૬૯ દરેક રાણીના ઘરમાં ભગવાનને જોઇને નારદજી આશ્ચર્ય પામ્યા.

Submitted by swaminarayanworld on Fri, 19/02/2016 - 7:18pm

અધ્યાય ૬૯

દરેક રાણીના ઘરમાં ભગવાનને જોઇને નારદજી આશ્ચર્ય પામ્યા.

શુકદેવજી કહે છે હે રાજા ! નરકાસુરને માર્યો સાંભળી તથા શ્રીકૃષ્ણે કરેલો ઘણી સ્ત્રીઓ સાથેનો વિવાહ સાંભળી, નારદજીને તે જોવાની ઇચ્છા થઇ.૧ આશ્ચર્ય છે ! કે એક શરીરથી એક સમયમાં જ નોખાંનોખાં ઘરોમાં એક શ્રીકૃષ્ણ સોળહજાર સ્ત્રીઓને પરણ્યા.૨ આ જોવાની ઉત્કંઠાથી નારદજી દ્વારકામાં આવ્યા. ત્યાં ફૂલવાડી બગીચા અને વાડીઓમાં પક્ષીઓ અને ભ્રમરાઓનાં ટોળાં નાદ કરી રહ્યાં હતાં.૩ ખીલી રહેલાં ઇંદીવર, અંભોજ, કલ્હાર, કુમુદ અને ઉત્પલોથી ઘેરાઇ રહેલાં તળાવોમાં હંસ અને સારસો ઊંચા સ્વર કરી રહ્યાં હતાં.૪ સ્ફટિકના, રૂપાના, મોટા મરકત મણિથી શોભી રહેલા અને સુવર્ણ તથા રત્નજડિત રાસરચીલાવાળા નવ લાખ મહેલો દીપી રહ્યા હતા.૫ જુદા જુદા રાજમાર્ગ, ચોવાટા, બજાર, શાળા, સભા અને દેવમંદિરો શોભી રહ્યાં હતાં. માર્ગ, આંગણાં, ગલીઓ અને ડેલીઓમાં પાણી છાંટ્યાં હતાં. ઊડતી ધજા અને પતાકાઓથી તડકાનું નિવારણ થતુ હતું.૬ એ દ્વારકામાં સુશોભિત, સર્વ લોકપાળોએ પૂજેલ સોળહજાર ઘરોથી દીપી રહેલ અને જેમાં વિશ્વકર્માએ પોતાનું સર્વ ડહાપણ દેખાડ્યું હતું, એવા ભગવાનની સ્ત્રીના કોઇ એક મોટા અંત:પુરમાં નારદજી ગયા.૭-૮ એ ઘરમાં વૈદૂર્યમણિનાં ઉત્તમ પાટિયાંવાળા થાંભલા લાગી રહ્યા હતા. ઇંદ્રનીલમણિની ભીંતો અને અખંડ કાન્તિવાળી નીલમણિની પૃથ્વી, વિશ્વકર્માએ નિર્માણ કરેલાં મોતીની માળાના લટકણિયાંવાળા ચંદરવા, ઉત્તમ મણિથી જડેલાં દાંતનાં આસન અને પલંગ, સારાં વસ્ત્રવાળી અને ગળામાં સોનાની કંઠીઓ પહેરનારી દાસીઓ અને ઝૂલડી, પાઘડીઓ, સારાં વસ્ત્ર તથા મણિનાં કુંડળવાળા પુરુષોથી એ ઘર શોભી રહ્યું હતું.૯-૧૧ રત્નના અનેક દીવાઓની કાંતિથી અંધકાર દેખાતો જ ન હતો. એ ઘરમાં જાળિયામાંથી નીકળતા અગરુના ધૂપને જોઇ, તેને મેઘ જાણી ઊંચો નાદ કરતા મયૂરો વિચિત્ર છાજલીઓ પર નાર્ચંઈા હતા.૧૨ એ ઘરમાં સર્વ કળામાં પોતાના સરખા જ ગુણ, રૂપ અને અવસ્થાવાળી તથા સારા વેષવાળી હજારો દાસીઓ સહિત રુક્મિણીજી સોનાની દાંડીવાળું ચમર લઇને જેને પવન ઢોળતાં હતાં, એવા શ્રીકૃષ્ણ ભગવાનને નારદજીએ દીઠા.૧૩ નારદજીને જોઇ સર્વ ધર્મધારીઓમાં ઉત્તમ શ્રીકૃષ્ણ ભગવાને તરત રુક્મિણીના પલંગ પરથી ઊઠી, કિરીટવાળા મસ્તકથી નારદજીના ચરણમાં પ્રણામ કરી, હાથજોડીને પોતાના આસન પર બેસાડ્યા.૧૪ સત્પુરુષોના પતિ અને જેમના ચરણ ધોવાનું જળ સર્વ તીર્થરૂપ છે, એવા ભગવાને પોતે જગતમાં સર્વોત્તમ હોવા છતાં પણ નારદજીનાં ચરણ ધોઇને તેનું જળ પોતાના માથા પર ચઢાવ્યું, પોતાનું ગુણ ઉપરથી થયેલું ‘બ્રહ્મણ્યદેવ’ એ નામ સાર્થક કર્યું.૧૫ નરના સખા અને જુના ઋષિ નારાયણ ભગવાને નારદનું પૂજન કરી તથા થોડા અક્ષરવાળી અને અમૃતની પેઠે મીઠી વાણીથી બોલાવીને કહ્યું કે હે મહારાજ ! પૂજ્ય એવા તમારા માટે અમો શું ઇષ્ટ કરીએ.૧૬

નારદજી કહે છે હે વિભુ ! હે સર્વલોકના નાથ ! હે વેદથી ગવાએલા ! આપ સર્વ સજ્જનો ઉપર સ્નેહ રાખો છો, અને ખળપુરુષોને શિક્ષા કરો છો એ કાંઇ આશ્ચર્ય નથી; કેમકે જગતનું ધારણ, પાલન અને કલ્યાણ કરવાને માટે જ આ આપનો ઇચ્છાવતાર છે, એ અમે સારી રીતે જાણીએ છીએ.૧૭ આપનાં ચરણ કે જે લોકોને મોક્ષરૂપ, અગાધ જ્ઞાનવાળાં, બ્રહ્માદિકોએ પણ હૃદયમાં ધ્યાન કરવા યોગ્ય અને સંસારરૂપી કૂવામાં પડેલાઓને બહાર નીકળવાના આશ્રયરૂપ છે, તે ચરણનાં મને દર્શન થયાં તો હવે મને આપનું સ્મરણ રહે એવો અનુગ્રહ કરો કે જેથી ચરણનું જ ધ્યાન કરીને ફર્યા કરું.૧૮

શુકદેવજી કહે છે હે રાજા ! પછી તે નારદજી ભગવાનની યોગમાયાને જાણવા સારુ ભગવાનની બીજી સ્ત્રીના ઘરમાં ગયા.૧૯ ત્યાં પણ પ્યારી અને ઉદ્ધવની સાથે પાસાની ક્રીડા કરતા ભગવાનને દીઠા. ભગવાને પરમ ભક્તિથી ઊભા થઇ તથા આસનાદિક આપીને નારદજીની પૂજા કરી અને જાણે અજાણ્યા હોય તેમ પૂછ્યું કે ‘‘આપ ક્યારે પધાર્યા છો ? મારા જેવા અપૂર્ણ લોકોથી આપ જેવા પૂર્ણ લોકોનું શું કામ થઇ શકે ? તોપણ હે મહારાજ ! જે કામ હોય તે કહો, અને આ અમારા જન્મને પવિત્ર કરો.’’ વિસ્મય પામેલા નારદજી ત્યાંથી ચુપચાપ ઊઠીને બીજા ઘરમાં ગયા.૨૦-૨૨ ત્યાં પણ પોતાના બાળક એવા પુત્રોને રમાડતા ભગવાન જોવામાં આવ્યા, પછી બીજા ઘરમાં ભગવાન સ્નાન કરવાની તૈયારી કરતા જોવામાં આવ્યા.૨૩ કોઇ ઘરમાં અગ્નિહોત્રનો હોમ કરતા અને વૈશ્વદેવ આદિ પંચમહાયજ્ઞ કરતા જોવામાં આવ્યા. કોઇ ઘરમાં બ્રાહ્મણોને જમાડતા અને અવશેષ રહેલું અન્ન જમતા જોવામાં આવ્યા.૨૪ કોઇ ઘરમાં સંધ્યાની ઉપાસના કરતા અને મૌન રહીને ગાયત્રીનો જપ કરતા જોવામાં આવ્યા, કોઇ ઘરમાં ઢાલ તલવારથી પટો ખેલતા જોવામાં આવ્યા.૨૫ કોઇ ઘરમાં હાથી, ઘોડા અને રથ ઉપર બેસીને ફરતા. કોઇ ઘરમાં પલંગ પર પોઢેલા અને બંદિજનોએ સ્તુતિ કરતા જોવામાં આવ્યા.૨૬ કોઇમાં ઉદ્ધવાદિક મંત્રીઓની સાથે વિચાર કરતા. કોઇ ઘરમાં ઉત્તમ વેશ્યાઓથી વીંટાઇને જળક્રીડા કરતા જોવામાં આવ્યા.૨૭ કોઇ ઘરમાં ઉત્તમ બ્રાહ્મણોને શણગારેલી ગાયો દેતા. અને કોઇમાં મંગળરૂપ ઇતિહાસ અને પુરાણોને સાંભળતા જોવામાં આવ્યા.૨૮ કોઇમાં સ્ત્રીની સાથે હસવાની વાતથી હસતા જોવામાં આવ્યા. કોઇ ઘરમાં ધર્મને, કોઇમાં અર્થને અને કોઇમાં કામને સેવતા જોવામાં આવ્યા.૨૯ કોઇ ઘરમાં એકલા બેસીને પ્રકૃતિથી પર સ્વસ્વરૂપનું ચિંતન કરતા જોવામાં આવ્યા. કોઇમાં કામભોગ અને પૂજનના બીજા પદાર્થોથી ગુરુઓની સેવા કરતા જોવામાં આવ્યા.૩૦ કોઇમાં બીજાઓની સાથે સંધી કરતા અને કોઇ ઘરમાં બીજાઓની સાથે વિગ્રહ કરતા. તેમજ કોઇમાં મોટાભાઇની સાથે સત્પુરુષોના કલ્યાણનો વિચાર કરતા જોવામાં આવ્યા.૩૧ કોઇ ઘરમાં મોટી ધામધૂમથી પુત્રોને યોગ્ય સ્ત્રીઓની સાથે અને દીકરીઓને યોગ્ય વરોની સાથે પરણાવતા જોવામાં આવ્યા.૩૨ કોઇમાં પોતાનાં સંતાનોને મોકલવાના અને પાછાં તેડી આવવાના મહોત્સવ કે જેને જોઇને લોકો વિસ્મય પામતા હતા, તેઓની ગોઠવણ કરતા જોવામાં આવ્યા.૩૩ કોઇ ઘરમાં ભારે ભારે યજ્ઞોથી સર્વ દેવતાઓનું પૂજન કરતા, કોઇમાં કૂવા, વાડીઓ અને મઠ આદિ રચાવીને, ધર્મ સંબંધી પૂર્ત કર્મ કરતા જોવામાં આવ્યા.૩૪ કોઇમાં સિંધુદેશના ઘોડા ઉપર ચઢીને મૃગયામાં પવિત્ર પશુઓને મારતા અને મોટા મોટા યાદવોથી વીંટાએલા જોવામાં આવ્યા.૩૫ કોઇમાં મંત્રીઓ અને અંત:પુર આદિના તે મનોભાવ જાણવા સારુ વેષ બદલાવીને ફરતા જોવામાં આવ્યા.૩૬ પછી મનુષ્યાવતારની લીલા કરતા ભગવાનની યોગમાયાનો એ સર્વે ઉદય જોઇને જાણે હસતા હોય, એવા નારદજીએ ભગવાનને આ પ્રમાણે કહ્યું.૩૭

નારદજી કહે છે હે યોગેશ્વર ! યોગી પુરુષોથી પણ જાણી શકાય નહીં એવી તમારી યોગમાયા જે તમારા ચરણની સેવાના પ્રભાવથી મનમાં જણાય છે, તે યોગમાયાને જ અમો જાણીએ છીએ પણ તમારા પરમાર્થ સ્વરૂપને જાણતા નથી.૩૮ હે દેવ ! મને આજ્ઞા આપો કે ત્રિલોકને પવિત્ર કરનારી તમારી લીલાનું ગાયન કરતાં, તમારા યશથી વ્યાપ્ત થયેલા લોકોમાં ફરું.૩૯

ભગવાન કહે છે હે પુત્ર નારદ ! ધર્મનો કહેનાર, કરનાર અને સંમતિ આપનાર, હું લોકને ધર્મ શીખવવા સારુ આ ધર્મ પાળું છું. માટે તમે મુંઝાશો નહીં.૪૦

શુકદેવજી કહે છે આ પ્રમાણે ગૃહસ્થાશ્રમવાળાઓના પવિત્ર ધર્મનું પાલન કરતા એક જ ભગવાનને નારદજીએ સર્વે ઘરોમાં રહેલા દીઠા.૪૧ અનંત શક્તિવાળા ભગવાનની યોગમાયાનો મોટો ઉદય વારંવાર જોઇને જેને કૌતુક ઉત્પન્ન થયું હતું, એવા નારદજી વિસ્મય પામ્યા.૪૨ અર્થ, કામ અને ધર્મમાં આ પ્રમાણે શ્રદ્ધા રાખનારા શ્રીકૃષ્ણ ભગવાને સારી રીતે સત્કાર કરતાં પ્રસન્ન થયેલા નારદજી તેમનું જ સ્મરણ કરતા કરતા ત્યાંથી ગયા.૪૩ હે રાજા ! આ પ્રમાણે મનુષ્યલીલાને અનુસરતા, સર્વના કલ્યાણને માટે અનેક અવતારો ધરનાર અને સોળહજાર ઉત્તમ સ્ત્રીઓની લાજ સહિત સ્નેહ ભરેલી દૃષ્ટિથી તથા હસવાથી પ્રીતિ પામેલા નારાયણ ભગવાન રમતા હતા.૪૪ હે રાજા ! જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના કારણરૂપ ભગવાને જે જે અસાધારણ કર્મો કર્યાં છે, તેઓને જે માણસ ગાય, સાંભળે અથવા વખાણે તે માણસને મોક્ષના માર્ગરૂપ ભગવાનને વિષે ભક્તિ પ્રાપ્ત થાય છે.૪૫

ઇતિ શ્રીમદ્‌મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો ઓગણસીતેરમો અધ્યાય સંપૂર્ણ.