મંત્ર (૯૬) ૐ શ્રી મહાપુરુષાય નમઃ

Submitted by swaminarayanworld on Thu, 03/03/2016 - 7:33pm

મંત્ર (૯૬) ૐ શ્રી મહાપુરુષાય નમઃ

શતાનંદ સ્વામી કહે છે. હે પ્રભુ ! તમે મહાપુરુષ છો, તમારા સાનિધ્યને કારણે ઋષિમુનિઓ અને સંતો પણ મહાપુરુષ કહેવાય છે, તો તમે તો તેનાથી પણ વિશેષ મહાપુરુષ છો.

આ કાયાનગરમાં જે ચેતન શક્તિ છે તે આત્માની છે. તે આત્મામાં પ્રભુ રહ્યા છે તેને મહાપુરુષ શતાનંદ સ્વામી કહે છે. આવા મહાપુરુષના પ્રકાશથી આત્મા પ્રકાશિત છે, પ્રાણી માત્રમાં પરમાત્મા છે, અને તે એક હોવા છતાં બધામાં રહેલા છે. તેવા મહાપુરુષ ચેતનના પણ ચેતન છે. આત્મા એક જ નગરીમાં રહ્યો છે પણ પરમાત્મા બધી જ નગરીમાં રહ્યા છે.

ઘટ ઘટ મેં પ્રાણ, ખાલી ઘટ નહિ કોઇ.

આત્મા ચેતન છે પણ પરમાત્મા ચેતનના પણ ચેતન છે, મહા એટલે ઉત્તમ પુરુષ, ઉત્તમ પુરુષને પુરુષોત્તમ પણ કહેવાય.

હે પ્રભુ ! તમે યોગેશ્વરોથી પણ મહાન છો, તપેશ્વરોથી પણ મહાન છો, આખી દુનિયાથી પણ તમે મહાન છો. આવા મહાપુરુષ સ્વામિનારાયણ ભગવાનને વંદન કરીએ છીએ, અનતકોટી બ્રહ્માંડોના જીવાત્માઓ તમને હાથ જોડે છે. કોઇને ન નમે તે તમને તો નમે જ છે, આવા મહાપુરુષને આપણા હાથનું કાંડું સોંપીએ તો જીવન ધન્ય બની જાય, જીવન લેખે લાગે.

દીનાનાથ દયાળુ નટવર હાથ મારો મૂકશો માં, હાથ મારો મૂકશો માં, દાસ સારૂં ચૂકશો મા... દીનાનાથ૦

આ ભવસાગરે ભગવાન હું ભૂલો પડ્યો છું, ચૌદલોક નિવાસી ચપળા, કાન્ત આ તક ચૂકશો મા... દીનાનાથ૦

આધાર પ્રભુ એક આપનો, સાધન વિશે સમજુ નહિ હું; ભક્તિ તમારી ચાહું છું, ઘનશ્યામ નામ ચૂકશો માં... દીનાનાથ૦

ભગવાન આપણો હાથ ક્યારે પકડે ? આપણું અત:કરણ શુદ્ધ હોય, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર પવિત્ર હોય, સત્ત્વગુણથી ભરપૂર હોય, આત્મા જ્ઞાનને લાયક બને, ત્યારે પ્રભુ આપનો હાથ પકડે. મન મલિન હોય, ખોટા વિચારો કરતા હોય, હૃદયમાં અહંકાર ઉભરાતો હોય તો ભગવાન પકડે નહિ, જગત સંબંધી વાસના હૃદયમાં રમતી હોય તો પણ ભગવાન હાથ પકડે નહિ.

-: માનવ દેહમાંથી પશુ થવું પડ્યું :-

એક પાર્ષદ હતા, શ્રીજીમહારાજ સાથે ફરે, સેવા કરે, હજુરી તરીકે પાછળ છડી લઇને ઊભે, શ્રીજીમહારાજની મોજડી સાંચવે. આવી બધી ખૂબ સેવા કરે. નિત્ય સાક્ષાત શ્રીજીમહારાજનાં દર્શન થાય છે, છતાં પણ હૃદયમાંથી કામવાસના જતી નથી. શ્રીજીમહારાજનાં દર્શન કરવા બાઇઓ આવે ત્યારે આ હજુરી તાકી તાકીને બાઇઓને જોયા કરે, વિચાર કરો માનવ દેહે શ્રીજીમહારાજનાં દર્શન થાય છે, અખંડ જ્ઞાન ગંગામાં આત્મા સ્નાન કરે છે, કથા સાંભળે છે, કીર્તન ગાય છે, છતાં સ્ત્રી સંબંધી વાસના હૃદયમાંથી ગઇ નહિ, એમ કરતા દેહનું આયુષ્ય પુરુ થઇ ગયું. પછી તે ઘોડી થયા ઊંચે પગથિએ ચડેલો આત્મા નીચે ફેંકાઇ ગયો, માનવ દેહમાંથી પશુ થવું પડ્યું.. માટે સજાગ રહેજો.

ઘોડી મોટી થઇ, સેવાના પુણ્યથી ફરીથી ભગવાનનાં દર્શન થયાં, દાદાના દરબારમાં એ ઘોડીને એનો માલિક લઇ આવ્યો, ઘોડી એક નજરે ભગવાન સામે જુવે છે, હૃદયમાં ઘોડીને ગઈ જન્મની ખબર પડવા લાગી કે આગલા જન્મમાં ભગવાનનો પાર્ષદ હતો, અને સ્ત્રીની વાસના રહેવાથી કામ વાસના ગઇ નહિ તેથી ઘોડી થયો છું. આંખમાંથી એકધારાં આંસુ પડે છે.

ભગવાન તો બધું જાણે.. હજારો ને લાખો જન્મની ખબર ભગવાનને હોય.. તેથી સભામાં કહ્યું, ભક્તજનો ! તમે આ ઘોડીને ઓળખો છો ? ભકતોએ કહ્યું ના પ્રભુ ! અમે ક્યાંથી ઓળખીએ ? સ્વામિનારાયણ ભગવાને કહ્યું, આ અમારા હજુરી હતા, કામવાસના ગઇ નહિ, તેથી હવે ઘોડી થયા છે. માટે સાવધાન રહેજો, કામવાસના એ ભલભલાને ઊથલાવી નાખ્યા છે. આવી રીતે જો વાસના રહી જશે તો ભગવાન હાથ નહિ પકડે. એવા ગંદા જીવને ભગવાન અક્ષરધામમાં લઇ જતા નથી. ત્યાં તો ટકોરાબંધનું કામ છે. વંદે મહાપુરુષ ! તે ચરણારવિંદમ્‌

મહાપુરુષ એવા આપણા ઇષ્ટદેવના ચરણોમાં કોટી કોટી પ્રણામ.