૭૮ શ્રીકૃષ્ણે દંતવક્ત્ર તથા વિદૂરથને માર્યા અને બળદેવજીએ રોમહર્ષણને માર્યો.

Submitted by swaminarayanworld on Fri, 19/02/2016 - 7:57pm

અધ્યાય ૭૮

શ્રીકૃષ્ણે દંતવક્ત્ર તથા વિદૂરથને માર્યા અને બળદેવજીએ રોમહર્ષણને માર્યો.

શુકદેવજી કહે છે હે રાજા ! શિશુપાળ, શાલ્વ અને પૌંડ્રક કે જેઓ મરણ પામ્યા હતા તેઓનો પરોક્ષ સ્નેહ દેખાડતો, એકલો, મોટા બળવાળો, હાથમાં ગદા ધરનારો અને પગથી ધરતીને ધ્રુજાવતો દંતવક્ત્ર દેખવામાં આવ્યો.૧-૨ આ પ્રમાણે આવતા દંતવક્ત્રને જોઇ ભગવાને તરત રથમાંથી ઊતરી ગદા લઇને કાંઠો જેમ સમુદ્રને રોકે તેમ તેને રોક્યો.૩ મદોન્મત્ત દંતવક્ત્રે ગદા ઉગામીને ભગવાનને કહ્યું કે “તું આજ મારી દૃષ્ટિએ ચઢ્યો એ ઘણું જ સારું થયું.૪ હે કૃષ્ણ ! અમારા મામાનો દીકરો અને મિત્રોનો દ્રોહ કરનાર તું મને મારી નાખવા ઇચ્છે છે, માટે હે મૂર્ખ ! વજ્ર જેવી ગદાથી હું તને મારી નાખીશ.૫ હે અજ્ઞ ! જેમ દેહમાં ફરનારા રોગને હણે તેમ જે તું બંધુરૂપે શત્રુ છે તે તને હું હણીશ, ત્યારે જ જે હું મિત્રો ઉપર પ્રેમ રાખનાર છું તે મિત્રોના ઋણથી મુક્ત થઇશ.’’૬ આ પ્રમાણે અંકુશ આદિકથી જેમ હાથીને પીડા આપવામાં આવે, તેમ કઠણ વચનોથી શ્રીકૃષ્ણને પીડા આપતા દંતવક્ત્ર શ્રીકૃષ્ણના માથામાં ગદા મારી અને સિંહની પેઠે ગર્જના કરી.૭ યુદ્ધમાં ગદા વાગ્યા છતાં ભગવાન કંપ્યા નહીં, અને તેમણે પણ કૌમોદકી નામની ભારે ગદા દંતવક્ત્રની છાતીમાં મારી.૮ ગદાથી છાતી ફાટી પડતાં મોઢાંથી લોહી ઓકતો તે દંતવક્ત્ર કેશ, હાથ અને પગને ધરતી પર લાંબા કરી પ્રાણ રહિત થઇને પડ્યો.૯ હે રાજા ! પછી શિશુપાળનું તેજ જેમ ભગવાનમાં પ્રવેશી ગયું હતું તેમ દંતવક્ત્રનું અત્યંત સૂક્ષ્મ તેજ પણ સર્વપ્રાણીઓના દેખતા છતાં ભગવાનમાં પ્રવેશી ગયું.૧૦ ભાઇના શોકથી વ્યાપ્ત થયેલો તે દંતવક્ત્રનો ભાઇ વિદૂરથ ભગવાનને મારી નાખવાની ઇચ્છાથી હાંફતો હાંફતો ઢાલ, તલવાર લઇને આવ્યો.૧૧ એ વિદૂરથ આવતો હતો ત્યાં જ ભગવાને સજાયા સરખી ધારવાળા ચક્રથી તેનું કિરીટ અને કુંડળ સહિત માથું કાપી નાખ્યું.૧૨ આ પ્રમાણે સૌભ, શાલ્વ, દંતવક્ત્ર અને તેનો ભાઇ વિદૂરથ કે જેઓ બીજાઓથી જીતાય એવા ન હતા, તેઓને ભગવાને મારતાં દેવ અને મનુષ્યો ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા.૧૩ મુનિ, સિદ્ધ, ગંધર્વ, વિદ્યાધર, મોટા નાગ, અપ્સરાઓ, પિતૃગણ, યક્ષ, કિન્નર અને ચારણો ભગવાનનો વિજય ગાવા અને પુષ્પોની વૃષ્ટિ કરવા લાગ્યા. પછી યાદવોથી વીંટાએલા ભગવાન ધામધૂમથી દ્વારકામાં પધાર્યા. એ સમયમાં દ્વારકાને શણગારી હતી.૧૪-૧૫ આ પ્રમાણે યોગેશ્વર શ્રીકૃષ્ણ સર્વદા જીતે જ છે, તોપણ કોઇ સમયે પશુ દૃષ્ટિવાળા મૂર્ખ પુરુષોને જરાસંધાદિકથી હારી ગયેલા જણાય છે.૧૬ પાંડવોની સાથે કૌરવોએ યુદ્ધનો ઉદ્યમ કરેલો સાંભળી, બળભદ્ર કે જે ત્રાહિત હતા તે તીર્થસ્નાન કરવાના મિષથી દ્વારકામાંથી ચાલી નીકળ્યા.૧૭ બ્રાહ્મણોથી વીંટાએલા બળદેવજી પ્રભાસમાં સમુદ્રને વિષે સ્નાન કરી દેવ, ઋષિ, પિતૃ અને મનુષ્યોનું તર્પણ કરી સરસ્વતી નદીની સામે ચાલ્યા.૧૮ પૃથૂદક, બિંદુસર, ત્રિતકૂપ, સુદર્શન, વિશાલ, બ્રહ્મતીર્થ, ચક્રતીર્થ, પ્રાચી, સરસ્વતી અને ગંગા તથા યમુનાને અનુસરતાં જે બીજાં તીર્થો છે, ત્યાં જઇને નૈમિષારણ્યમાં ગયા, કે જ્યાં ઋષિઓ સત્રયાગ કરવા બેઠા હતા.૧૯-૨૦ લાંબાકાળનો સત્ર માંડી બેઠેલા ઋષિઓએ તેમને ઓળખીને સન્મુખ ઊઠવું, પ્રણામ તથા ન્યાય પ્રમાણે અભિવંદન કરતાં તેમની પૂજા કરી.૨૧ પરિવાર સહિત પૂજાએલા બળદેવજી આસનનો સ્વીકાર કરીને બેઠા, ત્યાં વેદવ્યાસનો શિષ્ય રોમહર્ષણ એક ઊંચાં આસન પર બેઠેલો તેમના જોવામાં આવ્યો.૨૨ એ સૂત જાતિનો રોમહર્ષણ કે જે બ્રાહ્મણો કરતાં પણ ઊંચા આસન પર બેઠેલો હતો, અને જેણે પ્રત્યુત્થાન, નમ્રતા કે હાથ જોડવાનો વિવેક પણ કર્યો નહિ, તેને જોઇ બળભદ્રને રીસ ચઢી.૨૩ ‘‘આ પ્રતિલોમ જાતિનો છતાં બ્રાહ્મણો અને ધર્મનું પાલન કરનારા અમોથી ઊંચા આસન પર શા માટે બેઠો છે ? આમ કરવાથી આ દુર્બુદ્ધિ સૂત મારી નાખવાને યોગ્ય છે.૨૪ મહાત્મા વેદવ્યાસ મુનિનો શિષ્ય થઇ, તેમની પાસેથી ઇતિહાસ પુરાણ સહિત ઘણા ગ્રંથો અને સર્વે ધર્મશાસ્ત્રો ભણ્યા છતાં આ સૂત અયોગ્ય વર્તણુક ચલાવે છે. નટની પેઠે વેષધારી, મનને તથા ઇંદ્રિયોને નહીં જીતનાર, વિવેક રહિત અને પંડિતપણાનું મિથ્યાભિમાન ધરાવનારા પુરુષને શાસ્ત્રાભ્યાસથી પણ કશો ગુણ પ્રાપ્ત થતો નથી.૨૫-૨૬ અધર્મનું નિવારણ કરવાને માટે જ આ લોકમાં મેં અવતાર ધર્યો છે, ધર્મનો ઢોંગ ધરાવનારા લોકોને મારી નાખવા જ જોઇએ; કેમકે તેઓ મોટા પાપી છે’’૨૭ બળભદ્ર જોકે દુષ્ટ લોકોને મારવાથી નિવૃત્તિ પામ્યા હતા, તોપણ ભાવિ કોઇનાથી નિવારી શકાતું નથી, આટલું બોલીને તેમણે પોતાના હાથમાં રહેલા દર્ભની અણીથી તે સૂતને મારી નાખ્યો.૨૮ હાહાકાર કરતા અને ખેદ પામેલા સર્વે મુનિઓએ બળદેવજીને કહ્યું કે ‘‘હે રામ ! તમે અધર્મ કર્યો.૨૯ હે યદુનંદન ! યજ્ઞ પૂરો થતાં સુધી અમારી પાસે પુરાણોની કથા કહેવા સારુ અમોએ આ સૂતને બ્રહ્માસન આપ્યું હતું, અને જેમાં શરીરને ખેદ ન થાય તેવું આયુષ્ય પણ આપ્યું હતું, તમે અજાણતાં આ બ્રહ્મહત્યા જેવું કામ કર્યું છે.૩૦ હે જગતને પવિત્ર કરનાર ! તમે યોગેશ્વર હોવાથી વેદમાં કહેલો બ્રહ્મહત્યાનો નિષેધ તમને લાગુ પડતો નથી, તોપણ આપ બીજાની પ્રેરણા વિના પોતે જ આ બ્રહ્મહત્યા જેવા પાપનું પ્રાયશ્ચિત કરશો તો જ જગતમાં મર્યાદા રહેશે’’૩૧ બળભદ્ર કહે છે જગતની મર્યાદા રાખવા સારુ હું વધનું પ્રાયશ્ચિત કરીશ, માટે મુખ્ય પક્ષમાં જે કાંઇ નિયમ રાખવાનો હોય તેનો ઉપદેશ કરો.૩૨ આ રોમહર્ષણનું લાંબુ આયુષ્ય, બળ અને ઇંદ્રિયોનું સામર્થ્ય ફરી પ્રાપ્ત થવા વિષે જે કાંઇ તમારી ઇચ્છા હોય તે કહો, એટલે હું મારી યોગમાયાની શક્તિથી કરી આપીશ.૩૩

ઋષિઓ કહે છે હે બળદેવજી ! જેવી રીતે તમારા અસ્ત્રની, તમારા પરાક્રમની અને મૃત્યુની પણ સત્યતા થાય તથા અમે આપેલું વચન પણ સત્ય થાય તેવી રીતે કરી આપો.૩૪ બળભદ્ર કહે છે પિતા જ પુત્રરૂપથી ઉત્પન્ન થાય છે એવું વેદનું વચન છે, એટલા માટે આનો પુત્ર ઉગ્રશ્રવા તમને પુરાણ સંભળાવનાર થશે, અને આયુષ્ય, ઇંદ્રિયની શક્તિ તથા શરીરના બળથી પણ સંપન્ન થશે.૩૫ હે મોટા મુનિઓ ! તમારે બીજી પણ શી ઇચ્છા છે ? તે કહો, જે કહેશો તે હું કરી આપીશ. હે વિદ્વાનો ! જે હું પ્રાયશ્ચિત જાણતો નથી તે મારા પ્રાયશ્ચિત વિષે પણ વિચાર કરો.૩૬ ઋષિઓ કહે છે ઇલ્વલનો દીકરો બલ્વલ નામે એક ભયંકર દૈત્ય છે, તે દરેક પર્વમાં આવીને અમારા યજ્ઞને અભડાવે છે.૩૭ હે દાર્શાહ ! એ પાપી દૈત્ય પરુ, લોહી, વિષ્ટા, મૂત્ર, મદિરા અને માંસની વૃષ્ટિ કરે છે, તેને તમે મારો, એ જ અમારી મોટી સેવા છે.૩૮ પછી સારી રીતે સાવધાનપણાથી બાર મહિના સુધી ભરતખંડની પ્રદક્ષિણા કરી, તીર્થોમાં સ્નાન કરવાથી તમે પવિત્ર થશો.૩૯

ઇતિ શ્રીમદ્‌મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો અઠયોતેરમો અધ્યાય સંપૂર્ણ.