ભજયો નહિ ભગવાનને રે, મળ્યો માણસનો દેહ (૪)

Submitted by swaminarayanworld on Wed, 06/04/2016 - 1:23pm

રાગ - ગરબી

પદ - ૧

ભજયો નહિ ભગવાનને રે, મળ્યો માણસનો દેહ;

પ્રીત કરી પરનારમાં, હાંરે નીચ સોબત સનેહ. ભજયો૦ ૧

મિથ્યા માયાના જોરમાં રે, થયો અંધ અજાણ;

લાજે વટાણો લોકની, હાંરે કરે આપ વખાણ. ભજયો૦ ૨

ચિંતા ઘણી ચિત્તમાં ભરી રે, હાલ ભૂંડા હેરાન;

ફુટેલ હૈયું ને ફેલ આવડે, હાંરે મિથ્યામોટપનું માન. ભજયો૦૩

જુઠા બોલો નથી જાણતો રે, માથે મરવાની ઘાત;

દેવાનંદ કહે જમ આવશે, હાંરે માર મુરખ ખાત. ભજયો૦ ૪

 

પદ - ૨

અંતે જાવું છે એકલા રે, સંગે આવે નહિ કોઈ,

માતપિતાને ભાઈ દીકરા, હાંરે નારી કુટશે રોઈ. અંતે૦ ૧

ભૂખે મરીને ભેળી કરે રે, માયા લાખ કરોડ;

દાટી રહેશે દરબારમાં, હાંરે જોને આંખ્યું કાં ફોડ. અંતે૦ ૨

જીવ સંગાથે જાય છે રે, પુણ્ય પોતાનાં પાપ;

સુખદુઃખ ફળ તેનાં ભોગવે, હાંરે જમપુરીમાં આપ. અંતે૦ ૩

રાજા ધર્મની આગળે રે, ખાશો મુરખ માર;

દેવાનંદ કહે દેહ ધારશો, હાંરે લખ ચોર્યાશી વાર. અંતે૦ ૪

 

પદ - ૩

ભૂલી ગયો ભગવાનને રે, ગયું જોબન બાળ;

આવ્યું બુઢાપણ અંગમાં, હાંરે કેડે આવે છે કાળ. ભૂલી૦ ૧

ઘરનાં માણસ જાણે ઘેલડો રે, કોઈ માને નહિ વાત;

અક્કલ ઘટી ને વધી આપદા, હાંરે કેદી મરશે કુજાત. ભૂલી૦૨

મનમાં અતિ ધન ધાખડી રે, વ્હાલા વિષય વિકાર;

આડા બોલોને અફીણિયો, હાંરે દુઃખ પામે અપાર. ભૂલી૦ ૩

શરીરનું ચામડું સુકાઈ ગયું રે, થયો અંધ અધીર;

દેવાનંદ કહે હરિ ન ભજયા, હાંરે બહુનામી બળવીર. ભૂલી૦૪

 

પદ - ૪

પ્રભુ ભજી લેને પ્રાણીયા રે, ધન દોલત  ને નાર;

અંતે જાવું  તજી એકલા, હાંરે સગાં કુટુંબ સંસાર. પ્રભુ૦ ૧

જેણે ભજયા જગદીશને રે, ભવ પામ્યા  તે પાર;

એને વિસારીને આથડે, હાંરે ગોથાં ખાશે ગમાર. પ્રભુ૦ ૨

લક્ષ ચોરાશી જાતના રે, આવે દેહ અપાર;

જન્મ મરણ ગર્ભવાસનું,  હાંરે દુઃખ વારંવાર. પ્રભુ૦ ૩

વૈદ્ય કોટિ વાંસે ફરે રે, કરે ઔષધ અનેક;

રંચ ન ટાળે રોગને, હાંરે દેવાનંદ કહે વિવેક. પ્રભુ૦ ૪

Facebook Comments