મુખડાંની માયા લાગી રે, મોહન તારા મુખડાંની માયા લાગી (૪)

Submitted by swaminarayanworld on Wed, 06/04/2016 - 11:27am

રાગ - મેવાડી

પદ - ૧

મુખડાંની માયા લાગી, મુખડાંની માયા લાગી;

મુખડાંની માયા લાગી રે, મોહન તારા મુખડાંની માયા લાગી. ટેક.

મુખડાંની મીઠી વાણી, તેણે મન લીધું  તાણી;

ઝબકીને સૂતી જાગી રે. મોહન૦ ૧

મુખડું મેં જોયું તારું, બીજું સર્વે થયું ખારું;

હવે હું તો બળભાગી રે. મોહન૦ ૨

મુખડું જોવાને માટે, સહી કીધું શિર સાટે;

મહેણું મેં  તો લીધું માગી રે. મોહન૦ ૩

બ્રહ્માનંદ જાય વારી, આશા એક મુને તારી;

તરછોડી મ થાશો ત્યાગી રે. મોહન૦ ૪

 

પદ - ૨

વર્યા મેં  તો વનમાળી , વર્યા મેં  તો વનમાળી;

વર્યા મેં  તો વનમાળી રે, શિરને સાટે વર્યા મેં  તો વનમાળી. ટેક.

તનડાંની આશા ત્યાગી, લગની એ સાથે લાગી;

મોહી હું ભૂધર ભાળી રે. શિર૦ ૧

સંસારનાં સુખ એવાં, ઝાંઝવાનાં પાણી જેવાં;

તુચ્છ જાણી આશા ટાળી રે. શિર૦ ૨

પરણી પ્રીતમ પ્યારો, અખંડ સોહાગ મારો;

રંડાપાની બીક ટાળી રે. શિર૦ ૩

બ્રહ્માનંદ કેરે વહાલે, કર સહાયો નંદલાલે;

થઈ હું  તો મતવાલી રે. શિર૦ ૪

 

પદ - ૩

મનડું લોભાણું મારું, મનડું લોભાણું મારું;

મનડું લોભાણું મારું રે, સલુણો જોઈને મનડું લોભાણું મારું. ટેક.

શું કરે સંસારી ખોટા, પાણી કેરા પરપોટા;

તેની બીક શીદ ધારું રે. સલુણો૦ ૧

શ્યામળો સ્નેહી ભેટી, જગ કેરી શંકા મેટી;

સર્વે મુને થયું ખારું રે. સલુણો૦ ૨

બંધાણું હરિથી બેલું, શિર જાતે નવ મેલું;

વહાલા માથે  તન વારું રે. સલુણો૦ ૩

બ્રહ્માનંદ કેરે નાથે, હેત કરી ઝાલી હાથે;

સુધર્યું કારજ સારું રે. સલુણો૦ ૪

 

પદ - ૪

વરીએ તો શ્યામળીયો વરીએ, વરીએ  તો શ્યામળીયો વરીએ;

વરીએ તો શ્યામળીયો વરીએ રે, ચતુરવર વરીએ ટેક.

તેનું તો એવાતન કાચું, પરણી રંડાવું પાછું;

તેને ઘર શું પાણી ભરીએ રે. ચતુરવર૦ ૧

જેને પરણે દુઃખ જાયે, અખંડ સોહાગ થાયે;

તેને સંગે પ્રીતિ કરીએ રે. ચતુરવર૦ ૨

સર્વે સંસારી જુઠાં, શું થાવાનું રૂઠ્યાં ત્રુઠ્યાં;

તેને તુચ્છ જાણી ફરીએ રે. ચતુરવર૦ ૩

બ્રહ્માનંદ કેરે વહાલે, લટકાળે નંદલાલે;

હાથ મારો સહાયો હરિએ રે. ચતુરવર૦ ૪

Facebook Comments