૩૧ ભુજમાં અન્નકૂટોત્સવ.

Submitted by swaminarayanworld on Wed, 18/05/2016 - 10:22pm

અધ્યાય-૩૧

રસોઈયાઓએ અનેક પ્રકારનાં પકવાનો તૈયાર કરી કરીને મોટા મોટા કોઠાને વિષે યુક્તિએ કરીને ગોઠવી મૂક્યાં, અને બાઇઓએ પણ સુંદર સેવો તથા અડદ ને ચોખા ને મગના પાપડ તથા વડીઓ, મઠીઆં, ફાફડા આદિક સામગ્રીઓ કરીને જુદી જુદી ગોઠવીને એક ઠેકાણે ભેળી કરી. આવી રીતે અતિ ઉતાવળથી પકવાનનું કામ ચાલતું હતું. અને પ્રાગજી પુરાણી તથા સુરજબાઇ તે નિત્ય પ્રત્યે મહારાજ પાસે આવીને પાકશાળામાં જે જે પકવાનો થાય તેની વિગત કહેતાં. હવે દેશાંતરમાં કંકોત્રીઓ પહોંચી. તે સાંભળીને સર્વે બાઇ-ભાઇ, બાલ-વૃધ્ધોએ શ્રીહરિનાં દર્શન કરવા સારુ ભુજનગર પ્રત્યે આવવાનું પ્રયાણ કર્યું. તેમાં કોઇ તો રથ ઉપર બેસીને આવવા લાગ્યાં અને માર્ગમાં એક બીજાના ગામના હરિભક્તો ભેળા થાય ત્યારે, એક બીજાને પૂછે જે તમે મહારાજની પૂજા કરવા સારુ શું શું લીધું છે ? ત્યારે પોતે જે જે સામગ્રી લીધી હોય તે એક બીજાને કહે જે, અમોએ આ લીધું છે, તેમાં કોઇક તો કહે જે, મેં મહારાજની પૂજા કરવા માટે કપૂર લીધું છે. ને કપૂરની માળા, કપૂરનાં કડાં, કપૂરના બાજુબંધ, કપૂરની પોંચી, કપૂરનાં નેપુર, કપૂરનાં સાંકળાં, કપૂરનાં કુંડળ, લીધાં છે. અને કોઇક કહે જે, મેં તો મહારાજને માટે નંગજડિત સુરવાળ, ડગલી, તથા પાઘ, શિરપેચ, શેલું આદિક લીધાં છે, ને કોઇક કહે જે, મેં મહારાજ માટે મખમલનો પોશાક લીધો છે. અને કેટલાક કહે, અમે મહારાજની પૂજા કરવા સારુ કેસર તથા કસ્તુરી લીધી છે.

એવી રીતે પરસ્પર જનો કહેતાં હતાં અને શ્રીજીમહારાજનું નિત્યે સ્મરણ કરતાં કરતાં ચાલ્યાં આવતાં હતાં. અને દેશાંતરમાં ફરવા ગયેલ મુનિનાં મંડળો તે પણ અન્નકૂટના સમાચાર સાંભળીને તત્કાળ તે તે દેશમાંથી ચાલી નીકળ્યાં. તે સંતો પોતપોતાના ખભા પર પુસ્તકનાં પોટલાં લઇને સ્વામિનારાયણ, સ્વામિનારાયણ મુખેથી અખંડ રટન કરતા થકા ધનુષ્યમાંથી જેમ બાણ નીકળે તેમ અતિ ઉતાવળી ચાલથી ચાલ્યા. માર્ગમાં કાંટા, કાંકરા, ખાડો, ટેકરો, વાડ આવે તેને પણ ગણતા ન હતા, અને નાસિકાગ્ર દૃષ્ટિ કરીને ચાલતા ચાલતા ભુજનગરનાં જે માધાપુર, ફકીરવાડી, ગઢડું, ને રતિયા આદિક શાખાનગર તે પ્રત્યે આવીને રહ્યા. તે સર્વે ભેગા થઇને શ્રીહરિનું ચિંતવન કરવા લાગ્યા જે, આપણે સવારમાં શ્રીજીમહારાજનાં દર્શન થશે. અને મહારાજ આપણને હેતે કરીને મળશે, ને છાતીમાં ચરણારવિંદ આપશે ને પોતાના સુંદર હસ્તકમળ આપણા મસ્તક ઉપર ધારણ કરશે, ને પોતાની પ્રસાદીના હાર તથા થાળ આપશે અને પોતાના સ્વરૂપના મહિમાની વાતું કરીને બહુ સુખ આપશે. ને આપણે શ્રીજીમહારાજની મૂર્તિનાં અંગોઅંગ નીરખીને કૃતાર્થ થાશું. એવી રીતે પરસ્પર કહેતાં કહેતાં રાત્રીને નિર્ગમન કરી. તે દિવસે શ્રીહરિ પણ હીરજીભાઇ, સુંદરજીભાઇ તથા રણછોડભાઇ તથા ગંગારામભાઇ તથા વાલજીભાઇ આદિક હરિભક્તોને સાથે લઇને પાકશાળામાં પાક જોવા સારુ પધાર્યા. તે વાત સાંભળીને રસોઈયાઓએ તત્કાળ અનેક પ્રકારનાં પકવાનનાં મોટાં મોટાં પતરાં ભરેલાં હતાં તેને તૈયાર કરી રાખ્યાં અને શ્રીહરિ પાકશાળામાં પધાર્યા. ત્યાં પ્રાગજી પુરાણીએ શ્રીહરિને બેસવા સારુ ચાકળો આપ્યો તે ઉપર શ્રીહરિ બિરાજ્યા, ને રસોઈયા મહારાજને નમસ્કાર કરીને હાથ જોડીને પાસે ઊભા રહ્યા. ત્યારે મહારાજે કહ્યું જે, કયાં કયાં પકવાન કર્યાં છે ? ત્યારે રસોઈયા હરિભક્તો મહીદાસ ભટ્ટ આદિક બોલ્યા જે, હે મહારાજ ! આજ તો સાટા, ઘેબર, સક્કરપારા, મગજ, મોતૈયા આદિક પકવાન કર્યાં છે. પછી મહારાજને તે સર્વે પકવાનો બતાવ્યાં અને બાકી કરવાનાં જે પકવાનો તે પણ ગણી બતાવ્યાં, એ વખતે હીરજીભાઇના સામું જોઇને મહારાજે કહ્યું જે, હીરજીભાઇ ! સંતો તથા હરિભક્તો તો ઘણા આવશે, માટે સર્વેને પહોંચે તેવી રીતે સામગ્રી કરાવજો. પણ થોડી હશે ને ખૂટશે તો લાજ જશે.

ત્યારે હીરજીભાઇ બોલ્યા જે, હે મહારાજ ! પકવાન તો તમારા કહેવા પ્રમાણે જ વધારે કરાવ્યાં છે. પણ અમારી લાજ રાખવી તે તો તમારા હાથમાં છે. હે મહારાજ ! તમારે વિષે નિષ્કપટ ભાવે ભક્તિ કરનારા ભક્તની કોઇ દિવસ લાજ જાય નહિ. તેની તો કીર્તિ જ વધે છે. એવી રીતનાં ઘણાંક વિનોદનાં વચનો કહીને શ્રીહરિને પ્રસન્ન કર્યા. ને મહારાજ રસોઈયાના વખાણ કરીને ફરીવાર પોતાને ઉતારે પધાર્યા. અને ગોડી વખત થઇ ગયો તેથી સંત ગોડીનાં પદ બોલ્યા. ત્યાં તો મહારાજ સભામાં આસન ઉપર બિરાજ્યા. ને આરતી-નારાયણ ધૂન્ય કરીને કથા વંચાવતા હતા. તે એકાદશીની કથા પ્રાગજી પુરાણી વાંચતા હતા. તે અધ્યાયની સમાપ્તિ થઇ રહી. ને શ્રીપતિં કરીને મહારાજ ઉતારે પધાર્યા. સુંદર જળે સ્નાન કરીને પીતાંબર પહેર્યું ને સુંદર ઉપરણી ઓઢીને, મુળજી બ્રહ્મચારીએ બાજોઠ ઢાળી આપ્યો તે ઉપર બિરાજ્યા. મુળજી બ્રહ્મચારી ભાત, દૂધ ને સાકર તથા પાપડ લાવ્યા તે જમીને જળપાન કર્યું. ને મુખવાસ લઇને ઢોલિયા ઉપર વિરાજમાન થયા. ને પોતાના પાર્ષદોએ સેવ્યાં છે ચરણકમળ જેમનાં એવા શ્રીહરિ પોઢી ગયા. પ્રાતઃકાળ થયું ત્યાં તો સંતમંડળ પોતપોતાનાં પુસ્તકો, તુંબડાં, જળપાત્ર, લઈને હસ્તને વિષે તુલસીની માળા ફેરવતા ને ઊંચે સ્વરે સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નામનું ઉચ્ચારણ કરતા થકા ચાલ્યા, ભુજની સમીપે આવ્યા.

શ્રીહરિ પ્રાતઃકાળમાં ઊઠીને સ્નાન-સંધ્યાવંદનાદિ પોતાનું નિત્ય કર્મ કરીને તૈયાર થયા.અને અંતર્યામીપણે કરીને પોતે પ્રથમથી જ હરડી ઘોડીને પલાંણ નખાવીને તૈયાર કરાવી, ને હીરજીભાઇ, સુંદરજીભાઇ, જેઠી ગંગારામભાઇ, અદોભાઇ, મહેતા શિવરામ, મહેતા હરજીવન એ આદિક હરિભક્તો પણ પોતપોતાના અશ્વોને તૈયાર કરીને તૈયાર થયા. પછી શ્રીજીમહારાજ સર્વે અસવારોથી વીંટાયા થકા ભુજનગરથી બહાર નીકળ્યા. તે વખતે મહારાજ પોતાની ઘોડીને ઉતાવળી દોડાવતા થકા સંતોને દર્શન દેવા સન્મુખ ગયા. ત્યાં તો સર્વે મુનિઓ શ્રીહરિને દૂરથી આવતા જોઇને અતિશય આનંદને પામ્યા અને અતિ વેગે કરીને સન્મુખ આવ્યા. કોની પેઠે તો, જેમ હંસ માનસરોવર પ્રત્યે જાય, જેમ ભિક્ષુકજનો દાનેશ્વરી પુરુષ સન્મુખ જાય, ઉનાળાને તાપે કરીને અકળાઇ ગયેલા હસ્તી તે જેમ ગંગાના ધરા પ્રત્યે જાય, અને ગંગા, યમુના, સાબરમતી, સરસ્વતી આદિક મોટી નદીઓ જેમ સમુદ્ર પ્રત્યે વેગે કરીને જાય, તેમ તે સર્વે મુનિજનો અતિ વેગે કરીને સર્વે અવતારના અવતારી, ને સર્વ સુખના નિધિ એવા જે શ્રી સહજાનંદ સ્વામી તેમને સન્મુખ આવ્યા.

તે કયાં કયાં મુનિમંડળ સહિત આવ્યા તે કહીએ છીએ કે એક તો વ્યાપકાનંદ મુનિનું મંડળ આવ્યું. બીજું સ્વરૂપાનંદ સ્વામીનું મંડળ આવ્યું. તથા આનંદાનંદ સ્વામીનું મંડળ તથા નિષ્કુળાનંદ સ્વામી, પૂર્ણાનંદસ્વામી પોતપોતાનાં મંડળે સહિત આવ્યા. મહાનુભાવાનંદ સ્વામી, નૃસિંહાનંદ સ્વામી પોતાના મંડળે સહિત આવ્યા. ચૈતન્યાનંદ મુનિનું મંડળ આવ્યું. તથા નિરંજાનંદ મુનિ પણ પોતાનું મંડળ લઇને આવ્યા. અદ્‌ભુતાનંદ સ્વામીનું મંડળ આવ્યું ને પરમાનંદ સ્વામી પણ પોતાનું મંડળ લઇને આવ્યા. પોતાના મંડળે સહિત સુખાનંદ મુનિ આવ્યા. અને બીજાપણ મુનિઓ પોતપોતાના મંડળે સહિત ભુજનગરને વિષે આવ્યા. અન્નકૂટ ઉત્સવ પર શ્રીહરિનાં દર્શન કરવાને અર્થે આવતા, અને શ્રીહરિને સમીપે આવીને રોમાંચિત થયાં છે ગાત્ર જેમનાં, ને પ્રેમનાં આંસુએ કરીને સજળ થઇ ગયાં છે નેત્ર જેમનાં એવા મુનિઓ પૃથ્વી ઉપર પડીને સાષ્ટાંગ દંડવત્‌ પ્રણામ કરવા લાગ્યા અને શ્રીજીમહારાજે તે સંતોને ઘોડીએથી નીચે ઉતરીને ઉપાડી લીધા અને અતિ પ્રેમે કરીને મલ્યા. ને સંતોના મસ્તક ઉપર પોતાના હસ્તકમળને ધારણ કરીને શાન્તિ પમાડ્યા ને સુખ સમાચાર પૂછ્યા. પછી શ્રીહરિ સર્વે સંતોએ વીંટળાયા થકા ભુજનગરને વિષે આવ્યા. તેમને હીરજીભાઇએ પોતાની મેડીને વિષે ઉતારો આપ્યો. પછી મુળજી બ્રહ્મચારી મહારાજને બોલાવવા આવ્યા. તે ભેળા શ્રીહરિ જમવા પધાર્યા. સુંદરજીભાઇની રહેવાની મેડી ઉપર મહારાજ બાજોઠ ઉપર વિરાજમાન થયા ને મુળજી બ્રહ્મચારીએ સુંદર દૂધપાક, પૂરી, માલપુવા, સુરણનું શાક, ભજીયાં, કેરીનું અથાણું ને દહીંની કઢી ને પંખાળી કમોદનો ભાત વઘારેલો તથા સુંદર તુવેરની લચકો દાળ, આદિક ભોજનથી ભરેલો સોનાનો થાળ ચોસઠ વાટકાએ સહિત લાવીને ધારણ કર્યો તે શ્રીહરિ જમ્યા. તે વખતે કેટલાક હરિભક્તો મહારાજનાં દર્શન કરવા સારુ આવીને બેઠા ને મહારાજે જમીને સુંદર થાળની પ્રસાદી સુંદરજીભાઇને આપી. પછીથી જળપાન કરી મુખવાસ લઇને સંતોની પંક્તિ કરાવીને મહારાજે સંતોને પીરસીને જમાડ્યા. અને દેશાંતરના હરિભક્તોને પણ જમાડીને પોતે જળપાન કરીને પોઢી ગયા.

ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે મહારાજ અન્નકૂટ જોવા પધાર્યા, અને સંતોનાં મંડળ આવ્યાં ને સંતો હરિજનોને જમાડીને પોઢ્યા. એ નામે એકત્રીસમો અધ્યાય. ૩૧