૪૫ માતાપિતાને મધુર વચનોથી સાંત્વના આપી, ઉગ્રસેનનો રાજયાભિષેક કરી, ગુરુને ઘેર ભણવા જતા શ્રીકૃષ્ણ

Submitted by swaminarayanworld on Sat, 23/01/2016 - 10:48am

અધ્યાય ૪૫

માતાપિતાને મધુર વચનોથી સાંત્વના આપી, ઉગ્રસેનનો રાજયાભિષેક કરી, ગુરુને ઘેર ભણવા જતા શ્રીકૃષ્ણ ભગવાન.

શુકદેવજી કહે છે હે પરીક્ષિત ! હું પ્રસન્ન થતાં આ માતાપિતાને જ્ઞાન તો કાંઇ દુર્લભ જ નથી, પણ મને પુત્ર સમજીને મારા ઉપર પ્રેમ જ દુર્લભ છે, માટે હમણાં આ માતાપિતાને પુત્ર સ્નેહનું સુખ ભોગવ્યા પહેલાં મારી ઇશ્વરતાનું જ્ઞાન થવું તે ઠીક નહીં. એમ વિચારી ભગવાને લોકોને મોહ પમાડનારી પોતાની માયાનો તેઓના ચિત્તમાં વિસ્તાર કર્યો.૧ પછી મોટા ભાઇ સહિત પાસે આવીને સ્નેહથી નમતા, અને હે મા ! હે બાપ ! એમ આદરથી બોલતા ભગવાને તે માબાપને આ પ્રમાણે કહ્યું.૨

ભગવાન કહે છે- હે પિતા ! તમો બન્ને જણાં અમો દીકરાઓને માટે નિરંતર ઉત્કંઠા રાખતાં હતાં, તોપણ અમારી બાલ્ય, પૌગંડ અને કિશોર અવસ્થાનાં જે સુખ તમોને મળવાં જોઇએ તે કદી પણ મળ્યાં નથી.૩  અમારા (કમનસીબે) દુર્દૈવના યોગથી તમારી પાસે રહેવાનું મળ્યું નથી, અને માબાપને ઘેર રહેવાથી લાડ પામેલા બાળકોને જે આનંદ મળે છે તે પણ મળ્યો નથી.૪  સુખની હાનિ તો તમોને તથા અમોને સરખી થઇ, પણ તમારી સેવાનો લોપ થવાને લીધે અમને તો ધર્મની હાનિ પણ થઇ છે. ધર્માદિક સર્વે પુરુષાર્થો જે દેહ થકી થાય છે એવો દેહ જેઓથી ઉત્પન્ન થયો છે અને જેઓએ તેનું પોષણ કર્યું છે, એવાં માતાપિતાના ઋણમાંથી પુત્ર સો વર્ષનું આયુષ્ય ભોગવતાં પણ છૂટી શકતો નથી. જે દીકરો પોતે સમર્થ હોવા છતાં પણ પોતાના દેહથી અને ધનથી તે માતા પિતાને આજીવિકા ન આપે તે દીકરાને પરલોકમાં યમદૂતો તેનું પોતાનું જ માંસ ખવરાવે છે.૫-૬  પોતે સમર્થ છતાં જે પુરુષ માતા, પિતા, વૃદ્ધ, પતિવ્રતા સ્ત્રી, બાળક, ગુરુ અને શરણે રહેલો કોઇ પણ પુરુષ તેનું પોષણ ન કરે, તેને જીવતે મુવો જાણવો.૭  તો અમો કે જેઓ અસમર્થ અને કંસથી નિરંતર ઉદ્વેગ પામતા હતા ને અમારા આટલા દિવસ તમારી સેવા નહીં થવાને લીધે વ્યર્થ ગયા છે.૮  હે પિતા ! હે માતા ! એટલા માટે જે અમો શત્રુની ઘણી કચવાટ અને પરતંત્રતાને લીધે તમારી સેવા કરી શક્યા નથી, તેથી તમો અમોને ક્ષમા આપવાને યોગ્ય છો.૯

શુકદેવજી કહે છે- આ પ્રમાણે માયાથી મનુષ્ય થયેલા વિશ્વાત્મા ભગવાનની વાણીથી મોહ પામેલાં દેવકી અને વસુદેવ પોતાના પુત્રોને ખોળામાં બેસાડી આલિંગન કરીને આનંદ પામ્યાં.૧૦  આંસુની ધારાઓથી નવરાવતાં, સ્નેહરૂપી પાસથી બંધાએલાં, મોહ પામેલાં અને જેનાં ગળા સુધી આંસુ પહોંચી ગયાં હતાં એવાં દેવકી અને વસુદેવ પ્રેમના ભારથી કાંઇપણ બોલી શક્યા નહીં.૧૧  ભગવાને આ પ્રમાણે માતાપિતાને આશ્વાસન આપી કરી, પોતાના માતામહ (નાનાબાપા) ઉગ્રસેનને યાદવોનું રાજય આપ્યું અને કહ્યું કે હે મહારાજ ! અમો તમારી પ્રજા છીએ, તેને આપ આજ્ઞા કરવાને યોગ્ય છો. યયાતિ રાજાના શાપને લીધે યદુવંશીઓથી રાજયાસન ઉપર બેસાય નહીં, એટલા માટે હું રાજય કરીશ નહીં અને તમે પણ યદુવંશી છો તોપણ મારી આજ્ઞાને લીધે તમને કશો દોષ નથી.૧૨- ૧૩  હું સેવક થઇને તમારી પાસે રહીશ એટલે દેવ આદિ લોકો પણ તમને નમીને કર આપશે, તો પછી બીજા રાજાઓ આપે એમાં કહેવું જ શું ?૧૪  પછી ભગવાને યદુ, વૃષ્ણિ, અંધક, મધુ, દાર્શાહ અને કુકુર આદિ પોતાના જ્ઞાતિ અને સંબંધીઓ જેઓ કંસના ભયને લીધે પરદેશમાં ભાગી ગયાં હતાં, અને દુઃખી થઇ ગયાં હતાં તેઓને પરદેશથી તેડાવી આશ્વાસના કરી, સત્કાર કરી તથા ધનથી તૃપ્ત કરી પોતપોતાના ઘરોમાં રાખ્યા.૧૫-૧૬  શ્રીકૃષ્ણ અને બલરામના હાથથી રક્ષણ પામેલા, પૂર્ણ થયેલા અને ભગવાનના પ્રતાપથી તાપ મટી જતાં જેના સર્વે મનોરથ સિદ્ધ થયા છે, એવા યાદવો ઘરમાં રમવા લાગ્યા.૧૭  નિરંતર આનંદ ભરેલું શોભાવાળું અને દયા સહિત મંદહાસ્યવાળું ભગવાનનું મુખારવિંદ દરરોજ જોવામાં આવતાં યાદવોમાં જેઓ વૃદ્ધ હતા તેઓ પણ યુવાન થઇ ગયા અને મુખારવિંદરૂપી અમૃત વારંવાર નેત્રથી પીવામાં આવતાં યાદવોના શરીરની અને ઇંદ્રિયોની શક્તિ પણ બહુ જ વધી.૧૮-૧૯  પછી હે રાજા ! દેવકીના પુત્ર શ્રીકૃષ્ણ અને બલરામ નંદરાયની પાસે આવી તેમનું આલિંગન કરી આ પ્રમાણે બોલ્યા.૨૦

શ્રીકૃષ્ણ તથા રામ કહે છે- હે પિતા ! સ્નેહ ભરેલાં તમો બન્નેએ અમોને ઉછેર્યા અને બહુજ લાડ લડાવ્યા છે. માબાપને પોતાના શરીર કરતાં પણ પુત્રો ઉપર ઘણીજ વધારે પ્રીતિ હોય છે.૨૧ પોષણ અને રક્ષણ કરવામાં અસમર્થ બંધુઓએ છોડી દીધેલા બાળકોનું જેઓ પોતાના પુત્રની પેઠે રક્ષણ કરે, તેઓ જ માતા અને પિતા ગણાય.૨૨  હે પિતા ! તમો વ્રજમાં જાઓ, અહીં સંબંધીઓને સર્વે સુખની સગવડ કરી આપ્યા પછી અમો પણ તમારી પાસે આવીશું. ૨

૨૩

શુકદેવજી કહે છે- આવી રીતે શ્રીકૃષ્ણ ભગવાને નંદરાયને અને ગોવાળોને આશ્વાસન આપી, વસ્ત્ર, અલંકાર અને કાંસા, પીતળનાં પાત્રો આદિ આપીને તેનું પ્રીતિપૂર્વક પૂજન કર્યું.૨૪  આવાં ભગવાનનાં વચન સાંભળી ગોવાળો સહિત પ્રેમથી વિહ્વળ થયેલા અને આંસુથી નેત્રને ભરી મૂકતા નંદરાય, શ્રીકૃષ્ણ તથા બળદેવજીનું આલિંગન કરી વ્રજમાં ગયા.૨૫  પછી વસુદેવે પુરોહિત અને બ્રાહ્મણોને બોલાવીને તેની પાસે પોતાના બન્ને પુત્રોનો શાસ્ત્રવિધિ પ્રમાણે ઉપનયન સંસ્કાર કરાવ્યો.૨૬ બ્રાહ્મણોનું પૂજન કરી દક્ષિણા આપી અને સોનાની માળાવાળી શણગારેલી અને વાછરડાં સહિત ગાયો આપી.૨૭  શ્રીકૃષ્ણ તથા બલરામના જન્મને દિવસે પોતે જે ગાયોનું દાન આપવાનો સંકલ્પ કર્યો હતો તે યાદ કરી અને કંસે અધર્મથી લઇ લીધેલી ગાયોને રાજયની ગૌશાળામાંથી છોડાવી ને વસુદેવે પુત્રોના જન્મ નક્ષત્રને દિવસે બ્રાહ્મણોને દાન આપ્યું.૨૮  પછી ઉપનયન સંસ્કાર થતાં દ્વિજપણું પામેલા અને સર્વે નિયમ પાળનાર તે બન્ને ભાઇઓ યદુકુળના આચાર્ય ગર્ગમુનિના કહેવા પ્રમાણે ગાયત્રી સંબંધી વ્રત પાળ્યું.૨૯  પછી સર્વ વિદ્યાઓને ઉત્પન્ન કરનાર, સર્વજ્ઞ અને જગતના ઇશ્વર છતાં પણ મનુષ્ય ચેષ્ટાથી પોતાના સ્વતઃસિદ્ધ નિર્મળ જ્ઞાનને ઢાંકતા એ બન્ને ભાઇઓ ગુરુકુળમાં નિવાસ કરવાની ઇચ્છાથી ઉજજૈનના રહેવાસી સાંદીપનિ નામના બ્રાહ્મણની પાસે ગયા.૩૦-૩૧  બીજાઓને સર્વોત્તમ ગુરુની સેવા કરવાનું શીખવવા સારુ પોતે પણ ગુરુની પાસે જિતેંદ્રિયપણાથી અને પ્રીતિથી દેવની પેઠે ગુરુની સેવા કરવા લાગ્યા.૩૨  શુદ્ધ ભાવનાવાળી સેવાથી પ્રસન્ન થયેલા ઉત્તમ બ્રાહ્મણ ગુરુએ અંગ અને ઉપનિષદ્ સહિત સર્વે વેદ ભણાવ્યા.૩૩  મંત્ર અને વેદોના જ્ઞાન સહિત ધનુર્વેદ, ધર્મશાસ્ત્ર, મીમાંસાદિક શાસ્ત્ર, તર્કશાસ્ત્ર અને છ પ્રકારની રાજનીતિ પણ ભણાવી.૩૪  હે રાજા ! સર્વ વિદ્યાના પ્રવર્તક અને મનુષ્યોમાં સર્વોત્તમ એ બન્ને જણા ગુરુના માત્ર એક જ વાર કહેવાથી જ સર્વે વિદ્યા શીખી ગયા.૩૫  જિતેંદ્રિયપણાથી રહેલા શ્રીકૃષ્ણ અને બળદેવજી ચોસઠ દિવસમાં ચોસઠ કળા શીખ્યા. પછી હે રાજા ! ગુરુને મનગમતી ગુરુદક્ષિણા માગવાનું કહ્યું.૩૬  સાંદીપિન ગુરુએ મનુષ્યોમાં ન હોય એવી બુદ્ધિરૂપ તેનો અદભૂત મહિમા જોઇને પોતાની સ્ત્રીની સાથે વિચાર કરી, પ્રભાસના મહાસાગરમાં મરી ગયેલો પોતાનો પુત્ર લાવી આપવાનું તેઓની પાસે માગ્યું.૩૭  ગુરુના વચનનો સ્વીકાર કરી અપાર પરાક્રમવાળા એ મહારથી શ્રીકૃષ્ણ અને બળદેવ રથમાં બેસી સમુદ્રને કાંઠે આવીને થોડીવાર બિરાજમાન થયા. તેને ઇશ્વર જાણી સમુદ્ર પણ તેઓ સારુ પૂજન લાવ્યો.૩૮ ભગવાને સમુદ્રને કહ્યું કે અમારા ગુરુનો પુત્ર કે જેને તમો અહીં મોટા તરંગથી લીધો છે તે તરત આપી દો.૩૯  સમુદ્ર બોલ્યા કે હે દેવ ! તે બાળકને મેં લીધો નથી. પણ મારા જળની અંદર ફરનાર અને શંખનું રૂપ ધરનાર એક પંચજન નામનો મોટો દૈત્ય છે તેણે લીધો હશે, એ વાત સાંભળી ભગવાને તરત જળમાં જઇને તે દૈત્યને માર્યો, પણ તેના પેટમાં બાળકને દીઠો નહીં, એટલે માત્ર તેના અંગમાંથી ઉત્પન્ન થયેલો પાંચજન્ય નામનો શંખ લઇને ભગવાન પાછા રથમાં આવ્યા. પછી યમરાજાની સંયમની નામની પુરીમાં જઇને બળદેવ સહિત ભગવાને શંખનાદ કર્યો. પ્રજાઓને દંડ આપનારા યમ રાજાએ તે શંખનાદ સાંભળી એ બન્નેની ભક્તિથી મોટી પૂજા કરી. પછી પ્રણામ કરી શ્રીકૃષ્ણને કહ્યું કે હે લીલાથી મનુષ્ય થયેલા વિષ્ણુ ! હું તમારું શું કામ કરું ? ત્યારે ભગવાને કહ્યું હે મહારાજ ! અમારા ગુરુનો પુત્ર કે જેને તમે તેના કર્મબંધનને લીધે અહીં લાવ્યા છો, તેને મારી આજ્ઞાથી લાવી આપો.૪૦-૪૫  આ આજ્ઞા માથે ચડાવીને યમરાજાએ લાવી આપેલો ગુરૂપુત્ર પોતાના ગુરુને આપીને, ફરીવાર માગવાનું કહ્યું.૪૬  તે સમયે ગુરુ બોલ્યા- હે પુત્ર ! તમોએ ગુરુદક્ષિણા ઘણી જ સારી આપી, તમ જેવાના ગુરુની કઇ ઇચ્છા અપૂર્ણ રહે ?૪૭  હે વીરપુરુષો !તમે ઘેર જાઓ તમારી પવિત્ર ર્કીતિ થજો. આલોક અને પરલોકમાં તમારા વેદ સફળ થજો.૪૯ આ પ્રમાણે ગુરુએ આજ્ઞા આપતાં બન્ને ભાઇઓ પવન સરખા વેગવાળા અને મેઘ સરખા નાદવાળા રથમાં બેસીને પાછા મથુરામાં આવ્યા. સર્વે પ્રજાજનો ઘણા દિવસથી શ્રીકૃષ્ણ તથા રામને નહીં જોવાથી, એ દિવસે તે બન્ને ભાઇઓને જોઇને ગયેલું ધન પાછું મળતાં જેમ રાજી થાય તેમ રાજી થયા.૪૯-૫૦

ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો પિસ્તાલીશમો અધ્યાય સંપૂર્ણ.