૫૯ કૃષ્ણ ભગવાને કરેલો નરકાસુરનો વધ અને પારિજાતનું હરણ

Submitted by swaminarayanworld on Fri, 19/02/2016 - 1:23pm

અધ્યાય ૫૯

કૃષ્ણ ભગવાને કરેલો નરકાસુરનો વધ અને પારિજાતનું હરણ.

પરીક્ષિત રાજા કહે છે હે શુકદેવજી ! નરકાસુરે તે સ્ત્રીઓને કેવી રીતે રોકી રાખી મૂકી હતી અને તેને શ્રીકૃષ્ણે કેવી રીતે માર્યો તે પ્રકારનું ભગવાનનું પરાક્રમ મને કહો.૧ શુકદેવજી કહે છે નરકાસુરે વરુણદેવનું છત્ર હરી લીધું હતું, દેવતાની મા અદિતિનાં કુંડળ હરી લીધાં હતાં અને મેરૂપર્વતમાં મણિપર્વત નામનું ઇંદ્રનું સ્થાનક પણ હરી લીધું હતું, તેથી ઇંદ્રે સત્યભામાના ઘરમાં આવીને તે સર્વે નરકાસુરના અપરાધનું નિવેદન કરતાં શ્રીકૃષ્ણ ભગવાન ગરુડજી ઉપર બેસીને, સત્યભામાની સાથે નરકાસુરના પ્રાગ્જ્યોતિષ નામના પુરમાં ગયા. એ પુરની આજુ બાજુ પહાડો તથા શસ્ત્રના કિલ્લા હતા. જળ, અગ્નિ અને વાયુ ચારેકોર રાખેલા હોવાને લીધે ત્યાં જવું ઘણું કઠણ પડે એવું હતું. મુર નામના દૈત્યે નાખી મૂકેલા ભયંકર અને દૃઢ એવા હજારો પાશોથી ચારેકોર વીંટાએલું હતું.૨-૩ ભગવાને ત્યાં જઇને ગદાથી પર્વતના ગઢને અને બાણોથી શસ્ત્રના ગઢને તોડી નાખ્યો, અગ્નિ, જળ તથા વાયુને ચક્રથી, મુરદૈત્યના પાશોને તલવારથી, યંત્રોને તથા વીર પુરુષોના હૃદયોને શંખનાદથી અને ગઢને મોટી ગદાથી તોડી નાખ્યા.૪-૫ પાંચજન્ય શંખના પ્રલયકાળના કડાકાની પેઠે ભયંકર શબ્દને સાંભળી પાંચ માથાંવાળો મુરદૈત્ય કે જે ખાઇના જળમાં સૂતો હતો તે ઊઠ્યો.૬ જેની સામું જોઇ શકાય નહીં એવો ભયંકર દૈત્ય, પ્રલયકાળના સૂર્ય અને અગ્નિના સરખું તેજવાળું ત્રિશૂળ ઉગામીને પાંચ મોઢાંથી જાણે ત્રિલોકીને ગળી જતો હોય એવી રીતે, સર્પ જેમ ગરુડની સામે દોડે તેમ ભગવાનની સામે દોડ્યો.૭ વેગથી ત્રિશૂળ ફેરવીને ગરુડ ઉપર નાખતા તેણે પાંચ મોઢાંથી ગર્જના કરી. એ ગર્જનાના મોટા શબ્દથી સર્વે દિશાઓ, આકાશ અને આખું બ્રહ્માંડ વ્યાપ્ત થયું.૮ ગરુડ ઉપર આવી પડતાં એ ત્રિશૂળના ભગવાને પોતાની શક્તિથી બાણવડે ત્રણ કટકા કરી નાખ્યા, અને એ દૈત્યના મોઢાંઓમાં પણ કેટલાંક બાણ માર્યાં. દૈત્યે પણ ક્રોધથી ભગવાન ઉપર ગદા નાખી.૯ એ ગદા આવતી હતી તેટલામાં ભગવાને યુદ્ધમાં પોતાની ગદાથી તે ગદાના હજાર કટકા કરી નાખ્યા. પછી પોતાના અનેક હાથને ઊંચા કરી, તે દૈત્ય યુદ્ધમાં સામો દોડ્યો આવતો હતો તેનાં પાંચે માથાં ભગવાને ચક્રવતે કાપી નાખ્યાં.૧૦ માથાં કપાતા પ્રાણ રહિત થયેલો તે દૈત્ય પાણીમાં પડ્યો. પછી બાપના વધથી આતુર થયેલા તેના સાત દીકરાઓ વેર વાળવાને માટે ક્રોધ કરીને લડવા સજ્જ થયા.૧૧ તામ્ર, અંતરિક્ષ, શ્રવણ, વિભાવસુ, વસુ, નભસ્વાન્‌ અને અરુણ એ સાત દૈત્યો હથિયારો લઇ તથા પીઠ નામના સેનાપતિને આગળ કરી બહાર નીકળ્યા.૧૨ યુદ્ધમાં આવી ક્રોધને લીધે બહુ જ ભયંકર લાગતા એ દૈત્યો, ભગવાન ઉપર બાણ, તલવાર, ગદા, સાંગ, ઋષ્ટિ અને ત્રિશૂળોના ઘા કરવા લાગ્યા. અમોઘ પરાક્રમવાળા ભગવાને પોતાનાં બાણોથી એ શસ્ત્રોના સમૂહના તિલતિલ જેવડા ટુકડા કરી નાખ્યા.૧૩ એ પીઠાદિક યોદ્ધાઓનાં માથાં, સાથળ, હાથ, પગ અને કવચો કાપી નાખીને તેઓને યમપુરીમાં મોકલ્યા. આ પ્રમાણે ભગવાનનાં ચક્ર અને બાણોથી પોતાના સેનાપતિઓને મરણ પામેલા સાંભળી, અસહનતાવાળો પૃથ્વીનો દીકરો નરકાસુર સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલા અને મદ ઝરતા હાથીઓનું સૈન્ય લઇને બહાર નીકળ્યો. જેમ સૂર્યની ઉપર વીજળી સહિત મેઘ બેઠેલો હોય, તેમ ગરુડ ઉપર સત્યભામાની સાથે બેઠેલા ભગવાનને જોઇ તેમના ઉપર શતઘ્નિ નામનું હથિયાર નાખ્યું. અને સર્વે યોદ્ધાઓ પણ ભગવાનને એક સામટા વીંધવા લાગ્યા.૧૪-૧૫ ભગવાને વિચિત્ર પુંખવાળાં સજાવેલાં બાણોથી તે નરકાસુરના સૈન્યના હાથ, સાથળ, કંઠ અને શરીર કાપી નાખ્યાં તથા ઘોડા અને હાથીઓને પણ મારી નાખ્યા.૧૬ હે રાજા ! યોદ્ધાઓએ જે જે શસ્ત્રો અને અસ્ત્રો નાખ્યાં, તે પ્રત્યેકને ભગવાન કે જે પાંખોથી હાથીઓને મારનારા ગરુડની ઉપર બેઠા હતા, તેમણે ત્રણ ત્રણ બાણથી કાપી નાખ્યાં. ગરુડે ચાંચ, પાંખો અને નખોથી મારવા માંડેલા હાથીઓ પીડા પામીને ગામમાં પેસી ગયા. પછી નરકાસુર યુદ્ધ કરવા લાગ્યો, પોતાના સૈન્યને ગરુડે ભગાડેલું અને પીડેલું જોઇ નરકાસુરે પોતાની સાંગથી વજ્રને પણ રોક્યું હતું તે સાંગથી ગરુડને પ્રહાર કર્યો. ભાલાંના પ્રહારથી જેમ હાથી કંપે નહીં, તેમ ગરુડ સાંગના પ્રહારથી કંપ્યા નહી.૧૭-૨૦ પોતાનો ઉદ્યમ વ્યર્થ જતાં નરકાસુરે ભગવાનને મારવા સારુ ત્રિશૂળ ઉપાડ્યું. એ ત્રિશૂળને નાખ્યા પહેલાં જ ભગવાને સજાયાની સમાન ધારવાળા ચક્રથી એ હાથી ઉપર બેઠેલા નરકાસુરનું માથું કાપી નાખ્યું.૨૧ કુંડળ સહિત અને સુંદર મુકુટ અને આભૂષણો વાળું તેનું માથું પૃથ્વી પર પડ્યા છતાં પણ શોભવા અને ચળક્વા લાગ્યું, દૈત્યો હાહાકાર કરવા લાગ્યા. ઋષિઓ સારું થયું એમ કહેવા લાગ્યા, મોટા દેવતાઓ પુષ્પોથી ભગવાનને વધાવતાં સ્તુતિ કરવા લાગ્યા.૨૨ પછી પૃથ્વીએ ભગવાનની પાસે આવીને તેમને અતિ ઉજ્જ્વળ સુવર્ણમાં જડેલાં રત્નોથી ચળકતુ કુંડળ, વૈજયંતીમાળા, વરુણદેવનું છત્ર અને મોટો મણિ આપ્યો.૨૩ હે રાજા ! તે પછી નમેલાં પૃથ્વીદેવી હાથ જોડીને ભક્તિથી નમ્ર બુદ્ધિવડે,ઉત્તમ દેવતાઓએ પૂજેલા ભગવાનની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યાં.૨૪ પૃથ્વી સ્તુતિ કરે છે હે દેવના દેવ ! હે ઇશ્વર ! હે શંખ, ચક્ર, ગદાને ધરનાર ! આપને હું નમસ્કાર કરું છું. હે પરમાત્મા ! જે આપ ભક્તો ઉપર અનુગ્રહ કરવાની ઇચ્છાથી અવતાર ધર્યો છે, તેમને પ્રણામ કરું છું.૨૫ જે આપની નાભિ કમળ થકી બ્રહ્મા ઉત્પન્ન થયા છે એવા આપને પ્રણામ કરું છું. કમળ સરખાં નેત્રવાળા આપને પ્રણામ કરું છું. કમળની માળા ધારણ કરનારા આપને હું પ્રણામ કરું છું.૨૬ વસુદેવના પુત્રપણે પ્રગટ થયેલા છતાં પણ વ્યાપક અને સર્વોત્તમ ઐશ્વર્યવાળા આપને પ્રણામ કરું છું. પૂર્ણ જ્ઞાનવાળા તથા સર્વથી પહેલા રહેનાર અને કારણના કારણરૂપ આપને પ્રણામ કરું છું.૨૭ અજન્મા, જગતને ઉત્પન્ન કરનાર, મોટા અને અનંત શક્તિવાળા આપને પ્રણામ કરું છું. હે કાર્ય કારણોના આત્મા ! હે ચેતન અને અચેતનના પ્રવર્તક ! હે પરમાત્મા ! આપને મારા નમસ્કાર હો.૨૮ હે પ્રભુ ! હે જગતના પતિ ! જ્યારે આપ જગતને સ્રજવાની ઇચ્છા કરો છો, ત્યારે વૃદ્ધિ પામેલા રજોગુણને સ્રજો છો, પ્રલય કરવાને માટે ભારે તમોગુણને સ્રજો છો, અને પાલન કરવાને માટે તે પ્રકારના સત્વગુણને સ્રજો છો. એ કરવા છતાં પણ તે ગુણોનું આપને આવરણ થતુ નથી. કાળ, પ્રધાન અને પુરુષ આપના શરીરભૂત છે, છતાં પણ આપ તેનાથી જુદા છો.૨૯ હે પ્રભુ ! જળ, તેજ, વાયુ, આકાશ, વિષયો, દેવતાઓ, મન, ઇંદ્રિયો, અહંકાર અને મહત્તત્વ, તેનાથી થયેલું આ સ્થાવર જંગમ સર્વે જગત આપના અદ્વિતીય સ્વરૂપમાં વર્તે છે. (અર્થાત આ જગત આપને જ આધીન છે.) આ જગત આપને આધીન નથી, એમ કહેનારાનો એ માત્ર ભ્રમ જ છે.૩૦ હે શરણાગતોની પીડાને હરનાર ! નરકાસુરનો પુત્ર આ ભગદત્ત આપનાથી ભય પામેલો હતો, તેથી હું તેને આપના ચરણારવિંદની પાસે લાવી છું. માટે આનું પાલન કરો અને સર્વપાપને નાશ કરનારું હસ્તકમળ આના માથા ઉપર ધરો.૩૧

શુકદેવજી કહે છે આ પ્રમાણે ભક્તિથી નમેલાં પૃથ્વીદેવીએ પોતાની વાણીથી જેમની પ્રાર્થના કરી છે, એવા ભગવાન અભયદાન આપીને નરકાસુરના સર્વ સંપત્તિવાળા ઘરમાં પધાર્યા.૩૨ ત્યાં રાજાઓની સોળહજાર અને એકસો કન્યાઓ કે જેઓને પરાક્રમથી નરકાસુરે રાજાઓની પાસેથી હરી લાવેલી હતી, તેઓને ભગવાને જોઇ.૩૩ ભગવાનને આવેલા જોઇ મોહ પામેલી તે કન્યાઓ દૈવે મેળવી આપેલ તે જ પ્યારા શ્રીકૃષ્ણને પતિ તરીકે મનથી વરી ચૂકી.૩૪ ‘‘આ ભગવાન મારા પતિ થજો અને એજ વિષયમાં દૈવસંમતિ આપજો’’ આવી રીતે સર્વે કન્યાઓએ પૃથક્‌ પૃથક્‌ પ્રેમથી ભગવાનમાં મન ધર્યું.૩૫ સુંદર અને સ્વચ્છ વસ્ત્રવાળી તે સ્ત્રીઓને પાલખીઓ આદિમાં બેસાડીને ભગવાને દ્વારકામાં મોકલી દીધી, અને તે ઉપરાંત મોટા ભંડાર, હાથી, ઘોડા અને ઘણુંક ધન પણ મોકલી દીધું. વેગવાળા ઘોડા અને ઐરાવતના કુળમાં ઉત્પન્ન થયેલા ચોસઠ હાથીઓ પણ મોકલી દીધા.૩૬-૩૭ પછી સ્વર્ગમાં જઇને અદિતિને કુંડળ આપ્યાં અને ઇંદ્રે તથા ઇંદ્રાણીએ ભગવાન તથા સત્યભામાની પૂજા કરી.૩૮ સત્યભામાની પ્રેરણાથી પારિજાતકના ઝાડને ઊખેડી, ગરુડ ઉપર મૂકીને ઇંદ્રાદિક દેવતાઓનો પરાજય કરી, તે ઝાડને દ્વારકામાં લાવ્યા.૩૯ એ ઝાડને સત્યભામાના ઘરના બગીચાની શોભા કરવા સારુ ત્યાં રોપ્યું. એ ઝાડના સુગંધરૂપ આસવમાં લલચાએલા ભ્રમરો સ્વર્ગમાંથી તે ઝાડની પછવાડે આવ્યા હતા.૪૦ જે ઇંદ્રે મુગટના અગ્રભાગથી શ્રીકૃષ્ણના ચરણનો સ્પર્શ કરતાં પ્રણામ કરી, પ્રથમ તેની પાસે પોતાનાં કાર્ય સિદ્ધ કરવા માગણી કરી હતી, તે જ ઇન્દ્ર પોતાનું કાર્ય સિદ્ધ થયા પછી ભગવાન સાથે યુદ્ધ કરે છે. આશ્ચર્ય છે, દેવોને પણ આટલો બધો અહંકાર !!! ધિક્કાર છે દેવોની ધનિકતાને.૪૧ પછી જેટલી સ્ત્રીઓ હતી તેટલાં રૂપો ધરીને શ્રીકૃષ્ણ ભગવાન નોખાનોખા ઘરોમાં એક જ મુહૂર્તમાં તે સર્વે સ્ત્રીઓને વિધિ સહિત પરણ્યા.૪૨ જેઓના સમાન અથવા અધિક કોઇ પણ ઘર નથી, એવાં તે સ્ત્રીઓનાં ઘરમાં સર્વદા રહેતા અને પોતાના સ્વરૂપાનંદથી પૂર્ણ છતાં પણ બીજાની પેઠે ગૃહસ્થાશ્રમના ધર્મોને પાળતા ભગવાન લક્ષ્મીના અંશરૂપ તે સ્ત્રીઓની સાથે રમતા હતા.૪૩ બ્રહ્માદિક પણ જેમની પદવીને જાણતા નથી, એવા લક્ષ્મીના પતિ ભગવાનને પોતાના પતિરૂપે પામીને તે સ્ત્રીઓ નિરંતર વૃદ્ધિ પામતી પ્રીતિથી સ્નેહ ભરેલા હાસ્યપૂર્વક જોતી હતી, નવીન સંગમ કરતી હતી, ભાષણ કરતી હતી અને લાજ દેખાડતી હતી.૪૪ જોકે પ્રત્યેકની પાસે સેંકડો દાસીઓ હતી તોપણ સામે જવું, આસન દેવું, સુંદર પૂજન કરવું, પગ ધોવા, પાનબીડું દેવું, પગ ચાંપવા, પંખા નાખવા, ચંદન પુષ્પ દેવાં, કેશ સ્વચ્છ કરવા, સુવડાવવા, નવરાવવા અને ભોજન કરાવવું ઇત્યાદિક ઉપચારોથી તે સ્ત્રીઓ ભગવાનની પાસે દાસીપણું કરતી હતી.૪૫

ઇતિ શ્રીમદ્‌મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો ઓગણસાઠમો અધ્યાય સંપૂર્ણ.