મંત્ર (૧૦૫) ૐ શ્રી ગતસ્મયાય નમઃ

Submitted by swaminarayanworld on Thu, 03/03/2016 - 8:54pm

મંત્ર (૧૦૫) ૐ શ્રી ગતસ્મયાય નમઃ

શતાનંદસ્વામી કહે છે : હે પ્રભુ ! તમે સર્વત્ર સ્વયં અપરાજીત હોવા છતાં તેના ગર્વથી રહિત છો. આશ્ચર્યકારી મૂર્તિ છો. તમારી કળાને, આશ્ચર્યને કોઈ કળી શકે નહિ, તમામ જીવ પ્રાણી માત્રને નવાત લાગે એવી તમે સૃષ્ટિ બનાવેલી છે.

માણસમાંથી માણસ બને, પશુમાંથી પશુ બને, તારા મંડળ અધર રાખ્યું, વરસાદ વરસાવે, વાદળાંને દોડાવે, અધર પધર જાણે વાદળામાં જીવ હોય એમ ચલાવે, એવા પ્રભુ આશ્ચર્યકારી છે, આપણને આશ્ચર્ય થાય, આમ કેમ બનતું હશે ? જેમ કપડું જૂનું થાય તો નવું પહેરીએ, તેમ શરીર વૃદ્ધ થઇ જાય, ખખડી જાય ત્યારે પ્રભુ નવું શરીર આપે. એક જગ્યાએ લગ્નના શરણાઈને ઢોલ વાગતા હોય અને બીજી જગ્યાએ મૃત્યુ થયું હોય ત્યાં કરુણ રૂદન થતું હોય.

કેટલાક વિજ્ઞાનીઓ જીવને પકડવાની કોશીશ કરે છે છતાં ભગવાનની કળા જુઓ. એ દેખાતો નથી પણ બધું એના થકી થાય. પવન દેખાય નહિં તેમ પ્રાણ પણ દેખાય નહીં. પ્રભુ જે ધારે તે કરી શકે. આપણને એમ થાય કે સમાધિ કેમ થતી હશે ? કોઈ ઓચિંતું મૃત્યુ પામે ત્યારે નવાત લાગે એટલી વારમાં શું થઈ ગયું ? જીવ કેમ નીકળી ગયો ? ક્યાંથી નીકળી ગયો ? જીવ કેવો હશે ? આમ નવાત લાગે, પણ ભગવાન માટે કોઈ આશ્ચર્ય કે નવાત છે જ નહિં. એને તો આ બધું સહજ છે.

જાદુગર કાગળમાંથી રૂપિયા બનાવી દે. વિગેરે વિગેર ચમત્કાર બતાવે ત્યારે આપણને નવાત લાગે કાગળમાંથી રૂપિયા કેમ બનાવતા હશે ? ત્યારે વિચાર કરો ચામડાના પૂતળાંમાં ચેતન કેમ પૂરતા હશે ? તે પૂતળું બોલતું રમતું થઈ જાય.

ભગવાન માટે અનત બ્રહ્માંડની રચના સહજ છે. ધરતીકંપ થાય ત્યારે આપણને નવાત લાગે. આટલી વિશાળ પૃથ્વી વજનદાર છતાં કત રીતે ધણધણાવી હશે ? નવાત લાગે આપણાથી પથ્થર પણ ન ઊંચો થાય અને તશ્વરે ધરતીને ઊંચી કરીને હલાવી દીધી. પણ આવી બાબત માણસોને નવાત અને આશ્ચર્યકારી લાગે. પણ ભગવાન માટે કાંઈ નવાત નથી, સહજ છે.

પોતે એક છતાં અનેક રૂપ ધારણ કરી શકે. એની ગતિને કોઈ માપી શકે નહિં. ભગવાનની ગતિને માપી ન શકાય પણ પ્રભુના પ્રતાપથી સંતોની ગતિને પણ માપી ન શકાય. નવાત લાગે અગાધ સાગર પાણીથી ભર્યો છે, તેને એક હાથની હથેળીમાં લઈને અગત્સ્ય મુનિ પી ગયા. આ શક્તિ કોની હતી ? ભગવાનની હતી. ભગવાન ધારે તો અનંત જીવોના અંત:કરણ ફરેવી શકે. ભગવાનની લીલા, ભગવાનનું સ્વરૂપ આશ્ચર્યકારી છે. આવાં કાર્યો કરતા હોવા છતાં ગર્વરહિત છે.