૦૨ દ્વિતીયોધ્યાય: સાંખ્યયોગ

Submitted by swaminarayanworld on Fri, 05/02/2016 - 6:05pm

અધ્યાય – ૨


श्रीपरमात्मने नमः
अथ द्वितीयोऽध्यायः

संजय उवाच
तं तथा कृपयाविष्टमश्रुपूर्णाकुलेक्षणम् ।
विषीदन्तमिदं वाक्यमुवाच मधुसूदनः ॥२- १॥

સંજય કહે છે = પૂર્વે કહેવા પ્રમાણે પરમ કૃપાથી આવિષ્ટ થયેલા, અશ્રુઓથી પૂર્ણ આકુળ-વ્યાકુળ નેત્રોવાળા અને અતિશય ખેદ કરતા તે અર્જુન પ્રત્યે મધુસૂદન ભગવાન આ પ્રમાણે વચન કહેવા લાગ્યા. ।।૨- ૧।।

श्रीभगवानुवाच
कुतस्त्वा कश्मलमिदं विषमे समुपस्थितम् ।
अनार्यजुष्टमस्वर्ग्यमकीर्तिकरमर्जुन ॥२- २॥

શ્રી ભગવાન કહે છે = હે અર્જુન ! આર્ય પુરૂષોએ કદી નહિજ સેવેલું, સ્વર્ગ પ્રાપ્તિમાં પણ વિરોધી અને આ લોકમાં પણ અપકીર્તિ કરનારૂં, એવું આ કશ્મળ મનનો મોહ આવા વિષમ સમયમાં તને કયાંથી પ્રાપ્ત થયું ? થઇ આવ્યું ? ।।૨- ૨।।

क्लैब्यं मा स्म गमः पार्थ नैतत्त्वय्युपपद्यते ।
क्षुद्रं हृदयदौर्बल्यं त्यक्त्वोत्तिष्ठ परन्तप ॥२- ३॥

હે પાર્થ ! પૃથાના પુત્ર અર્જુન ! તું આમ નપુંસકભાવને ન પામી જા. આ તારે વિષે નથી ઘટતું, માટે હે શત્રુતાપન ! ક્ષુદ્ર હ્રદયદૌર્બલ્યને છોડી દઇને તું યુદ્ધ માટે ઉભો થા ? સાવધાન થા ? ।।૨- ૩।।

अर्जुन उवाच
कथं भीष्ममहं संख्ये द्रोणं च मधुसूदन ।
इषुभिः प्रति योत्स्यामि पूजार्हावरिसूदन ॥२- ४॥

અર્જુન કહે છે =
હે મધુસૂદન ! ભીષ્મપિતામહને અને દ્રોણગુરૂને યુદ્ધમાં બાણોથી કેવી રીતે હું પ્રહાર કરી શકું ? કેમ કે તેઓ તો મારે પરમ પૂજ્ય છે. ।।૨- ૪।।

गुरूनहत्वा हि महानुभावान् श्रेयो भोक्तुं भैक्ष्यमपीह लोके ।
हत्वार्थकामांस्तु गुरूनिहैव भुञ्जीय भोगान् रुधिरप्रदिग्धान् ॥२- ५॥

માટે મહાનુભાવ ગુરૂઓને નહિ હણતાં આ લોકમાં ભિક્ષાથી મેળવેલું અન્ન ખાવું એજ અતિ શ્રેયસ્કર છે, કેમ કે અર્થલુબ્ધ ગુરૂઓને મારી નાખીને તો તેમનાજ રૂધિરથી ખરડાયેલા ભોગો આ લોકમાં અમારે ભોગવવાના. ।।૨- ૫।।

न चैतद्विद्मः कतरन्नो गरीयो यद्वा जयेम यदि वा नो जयेयुः ।
यानेव हत्वा न जिजीविषाम- स्तेऽवस्थिताः प्रमुखे धार्तराष्ट्राः ॥२- ६॥

વળી એ પણ અમે જાણતા નથી કે આ બેમાંથી (ભિક્ષા માગી ખાવી ? કે યુદ્ધ કરવું ?) અમારે માટે કહ્યું શ્રેષ્ઠ છે ? અથવા તો અમે એમને જીતીએ, કે તેઓ અમને જીતે, વળી તેમ છતાં જેમનેજ મારીને અમે જીવવાની પણ ઇચ્છા નથી રાખતા, તે ધૃતરાષ્ટ્રના છોકરાઓ તો યુદ્ધમાં સમા આવીને ઉભા છે. ।।૨- ૬।।

कार्पण्यदोषोपहतस्वभावः पृच्छामि त्वां धर्मसम्मूढचेताः ।
यच्छ्रेयः स्यान्निश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम् ॥२- ७॥

દીનતાને લીધે મારો સ્વભાવ પલટાઇ ગયો છે, તેથી ધર્મનિર્ણયની બાબતમાં સર્વથા મૂઢચિત્ત બની ગયેલો હું તમને પૂછું છું કે મારૂં જે નિશ્ચિત શ્રેય હોય તે મને સમઝાવો ! હું તમારો શિષ્ય છું, માટે તમારે શરણે આવેલા મને મને બોધ કરો. ।।૨- ૭।।

न हि प्रपश्यामि ममापनुद्याद् यच्छोकमुच्छोषणमिन्द्रियाणाम् ।
अवाप्य भूमावसपत्नमृद्धं राज्यं सुराणामपि चाधिपत्यम् ॥२- ८॥

પૃથ્વી ઉપરનું શત્રુરહિત અને સમૃદ્ધિવાળું સમગ્ર રાજ્ય પામીને, અગર તો દેવોનું સ્વામિત્વ પામીને પણ ઇન્દ્રિયોને સર્વથા શોષણ કરનારો મારો શોક નાશ કરે એવું કોઇપણ વસ્તુ અગર સાધન મારા જોવામાં નથીજ આવતું. ।।૨- ૮।।

संजय उवाच
एवमुक्त्वा हृषीकेशं गुडाकेशः परन्तप ।
न योत्स्य इति गोविन्दमुक्त्वा तूष्णीं बभूव ह ॥२- ९॥

સંજય કહે છે =
આ પ્રમાણે ગુડાકેશ-અર્જુન હૃષીકેશ-ભગવાનને કહીને હે પરન્તપ ! ‘‘હું યુદ્ધ નહિ જ કરૂં’’ એમ છેવટમાં ગોવિંદ- ભગવાનને કહી દઇને પછી મૌનજ બની ગયો. ।।૨- ૯।।

तमुवाच हृषीकेशः प्रहसन्निव भारत ।
सेनयोरुभयोर्मध्ये विषीदन्तमिदं वचः ॥२- १०॥

હે ભારત ! ધૃતરાષ્ટ્ર ! બન્ને સેનાઓના મધ્યેજ આ પ્રમાણે ખેદ પામતા તે અર્જુન પ્રત્યે શ્રીકૃષ્ણ ભગવાન હસતા હસતા જ એમ કહેવા લાગ્યા. ।।૨- ૧૦।।

श्रीभगवानुवाच
अशोच्यानन्वशोचस्त्वं प्रज्ञावादांश्च भाषसे ।
गतासूनगतासूंश्च नानुशोचन्ति पण्डिताः ॥२- ११॥

ભગવાન કહે છે =
નહિ શોક કરવા લાયકનો તું અનુશોક કરે છે. અને વળી બુદ્ધિવાદની વાતો બોલે છે. કેમ કે પંડિતો-જ્ઞાનીજનો મરેલાઓનો તેમજ જીવતાઓનો પણ, અથવા દેહનો કે આત્માનો પણ અનુશોક કરતાજ નથી. ।।૨- ૧૧।।

न त्वेवाहं जातु नासं न त्वं नेमे जनाधिपाः ।
न चैव न भविष्यामः सर्वे वयमतः परम् ॥२- १२॥

હું કયારેય ન હતો એમ નહિ, તું પણ ક્યારેય ન હતો એમ નહિ, તેમજ આ બધા રાજાઓ પણ ન હતા એમ નહિ. અર્થાત્‌ હું, તું અને આ સઘળા પણ પૂર્વે હતા જ. વળી આપણે બધાય હવે પછીના સમયમાં પણ નહિ હોઇએ એમ તો નહિ જ, અર્થાત્‌ હોઇશું જ. ।।૨- ૧૨।।

देहिनोऽस्मिन्यथा देहे कौमारं यौवनं जरा ।
तथा देहान्तरप्राप्तिर्धीरस्तत्र न मुह्यति ॥२- १३॥

દેહી-જીવાત્માને આ દેહમાંજ જેમ કુમારાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા, અનુક્રમે બદલાયા કરે છે, તેજ પ્રમાણે આગળ બીજાબીજા દેહની પ્રાપ્તિ પણ થાય છે. માટે એમ જાણીને ધીર પુરૂષ તેમાં મોહ નથી પામતો. ।।૨- ૧૩।।

मात्रास्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदुःखदाः ।
आगमापायिनोऽनित्यास्तांस्तितिक्षस्व भारत ॥२- १४॥

હે કુન્તીપુત્ર-અર્જુન ! શબ્દાદિક વિષયોના સ્પર્શો તો શીત-ઉષ્ણ, સારા-નરસા હોઇને સુખ દુ:ખને આપનારા છે. અને તેય આગમન-ગમન સ્વભાવના હોવાથી અસ્થિર નાશવંત છે, માટે હે ભારત ! તેને તું સહન કર. ।।૨- ૧૪।।

यं हि न व्यथयन्त्येते पुरुषं पुरुषर्षभ ।
समदुःखसुखं धीरं सोऽमृतत्वाय कल्पते ॥२- १५॥

હે પુરૂષશ્રેષ્ઠ-અર્જુન ! સુખ દુ:ખ જેને સમાન થઇ ગયાં છે, એવા જે ધીર આત્મદર્શી પુરૂષને એ વિષયો વ્યથા-ઉદ્વેગ નથી પમાડતા તે પુરૂષ અમૃતત્વ મુક્તિને માટે કલ્પાય છે - યોગ્ય થાય છે. ।।૨- ૧૫।।

नासतो विद्यते भावो नाभावो विद्यते सतः ।
उभयोरपि दृष्टोऽन्तस्त्वनयोस्तत्त्वदर्शिभिः ॥२- १६॥

અસત્‌ પદાર્થનો સદભાવ નથી અને સત્‌-વસ્તુનો અસદભાવ નથી. આ સત્‌-અસત્‌ એ બન્નેનો પણ ખરો સાર-નિર્ણય તો તત્ત્વદર્શી મહાત્માઓએ જાણેલો છે. ।।૨- ૧૬।।

अविनाशि तु तद्विद्धि येन सर्वमिदं ततम् ।
विनाशमव्ययस्यास्य न कश्चित्कर्तुमर्हति ॥२- १७॥

તે સત્‌-વસ્તુ આત્મતત્ત્વ તો અવિનાશી છે એમ તું જાણ. કે જેનાથી આ સઘળું વિશ્વ અથવા આ આખું શરીર વ્યાપ્ત છે. અને એ વિકારશૂન્ય આત્મતત્ત્વનો વિનાશ કરવા કોઇ પણ સમર્થ નથી. ।।૨- ૧૭।।

अन्तवन्त इमे देहा नित्यस्योक्ताः शरीरिणः ।
अनाशिनोऽप्रमेयस्य तस्माद्युध्यस्व भारत ॥२- १८॥

નિત્ય-નિરન્તર સદભાવવાળો, નાશ નહિ પામનારો અને અપ્રમેય-સર્વ પ્રમાણોથી પણ નિર્ણય ન કરી શકાય એવા શરીરધારી આત્માના આ ભૂત ભવિષ્યમાં થનારા દેહો અન્તવાળા-નાશવન્ત છે, માટે હે ભારત !-અર્જુન ! એ બધાનો શોક મુકીને તું યુદ્ધ કર. ।।૨- ૧૮।।

य एनं वेत्ति हन्तारं यश्चैनं मन्यते हतम् ।
उभौ तौ न विजानीतो नायं हन्ति न हन्यते ॥२- १९॥

જે આ આત્માને હણનારો એમ જાણે છે, તેમજ જે એને બીજાથી હણાયેલો માને છે. તે બન્ને કાંઇ સમઝતાજ નથી. કેમ કે આ આત્મા કોઇને હણતોય નથી, તેમ બીજા કોઇથી પોતે હણાતો પણ નથી. ।।૨- ૧૯।।

न जायते म्रियते वा कदाचि- न्नायं भूत्वा भविता वा न भूयः ।
अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे ॥२- २०॥

આ-જીવાત્મા કદી ઉત્પન્ન થતો નથી, તેમજ-તે કયારેય મરતો પણ નથી. તેમ સૃષ્ટિ-સમયમાં ઉત્પન્ન થઇને પાછો પ્રલય સમયમાં નહિ હોય એમ પણ નહિ. કેમ કે આ આત્મા અજ, નિત્ય, સદાય એક રૂપ અને પુરાતન છે. અને તેથીજ તો શરીર હણાતાં પણ-એ હણાતો નથી. ।।૨- ૨૦।।

वेदाविनाशिनं नित्यं य एनमजमव्ययम् ।
कथं स पुरुषः पार्थ कं घातयति हन्ति कम् ॥२- २१॥

હે પાર્થ ! એ આત્માને જે પુરૂષ અજ, અવ્યય, નિત્ય-સિદ્ધ અને અવિનાશી જાણે છે, તો તે પુરૂષ કોને કેવી રીતે હણે છે ? અથવા તો હણાવે છે ? ।।૨- ૨૧।।

वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोऽपराणि ।
तथा शरीराणि विहाय जीर्णान्यन्यानि संयाति नवानि देही ॥२- २२॥

જેમ માણસ પોતે જુનાં વસ્ત્રોને ત્યાગ કરી દઇને બીજાં નવાં ધારણ કરે છે, તેજ પ્રમાણે દેહી-જીવાત્મા જીર્ણ થયેલાં ચાલુ શરીરોનો ત્યાગ કરી બીજાં નવાં નવાં શરીરોમાં પ્રવેશ કરે છે. ।।૨- ૨૨।।

नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः ।
न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः ॥२- २३॥

એ આત્માને શસ્ત્રો છેદતાં નથી, એ આત્માને અગ્નિ બાળતો નથી, એને જળ પણ કહોવરાવતાં નથી, તેમ વાયુ પણ એને સુકવતો નથી. ।।૨- ૨૩।।

अच्छेद्योऽयमदाह्योऽयमक्लेद्योऽशोष्य एव च ।
नित्यः सर्वगतः स्थाणुरचलोऽयं सनातनः ॥२- २४॥

આ આત્મા છેદી શકાય નહિ,બાળી શકાય નહિ, કહોવરાવી શકાય નહિ, તેમ સુકાવી શકાય નહિ એવો છે. વળી-એ આત્મા નિત્ય, સર્વ શરીરમાં પ્રવેશ કરનારો, સ્થિર સ્વભાવનો, અચળ અને સદાય એકરૂપે રહેવાવાળો છે. ।।૨- ૨૪।।

अव्यक्तोऽयमचिन्त्योऽयमविकार्योऽयमुच्यते ।
तस्मादेवं विदित्वैनं नानुशोचितुमर्हसि ॥२- २५॥

એ આત્મા ઇન્દ્રિયોથી ન જણાય એવો, અન્તઃકરણથી ન વિચારાય એવો અને શસ્ત્રાદિકથી વિકાર ન પમાડાય એવો કહેવાય છે, માટે એ આત્માને એવો જાણી સમઝીને તારે એનો અનુશોક કરવો યોગ્ય નથી. ।।૨- ૨૫।।

अथ चैनं नित्यजातं नित्यं वा मन्यसे मृतम् ।
तथापि त्वं महाबाहो नैवं शोचितुमर्हसि ॥२- २६॥

હવે એ આત્માને તું શરીરના જન્મ સાથે સદાય જન્મ પામનારો એવો માનતો હોય, અથવા તો શરીરના મરણ સાથે સદાય મરણ પામનારો એવો માનતો હોય, તો પણ હે મહાબાહુ-અર્જુન ! તારે એનો શોક કરવો યોગ્ય નથી. ।।૨- ૨૬।।

जातस्य हि ध्रुवो मृत्युर्ध्रुवं जन्म मृतस्य च ।
तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि ॥२- २७॥

કારણ કે - જન્મ પામેલાનું મૃત્યુ નિશ્ચિત જ છે અને મરેલાનો જન્મ પણ નિશ્ચિત જ છે, માટે અપરિહાર્ય-અવશ્ય બનવાના અર્થમાં તું શોક કરવાને યોગ્ય નથી. ।।૨- ૨૭।।

अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत ।
अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना ॥२- २८॥

હે ભારત ! અર્જુન ! સર્વભૂત-પ્રાણીમાત્ર આદિભાગમાં અવ્યક્તરૂપેજ હોય છે, ફક્ત વચલી અવસ્થામાં વ્યક્ત થઇને આખરે પાછાં અવ્યકતમાંજ લય પામનારાં છે, તો પછી તેમાં શો શોક કરવો ? ।।૨- ૨૮।।

आश्चर्यवत्पश्यति कश्चिदेन- माश्चर्यवद्वदति तथैव चान्यः ।
आश्चर्यवच्चैनमन्यः शृणोति श्रुत्वाप्येनं वेद न चैव कश्चित् ॥२- २९॥

એ આત્માને કોઇક આશ્ચર્ય જેવો જ જુએ છે, તેમજ વળી બીજો કોઇક તો એને આશ્ચર્ય જેવો જ કહી બતાવે છે. વળી બીજો સાંભળનારો પણ એને આશ્ચર્યની પેઠેજ શ્રવણ કરે છે. આ પ્રમાણે શ્રવણાદિક કરીને પણ એને ખરી રીતે તો કોઇજ જાણતો નથી. ।।૨- ૨૯।।

देही नित्यमवध्योऽयं देहे सर्वस्य भारत ।
तस्मात्सर्वाणि भूतानि न त्वं शोचितुमर्हसि ॥२- ३०॥

વળી હે ભારત ! અર્જુન ! સર્વના દેહમાં પહેલો આ દેહી-જીવાત્મા સદાય અવધ્યજ છે, માટે સર્વ ભૂત-પ્રાણીમાત્ર તારે શોક કરવા યોગ્ય નથી. ।।૨- ૩૦।।

स्वधर्ममपि चावेक्ष्य न विकम्पितुमर्हसि ।
धर्म्याद्धि युद्धाच्छ्रेयोऽन्यत्क्षत्रियस्य न विद्यते ॥२- ३१॥

વળી- તારે સ્વધર્મનો પણ વિચાર કરીને આ યુદ્ધમાંથી ચલાયમાન થવું યોગ્ય નથી, કારણ કે ધર્મપ્રાપ્ત ક્ષત્રિયધર્માનુરૂપ યુદ્ધકરતાં બીજું કોઇ પણ શ્રેય-શ્રેષ્ઠ કર્મ ક્ષત્રિયોને માટે છેજ નહિ. ।।૨- ૩૧।।

यदृच्छया चोपपन्नं स्वर्गद्वारमपावृतम् ।
सुखिनः क्षत्रियाः पार्थ लभन्ते युद्धमीदृशम् ॥२- ३२॥

દૈવ ઇચ્છાથી અનાયાસેજ પ્રાપ્ત થયેલું, ખુલ્લા બારણાના સ્વર્ગદ્વાર જેવું, આવું ધર્મયુદ્ધ તો હે પૃથાના પુત્ર અર્જુન ! તારા જેવા સુખી-ભાગ્યશાળી ક્ષત્રિયોજ પામે છે. ।।૩૨।।

अथ चेत्त्वमिमं धर्म्यं संग्रामं न करिष्यसि ।
ततः स्वधर्मं कीर्तिं च हित्वा पापमवाप्स्यसि ॥२- ३३॥

માટે હવે જો તું આ ધર્મયુદ્ધ નહિ કરે તો તેથી સ્વધર્મનો અને કીર્તિનો નાશ કરીને કેવળ પાપનેજ પામીશ. ।।૨- ૩૩।।

अकीर्तिं चापि भूतानि कथयिष्यन्ति तेऽव्ययाम् ।
सम्भावितस्य चाकीर्तिर्मरणादतिरिच्यते ॥२- ३४॥

વળી મનુષ્યો તારી ઘણા લાંબા કાળ સુધી અપકીર્તિ ગાયા કરશે. અને સર્વ સન્માનનીય પ્રતિષ્ઠિત પુરૂષને અપકીર્તિ એ તો મરણ કરતાં પણ અધિક દુ:ખદાયી છે. ।।૨- ૩૪।।

भयाद्रणादुपरतं मंस्यन्ते त्वां महारथाः ।
येषां च त्वं बहुमतो भूत्वा यास्यसि लाघवम् ॥२- ३५॥

અને આ બધા મહારથીઓ તને ભયથીજ યુદ્ધમાંથી પાછો હઠી ગયો એમ માનશે. અને એમ થવાથી જેમની આગળ તારૂં બહુ માન છે તેમની આગળ તારી બહુજ હલકાઇ થઇ જશે. ।।૨- ૩૫।।

अवाच्यवादांश्च बहून्वदिष्यन्ति तवाहिताः ।
निन्दन्तस्तव सामर्थ्यं ततो दुःखतरं नु किम् ॥२- ३६॥

તેમજ-તારા શત્રુઓ તારા સામર્થ્યને નિન્દતાં તારે માટે ન બોલાય તેવા બહુજ ખરાબ શબ્દો બોલશે, તો તેથી બીજું કયું મોટું દુ:ખ છે ? ।।૨- ૩૬।।

हतो वा प्राप्स्यसि स्वर्गं जित्वा वा भोक्ष्यसे महीम् ।
तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः ॥२- ३७॥

તેમ છતાં આ યુદ્ધમાં જો તું હણાયો તો સ્વર્ગ-સુખ પામીશ અને જીતીને તો પૃથ્વીનું સામ્રાજ્ય ભોગવવાનું છે જ. માટે હે કુન્તીપુત્ર અર્જુન ! તું યુદ્ધ માટે કૃતનિશ્ચય થઇ ઉઠ ! સાવધાન થઇ જા. ।।૨- ૩૭।।

सुखदुःखे समे कृत्वा लाभालाभौ जयाजयौ ।
ततो युद्धाय युज्यस्व नैवं पापमवाप्स्यसि ॥२- ३८॥

અને સુખ દુ:ખ સમાન કરીને-માનીને, તેમજ લાભ-અલાભ, જય-પરાજય, એ બધામાં સમતા રાખીને તે પછીજ યુદ્ધ માટે જોડાઇ જા ! એમ કરવાથી તને પાપ નહિ લાગે. ।।૨- ૩૮।।

एषा तेऽभिहिता सांख्ये बुद्धिर्योगे त्विमां शृणु ।
बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि ॥२- ३९॥

હે પાર્થ ! આ તને સાંખ્ય-યોગમાં વર્તવાની બુદ્ધિ કહી, હવે યોગમાં કર્મ-યોગમાં તો આ કહું છું તે બુદ્ધિ સાંભળ ? જે બુદ્ધિએ યુક્ત વર્તવાથી કર્મથી થતા બન્ધને તું સર્વ પ્રકારથી ટાળી શકીશ. ।।૨- ૩૯।।

नेहाभिक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते ।
स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात् ॥२- ४०॥

આ બુદ્ધિયુક્ત કર્મયોગમાં આરંભેલાનો નાશ નથી થતો, તેમ અપૂર્ણ રહેવામાં પ્રત્યવાય પણ નથી લાગતો. આ ધર્મનું સ્વલ્પ આચરણ પણ મોટા ભયથી રક્ષા કરે છે. ।।૨- ૪૦।।

व्यवसायात्मिका बुद्धिरेकेह कुरुनन्दन ।
बहुशाखा ह्यनन्ताश्च बुद्धयोऽव्यवसायिनाम् ॥२- ४१॥

હે કુરૂનન્દન ! કર્મયોગરૂપ શ્રેયોમાર્ગમાં નિશ્ચયાત્મક એકજએક પ્રકારનીજ બુદ્ધિ છે. અને વિવિધ કર્મના ફળભેદને લીધે અનન્ત પ્રકારે વહેંચાયેલી બહુ શાખાવાળી બુદ્ધિઓ તો અનિશ્ચિત શ્રેયોમાર્ગવાળાઓનીજ છે. ।।૪૧।।

यामिमां पुष्पितां वाचं प्रवदन्त्यविपश्चितः ।
वेदवादरताः पार्थ नान्यदस्तीति वादिनः ॥२- ४२॥
कामात्मानः स्वर्गपरा जन्मकर्मफलप्रदाम् ।
क्रियाविशेषबहुलां भोगैश्वर्यगतिं प्रति ॥२- ४३॥
भोगैश्वर्यप्रसक्तानां तयापहृतचेतसाम् ।
व्यवसायात्मिका बुद्धिः समाधौ न विधीयते ॥२- ४४॥

વેદમાં કહેલા ફળવાદમાંજ સર્વસ્વ માનનારા અને તે સિવાયનું બીજું કોઇ અધિક સુખ છેજ નહિ એમ બોલનારા, વિષયોમાંજ આસક્ત ચિત્તવાળા અને તેથીજ સ્વર્ગનેજ પરમ સાધ્ય માનનારા, એવા અવિદ્વાન્‌-મૂર્ખજનો જન્મ-કર્મની પરમ્પરા રૂપ ફળનેજ આપનારી અને ભોગ-ઐશ્વર્યને ઉદેશીને પ્રવર્તેલી એવી કર્મકલાપના બહોળા વિસ્તારવાળી જે આ પુષ્પિતા- ફળ વિનાનાં કેવળ પુષ્પમાત્રનીજ શોભાની માફક આપાતરમ્ય જણાતી મોહક વાણી બોલે છે. એવા ભોગ ઐશ્વર્યમાં અત્યન્ત આસક્ત થયેલા અને તે વિષયાસક્તિને લીધેજ જેમની બુદ્ધિ વિષયો તરફ હરાઇ ખેંચાઇ ગઇ છે. તે પુરૂષોની બુદ્ધિ સમાધિમાં એક નિશ્ચયવાળી થઇને સ્થિરતા પામતી નથી. ।।૨- ૪૨-૪૪।।

त्रैगुण्यविषया वेदा निस्त्रैगुण्यो भवार्जुन ।
निर्द्वन्द्वो नित्यसत्त्वस्थो निर्योगक्षेम आत्मवान् ॥२- ४५॥

હે અર્જુન ! વેદો સઘળા ત્રિગુણમય સંસારને ઉદેશીને પ્રવર્તેલા છે, માટે તું તો ત્રિગુણ મિશ્રિત ભાવથી રહિત થઇ જા ! અને અખંડપણે સદાય સત્ત્વ-ગુણમાં રહેનારો જ્ઞાની થઇને સુખ દુ:ખ, શોક-મોહ, વિગેરે રાજસ-તામસ ભાવોથી રહિત થા ! અને યોગ-ક્ષેમની પણ ચિન્તાથી રહિત થઇ જા ! ।।૨- ૪૫।।

यावानर्थ उदपाने सर्वतः संप्लुतोदके ।
तावान्सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानतः ॥२- ४६॥

ચોતરફ ઉછળતા ખૂબ જળથી છલો-છલ ભરેલા મોટા જળાશયમાં પણ સ્નાન-પાનાદિક કરવામાં જેટલું પ્રયોજન મનાય છે, તેટલું જ પ્રયોજન કે ફળ બ્રહ્મ જાણનાર વિજ્ઞાનસમ્પન્ન મનુષ્યને સર્વ વેદોમાં રહેલું છે. ।।૨- ૪૬।।

कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन ।
मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि ॥२- ४७॥

તારે કર્મમાંજ-કર્મ કરવામાંજ અધિકાર છે, પરન્તુ-ફળોમાં કયારેય પણ અધિકાર નથી. માટે અભિમાનને લીધે કર્મના ફળમાં તું કારણભૂત ન થા ! તેમ કર્મ ન કરવામાં છોડી દેવામાં પણ તને ઇચ્છા અગર આસક્તિ ન થાઓ ! ।।૨- ૪૭।।

योगस्थः कुरु कर्माणि सङ्गं त्यक्त्वा धनंजय ।
सिद्ध्यसिद्ध्योः समो भूत्वा समत्वं योग उच्यते ॥२- ४८॥

હે ધનંજય ! સિદ્ધિ-અસિદ્ધિ રૂપ લાભ-અલાભમાં સમાન ભાવ રાખીને, સંગ ઇચ્છા કે આસક્તિ છોડી દઇને યોગમાં વર્તવાપૂર્વક દરેક કર્મ કરો ! અહીંઆં સિદ્ધિ-અસિદ્ધિમાં સમતા રાખવી-માનવી એજ યોગ કહેલો છે. ।।૨- ૪૮।।

दूरेण ह्यवरं कर्म बुद्धियोगाद्धनंजय ।
बुद्धौ शरणमन्विच्छ कृपणाः फलहेतवः ॥२- ४९॥

હે ધનંજય ! બુદ્ધિયોગ કરતાં કેવળ કર્મ ઘણુંજ હલકું-તિચ્છ છે. માટે તું બુદ્ધિમાં સમતારૂપ બુદ્ધિયોગમાં સ્થિરતા પામવાની ઇચ્છા રાખ ! કેમ કે ફળમાં હેતુભૂત થઇને કર્મ કરનારા મનુષ્યો તો કૃપણ-કંગાલ જેવાજ છે. ।।૨- ૪૯।।

बुद्धियुक्तो जहातीह उभे सुकृतदुष्कृते ।
तस्माद्योगाय युज्यस्व योगः कर्मसु कौशलम् ॥२- ५०॥

બુદ્ધિયોગમાં સ્થિરતા પામેલો પુરૂષ આ લોકમાંજ સુકૃત અને દુષ્કૃત એ બન્નેનો ત્યાગ કરી દે છે, માટે તું પણ યોગને માટે બુદ્ધિયોગમાં સ્થિરતા પામવાને માટે પ્રયત્ન કર ! કારણ કે બુદ્ધિયોગ એજ કર્મ કરવામાં ચતુરાઇ-ડહાપણ છે. ।।૨- ૫૦।।

कर्मजं बुद्धियुक्ता हि फलं त्यक्त्वा मनीषिणः ।
जन्मबन्धविनिर्मुक्ताः पदं गच्छन्त्यनामयम् ॥२- ५१॥

સમત્વરૂપ બુદ્ધિયોગ પામેલા મહાજ્ઞાની પુરૂષો કર્મથી થતા ફળનો ત્યાગ કરીને ત્યાગ કરવાથી જન્મ વિગેરે વિકારોથી વિનિર્મુક્ત થઇને સર્વ ઉપદ્રવથી રહિત પરમ પદને-ભગવદ્ધામને પામે છે. ।।૨- ૫૧।।

यदा ते मोहकलिलं बुद्धिर्व्यतितरिष्यति ।
तदा गन्तासि निर्वेदं श्रोतव्यस्य श्रुतस्य च ॥२- ५२॥

જ્યારે તારી બુદ્ધિ આત્મા-અનાત્માના અવિવેકરૂપ મોહથી અજ્ઞાનથી થતી કલુષતાને સર્વથા તરી જશે ત્યારેજ સાંભળવા લાયક અને સાંભળેલાં એ સર્વનો તને વૈરાગ્ય ઉદાસીનતા આવશે. ।।૨- ૫૨।।

श्रुतिविप्रतिपन्ना ते यदा स्थास्यति निश्चला ।
समाधावचला बुद्धिस्तदा योगमवाप्स्यसि ॥२- ५३॥

વિવિધ અભિપ્રાયનાં શાસ્ત્રવાકયોના શ્રવણથી વિવિધ પ્રકારે ભેદાઇ ગયેલી તારી અસ્થિર બુદ્ધિ જ્યારે નિશ્ચળ થઇને સમાધિમાં સ્થિરતા પામશે ત્યારેજ તું સમત્વરૂપ બુદ્ધિયોગને પામીશ. ।।૨- ૫૩।।

अर्जुन उवाच
स्थितप्रज्ञस्य का भाषा समाधिस्थस्य केशव ।
स्थितधीः किं प्रभाषेत किमासीत व्रजेत किम् ॥२- ५४॥

અર્જુન પૂછે છે =
હે કેશવ ! સમાધિનિષ્ઠ સ્થિતપ્રજ્ઞ પુરૂષની ભાષા- બોલી કેવી હોય છે ? અથવા એને કેવા શબ્દોથી કહેવામાં બોલાવવામાં આવે છે ? સ્થિતપ્રજ્ઞ પુરૂષ શું બોલે છે ? એ કેમ બેસે છે ? અને કેમ હરે-ફરે છે ? એ મને કહો ! ।।૨- ૫૪।।

श्रीभगवानुवाच
प्रजहाति यदा कामान्सर्वान्पार्थ मनोगतान् ।
आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोच्यते ॥२- ५५॥

શ્રી ભગવાન કહે છે =
હે પાર્થ ! સાધક જ્યારે મનમાં રહેલા સર્વ કામ વિષયેચ્છાઓનો ત્યાગ કરે છે અને પરમેશ્વરમાંજ અથવા આત્મસ્વરૂપમાંજ શુદ્ધ ભાવથી જોડેલા મનથી સન્તુષ્ટ રહે છે, ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. ।।૨- ૫૫।।

दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः ।
वीतरागभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते ॥२- ५६॥

દુ:ખોના પ્રસંગોમાં જેનું ચિત્ત ઉદ્વેગ નથી પામતું અને સુખોમાં પણ જેને સ્પૃહા ટળી ગઇ છે. અને તેથીજ રાગ, ભય અને ક્રોધ વિગેરે માનસિક વિકારોથી જે રહિત થયોલો છે. એવો મનનશીલ પુરૂષ સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. ।।૨- ૫૬।।

यः सर्वत्रानभिस्नेहस्तत्तत्प्राप्य शुभाशुभम् ।
नाभिनन्दति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥२- ५७॥

જે સર્વત્ર સર્વથા નિઃસ્નેહ થયેલો છે. અને તે તે શુભ-અશુભ વસ્તુ પ્રાપ્ત થતાં નથી અભિનંદન કરતો, કે નથી દ્વેષ કરતો, તે પુરૂષની પણ પ્રજ્ઞા પ્રતિષ્ઠિત સ્થિર થઇ એમ જાણવું. ।।૨- ૫૭।।

यदा संहरते चायं कूर्मोऽङ्गानीव सर्वशः ।
इन्द्रियाणीन्द्रियार्थेभ्यस्तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥२- ५८॥

આ સાધક યોગી જ્યારે પોતાનાં ઇન્દ્રિયોને કૂર્મ-કાચબો જેમ પોતાના અવયવોને સર્વથા સંકેલી લે છે, એજ પ્રમાણે તે તે ઇન્દ્રિયોના વિષયોથી પાછાં ખેંચીને સ્વવશમાં રાખે છે, ત્યારે તેની પ્રજ્ઞા પ્રતિષ્ઠિત-સ્થિર જાણવી. ।।૨- ૫૮।।

विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः ।
रसवर्जं रसोऽप्यस्य परं दृष्ट्वा निवर्तते ॥२- ५९॥

જો કે નિરાહાર મનુષ્યના વિષયો ઘણું કરીને નિવૃત્ત થાય છે, પણ તેમાં રસ-આસક્તિ તો રહે છેજ. અને તે આસક્તિ-વાસના તો પરં-પરમાત્મસ્વરૂપનો અથવા આત્મસ્વરૂપનો સાક્ષાત્કાર થયેજ નિવૃત્તિ પામે છે. ।।૨- ૫૯।।

यततो ह्यपि कौन्तेय पुरुषस्य विपश्चितः ।
इन्द्रियाणि प्रमाथीनि हरन्ति प्रसभं मनः ॥२- ६०॥

હે કૌન્તેય ! વારંવાર પ્રયત્ન કરતા એવાય પણ વિદ્વાન્‌વિવેકશીલ પુરૂષના મનને અતિ બળવાન ઇન્દ્રિયો વિષયો તરફ બળાત્કારે ખેંચી જાયછે. ।।૨- ૬૦।।

तानि सर्वाणि संयम्य युक्त आसीत मत्परः ।
वशे हि यस्येन्द्रियाणि तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥२- ६१॥

માટે તે સર્વ ઇન્દ્રિયોને સમ્યક્‌ પ્રકારે નિયમમાં રાખીને બુદ્ધિયોગયુક્ત થઇને મદેકપર વર્તે છે અને તેમ થવાથી જેનાં ઇન્દ્રિયો સ્વવશમાં રહે છે, તે પુરૂષની પ્રજ્ઞા મારા સ્વરૂપમાં સ્થિરતા પામેલી જાણવી. ।।૨- ૬૧।।

ध्यायतो विषयान्पुंसः सङ्गस्तेषूपजायते ।
सङ्गात्संजायते कामः कामात्क्रोधोऽभिजायते ॥२- ६२॥
क्रोधाद्भवति संमोहः संमोहात्स्मृतिविभ्रमः ।
स्मृतिभ्रंशाद्बुद्धिनाशो बुद्धिनाशात्प्रणश्यति ॥२- ६३॥

(હવે- તેમ નહિ કરનારને અનર્થાપત્તિ જણાવે છે) પુરૂષને વિષયોનું ચિન્તવન-સ્મરણ કરતાં તેમાં સંગ-આસક્તિ થઇ આવેછે, આસક્તિમાંથી કામ-આતુરતા થાયછે અને તેમાંથી તે વિષયમાં આડે આવનાર ઉપર ક્રોધ થાયછે. ક્રોધમાંથી સંમોહકાર્યાકાર્ય ના અવિવેકરૂપ ગાઢ અજ્ઞાન પ્રસરેછે. અને સંમોહથી પછી સ્મૃતિવિભ્રમ, સ્મૃતિભ્રંશથી પછી બુદ્ધિનાશ અને બુદ્ધિનો નાશ થવાથી પુરૂષાર્થથી ભ્રષ્ટ થઇને આખરે મોક્ષમાર્ગથી પણ ભ્રષ્ટ થઇ જાયછે. ।।૨- ૬૨-૬૩।।

रागद्वेषवियुक्तैस्तु विषयानिन्द्रियैश्चरन् ।
आत्मवश्यैर्विधेयात्मा प्रसादमधिगच्छति ॥२- ६४॥
प्रसादे सर्वदुःखानां हानिरस्योपजायते ।
प्रसन्नचेतसो ह्याशु बुद्धिः पर्यवतिष्ठते ॥२- ६५॥

(હવે-બુદ્ધિ સ્થિર કરવાનો ઉપાય કહેછે) વશ વર્તેછે મન જેનું એવો સાધક પુરૂષ પ્રિય-અપ્રિય વસ્તુમાં રાગ-દ્વેષથી રહિત માટેજ સ્વવશમાં વર્તનારાં એવાં ઇન્દ્રિયોથી વિષયોનું સેવન કરતાં મનની પ્રસન્નતા-નિર્મળતા પામેછે. અને મનની પ્રસન્નતા-નિર્મળતા પ્રાપ્ત થતાં સર્વ દુ:ખની હાનિ એને આપો-આપ થઇ જાયછે અને પ્રસન્ન ચિત્તવાળાની બુદ્ધિ તુરતજ પરમાત્મસ્વરૂપમાં સર્વથા સ્થિરતા પામે છે. ।।૨- ૬૪-૬૫।।

नास्ति बुद्धिरयुक्तस्य न चायुक्तस्य भावना ।
न चाभावयतः शान्तिरशान्तस्य कुतः सुखम् ॥२- ६६॥
इन्द्रियाणां हि चरतां यन्मनोऽनु विधीयते ।
तदस्य हरति प्रज्ञां वायुर्नावमिवाम्भसि ॥२- ६७॥

એજ વાત વ્યતિરેક-ભાવથી કહી બતાવે છેઅયુક્ત ને-અન્તઃકરણ વશ નહિ કરનારને, બુદ્ધિ-સ્થિર બુદ્ધિ થતી નથી, તેમ અયુક્ત પુરૂષને પરમાત્મસ્વરૂપમાં ભાવના-સ્નેહપૂર્વક મનની સ્થિરતા પણ થતી નથી. માટે ભાવનાશૂન્ય પુરૂષને શાન્તિ પણ મળતી નથી અને એવા અશાન્તને સુખ તો મળેજ કયાંથી ? કેમકે-વિષયોમાં સ્વછન્દથી ફરનારાં ઇન્દ્રિયોની પાછળ જે પોતાના મનને જવા દે છે, તો તે મન એ પુરૂષની બુદ્ધિને વિપરીત વાયુ જળમાં ફરતા વહાણનેજ જેમ, એમ અવળે માર્ગે ખેંચી જાય છે. ।।૨- ૬૬-૬૭।।

तस्माद्यस्य महाबाहो निगृहीतानि सर्वशः ।
इन्द्रियाणीन्द्रियार्थेभ्यस्तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥२- ६८॥

માટે હે મહાબાહો ! જેનાં ઇન્દ્રિયો ઇન્દ્રિયોના અર્થરૂપ વિષયો થકી સર્વ પ્રકારે નિગ્રહ કરીને સ્વવશમાં રાખેલાં હોયછે, તે પુરૂષનીજ પ્રજ્ઞા પરમાત્મસ્વરૂપમાં સ્થિરતા પામેલી જાણવી. ।।૨- ૬૮।।

या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी ।
यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो मुनेः ॥२- ६९॥

હવે- જ્ઞાની-અજ્ઞાનીનો સ્થિતિભેદ કહી બતાવે છે. સર્વ ભૂત-પ્રાણીમાત્રની જે રાત્રિ અજ્ઞાનરૂપ અન્ધકારમય છે, તેમાં સંયમી-જ્ઞાની પુરૂષ જાગેછે-જાણપણે યુક્ત વર્તે છે. અને જેમાં ભૂત-પ્રણીમાત્ર જાગેછે-સાવધાન વર્તે છે, તે આત્મદર્શી મનનશીલ સંયમી પુરૂષની રાત્રિ છે. ।।૨- ૬૯।।

आपूर्यमाणमचलप्रतिष्ठं समुद्रमापः प्रविशन्ति यद्वत् ।
तद्वत्कामा यं प्रविशन्ति सर्वे स शान्तिमाप्नोति न कामकामी ॥२- ७०॥

ચોતરફથી ઘણું પાણી ભરાવા છતાં પણ અતૂટ મર્યાદાવાળા સમુદ્રમાં અનેક નદી-નાળાંનું જળ જેમ આપો-આપ ભરાયછે, તેજ પ્રમાણે સર્વ કામનાઓ-વિષયો આપો-આપ જેમાં પ્રવેશ કરેછે, તે પુરૂષજ શાન્તિ પામેછે, પણ વિષયોને જે પોતે ઇચ્છે છે તેને તો શાન્તિ મળતીજ નથી. ।।૨- ૭૦।।

विहाय कामान्यः सर्वान् पुमांश्चरति निःस्पृहः ।
निर्ममो निरहंकारः स शान्तिमधिगच्छति ॥२- ७१॥

માટે જે પુરૂષ સર્વ વિષયોને દૂરથીજ ત્યાગ કરીને નિઃસ્પૃહ થકો વિચરેછે અને નિમત્વ થઇને દેહમાંથી પણ જેને અહંભાવ ટળી જાયછે, તેજ પુરૂષ ખરી શાન્તિને અનુભવેછે. ।।૨- ૭૧।।

एषा ब्राह्मी स्थितिः पार्थ नैनां प्राप्य विमुह्यति ।
स्थित्वास्यामन्तकालेऽपि ब्रह्मनिर्वाणमृच्छति ॥२- ७२॥

હે પાર્થ ! આ મેં કહી એ બ્રાહ્મી સ્થિતિ જાણ ! આ સ્થિતિ પામીને- પામ્યા પછી કોઇ મોહમાં ફસાતો નથી. વળી આ સ્થિતિમાં અન્તકાળે પણ રહેવાય તોય બ્રહ્મનિર્વાણ-જન્મમૃત્યુથી રહિત સ્થિતિરૂપ કૈવલ્ય મુક્તિ મળે છે. (એવો આ બ્રાહ્મી સ્થિતિનો મહિમા છે.) ।।૨- ૭૨।।

ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे
श्रीकृष्णार्जुनसंवादे सांख्ययोगो नाम द्वितीयोऽध्यायः ॥ २ ॥

ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે
શ્રીકૃષ્ણાર્જુનસંવાદે સાંખ્યયોગો નામ દ્વિતીયોઅધ્યાયઃ ।।૨।।