૮૦ દ્વારકા પધારેલા બાળમિત્ર સુદામાને હર્ષવડે પૂર્વની કથા પૂછતા ભગવાન શ્રીકૃષ્ણ.

Submitted by swaminarayanworld on Fri, 19/02/2016 - 7:59pm

અધ્યાય ૮૦

દ્વારકા પધારેલા બાળમિત્ર સુદામાને હર્ષવડે પૂર્વની કથા પૂછતા ભગવાન શ્રીકૃષ્ણ.

પરીક્ષિત રાજા પૂછે છે હે મહારાજ ! હે પ્રભુ ! અનંત પરાક્રમવાળા મહાત્મા શ્રીકૃષ્ણનાં બીજાં પરાક્રમોનું પણ શ્રવણ કરવાને ઇચ્છીએ છીએ.૧ હે બ્રાહ્મણ ! એકવાર ભગવાનની મનોહર કથા સાંભળીને તેના સારને જાણનાર, શબ્દાદિક વિષયોને શોધવા વડે ખેદ પામેલો કયો પુરુષ તે કથાઓથી વિરામ પામે ?૨ જેથી ભગવાનના ગુણ ગવાય, તે જ વાણી સફળ છે; જેથી ભગવાનની સેવા થાય તે જ હાથ સફળ છે; જેથી સ્થાવર જંગમમાં રહેનાર ભગવાનનું સ્મરણ થાય તે જ મન સફળ છે; જેથી ભગવાનની પવિત્ર કથા સંભળાય તે જ કાન સફળ છે; જેથી ભગવાનની મૂર્તિને પ્રણામ થાય તે જ માથું સફળ છે; અને જેથી ભગવાનના અને ભગવાનના ભક્તોનાં ચરણોદકનું નિરંતર સેવન થાય તે જ અંગ સફળ છે.૩-૪

સૂત શૌનકને કહે છે આ પ્રમાણે પરીક્ષિત રાજાએ પૂછતાં જેમનું હૃદય ભગવાનમાં મગ્ન થઇ ગયું, એવા શુકદેવજી આ પ્રમાણે બોલ્યા.૫

શુકદેવજી કહે છે શ્રીકૃષ્ણનો સખા કોઇ સુદામા બ્રાહ્મણ હતો. એ બ્રાહ્મણ મોટો બ્રહ્મવેત્તા, વિષયોમાં વૈરાગ્યવાળો, શાંત અંત:કરણવાળો, જિતેન્દ્રિય, યદૃચ્છાથી જે મળે તેથી નિર્વાહ ચલાવનાર અને ગૃહસ્થાશ્રમી હતો. જૂનાં કપડાં પહેરનાર એ સુદામા બ્રાહ્મણની સ્ત્રી પણ જૂનાં કપડાં પહેરનારી, ભૂખથી દુબળી અને પતિવ્રતા હતી. દરિદ્ર અને પીડા પામતી એ પતિવ્રતા સ્ત્રી કરમાયેલા મોઢે ધ્રૂજતી ધ્રૂજતી આવીને પતિ પાસે બોલી કે ‘‘હે મહારાજ ! બ્રાહ્મણોને માનનાર, શરણાગતનું રક્ષણ કરનાર, યાદવોમાં ઉત્તમ અને સાક્ષાત લક્ષ્મીના પતિ શ્રીકૃષ્ણ ભગવાન તમારા સખા છે.૬-૯ માટે સાધુપુરુષોના મોટા શરણરૂપ એ શ્રીકૃષ્ણની પાસે જાઓ અને જશો તો જે તમે પીડાતાં અને કુટુંબી ગૃહસ્થ છો તે તમને ઘણું ધન આપશે.૧૦ એ ભગવાન હમણાં દ્વારકામાં છે અને જે પોતાના ચરણકમળનું સ્મરણ કરે તેને પોતાનું સ્વરૂપ પણ આપે છે. એ ભગવાન ભોજ, વૃષ્ણિ અને અંધક કુળના અધિપતિ છે, એ તમને ધન આપશે.૧૧ હમણાં ભગવાન જોકે પોતાને અર્થ અને વિષય ભોગ બહુ પ્યારા નથી, તોપણ તેઓને સેવે છે, માટે તમને પણ આપશે’’ આવી રીતે સ્ત્રીએ કોમળ રીતે ઘણી ઘણી વાર પ્રાર્થના કરતાં ભગવાનનું દર્શન થશે એજ મોટો લાભ છે, એમ મનમાં વિચારી ભગવાનની પાસે જવાનું તેમણે મન કર્યું. પછી એ સુદામા બ્રાહ્મણે સ્ત્રીને કહ્યું કે ‘‘હે કલ્યાણી ! ઘરમાં કાંઇ ભેટ લઇ જવા જેવું છે ? હોય તો આપ.’’૧૨-૧૩ પછી તે બ્રાહ્મણીએ ચાર મૂઠી પૌંવા માગી આવીને તે પૌંવાને કપડાના કટકામાં બાંધી પોતાના સ્વામીને ભેટ સારુ આપ્યા.૧૪ એ પૌંવા લઇ ‘‘મને ભગવાનનું દર્શન શી રીતે થાય ?’’ એમ વિચાર કરતો કરતો તે સુદામા બ્રાહ્મણ દ્વારકામાં ગયો.૧૫ સ્વધર્મ પાળનારા અને બીજા કોઇથી પાસે પણ ન જવાય એવા અંધક અને વૃષ્ણિ કુળના યાદવોનાં ઘરોની વચ્ચે તે બ્રાહ્મણ ત્રણ સૈનિકોની છાવણીઓ અને ત્રણ પેઢીઓને ઉલ્લંઘીને ભગવાનની સોળહજાર સ્ત્રીઓમાંથી એક સ્ત્રીના સુંદર ઘરમાં ગયો, અને ત્યાં જઇને તેને બ્રહ્માનંદ જેવું સુખ મળ્યું.૧૬-૧૭ પ્યારીના પલંગ પર બેઠેલા ભગવાને દૂરથી તે સુદામા બ્રાહ્મણને જોઇ, તરત ઊઠી સામા આવીને પ્રીતિથી બે હાથવતે તેનું આલિંગન કર્યું.૧૮ પોતાના પ્રિયમિત્ર એ સુદામાના શરીરનો સ્પર્શ મળવાથી બહુ જ સુખ પામેલા ભગવાન પ્રીતિને લીધે નેત્રમાંથી આંસુ પાડવા લાગ્યા.૧૯ પછી તે મિત્ર બ્રાહ્મણને પલંગ પર બેસાડી, પૂજાનો સામાન પોતાના હાથથી લાવીને ભગવાને તેના પગ ધોયા, અને પોતે લોકપાવન છતાં પણ એ પગ ધોયાનું જળ માથે ચઢાવ્યું. ચંદનાદિકથી બનાવેલ દિવ્ય ગંધ, અગરુ અને કુંકુમનું તેના શરીર પર લેપન કર્યું.૨૦-૨૧ સુગંધી ધૂપ અને દીપમાળાથી પ્રીતિપૂર્વક તેનું પૂજન કરી, તાંબૂલ તથા ગાયનું નિવેદન કરીને ‘‘ભલે આવ્યા’’ એમ કહ્યું.૨૨ પછી એ સુદામાને ભગવાનની સ્ત્રી રુક્મિણી ચામર લઇને પવન ઢોળવા લાગ્યાં.૨૩ નિર્મળ કીર્તિવાળા શ્રીકૃષ્ણે બહુ પ્રીતિથી તે સુદામા બ્રાહ્મણનો સત્કાર કરેલો જોઇ અંત:પુરના લોકો વિસ્મય પામી ગયા.૨૪ એ લોકોને વિસ્મય થયો કે નિર્ધન, અધમ, નિંદિત, લક્ષ્મી રહિત અને મેલા આ ભિખારીએ આ લોકમાં શું પુણ્ય કર્યું હશે ? કે જે પુણ્યના પ્રભાવથી, ત્રિલોકીના ગુરુ અને લક્ષ્મીના નિવાસરૂપ ભગવાને માન આપ્યું તથા પલંગ પર બેઠેલાં રુક્મિણીને મૂકીને મોટા ભાઇનું જેમ આલિંગન કરે તેમ આલિંગન કર્યું.૨૫-૨૬ હે રાજા ! પછી એ ભગવાન અને સુદામા બ્રાહ્મણ એક બીજાના હાથ પકડીને આગળમાં પોતે ગુરુને ઘેર રહ્યા હતા તે સંબંધી સુંદર વાતો કરવા લાગ્યા.૨૭

ભગવાન કહે છે હે મહારાજ ! હે ધર્મને જાણનાર ! તમે ગુરુ દક્ષિણા આપી ગુરુને ઘેરથી આવીને જોઇએ તેવી સ્ત્રી પરણ્યા છો કે નહીં ?૨૮ હે વિદ્વન્‌ ! ત્યારે હું ધારું છું કે ઘરમાં ઘણું કરીને તમારું ચિત્ત વિષયોમાં લંપટ નહીં થતુ હોય અને તમને વસ્ત્રાદિક ધન ઉપર પણ રુચિ નહીં હોય ! વિદ્વાનને આ પ્રમાણે જ રાખવું ઘટે છે.૨૯ ઇશ્વરની માયાથી રચાએલ વિષય વાસનાઓનો ત્યાગ કરતા કેટલાએક પુરુષો મારી પેઠે લોકમર્યાદા સારુ કામનાઓથી ચિત્ત નહીં ખેંચાયા છતાં પણ કર્મ કરે છે.૩૦ હે મહારાજ ! આપણે ગુરુને ઘેર સાથે રહ્યા હતા એ વાતનું તમને સ્મરણ છે ? કે જ્યાં રહેવાથી આત્માનું તત્ત્વ જાણીને દ્વિજલોકો સંસારનો પાર પામે છે.૩૧ જેથી જન્મ મળ્યો છે તે પિતા આલોકમાં પહેલો ગુરુ છે, દ્વિજલોકોને ઉપનયન સંસ્કાર આપીને જે વેદ ભણાવે છે તે બીજો ગુરુ છે, અને આશ્રમવાળાઓને જે બ્રહ્મવિદ્યા આપે છે તે ત્રીજો ગુરુ છે. આ ત્રણ ગુરુઓમાં પહેલો પૂજ્ય છે, બીજો પૂજ્યતર છે અને ત્રીજો તો સાક્ષાત મારી પેઠે પૂજ્યતમ છે.૩૨ હે બ્રાહ્મણ! આ મનુષ્ય જન્મમાં વર્ણાશ્રમવાળા જે પુરુષો જ્ઞાન આપનાર ગુરુ કે જે મારું રૂપ છે, તેના ઉપદેશ માત્રથી અનાયાસે સંસારરૂપી સમુદ્રને તરે છે તેઓને પોતાનો અર્થ સાધવામાં ચતુર સમજવા.૩૩ સર્વે પદર્થોનો આત્મા હું ગુરુ સેવાથી જેવો પ્રસન્ન થાઉં છું તેવો યજ્ઞ, બ્રહ્મચર્ય, વાનપ્રસ્થના ધર્મ કે સંન્યાસીના ધર્મથી પ્રસન્ન થતો નથી.૩૪ હે બ્રાહ્મણ ! આ પ્રમાણે ગુરુને ઘેર રહેતા તે સમયમાં ગુરુની સ્ત્રીએ આપણને એક દિવસ લાકડાં લેવા મોકલતાં દૈવગતિથી જે કાંઇ થયું હતું તે તમને સાંભરે છે ?૩૫ લાકડાં લેવા સારુ આપણે મોટા વનમાં પેઠા હતા, ત્યાં ઋતુ વિના પણ અતિતીવ્ર વાયુ અને વરસાદ થયા હતા તથા કઠોર ગર્જના થવા લાગી હતી.૩૬ થોડીવારમાં સૂર્ય આથમી ગયો, અંધારાંથી દિશાઓ ઘેરાઇ ગઇ અને સર્વ જળમય થઇ જવાથી, નીચું કે ઊંચું સ્થળ કાંઇ પણ જાણવામાં આવતુ ન હતું.૩૭ જળમય થઇ ગયેલા તે વનમાં ભારે પવન અને પાણીથી વારંવાર પીડા પામતા, દિશાઓને નહીં જાણતા અને આતુર થયેલા આપણે એક બીજાના હાથ પકડીને લાકડાંની ભારીઓ ઉપાડી રહ્યા હતા.૩૮ આ વાત જાણી સૂર્યોદય થયા પછી સાંદીપનિ ગુરુ આપણને શોધતા શોધતા આવ્યા, તેમણે આતુર થયેલા વિદ્યાર્થીએવા આપણને દીઠા. અને તેમણે કહ્યું કે ‘‘અહો ! હે દીકરાઓ ! આ દેહ કે જે પ્રાણીઓને બહુ જ પ્યારો છે. તેનો અનાદર કરી મારી સેવા કરનારા તમે મારે માટે બહુ જ દુઃખી થયા.૩૯-૪૦ જે દેહથી સર્વપુરુષાર્થ પ્રાપ્ત થાય છે, તે દેહને સદ્‌ભાવથી ગુરુને અર્પણ કરવો એટલો જ સારા શિષ્યોએ ગુરુનો પ્રત્યુપકાર કરવાનો છે.૪૧ ‘‘હે ઉત્તમ દ્વિજો ! હું તમારી ઉપર પ્રસન્ન થયો છું. આલોક અને પરલોકમાં તમારા મનોરથ સફળ થજો અને મારી પાસેથી શીખેલા વેદ સાર ભરેલા થજો.’’૪૨ આપણે ગુરુને ઘેર રહેતા હતા ત્યાં આવા પ્રકારનાં ઘણાં વૃત્તાંત થયાં હતાં તે તમને યાદ છે ? ગુરુના અનુગ્રહથી જ પુરુષ શાંતિને પરિપૂર્ણ રીતે પામે છે.૪૩ બ્રાહ્મણ કહે છે હે દેવના દેવ ! હે જગતના ગુરુ ! અમે કે જેઓને સત્યસંકલ્પવાળા આપની સાથે ગુરુને ઘેર રહેવાનું થયું હતું તેઓને શું અપૂર્ણ હોય ?૪૪ હે વિભુ ! કલ્યાણોની ઉત્પત્તિનું સ્થાનક વેદરૂપ બ્રહ્મ જેની મૂર્તિરૂપ છે, તે આપ ગુરુને ઘેર રહ્યા હતા એતો અત્યંત મનુષ્યલીલાના અનુકરણ માત્ર છે.૪૫

ઇતિ શ્રીમદ્‌ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો એંશીમો અધ્યાય સંપૂર્ણ.