહારાજના અપમાનથી તે રાજાએ તેના યજ્ઞને છિન્ન ભિન્ન કરી નાખ્યો અને તેનાં દ્રવ્ય આદિક ઘરના પદાર્થો તથા વાહન, પશુ, પાત્રો, વસ્ત્રો, ઘરેણાં, યજ્ઞનાં પાત્રો તથા યજ્ઞનું દ્રવ્ય ઘણુંક હતું તે સર્વે પોતાની સેના પાસે ઉપડાવી લીધું. તે જોઇને જગજીવન, રામચંદ્ર અને કુબેરજી. ત્રણે ભાઇઓ ક્રોધે સહિત હાથમાં હથિયારો લઇને પોતાના ચાકરે સહિત રાજાના મનુષ્યો સાથે યુધ્ધ કરવા સામા થયા. તે જોઇને રાજાના ચાકરો જે યવનો હતા તેઓએ હાથમાં આયુધ લઇને તે જગજીવન કુબેર આદિ ત્રણે ભાઇઓને ખૂબજ માર્યા તેથી તેઓ ઊંચે સાદે રુદન કરીને ભાગવા લાગ્યા.

જેમ કશ્યપના પુત્રો વીરભદ્રથી ભય પામીને ભાગ્યા હતા તેમ હરાઇ ગયું છે સર્વ દ્રવ્ય અને યજ્ઞની સામગ્રી જેમની એવા ત્રણે ભાઇઓ ભયે કરીને ભાગ્યા. તેની વાંસે તે રાજાનું સૈન્ય પણ જ્યાં જ્યાં તે જતા હતા ત્યાં ત્યાં તેની વાંસે થયું. અને ત્રણે ભાઇઓને તથા કાશી આદિ દેશના બ્રાહ્મણોને મારવા લાગ્યું. તે જોઇને તે રાજાએ પોતાના સૈન્યને કહ્યું જે, હવે રહેવા દ્યો. તો પણ હાથમાં હથિયારને ધારી રહેલા અને ક્રોધે કરીને રાતાં છે નેત્ર જેનાં એવા ત્રણે ભાઇઓને રાજાના સૈન્યે પાટવાડીના દરવાજે જતાં જ્યાં પાંચ માર્ગ ભેળા થાય છે, ત્યાં તલવારે કરીને મારી નાખ્યા. તે સમયમાં જગજીવનને દેહમાં ગરમીને લીધે તૃષા લાગી તેથી તે પાણી આપો, પાણી આપો, એમ બૂમો પાડવા લાગ્યો. તે બૂમો સાંભળીને રાજાના યવન ચાકરોએ રીસ કરીને હોકાનું પાણી લઇને તેને પાયું તથા ચર્મકાર ચૌટામાં જોડા સાંધતો હતો તેની કુંડીમાંથી પાણી લઇને તેના મુખમાં પાયું અને તે મૃત્યું પામ્યો.

જ્યાં પાંચ રાજ માર્ગ ભેળા થાય છે ત્યાં ચૌટા વચ્ચે તેનું શબ સાત દિવસ સુધી પડ્યું રહ્યું હતું. અને માંસાહારી જીવો જે ગૃધ પક્ષી તથા વાયસ આદિક પક્ષીઓ તથા શ્વાનાદિક જાનવરો તે પોતાની દાઢોથી તથા ચાંચોથી તેના શબને ચૂંથીને ભક્ષણ કરવા લાગ્યાં અને તે શબનાં આંતરડાં ચાંચમાં લઇને પક્ષી આકાશમાં ઉડવા લાગ્યાં. તે જાણે કે, છોકરાં આકાશમાં પતંગ ઉડાડતાં હોયને શું ? એવું લાગ્યું. તે સમયે તેમના પુત્રો, ચાકરો અને બંધુઓ પણ તેવી જ રીતે મૃત્યુ પામ્યા, અને સાત દિવસ સુધી તેનાં શબ ચૌટામાં પડી રહ્યાં હતાં.

તે સમયમાં આખા શહેરમાં હાહાકાર થઇ રહ્યો હતો. અને માણસો બોલતાં હતાં જે સ્વામિનારાયણનું વચન લોપીને જગજીવને યજ્ઞ કર્યો તેનું ફળ આ ત્રણે ભાઇઓ, પોતાના પુત્રો તથા ચાકરો સહિત ભોગવે છે. તે વાતો સાંભળીને સર્વે દેશનાં મનુષ્યો તથા પરદેશનાં મનુષ્યો પણ કહેવા લાગ્યાં જે, એ વાત સાચી છે. કેમ જે આ સ્વામિનારાયણે જગજીવન મહેતાને હિંસામય યજ્ઞ કરવાની ના કહી હતી તો પણ તેણે સ્વામિનારાયણનું વચન લોપીને યજ્ઞ કર્યો, તેણે કરીને તેનું અકાળ મૃત્યું થયું. તે કારણથી આજ દિવસથી આરંભી આપણે કોઇએ પણ હિંસામય યજ્ઞ દેવને અર્થે તથા પિતૃઓને અર્થે પણ ન કરવો, કેમ જે જગજીવને સ્વામિનારાયણનું વચન લોપીને દેવના અર્થે હિંસામય યજ્ઞ કર્યો તો તેમના કુટુંબનું ચાકરે સહિત ઉચ્છેદન થઇ ગયું.

માટે ધર્મનિષ્ઠ પુરુષોએ હિંસા ન કરવી અને યજ્ઞનું શેષ માંસ પણ ભક્ષણ ન કરવું એવી રીતે સર્વ મનુષ્યો વાતો કરવા લાગ્યાં. શ્રીજી મહારાજે પણ પોતાનો પ્રતાપ પૃથ્વી ઉપર વિસ્તારીને અધર્મનો સર્વ પ્રકારે નાશ કર્યો અને ભાગવત ધર્મની સ્થાપના કરી.

આવી રીતે વિચરણ કરતા શ્રીજીમહારાજ ભચાઉથી ચાલ્યા તે વાંઢીઆ થઇને સમુદ્રની ખાડી ઉતરીને માળીઆ પધાર્યા. ત્યાંથી પીપળીએ ગણેશ ભક્તને ઘેર પધાર્યા. ત્યાંથી હાલાર દેશમાં થઇને પંચાળે ઝીણાભાઇના દરબારમાં પધાર્યા. પંચાળામાં ઘણા દિવસ રહીને ગામ કરીઆણે પધાર્યા. ત્યાં ડભાણથી સંતદાસજીને લઇને સ્વરૂપાનંદ સ્વામી આદિ સંતોએ આવીને શ્રીજી મહારાજનાં દર્શન કર્યાં અને શ્રીજીમહારાજે સંતદાસજીને બદ્રિકાશ્રમની વાત પૂછી તે સર્વે કહી. સંતદાસજી ત્યાં ચાર પાંચ દિવસ રહીને પાછા બદ્રિકાશ્રમમાં ગયા. પછી મુક્તાનંદ સ્વામી આદિ સંતો કરિઆણે આવ્યા અને દેશદેશથી હરિભક્તો પણ આવ્યા અને ત્યાં સમૈયો કર્યો. ત્યાંથી ગામ સુખપુર આવ્યા. ત્યાંથી સારંગપુર આવ્યા. ત્યાં રહીને દેશદેશમાં કંકોતરીઓ લખાવી જે, સર્વે હરિભક્તો કાર્તિક પૂનમ ઉપર વૌઠે આવજો એવી રીતે પત્ર લખ્યો. તે પત્ર સાંભળીને સર્વે સંતો પ્રથમથી આવ્યા અને પછી સર્વ હરિભક્તો પણ આવ્યા હતા.

પછી શ્રીજી મહારાજ બુધેજ થઈને વૌઠે પધાર્યા અને સર્વે હરિભક્તો વાજાં લઇને મહારાજની સન્મુખ ગયા. વાજતે ગાજતે શ્રીજી મહારાજને નદીને કાંઠે ગામ વારસિંહની સીમમાં સંઘનો ઉતારો કર્યો હતો તેની મધ્યે વિરાજમાન કર્યા અને સર્વે હરિભક્તોએ કેસર-ચંદન તથા નાના પ્રકારના પુષ્પોના હારોએ કરીને સારી પેઠે પૂજા કરી.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, કાલે સવારે આપણ સર્વને મહાદેવનાં દર્શન કરવા જવું છે માટે સર્વ નાહી ધોઇને પૂજા કરીને તૈયાર થાજો. એવી રીતે બોલ્યા. પછી પહોર રાત્રી ગઇ ત્યારે બ્રાહ્મણ નાનાભાઇએ સર્વ સંઘમાં સાદ પાડ્યો જે, કાલે મધ્યાહ્ન સમયે જેમને મહારાજને માટે થાળ કરવો હોય તે કરી લાવજો. પછી છડીદાર કુબેરસિંહ શ્રીજી મહારાજને પગે લાગીને બોલ્યા જે, મહારાજ ! આપની સન્મુખ ગુંસાઇજી ઊતર્યા છે તે એમ બોલ્યા જે, આ સ્વામિનારાયણે આટલી બધી મશાલો કરાવી છે તે એમને એટલું બધું તેલ કોણ આપે છે ? શ્રીજીમહારાજ તે વાત સાંભળીને હસ્યા અને બોલ્યા જે, તેમને ક્યાં રાત દિવસની ખબર છે. ? અને ભગવાનના પ્રતાપની તથા મહિમાની ક્યાં ખબર છે ? પછી બીજે દિવસે સર્વ સંતોએ સહિત શ્રીજીમહારાજે મહાદેવનાં દર્શન કરીને તેના પૂજારી બ્રાહ્મણને પોતાનો સર્વ પોશાક આપ્યો અને વાજતે ગાજતે પોતાને ઉતારે પધાર્યા. હરિભક્ત માત્ર થાળ કરીને શ્રીજીમહારાજની આગળ લાવ્યા અને સર્વ નાના પ્રકારના થાળ પોતે જમીને પછી સર્વ સત્સંગીઓને પ્રસાદી આપી, અને સંત હતા તે ગોળા કરીને જમ્યા. પછી શ્રીજીમહારાજ ઘોડે સ્વાર થઇને પાર્ષદે સહિત ડભાણ પધાર્યા અને સંત પણ તરત જ શ્રીજી મહારાજની વાંસે ડભાણ આવ્યા.

ગામના પટેલે રસોઇ આપી હતી તે શ્રીજીમહારાજે સંતોને જમાડ્યા. ત્યાં સંઘ પણ આવ્યા અને પોતે જોબન વડતાલાની મેડી ઉપર ઊતર્યા અને સર્વ સંતોને દેશદેશ પ્રત્યે ફરવા મોકલ્યા. ભણનારા સાધુ હતા તે વડતાલમાં નિત્યાનંદ સ્વામી પાસે ભણવા લાગ્યા. પછી શ્રીજીમહારાજ ડભાણ પધાર્યા. ત્યાંથી ગામ બોચાસણ પધાર્યા. ત્યાં કાશીદાસને ઘેર ઉતર્યા અને ત્યાંથી ગામ શેરડી પધાર્યા. ને ત્યાંથી એકલબારાને આરે ઉતરીને “સરસવરણી” પધાર્યા અને કાનુજી ગાયકવાડનો જાસૂસ શ્રીજીમહારાજને તેડવા આવ્યો તેથી પોતે ગામ પાદરે પધાર્યા. ત્યાં રાત્રિ રહીને બ્રાહ્મણગામ પધાર્યા અને પોતે ગામની બહાર વિરાજમાન થયા અને હરિભક્તોને કહેવડાવી મૂક્યું જે, “અમે ભૂખ્યા છીએ” માટે અમારા સારુ જમવાનું લાવજો. પછી ખોડો પંડ્યો દહીં ને રોટલો લાવ્યા તે શ્રીજીમહારાજ જમ્યા. ગામ શેરડીએ રાત્રિ રહીને વડતાલ પધાર્યા.

તે સમયમાં ભણનારા સંત ભણતા હતા તે દીવાને હસતો જોઇને મહાનુભાવાનંદ સ્વામી બોલ્યા જે, આ દીવો હસે છે તે શુભ સુચવે છે માટે શ્રીજીમહારાજ પધારશે કે શું ? પછી બીજા સંત બોલ્યા જે, “શ્રીજીમહારાજ તો કાઠીઆવાડમાં પધાર્યા છે ; અહીં ક્યાંથી આવે ? એવી રીતે વાત કરે છે ત્યાં બંદુકનો ભડાકો થયો તે સાંભળીને સંતો પુસ્તક મૂકીને શ્રીજીમહારાજને સન્મુખ દોડી ગયા અને પછી જોબન પગીના ફળિયામાં મહારાજ ઊતર્યા અને જ્યાં જ્યાં ફર્યા હતા તે વાર્તા શ્રીજી મહારાજે સંતોને કહી. ત્યાંથી ગામ ઉમરેઠ પધાર્યા અને નંદુ ઠાકરને ઘેર રાત્રિ રહીને થાળ જમીને ગામ ડડુસર પધાર્યા અને ભક્ત ગલુજીને ઘેર ઊતર્યા અને સર્વ પાર્ષદોને જમાડ્યા અને પોતે પણ થાળ જમીને કઠલાલ પધાર્યા. નદીને કાંઠે પીપળા તળે ચોતરા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન થયા અને રાયજી પંડ્યા તથા ખુશાલ પંડ્યા થાળ કરીને લાવ્યા તે પોતે જમ્યા અને તેના ઉપર પ્રસન્ન થયા.

ત્યાંથી ચાલ્યા ત્યારે ગામથી એક બાઇ પાણીનો ઘડો માથે મૂકીને માર્ગમાં આવીને કહેવા લાગી જે, હે મહારાજ ! આ ઘડામાં પગ બોળો. પછી શ્રીજીમહારાજે પગ બોળ્યો. પછી કહ્યું જે, આ પાણીને શું કરશો ! પછી તે બાઇએ કહ્યું જે, પીશે તેનું કલ્યાણ થશે. પછી ચરણામૃત કરીને તેને આપ્યું. પછી ત્યાંથી ગામ તોરણે પધાર્યા.

ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે શ્રીજી મહારાજ ભુજના સત્સંગી આગળ નિર્વાસનિક થયાની વાત કરીને ધમડકા પધાર્યા અને જગજીવનનું મૃત્યું થયું. અને પંચાળે પધાર્યા તથા બુધેજ-ઉમરેઠ થઇને તોરણા પધાર્યા એ નામે છાસઠમો અધ્યાય. ૬૬