મંત્ર (૬૩) ૐ શ્રી નિર્મત્સરાય નમઃ

Submitted by swaminarayanworld on Sun, 28/02/2016 - 5:35pm

મંત્ર (૬૩) ૐ શ્રી નિર્મત્સરાય નમઃ

શતાનંદસ્વામી કહે છે, પ્રભુ ! તમે મત્સર વિનાના છો, માની હોય તેને મત્સર ઘણો હોય, અદેખાઇ માનમાંથી આવે છે. ઊંડામાં ઊંડી ખાઇ અદેખાઇ છે. માનમાંથી મત્સરનો જન્મ થાય છે, જેના ગર્ભમાં બાળક હોય તે જ બાળકનો જન્મ આપી શકે, તેમ જેના હૃદયમાં માન હોય તેનામાં મત્સર હોય, હોય ને હોય.

-: ભગવાન પણ પૂજા કરે સંતોની :-

મત્સર અને મચ્છર બેય સરખા છે. મચ્છર ડંસ મારે તો ઊંઘ ઉડાડી દે. અને મત્સર ડંસ મારે તો જીંદગીની મઝા ઉડાડી દે. ભગવાન સ્વામિનારાયણ બેઠા હોય ને સંતની પૂજા થાય, સંતનું સન્માન થાય તો પણ ભગવાનને કાંઇ ન થાય, સર્વકાળે નિર્મત્સરી છે. ભગવાનને એમ ન થાય દુનિયામાં હું બધાથી મોટો છું દુનિયાનો રાજા છું, મારી પૂજા પહેલી થાય ને આ બધા સંતની પૂજા કેમ પહેલી કરે છે? પોતે બેઠા હોય ને બીજા સંતો મુકતાનંદસ્વામીની પૂજા કરે તો ભગવાન પોતે પણ સંતોની પૂજા કરે.

ભગવાન આપણને ઉપદેશ આપે છે કે, અદેખાઇ કરવી નહિ. ઇર્ષા કરવી નહિ, માનવ વચ્ચેના સંબંધો ઇર્ષા તોડી નાખે છે. ઇર્ષા મૂંગી છે ને નિંદા વાચાળ છે, અટલે ઇર્ષા કરતા નિંદા જલદી દેખાય છે. પરંતુ નિંદક મનુષ્ય ઇર્ષાથી ભરપૂર હોય છે. ઇર્ષાને કારણે સંતપુરુષોની નિંદા કરનાર અનેકની દુર્દશા થઇ છે.

-: આ મંત્ર વિચારણીય છે :-

દાદાના દરબારમાં શ્રીહરિ માટે સા માટે સા ઉત્સવો કરે, લાખો ભક્તજનો પ્રભુમાં દર્શન કરીને અનંદિત થઇ જાય, આનંદના સાગરમાં ઝૂલતા થાય. સર્વત્ર દિવ્યતાનું વાતાવરણ સર્જાય, પણ જીવાખાચરના હૈયામાં ઇર્ષાની સગડી સદાય ઝળઝળતી જ રહે. સાક્ષાત ભગવાનનાં દર્શન થાય છે. છતાં સ્વભાવ સુધરતો નથી, દોષ ટળતા નથી, દોષ ટાળવા માટે સ્વાભાવ સુધારવાની સમજણ જોઇએ. જીવાખાચરે શ્રીજીમહારાજને મારવા સુધીના પ્રયાસો કર્યા છે.

સૂર્ય ઊગે ત્યારે સર્વેને આનંદ થાય, પણ ઘૂવડ મનમાં મૂંઝાય. વરસાદ વરસે ત્યારે વૃક્ષવેલી પ્રફુલિત થાય, પણ જવાસો બળી જાય. તેમ ભગવાનનો અને સંતનો પ્રભાવ વધી જાય ત્યારે દુષ્ટ દિલવાળા રાગ દ્વેશની આગમાં બળી મરે.

સાધુતાની મૂર્તિ સમાન મુકતાનંદસ્વામી વડોદરાની સભામાં જીત્યા ત્યારે સ્વામિનારાયણ ભગવાને ભરી સભામાં ખૂબ પ્રશંસા કરી, ત્યારે નિર્વિકલ્પાનંદ સ્વામીના દિલમાં ઇર્ષાનો અગ્નિ સળગી ઊઠ્યો, તેથી તેની દુર્દશા થઇ, ઇર્ષા કોઇ દિવસ સવળું સૂઝવા દેતી જ નથી.

એક તપસ્વીએ ખૂબ તપ કર્યું, તેથી મહાદેવ સ્વામી પ્રસન્ન થયા, અને કહ્યું ‘‘માગો આપને શું જોઇએ છે ? હું તમારી ઉપર ખૂબ પ્રસન્ન થયો છું, તમે જે માગશોતે આપીશ, પણ તમારા પાડોશીને ડબલ આપીશ.’’ તપસ્વીને થયું તપ મેં કર્યું છે ને પાડોશી વગર મહેનતે ડબલ સુખી થાય તે કેમ સહેવાય ? માટે કાંઇક યુક્તિ કરવી પડશે.

તપસ્વી બોલ્યો, ‘‘જો તમે પાડોશીને ડબલ આપવાના હો તો મને એક આંખે આંધળો કરો, જેથી પાડોશી બેય આંખે આંધળો થાય, હું એક આંખે દેખી તો શકીશ ને ?’’ વિચાર કરો જેનાં હૈયામાં બીજાની ભલાઇ કરવાની ભાવના નથી તે તપ કરે તોય શું ? ને જપ કરે તોય શું ?

જીવનો એવો ખરાબ સ્વભાવ છે કે પોતાની પ્રગતિ જોઇને રાજી થાય અને બીજાની પડતી જોઇને ખુશ થાય. શતાનંદ સ્વામી કહે છે કે- હે પ્રભુ ! તમે બીજાની પ્રગતિ જોઇને રાજી થાઓ છો, તેથી તમારું નામ નિર્મત્સર છે.