૩૦ ભુજમાં સુંદરજીભાઈને ત્યાં અન્નકૂટોત્સવ, હમીર સરોવર મહીમા કહ્યો.

Submitted by swaminarayanworld on Wed, 18/05/2016 - 10:22pm

અધ્યાય-૩૦

પછી હીરજીભાઇએ સુંદરજીભાઇની સલાહ લઇને સર્વે સામગ્રી મંગાવવાનો વિચાર કર્યો. ત્યાં તો જેઠી ગંગારામભાઇ તથા વાલજીભાઇ આદિક મલ્લ હરિભક્તો તથા મહેતા શિવરામ આદિક કાયસ્થ હરિભક્તો તથા વલ્લભજી આદિક લુહાણા હરિભક્તો તથા પ્રાગજી પુરાણી આદિક વિપ્ર હરિભક્તો તથા સુરજબા આદિક નાગર બાઇયું તથા લક્ષ્મીબાઇ આદિક મલ્લ હરિભક્ત બાઇયું તથા જેઠીબાઇ આદિક લુહાણા બાઇયું તથા લાધીબા આદિક કાયસ્થ બાઇયું તે સર્વે મળીને હીરજીભાઇની પાસે આવ્યાં ને હીરજીભાઇને કહ્યું જે, તમો અન્નકૂટ કરાવો છો માટે જે જે કાંઇ અમારા સરખું કામકાજ હોય તે અમને બતાવો. અમારે પણ તમારે લીધે મહારાજની એટલી સેવા થાશે. એવાં પ્રેમ ને શ્રદ્ધા સહિત હરિભક્તોનાં વચન સાંભળીને હીરજીભાઇ અત્યંત રાજી થયા. અને પ્રાગજી આદિક બ્રાહ્મણોને પાકશાળામાં પકવાન કરવાં કરાવવાં તે કામ સોંપ્યાં.

સુરજબા આદિક બાઇયુંને પણ કેટલાંક પકવાન કરવાં કરાવવાં તથા સેવો, પાપડ, વડિયો આદિક સામગ્રી કરવી કરાવવી તે કામ સોંપ્યાં, અને લુહાણા વલ્લભજી આદિકને ઘી, ગોળ, ખાંડ, સાકર, ઘઉં, ચોખા, ચણાદાળ, ધાણા આદિક મસાલા તથા અનેક પ્રકારનાં શાક આદિક સામગ્રી લાવવી તે કામ સોંપ્યાં. અને શિવરામભાઇ તથા હરજીવનભાઇ તથા નારાયણભાઇ કાયસ્થ હરિભક્તોને નાનાં મોટાં ત્રાંબા-પિત્તળનાં પાત્રો તથા માટીનાં કેટલાંક પાત્રો ને બીજી સામગ્રી મંગાવવી તે કામ સોંપ્યાં ને પાકશાળામાં જોઇતા પદાર્થો તત્કાળ જ્યાં જ્યાં હોય ત્યાંથી લાવીને સોંપવા વિગેરે કામ જેઠી ગંગારામભાઇ આદિક મલ્લ હરિભક્તોને સોંપ્યાં. અને સોની ગોમતીબાઇ આદિક બાઇયોને ઘઉં દળાવવા તથા ડાંગર છડાવવી તથા દાળ છડાવવી, ચણા-મગની દાળ કરાવવી, આદિક સામગ્રી સંપાદન કરાવવી વિગેરે કામ સોંપ્યાં.

બીજી કેટલીક બાઇયોને પાણી ભરાવવું તથા દેશાંતરથી આવેલાં બાઇયોને ઉતારા અપાવવા વિગેરે કામ સોંપ્યાં એવી રીતે જેને જેમ ઘટતું આવે તેમ સર્વેને સેવાની સોંપણી કરીને પછી હીરજીભાઇએ વંડીમાં હમીર સરોવરને કાંઠે સુંદર પાકશાળાની રચના કરાવી. પ્રથમ તો પાકશાળામાં લોટ, ઘી, સાકર, ખાંડ, અનેક પ્રકારનાં બદામ, પિસ્તા, આદિક તેજાના તથા મોટાં પતરાં, કડાયાં, થાળ, તપેલાં, ત્રાંસ, કુંડીઓ, ઝારા, કડછા, તાવેથા, ડંકા, હાથલા વાટકા, આદિક અનેક પ્રકારનાં નાનાં મોટાં ઉપયોગી પાત્રો જેઠી ગંગારામભાઇ તથા ખીમજીભાઇ તથા મુળજીભાઇ તથા સંઘજીતભાઇ તથા નથુભાઇ આદિક હરિભક્તો પાસે પહોંચાડાવ્યાં. અને મોટી મોટી કોઠિયું તથા મોટા મોટા પીપ પાણી ભરવા માટે તૈયાર કર્યા. રસોઇયા પ્રાગજી પુરાણી, ભટ્ટ મહીદાસ, તથા ભટ્ટ વલ્લભજી,  તથા ભટ્ટ માધવજી તથા ભટ્ટ વિશ્વેશ્વર, તથા ભટ્ટ કામેશ્વર, તથા ગોર ભવાનીદાસ, તથા દવે ઇશ્વર, તથા મોઢ નરસિંહ, તથા ભાણજીભાઇ આદિક પાસે પાક કરવાનો પ્રારંભ કરાવ્યો. અને પાક કરવામાં જે જે ઉપયોગી સામગ્રી માગે તે તે સામગ્રીને જેઠી ગંગારામભાઇ તથા વાલજીભાઇ આદિક મલ્લ હરિભક્તો તત્કાળ લાવીને આપતા. ને સુરજબાઇ, પ્રભાબાઇ, લેરખીબાઇ તથા હાંસકુંવરબાઇ તથા જયકુંવરબાઇ, જેઠીબાઇ, પ્રેમકુંવરબાઇ તથા અંબાબાઇ તથા પુતળીબાઇ તથા નાનીબાઇ તથા લક્ષ્મીબાઇ તથા બીજાં નાનીબાઇ આદિક બાઇયું તેમણે પણ પાક કરવાનો પ્રારંભ કર્યો. અને તે પાક કરવામાં જે જે સામગ્રી માગે તેને રૂપાંબાઇ તથા અમરબાઇ તથા હરબાઇ તથા પુંજીબાઇ તથા સેજીબાઇ તથા યમુનાબાઇ તત્કાળ લાવીને આપતાં. આવી રીતે અન્નકૂટના ઉત્સવનો પ્રારંભ થયો.

ભુજનગરને વિષે શેરીએ શેરીએ ને ચોકે ચોકે તથા ઘરોઘર એવી વાત થવા લાગી જે હીરજીભાઈ પોતે દીવાળીના અન્નકૂટનો ઉત્સવ કરાવે છે. અને દેશાતંરનાં લક્ષાવધિજનો ભુજનગરમાં આવશે. એવી રીતે પરસ્પર બોલતાં હતાં અને શ્રીજી મહારાજે પણ પ્રાગજી પુરાણી પાસે કંકોત્રીઓ લખાવી જે, લિખાવિતંગ સ્વામી શ્રી ૧૦૮ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ. સર્વે બાઈ - ભાઈ અમારા જયશ્રી સ્વામિનારાયણ વાંચશો. અત્ર સંવત્‌ ૧૮૬૪ના કારતિક સુદ ૧ને દિવસે અન્નકૂટનો ઉત્સવ છે. માટે તે ઉત્સવ ઉપર બાઈ-ભાઈ, આબાલવૃદ્ધ સર્વેને આવવું. એવી રીતે કંકોતરીઓ લખાવીને દેશાંતરમાં શહેર, પાટણ, ગામ, ખેટ, ખર્વટ, પુરી, પ્રાંત, ઘોષ, નેહ આદિક અનેક ઠેકાણે મોકલાવી દીધી.

શ્રીહરિ નિત્યે હમીરસરોવરમાં સ્નાન કરવા પધારતા. તેમાં કયારેક તો રઘુનાથજીને આરે પધારતા. કયારેક તો પાવડીને આરે પધારતા. કયારેક મુનિબાવાના બંગલાવાળે આરે પધારતા, કયારેક તો ઝંડાવાળે આરે પધારતા અને વડવાળે આરે પધારતા. એવી રીતે નિત્ય પ્રત્યે એ સરોવરને વિષે સ્નાન કરે અને નારાયણ બાગમાં પધારે. ત્યાં આંબલીના વૃક્ષ પાસે વેદી ઉપર વિરાજમાન થાય. અને સંત-હરિભક્તોની સભા થાય.તે આસો સુદિ એકાદશીને દિવસે શ્રીજીમહારાજ નારાયણ બાગમાં વેદી ઉપર વિરાજમાન હતા. અને હજારો સંતહરિ ભક્તોની સભા ભરાઈને બેઠી હતી. ને બીજાં પણ હજારો મનુષ્યો અન્નકૂટ ઉત્સવ જોવાને અર્થે આવેલાં હતાં તે પણ સભાની ચારે બાજુ ગઢની પેઠે વીંટાઈને ઊભાં રહ્યાં હતાં.

તે વખતે સભામાં બેઠેલા જે સુંદરજીભાઈ મહારાજ પ્રત્યે પૂછ્યું જે, હે મહારાજ! પરોક્ષમાં ગંગાજીનો બહુ મહિમા છે.તે તો સત્યયુગમાં વામનજીના ચરણના અંગુઠાનો સ્પર્શ થયો છે તેણે કરીને છે. તો પછી આ હમીર સરોવરમાં રામકૃષ્ણાદિક અનંત અવતારના અવતારી અક્ષરધામના પતિ એવા તમોએ અનંતધામના મુક્તો સાથે અનંત વાર સ્નાન કર્યું છે ને તેના જળનું પાન કર્યું છે. માટે આ હમીર સરોવરનો કેટલો મહિમા હશે? તે અમારે સર્વેને સાંભળવાની ઈચ્છા છે. એવી રીતે સુંદરજીભાઈએ પૂછ્યું. ત્યારે શ્રીજીમહારાજે તે સર્વે સભાને સંભળાય એવી રીતની મેઘના સરખી ગંભીર વાણીએ બોલ્યા જે, હે સુંદરજીભાઈ! ગંગાજીનો મહિમા તે વામનજીના અંગુઠાના સ્પર્શથી છે. ને આજ તો તે વામનજી જેવા અનંત અવતારના અવતારી પ્રગટ પુરુષોત્તમ એવા જે અમો તેમણે આ સરોવરમાં અનંતવાર સ્નાન કર્યું છે.

માટે આ સરોવરના મહિમાનો શેષ પણ પાર પામવાને સમર્થ થાય તેમ નથી. પણ કિંચિત્‌ મહિમા તમારી પાસે કહું છું. કે, આ સરોવરને કાંઠે, મરિચિ, ગર્ગ, ગૌતમ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, અત્રિ, પુલસ્ત્ય, વિભાંડક, ચ્યવન, લિખિત, દેવળ, યાજ્ઞવલ્કય, વૈશંપાયન, કણાદ, કરભાજન, પાણિની, ભૃગુ, હારિત આદિક અનંત બ્રહ્મઋષિયો નિરંતર નિવાસ કરીને રહે છે. અને નવ યોગેશ્વર તથા ચાર સનકાદિક, શુકજી, અને બીજા પણ કેટલાક સિધ્ધો તથા મહર્ષિયો નિયમપૂર્વક આ સરોવરમાં સ્નાન કરવા આવે છે. ને ઈન્દ્ર, ચંદ્ર, કુબેર, બૃહસ્પતિ આદિક અધિપતિ દેવો પણ આ સરોવરનાં નિત્ય દર્શન કરવા આવે છે.

આ સરોવરમાંથી કોઈ મનુષ્ય મૃતિકાનો પિંડ બહાર કાઢે છે, તો તે મનુષ્ય જે તે બહાર કાઢેલી મૃતિકાનાં જેટલાં પરમાણુંઓ હોય તેટલાં વર્ષ પર્યંત સ્વર્ગ લોકમાં સુખ ભોગવે છે. જે કોઈ મનુષ્ય આ સરોવરના જળનું પાન કરે છે તો તે જનનાં હજારો જન્મનાં પાપ નાશ થાય છે. જે જન આ સરોવરને વિષે સ્નાન કરીને જળપાન કરે છે તો તે જન જેનાં નાશ પામી ગયાં છે હજાર જન્મનાં પાપ એવો સતો બ્રહ્મલોકને પામે છે. આ સરોવરને કાંઠે જે કોઈ પુરુષ શ્રાધ્ધ કરીને પિંડદાન આપે છે તો તેના પિતૃઓ વૈકુંઠ ધામને પામે છે. જે કોઈ જન આ સરોવરને જોઈને નમસ્કાર કરે છે તો તે પણ સ્વર્ગલોકને પામે છે. ને સો જોજન દૂર રહીને પણ આ સરોવરનું નામ ઉચ્ચારણ કરે છે તો તે જન પણ નાશ પામી ગયાં છે સર્વે આધિ અને વ્યાધિ જેનાં એવા સતા ચક્રવર્તિ રાજ્યને પામે છે. અને સરોવરમાં ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી, કાવેરી, પુષ્કરરાજ, આદિક અનેક તીર્થોમાં નિરંતર નિવાસ કરીને રહે છે.

આ સરોવરની મૃતિકાનું જો અજાણમાં પણ તિલક કરે છે, અથવા સ્પર્શ કરે છે, તો તેને યમપુરીનું દર્શન કોઈ દિવસ થતું નથી. અને આ સરોવરનું જે સવારમાં ઊઠીને પોતાના મનમાં સ્મરણ કરે છે તો તે પુરુષનાં સો જન્મનાં પાપ નાશ પામે છે. ને આ સરોવરની કોઈ પ્રદક્ષિણા કરે છે, તો તેને પગલે પગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ થાય છે. અને જે કોઈ જન જાતિએ અધમ અને પતિત હશે ને જેનું પિતૃઓ શ્રાધ્ધ પણ ગ્રહણ ન કરતા હોય તેવો જન પણ આ સરોવરમાં સ્નાન કરીને મારું નામ લઈને જો પિતૃઓને શ્રાધ્ધ કરીને પિંડ આપશે તો તે પિતૃઓ તત્કાળ શ્રાધ્ધને ગ્રહણ કરશે. તથા આ સરોવરમાં રહેલાં મચ્છ તથા કચ્છ તથા મગર વિગેરે જળચર જે જીવ છે તે પણ દેહનો જયારે ત્યાગ કરશે ત્યારે મોટામાં પણ મોટા દેવના દેહને પામશે. અને તે સમયે જ તેને વરવા સારુ દેવાંગનાઓ તથા અપ્સરાઓ પરસ્પર લડશે.

આ સરોવર ઉપરથી અધ્ધર આકાશમાં ઉડીને ગતિ કરતાં જે મચ્છર તથા પક્ષી આદિ જીવ તે પણ દેહનો ત્યાગ કરીને મારા વૈકુંઠ ધામને પામશે. તથા આ સરોવર જેણે બંધાવ્યું હશે, તે જન પણ દેહનો ત્યાગ કરીને મારા બ્રહ્મધામને પામશે. તથા આ સરોવરમાં દ્રવ્ય લઇને મહેનત કરી હશે તે મનુષ્ય દેહના આયુષને અંતે મારા ગોલોક ધામને પામશે. તથા જે પશુએ પથ્થર તથા મૃતિકા ઉપાડી હશે તથા જે મનુષ્યે જે કાંઇ શ્રધ્ધાથી મહેનત કરી હશે તે મનુષ્યો તથા પશુઓ દેહનો ત્યાગ કરીને મારા બદરિકાશ્રમ ધામને પામશે. તથા આ સરોવરના ખોદાવવાના તથા ઉપાડવાના ઉપયોગમાં આવ્યાં જે કાષ્ઠ, તૃણ, પત્ર વિગેરે વસ્તુ જે વૃક્ષ તથા વેલી તથા તૃણ, ગુલ્મ, લતા, આદિક જીવો પણ મારા શ્વેતદ્વિપ ધામને દેહનો ત્યાગ કરીને પામશે. એવો ઘણોક આ સરોવરનો મહિમા છે. એવી રીતની શ્રીજી મહારાજની વાણી સાંભળીને સુંદરજીભાઇ તથા ગંગારામભાઇ આદિક સભામાં બેઠેલા સત્સંગી હરિભક્તો તથા બીજા કેટલાક મતવાદી જનો પણ અતિશય વિસ્મય પામ્યા.

તે દિવસથી આરંભીને હમીર સરોવરમાં સ્નાન કરવાનું તથા તેને પ્રદક્ષિણાઓ કરવી તથા નમસ્કાર કરવો તથા તેને કાંઠે શ્રાધ્ધ કરાવવું, તથા તેમાંથી મૃતિકા ઉપાડીને બહાર કાઢવી, એ આદિક ઘણાક પ્રકારનાં નિયમો ઘણા જનોએ લીધા. અને શ્રીજી મહારાજ પણ ત્યાંથી ઊઠીને સર્વે સંત હરિભક્તોએ વિંટાણા થકા સુંદરજીભાઇને ઘેર પધાર્યા, ને પોતાનું દેવાર્ચનાદિ નિત્ય કર્મ કરવાને અર્થે ઉગમણે મુખારવિંદે વિરાજમાન થયા. તે સમયે સર્વે સંત હરિભક્તો પણ પોતપોતાનું નિત્ય કર્મ કરીને સભામાં આવીને બેઠા.

તે સમયે શેષનારાયણ વિપ્રને વેશે શ્રીજી મહારાજનાં દર્શન કરવા આવ્યા, ને શ્રીહરિને નમસ્કાર કરીને સભામાં એક પગે ઊભા રહીને હાથ જોડીને પ્રાર્થના કરી જે, હે મહારાજ ! આ હમીર સરોવરનો મહિમા તમોએ નારાયણ બાગમાં સુંદરજીભાઇ આદિક સર્વે હરિભક્તો પ્રત્યે કહ્યો. તે વખતે નારદજી સભામાં વિપ્રને વેશે આવીને બેઠા હતા તેમણે સાંભળ્યો, ને પછી તત્કાળ પાતાળલોકમાં આવીને મારી પાસે વાત કરી જે, અક્ષરાતીત ને સર્વાવતારી શ્રી પુરુષોત્તમ પ્રત્યક્ષ ભગવાન અનંત જીવોનાં કલ્યાણ કરવા પૃથ્વી ઉપર ઉત્તર કોસલ દેશમાં ભક્તિ-ધર્મના ઘરને વિષે અનંત દિવ્ય અક્ષરમુક્તોએ સહિત પ્રગટ થઇને હાલમાં કચ્છદેશમાં ભુજનગરને વિષે સુતાર હીરજીભાઈને ઘેર વિરાજે છે. ને અનંત દિવ્ય અક્ષરમુક્તને સાથે લઇને નિત્ય હમીર સરોવરને વિષે જળક્રીડા કરીને હમીરસરને સર્વે તીર્થ કરતાં શ્રેષ્ઠ તીર્થ કર્યું છે. ને તેનો શ્રીમુખે પોતે મહિમા કહ્યો છે. તે મેં શ્રીજી મહારાજના મુખથી સાંભળ્યો છે. એવી વાત નારદ મુનિએ આવીને કરી. તે સાંભળીને હે મહારાજ ! મને અતિશય આનંદ થયો. ને તે આનંદ મારા શરીરમાં ન સમાતાં અશ્રુદ્વારા બહાર નીકળી ગયો. તેજ સમયે હું તમારી પાસે આવ્યો છું, માટે મને શી આજ્ઞા છે ? ત્યારે સહજાનંદ સ્વામીએ કહ્યું જે, આ સરોવરનો મહિમા તમારે નિત્યે ગાવવો. પછી શેષનારાયણ તે વચન અંગીકાર કરીને શ્રીહરિને નમસ્કાર કરીને પાતાળમાં ગયા. અને સહજાનંદ સ્વામીએ જળપાન કરીને ભક્તજનનું હિત ચિંતવન કરતાં યોગનિદ્રાને ગ્રહણ કરી.

ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે સુંદરજીએ અન્નકૂટની સામગ્રી કરાવી ને મહારાજે હમીર સરોવરનો મહિમા કહ્યો ને રાત્રિએ પોઢ્યા. એ નામે ત્રીસમો અધ્યાય. ૩૦