૨૦ બીજા છ દ્વીપો અને લોકાલોક પર્વતનું વર્ણન

Submitted by swaminarayanworld on Thu, 25/02/2016 - 6:26pm

અધ્યાય - : - ૨૦

બીજા છ દ્વીપો અને લોકાલોક પર્વતનું વર્ણન

શ્રીશુકદેવજી કહે છે- હે રાજન્‌ ! ભૂમિ વિસ્તારનો માપ, લક્ષણ અને સ્થિતિને અનુસારે પ્લક્ષાદિ બીજા દ્વીપોના દેશ વિભાગનું વર્ણન કરવામાં આવે છે. ૧ જેવી રીતે મેરુ પર્વત જંબૂદ્વીપથી વીંટળાયેલો છે, તેવી રીતે જંબૂદ્વીપ પણ પોતાના જ જેટલા પરિમાણ અને વિસ્તારવાળા ખારા જળના સમુદ્રથી ચારે બાજુથી વીંટળાયેલો છે. વળી જે રીતે ખાઇ બહારના ઉપવનથી વીંટળાયેલી છે, તેવી રીતે ખારો સમુદ્ર પણ પોતાથી બમણા વિસ્તારવાળા પ્લક્ષદ્વીપથી વીંટળાયેલો છે. જંબૂદ્વીપમાં જેટલું મોટું જાંબુડાનું ઝાડ છે તેટલા જ વિસ્તારવાળા અહીં સુવર્ણમય પ્લક્ષ (અંજીર) નું ઝાડ છે. તેથી આ દ્વીપનું નામ પ્લક્ષદ્વીપ પડ્યું છે. અહીં સાત જિહ્વાવાળા અગ્નિદેવ વિરાજે છે. આ દ્વીપના અધિપતિ પ્રિયવ્રતપુત્ર મહારાજ ઇધ્મજિહ્વ હતા. તેમણે આ દ્વીપને સાત ખંડોમાં વિભાજિત કર્યો અને તેને તે ખંડોના જેવા જ નામવાળા પોતાના પુત્રોને સોંપી દીધા, અને પોતે અધ્યાત્મયોગનો આશ્રય લઇને વિરક્ત થઇ ગયા. ૨ આ દેશોનાં નામ શિવ, યવસ, સુભદ્ર, શાન્ત, ક્ષેમ, અમૃત અને અભય છે. આ દેશોમાં પણ સાત પર્વતો અને સાત નદીઓ જ પ્રસિદ્ધ છે. ૩ ત્યાં મણિકૂટ, વજ્રકૂટ, ઇન્દ્રસેન,જ્યોતિષ્માન, સુપર્ણ, હિરણ્યષ્ઠીવ અને મેઘમાલ આ સાત મર્યાદાપર્વતો છે તથા અરુણા, નૃમ્ણા, આઙ્ગિરસી, સાવિત્રી, સુપ્રભાતા, ઋતંભરા અને સત્યંભરા આ સાત મહાનદીઓ છે. ત્યાં હંસ, પતઙ્ગ, ઊર્ધ્વાયન અને સત્યાઙ્ગ નામના ચાર વર્ણો છે. ઉપર જણાવેલ નદીયોના જળમાં સ્નાન કરવાથી રજોગુણ-તમોગુણ ક્ષીણ થતા રહે છે. તેમની આયુષ્ય એક હજાર વર્ષની હોય છે. તેમના શરીરમાં દેવતાઓની જેમ થાક, પરસેવો વગેરે થતાં નથી અને સંતાનોત્પત્તિ પણ તેમના જેવી જ થાય છે. આ ત્રયીવિદ્યા દ્વારા ત્રણે વેદોમાં વર્ણન કરાયેલ સ્વર્ગના દ્વારભૂત આત્મસ્વરૂપ ભગવાન સૂર્યની ઉપાસના કરે છે. ૪ તેઓ કહે છે કે ‘જેઓ સત્ય (અનુષ્ઠાનયોગ્ય ધર્મ) અને ઋૃત (પ્રતીત થનાર ધર્મ), વેદ અને શુભાશુભ ફળના અધિષ્ઠાતા છે તે પુરાણપુરુષ વિષ્ણુસ્વરૂપ ભગવાન સૂર્યના શરણમાં અમે જઇએ છીએ.’ ૫ પ્લક્ષ વગેરે પાંચ દ્વીપોમાં બધા મનુષ્યોને જન્મથી જ આયુષ્ય, ઇન્દ્રિય, મનોબળ, ઇન્દ્રિયબળ, શારીરિક બળ, બુદ્ધિ અને પરાક્રમ સમાનરૂપથી સિદ્ધ થયેલાં હોય છે. ૬ પ્લક્ષદ્વીપ પોતાના જેટલા જ વિસ્તાર વાળા ઇક્ષુરસ (શેરડીના રસ)ના સમુદ્રથી ઘેરાયેલો છે. તેનાથી આગળ તેનાથી બમણા પરિમાણ(વિસ્તાર) વાળો શાલ્મલીદ્વીપ છે, જે એટલા જ વિસ્તારવાળા મદિરાના સમુદ્રથી ઘેરાયેલો છે. ૭ આ શાલ્મલીદ્વીપમાં પ્લક્ષદ્વીપના પ્લક્ષ ઝાડના જેવડું જ શાલ્મલીનું ઝાડ છે. કહેવાય છે કે, આ જ ઝાડ પોતાની વેદમય પાંખોથી ભગવાનની સ્તુતિ કરનાર પક્ષિરાજ ભગવાન ગરુડનું નિવાસસ્થાન છે તથા આ વૃક્ષ આ દ્વીપના નામ કરણમાં હેતુભૂત છે. ૮ આ દ્વીપના અધિપતિ પ્રિયવ્રતપુત્ર મહારાજ યજ્ઞબાહુ હતા. તેઓ તેવાજ તેમના સુરોચન, સૌમનસ્ય, રમણક, દેવવર્ષ, પારિભદ્ર, આપ્યાયન અને અવિજ્ઞાત નામાના સાત વિભાગ કર્યા અને તેઓને એ જ નામવાળા પોતાના પુત્રોને સોંપી દીધા. ૯ તેમાં પણ સાત વર્ષ, પર્વત અને સાત નદીઓ પ્રસિદ્ધ છે. પર્વતોનાં નામ આ પ્રમાણે છે સ્વરસ, શતશૃઙ્ગ, વામદેવ, કુંદ, મુકુંદ, પુષ્પવર્ષ અને સહસ્રશ્રુતિ છે તથા નદીઓ આ પ્રમાણે છે, અનુમતિ, સિનીવાલી, સરસ્વતી, કુહૂ, રજની, નર્ન્ંઈા અને રાકા છે,૧૦ આ દેશોમાં રહેનાર શ્રુતધર, વીર્યધર, વસુંધર અને ઇષન્ધર નામના ચાર વર્ણ વેદમય આત્મસ્વરૂપ ભગવાન ચન્દ્રમાની વેદમંત્રોથી ઉપાસના કરે છે. ૧૧ તેઓ પ્રાર્થના કરતા કહે છે ‘ જે કૃષ્ણપક્ષ અને શુક્લપક્ષમાં પોતાના કિરણોથી વિભાજન કરીને દેવતાઓ, પિતૃઓ અને સમસ્ત પ્રાણિઓને અન્ન આપે છે, તે ચંદ્રદેવ અમારું મનોરંજન કરનારા રાજા થાઓ. ૧૨

આ પ્રમાણે મદિરાના સમુદ્રથી આગળ તેનાથી બમણા પરિમાણવાળો કુશદ્વીપ છે. પહેલાં કહેલ દ્વીપની સમાન આ પણ પોતાના જ જેટલા વિસ્તારવાળા ઘૃત(ઘી)ના સમુદ્રથી વીંટળાયેલો છે. આ દ્વીપમાં ભગવાને રચેલું એક કુશનું ઝાડ છે, તેના નામથી આ દ્વીપનું નામ પ્રસિદ્ધ થયેલું છે, તે બીજા અગ્નિદેવ જેવું જ કુશ ઝાડ પોતાની કોમળ શિખાઓની કાન્તિથી બધી દિશાઓને પ્રકાશિત કરતું રહે છે.૧૩ હે રાજન્‌ ! આ દ્વીપના અધિપતિ પ્રિયવ્રતપુત્ર મહારાજ હિરણ્યરેત હતા. તેમણે આ દ્વીપના સાત વિભાગ કરીને તેમાંનો એક-એક વિભાગ પોતાના સાત પુત્રો વસુ, વર્સુંઈાન, દૃઢરુચિ, નાભિગુપ્ત, સ્તુત્યવ્રત, વિવિક્ત અને વામદેવને આપી દીધા અને પોતે તપ કરવા નિકળી ગયા.૧૪ તેમની સીમાઓ નક્કી કરનાર સાત પર્વતો છે અને સાત નદીઓ છે. પર્વતોનાં નામ આ પ્રમાણે છે - ચક્ર,ચતુઃશૃઙ્ગ, કપિલ, ચિત્રકૂટ, દેવાનીક, ઊર્ધ્વરોમા અને દ્રવિણ છે. નદીઓનાં નામ આ પ્રમાણે છે, રસકુલ્યા, મધુકુલ્યા, મિત્રવિંદા, શ્રુતવિંદા, દેવગર્ભા, ઘૃતચ્યુતા અને મંત્રમાલા ૧૫ આ નદીઓના જળમાં સ્નાન કરીને કુશદ્વીપવાસીઓ કુશળ, કોવિદ, અભિયુક્ત અને કુલક વર્ણના પુરુષ અગ્નિસ્વરૂપ ભગવાન શ્રીહરિનું યજ્ઞ વગેરે કર્મ કૌશલના દ્વારા પૂજન કરે છે. અને આ પ્રમાણે સ્તુતિ કરે છે. ૧૬ “હે અગ્નિદેવ ! તમે પરબ્રહ્મને પ્રત્યક્ષ હવિ પહોંચાડનાર છો; તેથી ભગવાનના અઙ્ગભૂત દેવતાઓનું યજન કરીને તમે તે પરમપુરુષનું યજન કરો.” ૧૭

હે રાજન્‌ !પછી ઘીના સમુદ્રની આગળ તેનાથી બમણા પરિમાણવાળો ક્રૌંચદ્વીપ છે. જેવી રીતે કુશદ્વીપ ઘીના સમુદ્રથી ઘેરાયેલો છે, તેવી રીતે આ પોતાના જેવડા વિસ્તારવાળા દૂધના સમુદ્રથી ઘેરાયેલો છે. આહીં ક્રૌંચ નામનો એક બહું મોટો પર્વત છે, તેને કારણે આ દ્વીપનું નામ કૌંચદ્વીપ પડ્યું છે. ૧૮ પૂર્વે શ્રીસ્વામિકાર્તિકેયજીના શસ્ત્રપ્રહારથી આનો કટિભાગ અને લતા, નિકુંજ વગેરે ક્ષત વિક્ષત થઇ ગયો હતો, કિન્તુ ક્ષીરસમુદ્ર વડે સીંચવાથી વરુણદેવ વડે સુરક્ષિત થવાથી આ ફરી નિર્ભય થઇ ગયો. ૧૯ આ દ્વીપના અધિપતિ પ્રિયવ્રતપુત્ર મહારાજ ઘૃતપૃષ્ઠ હતા. તે બહું મોટા જ્ઞાની હતા. તેઓએ આ દ્વીપને સાત દેશોમાં વિભાજન કરીને તેના જ જેવા નામવાળા પોતાના સાત ઉત્તરાધિકારી પુત્રોને નિયુક્ત કર્યા અને પોતે સમગ્ર જીવપ્રાણીના અંતરાત્મા, પરમ મંગલમય કીર્તિશાળી ભગવાન શ્રીહરિના પાવન ચરણકમળનું શરણું લીધું. ૨૦ મહારાજ ઘૃતપૃષ્ઠના આમ, મધુરુહ, મેઘપૃષ્ઠ, સુધામા, ભ્રાજિષ્ઠ, લોહિતાર્ણ અને વનસ્પતિ આ સાત પુત્રો હતા. તેમના દેશોમાં પણ સાત ખંડો, પર્વતો અને સાત નદીઓ કહેવામાં આવે છે. પર્વતોનાં નામ આ પ્રમાણે છે - શુક્લ, વર્ધમાન, ભોજન, ઉપબર્હિણ, નંદ, નંદન અને સર્વતોભદ્ર છે તથા નદીઓનાં નામ આ પ્રમાણે છે - અભયા, અમૃતૌઘા, આર્યકા, તીર્થવતી, વૃત્તિરૂપવતી, પવિત્રવતી, અને શુક્લા. ૨૧ આ નદીઓનું પવિત્ર અને નિર્મળ જળનું સેવન કરનાર ત્યાંના પુરુષ, ઋષભ, દ્રવિણ અને દેવક નામના ચાર વર્ણવાળા નિવાસી જળથી ભરાયેલ અંજલીઓ દ્વારા આપોદેવતા જળના દેવતાની ઉપાસના કરે છે. ૨૨ (અને પ્રાર્થના કરે છે) હે જળના દેવતા ! તમને પરમાત્મા પાસેથી સામર્થ્ય પ્રાપ્ત છે. તમે ભૂઃ ભુવઃ અને સ્વઃ આ ત્રણે લોકોને પવિત્ર કરો છો; તેથી તમે સ્વરૂપથી જ પાપોનો નાશ કરનાર છો. અમે અમારાં શરીરથી તમારો સ્પર્શ કરીએ છીએ, તમે અમારા અંગોને પવિત્ર કરો. ૨૩

આ પ્રમાણે ક્ષીરસમુદ્રની આગળ તેની ચારે બાજુ બત્રીસ લાખ જોજન વિસ્તારવાળો શાકદ્વીપ છે, જે પોતાના જ જેટલા વિસ્તારવાળા દહીંના સમુદ્રથી ઘેરાયેલ છે. એમાં શાક નામનું એક બહું મોટું વૃક્ષ છે, તે જ આ દ્વીપના નામનું કારણ છે. તેની અત્યંત મનોહર સુગંધથી સમગ્ર દ્વીપ સુગંધિત રહે છે.૨૪ મેધાતિથિ નામના તેના અધિપતિ પણ રાજા પ્રિયવ્રતનો જ પુત્ર હતો. તેમણે પણ પોતાના દ્વીપને સાત ખંડોમાં વિભાજિત કર્યો અને તેમાં તેવાજ નામ વાળા પોતાના પુત્રો પુરોજવ, મનોજવ, પવમાન, ધૂમ્રાનીક, ચિત્રરેફ, બહુરૂપ, અને વિશ્વધારને અધિપતિ બનાવ્યા. અને સ્વયં ભગવાન અનંતમાં દત્તચિત થઇ તપોવનમાં ચાલ્યા ગયા. ૨૫ આ ખંડોમાં પણ સાત મર્યાદા પર્વતો અને સાત નદીઓ જ છે. પર્વતોનાં નામ આ પ્રમાણે છે, ઈશાન, ઉરુશૃઙ્ગ, બલભદ્ર, શતકેસર, સહસ્રસ્રોત, દેવપાલ અને મહાનસ છે તથા નદીઓનાં નામ આ પ્રમાણે છે - અનઘા, આયુર્દા, ઉભયસ્પૃષ્ટિ, અપરાજિતા, પઞ્ચપદી, સહસ્રશ્રુતિ અને નિજધૃતિ છે. ૨૬ તે ખંડના ઋતવ્રત, સત્યવ્રત, દાનવ્રત અને અનુવ્રત નામના પુરુષો પ્રાણાયામ દ્વારા પોતાના રજોગુણ, તમોગુણને ક્ષીણ કરીને મહાન સમાધિ દ્વારા વાયુરૂપ શ્રીહરિની આરાધના કરે છે. તથા આ પ્રમાણે તેની સ્તુતિ કરે છે. ૨૭ ‘જે પ્રાણ વગેરે વૃત્તિરૂપ પોતાની ધ્વજાઓ સહિત પ્રાણિઓની અંદર પ્રવેશ કરીને તેનું પાલન કરે છે તથા સંપૂર્ણ દેખાતું આ જગત જેને આધીન છે, તે સાક્ષાત્‌ અંતર્યામી વાયુ ભગવાન અમારી રક્ષા કરો. ૨૮

આ પ્રમાણે દહીંના સમુદ્રની આગળ તેની ચારે બાજું તેનાથી બમણા વિસ્તારવાળા પુષ્કરદ્વીપ છે. તે ચારે બાજુથી પોતાના જ જેટલા વિસ્તારવાળા મીઠા જળના સમુદ્રથી ઘેરાયેલ છે. ત્યાં અગ્નિની શિખાની સમાન દેઈીપ્યમાન સ્વર્ણમય લાખો પાંખડીઓવાળું એક ઘણું મોટું પુષ્કર કમળ છે, જે બ્રહ્માજીનું આસન માનવામાં આવે છે. ૨૯ તે દ્વીપના વચ્ચોવચ્ચ તેના પૂર્વ અને પશ્ચિમ વિભાગની સીમાઓ નક્કી કરનાર માનસોત્તર નામનો એક પર્વત છે. તે દશ હજાર જોજન ઊંચો અને એટલો જ લાંબો છે. તેની ઉપર ચારે દિશાઓમાં ઇન્દ્ર વગેરે લોકપાલોની ચાર પુરીઓ છે. તેની ઉપર મેરુપર્વતની ચારે બાજું ફરનાર સૂર્યના રથનું સંવત્સરરૂપ પૈડું દેવતાઓનો દિવસ અને રાત અર્થાત્‌ ઉત્તરાયણ અને દક્ષિણાયનના ક્રમથી સદાય ફર્યા કરે છે.૩૦ તે દ્વીપના અધિપતિ પ્રિયવ્રતપુત્ર વીતિહોત્ર પણ પોતાના પુત્ર રમણક અને ધાતકિને બન્ને ખંડના અધિપતિ  બનાવીને પોતે પોતાના મોટા ભાઇની જેમ ભગવાનની સેવામાં જ તત્પર રહેવા લાગ્યા હતા. ૩૧ ત્યાંના નિવાસી બ્રહ્મારૂપ ભગવાન શ્રીહરિની બ્રહ્મસાલોક્ય વગેરે પ્રાપ્તિ કરાવનાર કર્મોથી આરાધના કરતા આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. ૩૨ ‘જે સાક્ષાત્‌ કર્મફળરૂપ છે અને એક પરમેશ્વરમાં જ જેમની પૂર્ણ સ્થિતિ છે તથા જેની સર્વે લોકો પૂજા કરે છે, બ્રહ્મજ્ઞાનના સાધનરૂપ તે અદ્વિતીય અને શાંતસ્વરૂપ બ્રહ્મમૂર્તિ ભગવાનને મારા નમસ્કાર છે.’ ૩૩

શ્રીશુકદેવજી કહે છે- હે રાજન્‌ ! તેની આગળ લોકાલોક નામનો પર્વત છે. તે પૃથ્વીની બધી બાજુ સૂર્ય દ્વારા પ્રકાશિત અને અપ્રકાશિત પ્રદેશની વચ્ચે તેનું વિભાજન કરવા માટે ઊભો છે. ૩૪ મેરુથી લઇને માનસોત્તર પર્વત સુધી જેટલું અંતર છે, તેટલી જ ભૂમિ શુદ્ધોદક સમુદ્રની સામે પાર છે. તેની આગળ સુવર્ણમયી ભૂમિ છે, જે દર્પણની જેમ સ્વચ્છ છે. તેમાં પડેલી કોઇ પણ વસ્તુ પાછી મળતી નથી, તેથી દેવતાઓ સિવાય બીજા કોઇ પ્રાણિઓ રહેતાં નથી. ૩૫ લોકાલોક પર્વત સૂર્ય પ્રકાશિત અને અપ્રકાશિત ભૂભાગના વચ્ચમાં છે, એનાથી તેનું આ નામ પડ્યું છે.૩૬ આને પરમાત્માએ ત્રિલોકની બહાર તેની ચારે બાજુ સીમાના રૂપમાં સ્થાપિત કર્યો છે. એ એટલો ઊંચો અને લાંબો છે કે આની એક બાજુથી ત્રણે લોકોને પ્રકાશિત કરનારાં સૂર્યના કિરણોથી માંડીને ધ્રુવ સુધી સમસ્ત જ્યોતિર્મંડળના કિરણો બીજી બાજુ જઇ શકતાં નથી.૩૭

વિદ્વાનોએ પ્રમાણ, લક્ષણ અને સ્થિતિને અનુસારે બધા લોકોનો એટલો જ વિસ્તાર બતાવ્યો છે. આ સમગ્ર ભૂગોળ પચાસ કરોડ જોજન છે. આનો ચોથો ભાગ (અર્થાત્‌ સાડા બાર કરોડ જોજન વિસ્તારવાળો) આ લોકાલોકપર્વત છે. ૩૮ એમની ઉપર ચારે દિશાઓમાં સમસ્ત સંસારના ગુરુ સ્વયંભૂ શ્રીબ્રહ્માજીએ સર્વે જીવપ્રાણિમાત્રની રક્ષા માટે ઋષભ, પુષ્કરચૂડ, વામન અને અપારજિત નામના ચાર ગજરાજ નિયુક્ત કર્યા છે. ૩૯ આ દિગ્ગજોની અને પોતાના અંશસ્વરૂપ ઇન્દ્ર વગેરે લોકપાલોની વિવિધ શક્તિની વૃદ્ધિ ત્યાંના સમસ્ત લોકોના કલ્યાણ માટે પરમ ઐશ્વર્યના અધિપતિ સર્વાન્તર્યામી પરમ પુરુષ શ્રીહરિ પોતાના વિશ્વક્સેન વગેરે પાર્ષદો સહિત આ પર્વત ઉપર વિરાજે છે. તે પોતાના વિશુદ્ધ સત્ત્વ શ્રીવિગ્રહને જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ઐશ્વર્ય વગેરે આઠ મહાસિદ્ધિઓથી યુક્ત છે તેને ધારણ કરી રહ્યા છે. તેમના કરકમળોમાં શંખ-ચક્ર વગેરે આયુધ સુશોભિત છે. ૪૦ આ પ્રમાણે પોતાની યોગ માયાથી રચેલા જુદા જુદા ભુવનોની વ્યવસ્થાને સુરક્ષિત રાખવા માટે લીલામય રૂપે કલ્પના અંતસુધી ત્યાં રહે છે. ૪૧ લોકાલોકના અંતર્વર્તી ભૂભાગનો જેટલો વિસ્તાર છે, તેટલો જ બીજી બાજુ અલોક પ્રદેશનો વિસ્તાર પણ છે, એવું સમજી લેવું જોઇએ. તેની આગળ તો કેવળ યોગેશ્વરોની જ બરાબર ગતિ થઇ શકે.૪૨ હે રાજન્‌ ! સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચે જે બ્રહ્માંડનું કેન્દ્ર છે, તે જ સૂર્યની સ્થિતિ છે. સૂર્ય અને બ્રહ્માંડગોલકની વચ્ચે સર્વે બાજુથી પચીસ કરોડ જોજનનું અંતર છે. ૪૩ સૂર્ય આ મૃત અર્થાત્‌ મરેલ અણ્ડમાં વૈરાજરૂપે વિરાજમાન છે, તેનાથી તેનું નામ ‘માર્ત્તણ્ડ’ થયું છે. આ હિરણ્યમય બ્રહ્માંડથી પ્રગટ થયેલા છે, તેથી તેને ‘હિરણ્યગર્ભ’ પણ કહે છે.૪૪ સૂર્યદ્વારા જ દિશા, આકાશ, દ્યુલોક (અન્તરિક્ષલોક), ભૂર્લોક, સ્વર્ગ અને મોક્ષનો પ્રદેશ, નરક અને રસાતલ તથા અન્ય સમસ્ત ભાગોનો વિભાગ નક્કી થાય છે.૪૫ સૂર્ય જ દેવતા, તિર્યક્‌, મનુષ્ય, સરીસૃપ અને વેલી વૃક્ષ વગેરે સમસ્ત જીવપ્રાણિઓના આત્મા અને નેત્રેન્દ્રિયના અધિષ્ઠાતા છે. ૪૬

ઇતિ શ્રીમદ્  ભાગવતે મહાપુરાણે પંચમ સ્કંધે ભુવનકોશ વર્ણન નામનો વીશમો અધ્યાય સંપૂર્ણઃ (૨૦)