૬૦ માળીયાનું રણ ઓળંગી આધોઈ આવ્યા, ત્યાંથી ખોખરા, ભુજ, કાળાતળાવ ત્યાં પાણીનું દુઃખ ટાળ્યું, દશહજાર જીવનું કલ્યાણ કરવાનો સંતોને નિયમ લેવડાવ્યો, કથામાં ઉંઘવું નહીં તે વાર્તા ત્યાંથી તેરા ગયા, સાધુને ઝોળી માગવાની વાત, કાળાતળાવ, ગઢપુર, કારીયાણી આવ્યા

Submitted by swaminarayanworld on Fri, 27/05/2016 - 9:38pm

અધ્યાય-૬૦

પછી પંચાળાથી મહારાજ થોડાક સંતને સાથે લઇને માળીયાનું રણ ઉતરીને આધોઇ આવ્યા. ત્યાં કરણીબાએ થાળ કર્યો તે જમ્યા. અને ત્યાં નદીમાં સ્નાન કરીને ચાલ્યા તે ખોખરા થઇને ભુજનગર પધાર્યા. અને જેઠી ગંગારામને ઘેર ઊતર્યા. ત્યાં થોડાક દિવસ રહીને સાધુ દોઢસોને સાથે લઇને ચાલ્યા તે ગામ કાળાતળાવ પધાર્યા. ત્યારે સુતાર રવજી તથા ભીમજી તથા હરભમ તથા મનજી તે સર્વે સામા ગયા અને શ્રીજી મહારાજને ગાજતે વાજતે પોતાને ઘેર લાવ્યા. ત્યાં આથમણો અને પૂર્વ બારનો ઓરડો હતો તેમાં ઢોલિયો ઢાળીને ગાદલું પાથરીને તેના ઉપર શ્રીજી મહારાજને પધરાવ્યા અને સાધુ તો તળાવ ઉપર ઊતર્યા.

ત્યારે સુતાર ભીમજીએ શ્રીજી મહારાજને કહ્યું જે, હે મહારાજ ! તમારા પ્રતાપથી અમારા ઘરમાં દાણા સમાતાય નથી. માટે બારે માસ બિરાજો અને સમૈયા સારા કરો તેની તો ચિંતા નથી પણ પાણીનાં વાસણ નથી મલતાં તેની ચિંતા છે તેનું કેમ કરશું ? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે, પાણી સારુ એક ફળિઆમાં હોજ કરાવો. “પછી પોતે ઊઠીને કહ્યું જે,” આ ઠેકાણે ખાડો ખોદો અને ધોળી ધૂળ લાવો. તેને પલાળીને એ ખાડાને ચારે પાસે લીંપો અને લૂગડું એ હોજની માંહી ચોંટાડીને પછી પાણી ભરો. અને એક માણસ ઉપર રાખો તે સૌને પાણી આપે.” પછી મહારાજે કહ્યું તેમ કર્યું. એવી રીતે પંદર દિવસ સુધી રહ્યા અને સમૈયો કર્યો અને આનંદ ઉત્સવ થયો. પછી કોઇક દિવસ ગામનાં લોક સર્વેએ શ્રીજી મહારાજ આગળ આવીને હાથ જોડીને પ્રાર્થના કરી જે, હે મહારાજ ! આ ગામમાં પાણીનો કૂવો એક જ છે અને તેમાં પાણીની અછત છે તેથી ગામનાં સર્વે મનુષ્યોને પાણીનું દુઃખ ઘણું થાય છે. તે વાત સાંભળીને શ્રીજી મહારાજ સભામાંથી ઊઠીને ચાલ્યા તે તળાવમાં કૂવો છે તે કૂવાના થાળામાં શ્રીજી મહારાજે બેસીને પોતાના ચરણારવિંદ લાંબા કરીને કૂવામાં લટકાવ્યા.

ત્યારે કૂવામાંથી જળનો પ્રવાહ ઉપર આવ્યો ને શ્રીજી મહારાજના ચરણારવિંદનો સ્પર્શ કર્યો. તે સમયમાં ગામનાં કેટલાંક મનુષ્યો હતાં તે જોઇને આશ્ચર્ય પામ્યાં, અને પરસ્પર કહેવા લાગ્યાં જે, આ સ્વામિનારાયણ સર્વે અવતારના અવતારી ભગવાન છે. તે વિના બીજામાં આવો પ્રતાપ હોય જ નહીં. અને તે ગામમાં બીજા ભાવર રહેતા હતા તેમણે પણ તે વાત સાંભળી. પછી સૌ સૌમાં બંધી કરી જે, ‘સાધુ અર્થે પાણી ભરી લે ત્યાર પછી આપણે પાણી ભરવું.’ પછી સાધુ સારુ સવારમાં પાણી ભરી રાખતા અને શ્રીજી મહારાજ નિત્ય કથા કરાવતા. તે એક દિવસે શ્રીજી મહારાજે કહ્યું જે, મુક્તાનંદ સ્વામીને વિષે અમારે ગુરુભાવ છે. પણ હું ગુરુને પણ કહું ખરો.’ પછી કથા બેઠી ત્યારે મુક્તાનંદ સ્વામીને ઝોલું આવ્યું. ત્યારે મહારાજે કહ્યું જે, “કથામાં જે ઊંઘે તેનું કામ નહીં, માટે સ્વામી, તમે બહાર જાઓ.”

પછી મુક્તાનંદ સ્વામી બહાર ગયા. ત્યાં તો શ્રીપાત માધવાનંદ સ્વામીને ઝોલું આવ્યું. ત્યારે મહારાજ બોલ્યા, ઊઠો સ્વામી. પછી શ્રીપાત માધવાનંદ સ્વામી ઊઠ્યા અને ભાગોળે ગયા. પછી આત્માનંદ સ્વામીની આંખમાં ઊંઘ આવવા માંડી. ત્યારે મહારાજે કહ્યું જે, ઊઠો મહારાજ. ત્યારે આત્માનંદ સ્વામીએ કહ્યું જે, “આ ઊઠ્યો મહારાજ.” પછી મહારાજ બહુ હસ્યા. અને એમ બોલ્યા જે; ઊંઘતો ન હતો પણ કહ્યું એટલે ઊઠ્યા. પછી આત્માનંદ સ્વામી તથા મુક્તાનંદ સ્વામી તથા શ્રીપાત માધવાનંદ સ્વામી એ ત્રણે ભાગોળમાં જઇને બેઠા. પછી મુક્તાનંદ સ્વામી તો ગોદડી ઓઢીને ભાગોળે જઇને સૂઇ રહ્યા અને માધવાનંદ સ્વામી તથા આત્માનંદ સ્વામી એ બે જણે બહુ જ શોચ કર્યો. પછી બપોર નમતે રસોઇ થઇ ત્યારે મહારાજે જમવા માટે તેડાવ્યા. પછી મહારાજે તેમને પૂછ્યું જે, કેમ થયું ? પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા જે, હે મહારાજ ! હું તો સૂઇ રહ્યો હતો. પછી માધવાનંદ સ્વામી બોલ્યા જે, એવી ઊંઘ ન હોય. તે તો તમારી માયા છે. પછી મહારાજ બહુ હસ્યા ને બોલ્યા જે, આગળ મોટા થયા તેમણે ગ્રંથોમાં વાતો બહુ કહી છે, પણ પાળ્યું પળાવ્યું કોઇએ નથી. માટે આજ તો સર્વ શાસ્ત્રોમાં કહ્યું છે તે પ્રમાણે અમારે સર્વને પળાવવું છે. એવી રીતનાં મહારાજનાં વચન સાંભળીને સર્વે સાધુ બોલ્યા જે, હે મહારાજ ! તમે જેમ કહેશો તેમ અમારે કરવું છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, તમારે એક એક સંતને દશ દશ હજાર જીવનું કલ્યાણ કરવું એવી રીતનું સર્વે નિયમ લ્યો. ત્યારે સહુએ નિયમ લીધા. ત્યારે નિષ્કુળાનંદ સ્વામી બોલ્યા જે, આ દેહે કરીને તે નિયમ પૂરા ન થાય તો તેનું કેમ કરવું ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, બીજો દેહ ધારીને પણ તે પૂરાં કરી દેજો. એમ કહીને વળી શ્રીજી મહારાજ બહુ હસ્યા અને પછી બોલ્યા જે, અમારે આ દેહે કરીને અસંખ્ય જીવનું કલ્યાણ કરવું છે. પછી સાધુ જમવા બેઠા. તે જમી રહ્યા પછી કથા બેઠી. ત્યારે મહારાજે કહ્યું જે,

क उ्रूद्गामश्लोकगुणानुवादात्‌ । पुमान्विरज्येत विना पशुध्नात्‌ ।।

એ શ્લોકનો ઉત્તર કરો. પછી કોઇ બોલ્યા નહીં. પછી મહારાજે કહ્યું જે, “કથામાં ઊંઘવું નહીં.” એ દિશની ઘણીક વાર્તા કરી.

પછી શ્વેત ધર્મવાળા હતા તેને શ્રીજી મહારાજે કહ્યું જે, આ તમને દોરે છે તે દેહ પર્યંત તમને નભાવશે ? ત્યારે સહુ બોલ્યા જે, નભાવશે. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે, તમને તો એ દોરશે પણ એને જોવાનું વર્તમાન નહીં રહે. માટે એમ કરો જે સ્વપ્નામાં સ્ત્રી દેખાય તો એક ઉપવાસ કરવો અને ઘૂંઘટાનું વર્તમાન રહેવા દ્યો. પછી મહારાજ એમ બોલ્યા જે, અમે ન હોઇએ તો તમે કેમ કરો ? ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા જે, તમારે તો એમ બોલવું જ ઘટતું નથી અને તમારે તો સૌને ભેળા લઇને જાવું. પછી તો તમારી મરજી. અમારે તો એમ છે તમે જે મર્યાદા બાંધી છે તે પ્રમાણે જ રહેવું છે અને મારું જે માનશે તેને પણ ધર્મમર્યાદામાં રાખવા છે. પછી સર્વે સાધુ પણ એમ બોલ્યા જે, મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં વર્તવું છે.

પછી નિર્વિકલ્પાનંદ સ્વામી બોલ્યા જે, હે મહારાજ ! તમે જે દિવસે ન હો તે દિવસે દેહ રહે નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, કેમ થાય ? ત્યારે નિર્વિકલ્પાનંદ સ્વામી બોલ્યા જે , હે મહારાજ ! ઝાડ ઉપર ચડીને તથા કૂવે પડીને દેહ મૂકી દઇએ. એવી રીતની ઘણીક વાત કરી.

વળી મહારાજ નિત્ય ગામની ભાગોળે જઇને બેસતા અને તાળી દઇને કીર્તન બોલતાં શીખવતા હતા. અને જ્યારે બેસવા બહાર આવતા ત્યારે એમ બોલતા જે, ‘બાર ભાયા આવો.’ ત્યારે સર્વે આવીને મહારાજની પાસે બેસતા. ત્યારે મહારાજે તેમને વાત કરી જે, કોઇ માંદો હોય, ભૂખ્યો હોય, તેને જેટલું જોઇએ તેટલું કહીએ અને પાંચનું કહ્યું હોય અને દશ જમવા બેસીએ ત્યારે પુરૂં થાય નહીં તો તેની લાજ જાય. માટે જોઇએ તેટલું મંગાવીએ. આવી રીતે કેટલીક વાર્તા કરી. અને બીજે દિવસે જમીને તેરા ગયા અને ત્યાં ધનજી સુતારનું સાંકડું ઘર હતું ત્યાં ઊતર્યા. પછી સર્વે હરિભક્તો મહારાજને દર્શને આવ્યા. અને મહારાજ ઉગમણે મુખે ઢોલિયા ઉપર વિરાજમાન હતા. પછી શ્રીજી મહારાજે વાત કરી જે, અમારા સાધુ કાલ માગવા જશે, તે જેને ઘેરથી પાછા ખાલી આવશે તેની લાજ જશે. ત્યારે બાઇયો બોલ્યાં જે, શું લાજ જશે ? કહો તો એક ઘેરે બધાય સાધુનું પૂરૂં કરીએ. ત્યારે મહારાજ બોલ્યા જે, સાધુ તો ઝોળી માગવા જશે. શા માટે જે સાધુ ઘણા છે તે માગવા જાય, તે જેને ઘેરથી ખાલી આવશે તેની લાજ જશે. એવી રીતે ઘણીક હાસ્ય-વિનોદની વાત કરીને પછી સવારમાં મહારાજે બોલાવ્યા જે, સાધુ બાર ભાયા ! આવો. ત્યારે સર્વ સાધુ આવ્યા. ત્યારે મહારાજે બારે ભાયાને કહ્યું જે, તમે એક એક શિષ્યને લઇને ઝોળી માગવા જાઓ. પછી સર્વે માગવા ગયા. તે હરિભક્તને ખબર નહીં જે ઝાઝા માગવા આવશે. જેથી પહેલા આવ્યા તેની ઝોળી ભરી આપી અને વાંસે આવ્યા તે ખાલી ગયા. એવી રીતે સહુ ઝોળી માગીને આવ્યા. તે ઝોળીનું અન્ન ભેગું કરીને ગોળા વાળ્યા. પછી મહારાજ બાઇયો સામું જોઇને બોલ્યા જે, જુવો, સાધુ ખાલી આવ્યા. પછી ગોળા લઇને જમવા બેઠા ત્યારે મહારાજ પોતે પણ હાથમાં ગોળો લઇને જમવા બેઠા.

તે એકને એક હાથે ગોળો જમવા લાગ્યા. અને સાધુ પ્રત્યે બોલ્યા જે, પરમહંસને વળી બે હાથ શું એઠા કરવા ! એવી રીતે પોતે જમતાં જમતાં બોલ્યા જે, આત્માનંદ સ્વામી હજુ કેમ ન આવ્યા ? એમ વાત કરતા હતા ત્યાં આત્માનંદ સ્વામી આવ્યા. પછી મહારાજે કહ્યું જે, ઝોળી ખીંટીએ ભરાવી દ્યો અને જમવા બેસો. પછી આત્માનંદ સ્વામી જમવા બેઠા. પછી શ્રીજી મહારાજ કહે, ઝોળી ખાલી કેમ ? ત્યારે તેમણે કહ્યું જે, બધા ગામમાં ફર્યો પણ ક્યાંયે ન મળ્યું. પછી મહારાજ બોલ્યા જે, પગબળણું કેવું છે ? ત્યારે તેમણે કહ્યું જે, મહારાજ ! ઝાઝું નથી જણાતું, પછી મહારાજ બોલ્યા જે, તુંબડાં ભરી લ્યો, કારણ કે સત્સંગી સર્વે ખોટી થાય છે. પછી સૌએ પાણી ભરી લીધું અને સૌ જમીને ચાલી નીસર્યા. પછી આત્માનંદ સ્વામી વાંસે રહ્યા તે જમીને પાછળથી ગયા.

અને મહારાજ તો ગામથી બહાર જઇને ગામથી છેટે જઇને ઊભા રહ્યા અને તડકો હતો તેથી સાધુએ પગ હેઠળ ગોદડી નાખી આપી તેના ઉપર મહારાજ ઊભા રહ્યા. અને માથે ગોદડી ઝાલી રાખી. પછી આત્માનંદ સ્વામી વાંસે હતા તે આવ્યા. તેને આવતાં વેંત જ મહારાજ બાથમાં ઘાલીને મળ્યા. પછી સર્વે સાધુને મળ્યા. પછી મહારાજે કહ્યું જે, અમદાવાદ જાઓ. બાપુ નાગર પાસેથી કાગળ, ખડીયો જે જોઇએ તે લેજો. પુસ્તક મહંતે રાખવું, બીજાને સવારે ભણવા આપવું અને સાંજના પાછું લેવું. એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા જે, અમારું વચન અમદાવાદ સુધી ડંડાકાર થયું છે તે વચનરૂપી જહાજ ઉપર ચાલ્યા જાઓ અને ત્યાં જઇને ષટ્‌ભાષા ભણજો. તેમાં પ્રશ્ન ઉત્તર સારા છે. એમ કહ્યું એટલે સાધુ ચાલી નીસર્યા. મહારાજ પાછા કાળાતળાવ પધાર્યા અને કેટલાક દિવસ પછી ગઢપુર પધાર્યા. ત્યાં રહીને કારીઆણી આવ્યા.

કારીઆણીથી કંકોતરી ફેરવી તેથી સાધુ આવ્યા તથા સત્સંગી આવ્યા. અને પોતે ઉતરાદા બારણે ઓરડાની ભીંત ઉપર ગોદડું નખાવીને ઉગમણે મુખે વિરાજમાન હતા. ચોફેર સાધુઓ અને સત્સંગીઓની સભા ભરાઇને બેઠી હતી. પછી મહારાજની ચંદન પુષ્પે કરીને પૂજા કરી અને આગળ સાકર આવી તે સર્વેને વહેંચી આપી. પછી રસોઇ થઇ તે મહારાજ અને સાધુ જમ્યા. બીજે દિવસે ફળિયામાં સભા થઇ. મહારાજ ઢોલિયા ઉપર ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા.

પછી મહારાજ બોલ્યા જે, માંહોમાંહી એકબીજાના સ્વભાવની વાત કરો. પછી સદાનંદ સ્વામી બોલ્યા જે, હે મહારાજ ! સ્વભાવની શું વાત કરે ? આત્માનંદ સ્વામી છે તે ગરીબને ટોકે છે અને આ આનંદાનંદ સ્વામીએ ‘ચીયા’ ખાધા, તેને તો કાંઇ પણ ન કહ્યું. પછી મહારાજ બહુ હસ્યા ને બોલ્યા જે, અલૈયા ખાચર ! કાં સમજ્યા ? પછી અલૈયા ખાચર બોલ્યા જે, અમારા દેશમાં ‘ચીયો’ દેડકાંને કહે છે, એમ સમજાય છે.

પછી મહારાજ બોલ્યા જે, ના ના....‘ચીઆ’ તો આંબલીઆને કહે છે. પછી આત્માનંદ સ્વામી બોલ્યા જે, મેં તો આનંદાનંદ સ્વામીને કહ્યું જે, સ્વામીન્‌ ! રોટલા મળ્યા છે કે નહિ ? લાકડાં કેમ ચાવો છો ? પછી મહારાજ બોલ્યા જે, અંતર્યામીપણે જે વર્તે તે ઉપર કહેણ નહિં. શા માટે જે એ અંતર્યામી કહેશે, અને બીજાનો એક નોર કરીએ. પછી મહારાજ બોલ્યા જે, અંતર્યામીપણે વર્તે તે ઊભા થાઓ. પછી કોઇ ન ઊઠ્યા પછી મહારાજ બોલ્યા જે, કેમ ઊઠતા નથી ? અમે હાથ ઝાલીને ઊઠાડશું ત્યારે કેમ ઊઠશો ? માટે ઊઠો. પછી સુખાનંદ સ્વામી બોલ્યા જે, ક્યા ઊઠે ? કુછ અંતર્યામીકા તો કોઇ ઠિકાના નહીં હે ? ઔર ઘડીકમાં કિમિ કહતા હૈ. પછી નિત્યાનંદ સ્વામી બોલ્યા જે, હે મહારાજ ? અમારે સાધુમાં બે રીત ન જોઇએ.

પછી મહારાજ બોલ્યા જે, એક પ્રકરણ કરીએ જે ખાવાની બે જણસ ભેળી હોય તો મેળાવીને જમવું અને એક જણસનું કાંઇ નહીં. એ રીતે સૌનું પ્રકરણ કર્યું. પછી એક દિવસ સાધુને જુદા જુદા વાતો કરવા બેસાડ્યા. પછી હરિભક્ત સાંભળવા બેઠા. ત્યારે મહારાજે બાઇયું ને કહ્યું જે, તમે પણ બે બે ચાર ચાર બેસો. પછી બાઇયો આવીને વાતો સાંભળવા બેઠાં. પછી સાધુ ઊઠી નીસર્યા. પછી મહારાજ બહુ હસ્યા અને એમ બોલ્યા જે, કેમ ઊઠ્યા ? પછી સાધુ બોલ્યા જે, બાઇયોને સાંભળતાં સાધુઓએ વાતું ન કરવી. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, ઠીક સમજ્યા છો. આજથી બાઇયો સાંભળતાં વાત ન કરવી. પછી સાધુ બોલ્યા જે, વેદાંતમાં એમ કહ્યું છે જે, ચેતન કે એક દેશમેં માયા. सा माया गुणसाम्यता. ત્યારે ચેતન તો સર્વ વ્યાપક છે ત્યારે કીયો દેશ ખાલી છે જેમાં માયા રહી છે ? એ સમજાતું નથી. ત્યારે શ્રીજી મહારાજે ઉત્તર કર્યો જે, ગોડીઓ સીંદરીનો સાપ કરે છે. પીંછાનું પારેવું કરે છે. અને ધૂળના ચોખા કરે છે.

એ આદિક ગોડીઓની કેટલીક કળા એના અંગમાં રહી છે તે કાંઇ કળાય છે ? એના હાથમાં છે કે પગમાં છે ? તેમ ચેતનને વિષે માયા રહી છે. પણ એમ ન કહેવાય જે અહીંયાં રહી છે. ત્યારે મુનિ બોલ્યા જે, બીજું એક આ નથી સમજાતું જે, ઘટ કહે મૃત્તિકા તું હશે, ઘટ દેખ, મૃત્તિકા હું હે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, એતો એમ છે જ, ઘડો ઘડાને કહે છે જે તું મૃત્તિકાનો છું. સર્વ ઘડા મૃત્તિકાના છે. હું પણ મૃત્તિકાનો છું. પછી શ્રીજી મહારાજે સર્વને આજ્ઞા કરી તેથી સૌ સૌના ઘેર આવ્યા. અને સાધુ ફરવા ગયા. અને મહારાજની પાસે રૂપિઆ આવ્યા હતા અને કેટલાક ભોજો ચારણ લાવ્યા હતા તે મહારાજે વસ્તા ખાચરને કહ્યું જે, આ રૂપિઆ રાખો. ત્યારે વસ્તા ખાચરે કહ્યું જે, અમારે વવરાઇ જાય. તમે તો ક્યારે માગો અને મારે હાથ ન હોય, માટે ન રખાય. પછી મહારાજે રાઘવ પટેલને કહ્યું, ત્યારે તેણે પણ ના કહી.

પછી શ્રીજીમહારાજ ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા. પછી રૂપીઆની મુઠી ભરી ભરીને ફેંકી દીધા અને કહ્યું જે હવે કાંઇ ચિંતા છે ? પછી કેટલાક દિવસ રહીને ખોખરા મહેમદાવાદ ગયા. અને મહારાજને બ્રાહ્મણોને રસ રોટલી જમાડવાની ઇચ્છા હતી ત્યાં ટંટો થયો. એટલે મહારાજે સાધુને કહ્યું જે, તમો સુરત જાઓ. પછી મહારાજ અને સાધુ જે મુક્તાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિર્વિકલ્પાનંદ સ્વામી એ ચાર સાધુ અને પાળા તેમજ આધોઇના ગરાસીયા એ સર્વે મળીને કચ્છમાં ગયા.

ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે મહારાજ પંચાળેથી આધોઇ, ભુજ અને કાળાતળાવ પધાર્યા અને આંગણામાં જળ ભરવાનો કુંડ કરાવ્યો તથા એક એક સંતને દશ દશ હજાર જીવનું કલ્યાણ કરવાનો નિયમ આપ્યો. અને ખોખરા મહેમદાવાદ પધાર્યા. અને ત્યાંથી સંત આધોઇના રાયધણજી આદિક ગરાસીયા અને મહારાજ કચ્છમાં પધાર્યા એ નામે સાઠમો અધ્યાય. ૬૦