૬૬ શ્રીકૃષ્ણ ભગવાને પૌંડ્રક સહિત તેના મિત્રનો કરેલો નાશ.

Submitted by swaminarayanworld on Fri, 19/02/2016 - 7:15pm

અધ્યાય ૬૬

શ્રીકૃષ્ણ ભગવાને પૌંડ્રક સહિત તેના મિત્રનો કરેલો નાશ.

શુકદેવજી કહે છે હે રાજા ! બળભદ્ર નંદરાયના વ્રજમાં ગયા હતા. ત્યાં પછવાડે કરુષ દેશનો રાજા પૌંડ્રક પોતાને વાસુદેવ સમજતો હતો. તેણે મૂર્ખપણાથી ભગવાનની પાસે એક દૂત મોકલ્યો.૧ “તમેજ જગતના પતિ ભગવાન વાસુદેવ અવતરેલા છો’’ આ પ્રમાણે મૂર્ખ લોકોએ સ્તુતિથી બહેકાવેલો તે પૌંડ્રક રાજા પોતાને વિષ્ણુ માનતો હતો.૨ છોકરાઓ જેમ રમતમાં એકને રાજા ઠરાવે છે, તેમ મૂર્ખ લોકોએ વિષ્ણુ ઠેરાવેલા તે મંદ રાજાએ દ્વારકામાં અચિન્ત્ય માર્ગવાળા શ્રીકૃષ્ણની પાસે દૂત મોકલ્યો.૩ દૂતે દ્વારકામાં આવીને, સભામાં બેઠેલા અને કમળપત્ર સરખાં નેત્રવાળા શ્રીકૃષ્ણ ભગવાનને આ પ્રમાણે તે રાજાનો સંદેશો કહ્યો.૪ દૂત કહે છે પ્રાણીઓ પર દયા કરવાને માટે પૃથ્વી પર અવતરેલો વાસુદેવ હું એક જ છું, બીજો કોઇ વાસુદેવ નથી, માટે તું ખોટું નામ છોડી દે.૫ હે યાદવ ! તુ મૂઢપણાથી જે અમારાં ચિહ્નો ધારણ કરે છે તે સર્વે છોડી દઇને મારા શરણમાં આવ અને એમ ન કરવું હોય તો મારી સાથે યુદ્ધ કર.૬ શુકદેવજી કહે છે હે રાજા ! અલ્પબુદ્ધિવાળા તે પૌંડ્રકનો બકવાદ સાંભળીને તે સમયમાં ઉગ્રસેન આદિ સભાસદો ઊંચે સાદે હસવા લાગ્યા.૭ હસવાની વાત પૂરી થયા પછી ભગવાને દૂતને કહ્યું કે ‘‘હે મૂઢ ! તું તારા રાજાને કહેજે કે જે ચિહ્નોથી તું આ પ્રમાણે બકે છે, તે ચિહ્નોને હું છોડાવી દઇશ.૮ હે મૂર્ખ ! તે સમયમાં મરણ પામેલો તું જે મુખથી બડાઇ કરે છે, તે તારા મુખને ઢાંકી તથા કાગડા, ગૃધો અને વટ નામના પક્ષીઓથી વીંટાઇને રણસંગ્રામમાં સૂઇ જઇશ. અને કુતરાઓનું શરણ લઇશ’’ એમ તું તારા રાજાને કહેજે.૯

શુકદેવજી કહે છે આ પ્રમાણે ભગવાને જે તિરસ્કારનાં વચનો કહ્યાં, તે પેલા દૂતે પોતાના સ્વામી પૌંડ્રકની પાસે સઘળાં કહ્યાં. તે સમયમાં પૌંડ્રકરાજા તેના મિત્રની નગરી કાશીમાં હતો. તેથી ભગવાન પણ રથમાં બેસીને કાશીએ ગયા.૧૦ ભગવાનનો ઉદ્યોગ જાણીને મહારથી પૌંડ્રકરાજા પણ બે અક્ષૌહિણી સૈન્ય લઇને તરત કાશીમાંથી બહાર નીકળ્યો.૧૧ એનો મિત્ર કાશીનો રાજા તેનો પક્ષ લઇને ત્રણ અક્ષૌહિણી સૈન્ય લઇ તેની પછવાડે આવ્યો. ભગવાને પૌંડ્રકરાજાને દીઠો.૧૨ એ રાજાએ શંખ, ચક્ર, ગદા, શારંગ, અને શ્રીવત્સ ઇત્યાદિક ધાર્યાં હતાં, કૌસ્તુભમણિ ગળામાં પહેર્યો હતો, વનમાળાથી શોભી રહ્યો હતો, પીળાં રેશમી વસ્ત્ર પહેર્યાં હતાં, ધ્વજામાં ગરુડનું ચિહ્ન હતું, મુકુટ અને આભરણો અમૂલ્ય હતાં અને મકરાકૃતિ કુંડળો ચળકતાં હતાં.૧૩-૧૪ નાટકશાળામાં આવેલા નટની પેઠે, પોતાના જેવો કૃત્રિમ વેષ ધરીને આવેલા તે પૌંડ્રકને જોઇને ભગવાન બહુ જ હસ્યા.૧૫ ત્રિશૂળ, ગદા, પરિઘ, સાંગ્ય, બે ધારી તલવારો, ભાલા, તોમર, તલવાર, પટ્ટિશ અને બાણોથી શત્રુઓ ભગવાન પર પ્રહાર કરવા લાગ્યા.૧૬ પૌંડ્રક અને કાશીના રાજાના હાથી, ઘોડા, રથ અને પાયદળવાળાં તે સૈન્યનો શ્રીકૃષ્ણ ભગવાને જેમ પ્રલયકાળમાં અગ્નિ નોખીનોખી પ્રજાઓનો નાશ કરે તેમ ગદા, તલવાર, ચક્ર અને બાણોથી બહુ જ નાશ કરી નાખ્યો.૧૭ ચક્રથી કપાએલા રથ, ઘોડા, હાથી, માણસ, ખચ્ચર અને ઊંટોથી વ્યાપ્ત થયેલું અને વીરલોકોને આનંદ આપે એવું તે યુદ્ધનું સ્થળ રુદ્રને ક્રીડા કરવાના સ્થળની પેઠે ભયંકર જણાતું હતું.૧૮ પછી ભગવાને પૌંડ્રકને કહ્યું કે ‘‘હે પૌંડ્રક ! દૂતના મોઢાથી તે મને કહેવરાવ્યું હતું, તે પ્રમાણે તે શસ્ત્રો તારા ઉપર જ મૂકું છું.૧૯ હે મૂર્ખ ! તે જે મારું ખોટું નામ ધર્યું છે તે હું આજ છોડાવી દઇશ’’૨૦ આ પ્રમાણે તિરસ્કાર કરી તથા સજાવેલાં બાણોથી તેને રથ વગરનો કરી, ભગવાને ઇંદ્ર જેમ વજ્રથી પર્વતનું શિખર કાપે તેમ ચક્રથી તે પૌંડ્રકનું માથું કાપી નાખ્યું.૨૧ એ પ્રમાણે જ કાશીના રાજાનું માથું પણ બાણોથી કાપી નાખીને ભગવાને તે માથાંને, વાયુ જેમ કમળના ડોડાને ઉડાવીને પાડે તેમ ઉડાવીને કાશીનગરીમાં પાડ્યું.૨૨ આ રીતે મત્સરવાળા પૌંડ્રક રાજાને તથા તેના મિત્રને મારી નાખી, સિદ્ધલોકો જેના કથારૂપી અમૃતનું ગાયન કરતા હતા, એવા ભગવાન દ્વારકામાં પધાર્યા.૨૩ નિરંતર ભગવાનનું ધ્યાન રહેવાથી સર્વે કર્મબંધન છૂટી ગયાં હતાં અને ભગવાનનું જ રૂપ ધરતો હતો, તેથી તે પૌંડ્રકરાજા ભગવાનની સાથે સાધર્મ્યપણાને પામી ગયો.૨૪ રાજદ્વારમાં કુંડળ સહિત માથું પડેલું જોઇને આ શું ? અને આ મોઢું કોનું ? એમ લોકો સંશયમાં પડ્યા.૨૫ પછી કાશીના રાજાનું છે એમ જાણવામાં આવતાં તેની રાણીઓ, પુત્રો, બાંધવો અને પ્રજાજનો ‘‘હે રાજા ! હે નાથ ! હાય, તમો મરણ પામતા અમો મરી ગયાં’’ એમ વિલાપ કરવા લાગ્યાં.૨૬ એ કાશી રાજાના પુત્ર સુદક્ષિણે પિતાની ઉત્તરક્રિયા કરીને નિશ્ચય કર્યો કે ‘‘પિતાના મારનારને મારીને હું પિતાનું વેર વાળીશ’’૨૭ બુદ્ધિમાં આવો નિશ્ચય કરીને પોતાના ઉપધ્યાયોની સાથે સુદક્ષિણે મોટી એકાગ્રતાથી સદાશિવનું પૂજન કર્યું.૨૮ પ્રસન્ન થયેલા કાશીવિશ્વનાથે તેને વરદાન માગવાનું કહેતાં તેણે પોતાના પિતાને મારનારને મારવાનો ઉપાય કે જે પોતાને જોઈતો હતો તે માગ્યો.૨૯ સદાશિવે કહ્યું કે દક્ષિણાગ્નિ કે જે, ઋત્વિજની પેઠે કહેલું કામ કરનાર છે. તેનું બ્રાહ્મણોની સાથે અભિચાર (મારણ પ્રયોગના) વિધાનથી તું પૂજન કર, અને એમ કરીશ તો તે ભૂત પ્રેતાદિકથી વીંટાઇને તારી ઇચ્છા પૂરી કરશે, પણ તેનો પ્રયોગ બ્રાહ્મણ ભક્ત સિવાય બીજા ઉપર કરીશ તો જ તારો સંકલ્પ સિદ્ધ થશે, નહિ તો વિપરીત થશે. આ પ્રમાણે સદાશિવે આજ્ઞા કરતાં શ્રીકૃષ્ણ ઉપર અભિચાર કરવાના નિયમો તેણે લીધા.૩૦-૩૧ એ નિયમો લેવાથી કુંડમાંથી દેહધારી, મહાભયંકર, તપાવેલા ત્રાંબા જેવી શિખા અને દાઢી મૂછવાળો તથા નેત્રમાંથી અંગારા કાઢનારો અગ્નિ નીકળ્યો.૩૨ એનું મોઢું ભારે વિકરાળ હતું, જીભથી ગલોફાં ચાટતો હતો, ત્રણ શિખાવાળા બળતા ત્રિશૂળને હલાવતો હતો, તાડ જેવડા બે પગથી ધરતીને ધ્રુજાવતો અને નગ્ન હતો. ભૂતથી વીંટાએલો અને દિશાઓને બાળતો તે અગ્નિ દ્વારકા ઉપર દોડ્યો.૩૩-૩૪ એ અભિચારના અગ્નિને આવતો જોઇ, જેમ વન બળતાં મૃગો ત્રાસ પામે, તેમ સર્વે દ્વારકા્‌વાસીઓ ત્રાસ પામ્યાં.૩૫ ભયથી આતુર થયેલા લોકોએ સભામાં પાસાઓથી રમતા શ્રીકૃષ્ણને કહ્યું કે હે ત્રિલોકના નાથ ! નગરને બાળીનાખતા અગ્નિથી રક્ષણ કરો.૩૬ લોકોનો તે ગભરાટ સાંભળીને ભગવાને હસતાં હસતાં કહ્યું કે બીશો નહીં, હું રક્ષા કરીશ.૩૭ બહાર અને અંદર સર્વના સાક્ષી ભગવાને એ શિવજીએ મોકલેલી કૃત્યા છે, એમ જાણી, નાશ કરવાને માટે પોતાના પડખામાં રહેલા ચક્રને આજ્ઞા કરી.૩૮ કરોડ સૂર્ય જેવા પ્રલયના અગ્નિ સરખી કાંતિવાળા અને પોતાના તેજથી આકાશ, દશે દિશાઓ, સ્વર્ગ તથા પૃથ્વીને બહુ જ પ્રકાશ આપતા એ ભગવાનના અસ્ત્ર સુદર્શન, અગ્નિને પીડવા લાગ્યું.૩૯ હે રાજા ! ભગવાનના ચક્રના તેજથી હણાએલા અને જેનું મોઢું ભાંગી ગયું છે, એવા એ અભિચારના અગ્નિએ પાછાવળી કાશીમાં આવીને પોતાને ઉત્પન્ન કરનાર સુદક્ષિણને, ઋત્વિજ બ્રાહ્મણોને અને લોકોને બાળી નાખ્યા.૪૦ તેની પછવાડે સુદર્શન ચક્ર ગયું, તેણે વળી મંચ, સભા, ઘાટ, હાટ, દરવાજા, અગાશીઓ, ભંડાર, હાથીની શાળા, અને અન્નની શાળાઓ સહિત કાશીને બાળી નાખીને, પાછું ભગવાન શ્રીકૃષ્ણ પાસે આવ્યું.૪૧-૪૨ જે માણસ સાવધાન રહીને આ ભગવાનનું પરાક્રમ સંભળાવે અથવા સાંભળે છે. તે માણસ સર્વપાપોથી છૂટી જાય છે.૪૩

ઇતિ શ્રીમદ્‌ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો છાસઠમો અધ્યાય સંપૂર્ણ.