૨૪ રાહુ વગેરે ગ્રહોની સ્થિતિ, અતલ વગેરે લોકોનું વર્ણન.

Submitted by swaminarayanworld on Thu, 25/02/2016 - 6:31pm

અધ્યાય - : - ૨૪

રાહુ વગેરે ગ્રહોની સ્થિતિ, અતલ વગેરે લોકોનું વર્ણન.

શ્રીશુકદેવજી કહે છે, હે પરીક્ષિત્‌ ! કેટલાક લોકોનું કહેવું છે કે સૂર્યથી દસ હજાર જોજન નીચે રાહુ નક્ષત્રોની જેમ ફર્યા કરે છે. તેમણે ભગવાનની કૃપાથી જ દેવત્વ અને ગ્રહત્વ પ્રાપ્ત કર્યું છે, સ્વયં આ સિંહિકાપુત્ર અસુરાધમ હોવાને કારણે કોઇ રીતે આ પદને યોગ્ય નથી. તેમનો જન્મ અને કર્મોનું વર્ણન અમે આગળ કરીશું. ૧ સૂર્યનું આ જે અત્યંત તપતું મંડળ છે, તેનો વિસ્તાર દસ હજાર જોજન બતાવવામાં આવ્યો છે. તેવી રીતે ચન્દ્રમંડળનો વિસ્તાર બાર હજાર જોજન છે અને રાહુનો તેર હજાર જોજન છે. અમૃતપાનના સમયે રાહુ દેવતાના વેષમાં સૂર્ય અને ચન્દ્રની મધ્યે આવીને બેસી ગયો હતો. તે સમયે સૂર્ય અને ચન્દ્રએ તેની સૌને જાણ કરી દીધી; તે વેરને યાદ કરીને આ અમાવાસ્યા અને પૂર્ણિમાના દિવસે તેઓના ઉપર આક્રમણ કરે છે. ૨ આ જોઇને વિષ્ણુ ભગવાને સૂર્ય-ચન્દ્રની રક્ષા માટે બન્નેની પાસે પોતાનું પ્રિય આયુધ સુદર્શન ચક્રને નિયુક્ત કર્યું છે. તે હંમેશાં કર્યા કરે છે, તેથી રાહુ તેના અસહ્ય તેજથી ઉદ્વિગ્ન અને ચકિતચિત્ત થઇને મુહૂર્તવાર તેમની સામે આવીને તરત જ પાછો ચાલ્યો જાય છે. એટલી વાર તે સૂર્ય અને ચન્દ્રની સામે રહેવાની ઘટનાને લોકો ગ્રહણ કહે છે. ૩ રાહુથી દસ હજાર જોજન નીચે સિદ્ધો, ચારણો અને વિદ્યાધરો વગેરેના સ્થાન છે. ૪ તેની નીચે જ્યાં સુધી વાયુની ગતિ છે અને વાદળ જોઇ શકાય છે, તે અંતરિક્ષ લોક છે. તે યક્ષ, રાક્ષસ, પિશાચ, પ્રેત અને ભૂતોનું વિહારસ્થળ છે.૫ તેની નીચે સો જોજન દૂર પૃથ્વી છે. જ્યાં સુધી હંસ, ગીધ, બાજ, ગરુડ વગેરે પક્ષીઓ ઊડી શકે છે, ત્યાં સુધી તેની સીમા છે. ૬ પૃથ્વીનો વિસ્તાર અને સ્થિતિ વગેરેનું વર્ણન આગળ થઇ ગયું છે. પૃથ્વીની નીચે અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ અને પાતાલ નામના સાત ભૂગર્ભસ્થિત લોક છે. આ એક-એકની નીચે એક-એક લોક દસ-દસ હજાર જોજન દૂર રહેલ છે, અને તેમની દરેકની લંબાઇ અને પહોંળાઇ પણ દસ-દસ હજાર જોજન છે.૭ આ ભૂમિના લોક પણ એક રીતે સ્વર્ગ જ છે. તેમાં સ્વર્ગથી પણ વધારે વિષયભોગ, ઐશ્વર્ય, આનંદ, સંતાનસુખ અને ધનસંપત્તિ છે. અંહીના વૈભવપૂર્ણ ભવન, ઉદ્યાન અને ક્રીડાસ્થળોમાં દૈત્યો, દાનવો અને નાગલોકો અનેક પ્રકારની માયામયી ક્રીડાઓ કરતા નિવાસ કરે છે. આ બધા ગૃહસ્થધર્મનું પાલન કરનારા છે. તેમની પત્ની, પુત્ર,બન્ધુ બાન્ધવ અને સેવકો તેમને બહુ પ્રેમ કરે છે અને હંમેશાં પ્રસન્ન ચિત્ત રહે છે. તેમના ભોગોમાં ખલેલ કરવાની હિંમત ઇન્દ્ર વગેરે દેવતાઓમાં પણ નથી. ૮ હે મહારાજ ! આ લોકોમાં મહામાયાવી મયદાનવે બનાવેલ અનેક પુરીઓ શોભાથી જગમગી રહી છે, જે અનેક પ્રકારની જાતિઓના સુંદર અને ઉત્તમ મણિયોથી રચેલ ચિત્ર-વિચિત્ર ભવન, કોટ, નગરદ્વાર, સભાખંડ, મંદિર, વિશાળ આંગણાઓ તથા જેમ નાગ અને અસુરોનાં યુગલો અને કબૂતરો, પોપટ અને મેના વગેરે પક્ષી કિલોલ કર્યા કરે છે એવી વાટિકાઓ અને તે પાતાલલોકોના અધિપતિઓના ભવ્ય ભવનો સુશોભિત છે. ૯ ત્યાંના બગીચાઓ પણ પોતાની શોભાથી દેવલોકના બગીચાઓની શોભાને પરાજિત કરે છે. તેમાં અનેક પ્રકારનાં વૃક્ષો છે, જેની સુંદર ડાળીઓ ફળ-ફૂલોનાં ગુચ્છોના અને કોમળ કૂંપળોના ભારથી નમતી રહે છે તથા જુદા-જુદા પ્રકારની લતાવેલીઓને પોતાના અંગપાશમાં બાંધી રાખ્યા છે. ત્યાં જે નિર્મળ જળથી ભરેલ અનેક જળાશયો છે. તેમની પણ અપૂર્વ શોભા છે. તેના કિનારાઓ પર જુદા-જુદા પ્રકારના પક્ષીઓનાં જોડલાંઓ વિલાસ કર્યા કરે છે. આ વૃક્ષો અને જળાશયોની શોભાથી તે ઉદ્યાનો અત્યંત શોભી રહ્યા છે. તે જળાશયોમાં રહેનાર માછલીઓ જ્યારે ક્રીડા કરતી ઊછળે છે, ત્યારે જળમાં તરંગો ઊઠે છે. અને સાથે સાથે જળની ઉપર ઊગેલ કમળ, કુમુદ, કુવલય, કહ્લાર, નીલકમળ, લાલકમળ અને શતપત્ર કમળ વગેરે સમુદાય પણ ડોલવા લાગે છે. આ કમળોના વનોમાં રહેનાર પક્ષી ક્રીડા-કૌતુક કરતાં જુદા-જુદા પ્રકારની અતિ મધુર બોલી બોલ્યા કરે છે, જેને સાંભળીને મન અને ઇન્દ્રિઓમાં ઉત્સાહ છવાઇ જાય છે. ૧૦ ત્યાં સૂર્યનો પ્રકાશ જતો નથી, તેથી દિવસ અને રાત વગેરે કાળગણનાનો પણ કોઇ પ્રશ્ન ઊભો થતો નથી. ૧૧ ત્યાંના અંધકારને મોટા-મોટા નાગોના મસ્તકોના મણિઓ જ દૂર કરી દે છે.૧૨ આ લોકોના રહેવાસીઓ જે ઔષધિ, રસ, રસાયન, અન્ન, પાન અને સ્નાન વગેરેનું સેવન કરે છે, તે સર્વે પદાર્થ દિવ્ય હોય છે; આ દિવ્ય વસ્તુઓના સેવનથી તેને માનસિક અથવા શારીરિક રોગ થતા નથી. તથા કરચલીઓ પડવી, વાળ સફેદ થઇ જવાં, વૃદ્ધાવસ્થા થવી, શરીર તેજ રહિત થઇ જવું, શરીરમાંથી દુર્ગંધ આવવી, પરસેવો નીકળવો, થાક લાગવો અને શિથિલતા આવવી તથા અવસ્થાની સાથે શરીરમાં બદલાવ આવવો આવો કોઇ પ્રકારનો શરીરમાં વિકાર થતો નથી. તે હંમેશાં સુંદર, સ્વસ્થ, યુવાન અને શક્તિ સંપન્ન રહે છે. ૧૩ તે પુણ્યપુરુષોનું ભગવાનના તેજરૂપ સુદર્શન ચક્ર સિવાય બીજા કોઇ સાધનથી મૃત્યુ થતુ નથી. ૧૪ સુદર્શન ચક્રના આવવાના ભયને કારણે અસુર રમણિઓને ગર્ભસ્રાવ અને ગર્ભપાત (આચતુર્થાદભવેત્સ્રાવઃ પાતઃ પઞ્ચમષષ્ઠયોઃ - અર્થાત્‌ ચોથા માસ સુધીમાં જે ગર્ભ પડી જાય છે તેને ‘ગર્ભસ્રાવ’ કહે છે, તથા પાંચમા કે છટ્ઠા માસમાં જે ગર્ભ પડી જાય છે તેને ‘ગર્ભપાત’ કહેવાય છે.) થઇ જાય છે. ૧૫

અતલ લોકમાં મય દાનવનો પુત્ર અસુરશ્રેષ્ઠ બલ રહે છે. તેમણે છન્નું પ્રકારની માયા રચી છે. તેમાંથી કોઇ-કોઇ આજ પણ માયાવી પુરુષોમાં જોવા મળે છે. તેમણે એકવાર બગાસું ખાધું હતું તે સમયે તેમના મુખમાંથી સ્વૈરિણી (કેવળ પોતાની જ જાતીના પુરુષોની સાથે રમણ કરનારી) કામિની (અન્ય જાતીના પુરુષો સાથે પણ સમાગમ કરનારી) અને પુંશ્ચલી (પોતાના ભાઇ કે કાકાની સાથે સંગ કરનારી) આ ત્રણ પ્રકારની સ્ત્રીઓ ઉત્પન્ન થઇ. આ તે લોકમાં રહેનાર પુરુષને હાટક નામનો રસ પિવડાવીને સંભોગ કરાવવામાં સમર્થ બનાવી લે છે. અને પછી તેની સાથે પોતાના હાવ-ભાવમયી ચિંતવન, પ્રેમમય સ્મિત, પ્રેમાલાપ અને આલિઙ્ગન વગેરે દ્વારા ઇચ્છામુજબ રમણ કરે છે. તે હાટક રસને પીને મનુષ્ય મદાન્ધ થઇ જાય છે અને પોતાને દસ હજાર હાથિઓની સમાન બળવાન માનીને ‘હું ઈશ્વર છુ’ ‘હું સિદ્ધ છું’ આ પ્રમાણે અભિમાનમાં ફૂલાઇને વાતો કરવા લાગે છે. ૧૬

અતલની નીચે વિતલ લોકમાં ભગવાન હાટકેશ્વર નામના મહાદેવજી પોતાના પાર્ષદ ભૂત ગણોની સાથે રહે છે. તે પ્રજાપતિની સૃષ્ટિની વૃદ્ધિ માટે ભવાનીની સાથે વિહાર કરે છે. તે બન્નેના તેજથી ત્યાં હાટકી નામની એક શ્રેષ્ઠ નદી ઉત્પન્ન થઇ છે. તેના જળને વાયુથી પ્રજ્વલિત અગ્નિ ઉત્સાહ પૂર્વક પીવે છે. તે જે હાટક નામનું સોનું થૂંકે છે તેનાથી બનાવાયેલ આભૂષણને દૈત્યરાજના અન્તઃપુરોમાં સ્ત્રી-પુરુષો બધા ધારણ કરે છે. ૧૭

વિતલની નીચે સુતલ લોક છે. તેમાં મહાયશસ્વી પવિત્રકીર્તિ વિરોચનપુત્ર બલિ રહે છે. ભગવાને ઇન્દ્રનું પ્રિય કરવા માટે અદિતિના ગર્ભથી વામનરૂપમાં અવતાર લઇ બલિના ત્રણે લોકને છીનવી લીધા. અને પછી ભગવાને કૃપા કરીને તેમને આ લોકમાં પ્રવેશ કરાવ્યો. અહીં તેમને જેવી ઉત્તમ સંપત્તિ મળી છે, તેવી ઇન્દ્ર વગેરે દેવતાઓની પાસે પણ નથી. તેથી તે બલિ તે પૂજ્યતમ પ્રભુની પોતાના ધર્માચરણ દ્વારા આરાધના કરતા-કરતા આજ પણ નિર્ભયતા પૂર્વક રહે છે.૧૮ હે રાજન્‌ ! સંપૂર્ણ જીવોના નિયંતા અને આત્મસ્વરૂપ એવા પરમાત્મા શ્રીવાસુદેવ ભગવાનના આવવાથી તેમને પરમ શ્રદ્ધા અને આદર સાથે સ્થિર ચિત્તથી દેવામાં આવેલ ભૂમિદાનનું આ જ મુખ્ય ફળ નથી, કે બલિને સુતલ લોકનું ઐશ્વય પ્રાપ્ત થઇ ગયું. આ ઐશ્વર્ય તો અનિત્ય છે. કિન્તુ તે ભૂમિદાન તો સાક્ષાત્‌ મોક્ષનું જ દ્વાર છે. ૧૯ પ્રયત્ન વિના અર્થાત્‌ આળસમાં બગાસું કે છીક લેતી વખતે, ચાલતી વખતે પડતાં કે લડથડાતાં વિવશ થઇને પણ જો એક વાર ભગવાનનું નામ લેવાથી પણ મનુષ્ય તરત જ કર્મબંધનને કાપી નાખે છે, જ્યારે મુમુક્ષુઓ આ કર્મબંધનને યોગસાધન વગેરે બીજા અનેક ઉપાયોનો આશ્રય લઇને મહામહેનતથી કાપી શકે છે. ૨૦ તેથી પોતાના સંયમી ભક્ત અને જ્ઞાનિઓને આત્મસ્વરૂપ પ્રદાન કરનાર અને સમસ્ત પ્રાણિઓના આત્મા શ્રીભગવાનને આત્મભાવથી કરેલ ભૂમિદાનનું આ ફળ નથી. ૨૧ ભગવાને જો બલિને આપેલ પોતાના સર્વસ્વ દાનના બદલામાં પોતાની વિસ્મૃતિ કરાવનાર આ માયામય ભોગ અને ઐશ્વર્ય જ આપ્યું હોય તો તેમની પર કોઇ અનુગ્રહ કર્યો નથી.૨૨ જ્યારે બીજો કોઇ ઉપાય ન જોઇને ભગવાને યાચનાના કપટથી તેમના ત્રણે લોકનું રાજ્ય છીનવી લીધુ અને તેમની પાસે કેવળ શરીર જ બાકી રહેવા દીધું, ત્યારે વરુણપાશથી બાંધીને પર્વતની ગુફામાં ફેંકી દેવામાં આવ્યું ત્યારે તેમને કહ્યું હતું. ૨૩ ખેદની વાત છે કે, આ ઐશ્વર્યશાળી ઇન્દ્ર વિદ્વાન્‌ હોવા છતાં પણ પોતાનો સાચો સ્વાર્થ સિદ્ધ કરવામાં કુશળ નથી. તેણે મારી પાસેનું આ સ્વર્ગનું રાજ્ય છીંનવી લેવા માટે બૃહસ્પતિને પોતાના મંત્રી બનાવ્યા; અને સ્વાર્થવશ તેમની અવગણના કરીને તેણે ભગવાન શ્રીવિષ્ણુ પાસેથી તેમની ભક્તિ ન માંગીને તેમના દ્વારા મારી પાસેથી પોતા માટે આ ભોગ જ માંગ્યા. પરંતુ ઇન્દ્રને ખબર નથી કે આ ત્રણ લોક તો કેવળ એક મંવન્તર સુધી જ રહે છે, જે અનંત કાળનો એક અવયવ માત્ર છે. ભગવાનની સેવાની આગળ આ તુચ્છ ભોગોનું શું મુલ્ય છે ?. ૨૪ અહો ! અમારા પિતામહ પ્રહ્લાદજીએ ભગવાનના હાથે પોતાના પિતા હિરણ્યકશિપુનું મરણ થયા પછી પ્રભુની સેવાનો જ વર માંગ્યો હતો. ભગવાન ભક્ત પ્રહ્લાદને રાજ્ય આપવા ઇચ્છતા હતા, તો પણ આ સર્વે ભોગો ભગવાનથી દૂર કરનાર છે, એવું સમજીને તેમણે પોતાના પિતાનું નિષ્કંટક રાજ્ય લેવાનો સ્વીકાર ન કર્યો. ૨૫ તેઓ મોટા મહાનુભાવ હતા. તેમનું અનુકરણ કરવાની પણ મારામાં બુદ્ધિ નથી, અને ભગવાનના અનુગ્રહથી પણ વંચિત છું. તો પછી મારા જેવા કોણ પુરુષ તેમની પાસે પહોંચવા માટે સાહસ કરી શકે છે ? ૨૬ હે રાજન્‌ ! આ બલિનું ચરિત્ર આગળ (આઠમા સ્કન્ધમાં) વિસ્તારથી અમે કહીશું. પોતાના ભક્તો પ્રત્યે ભગવાનનું હ્રદય દયાથી ભર્યું રહે છે. તેનાથી સમગ્ર જગતના પરમ પૂજનીય ગુરુ ભગવાન નારાયણ હાથમાં ગદા લઇને સુતલ લોકમાં રાજા બલિના દ્વારપર સદાય ઉપસ્થિત રહે છે. એકવાર દિગ્વિજય કરતો ઘમંડી રાવણ જ્યારે બલિના દરવાજે પહોંચ્યો, ત્યારે ભગવાને પોતાના ચરણારવિંદના અંગૂઠાની ઠોકરથી જ તેને લાખો જોજન દૂર ફેકી દીધો હતો. ૨૭

સુતલ લોકથી નીચે તલાતલ લોક છે. ત્યાં ત્રિપુરાધિપતિ મય નામનો દાનવરાજ રહે છે, પહેલાં ત્રણે લોકોને શાંતિ આપવા માટે ભગવાન શંકરે તેના ત્રણે પુરને બાળીને ભસ્મ કરી નાખ્યાં હતાં. પછી શંકરની જ કૃપાથી તેને આ સ્થાન મળ્યું. આ માયાવિઓનો પરમ ગુરુ છે. અને મહાદેવજી દ્વારા સુરક્ષિત છે. તેથી તેને સુદર્શન ચક્રથી પણ કોઇ ભય નથી. ત્યાંના રહેવાસી લોકો તેનો ઘણો આદર કરે છે. ૨૮ તેની નીચે મહાતલમાં કદ્રુથી ઉત્પન્ન થયેલ અનેક મસ્તકોવાળા સર્પોનો ક્રોધવશ નામનો એક સમુદાય રહે છે. તેમાં મોટી ફણાઓ વાળા કુહક, તક્ષક, કાલિય અને સુષેણ વગેરે મુખ્ય છે. તે ભગવાનનું વાહન પક્ષિરાજ ગરુડજીથી સદાય ભયભીત રહે છે; તો પણ ક્યારેક પોતાની સ્ત્રી, પુત્ર, મિત્ર અને કુટુંબના સંગથી પ્રમત્ત થઇને વિહાર કરવા લાગે છે. ૨૯ તેની નીચે રસાતલમાં પણિ નામના દૈત્યો અને દાનવો રહે છે. આ નિવાતકવચ, કાલેય અને હિરણ્યપુર વાસી પણ કહેવાય છે. તેઓ દેવતાઓથી વેર રાખે છે. અને જન્મથી જ બળવાન અને મહા સાહસી હોય છે. પરન્તુ જેનો પ્રભાવ સંપૂર્ણ લોકોમાં ફેલાયેલો છે એવો શ્રીહરિના તેજથી બળને કારણે અભિમાનમાં ચૂર્ણ થઇ જવાને કારણે તે દૂતી સરમાએ કહેલ મન્ત્રવર્ણરૂપ વાક્યને કારણે સર્વર્ંઈા ઇન્દ્રથી ભયભીત રહ્યા કરે છે. ( એક કથા આવે છે કે જ્યારે પણિ નામના દૈત્યોએ પૃથ્વીને રસાતળમાં છૂપાવી દીધી હતી, ત્યારે ઇન્દ્રએ તેને શોધવા માટે સરમા નામની એક દૂતીને મોકલી હતી. દૈત્યોએ સરમાથી સંધિ કરવાની ઇચ્છા કરી પરંતુ સરમાએ સન્ધિ ન કરીને ઇન્દ્રની સ્તુતિ કરતાં કહ્યું હતું - ‘હતા ઇન્દ્રેણ પ્રણયઃ શયધ્વમ્‌’ હે પણિઓ ! તમે ઇન્દ્રના હાથે મરીને પૃથ્વી પર સુઇ જાવો, આ શાપને કારણે તેને સદાય ઇન્દ્રથી ભય લાગ્યા કરે છે.) ૩૦

રસાતલની નીચે પાતાલ છે. ત્યાં શંખ, કુલિક, મહાશંખ, શ્વેત, ધનંજય, ધૃતરાષ્ટ્ર, શંખચૂડ, કંબલ, અશ્વતર અને દેવદત્ત વગેરે મોટા ક્રોધી અને મોટી ફણાઓ વાળા નાગો રહે છે. તેમાં વાસુકિ નાગ મુખ્ય છે. તેમાંથી કોઇકના પાંચ, કોઇકના સાત કોઇકના દસ, કોઇકના સો ફણાઓના ચમકતા મણિઓના પ્રકાશથી પાતાલ લોકના અંધકારને સંપૂર્ણ નષ્ટ કરી દે છે. ૩૧

ઇતિ શ્રીમદ્  ભાગવતે મહાપુરાણે પંચમ સ્કંધે અતલાદિ સપ્તલોક વર્ણન નામનો ચોવીશમો અધ્યાય સંપૂર્ણઃ (૨૪)