૪૪ શ્રીકૃષ્ણ ભગવાને મલ્લોનો તથા કંસનો નાશ કરી માતા પિતાને કેદમાંથી મુક્ત કર્યાં.

Submitted by swaminarayanworld on Sat, 23/01/2016 - 10:47am

અધ્યાય ૪૪

શ્રીકૃષ્ણ ભગવાને મલ્લોનો તથા કંસનો નાશ કરી માતા પિતાને કેદમાંથી મુક્ત કર્યાં.

શુકદેવજી કહે છે- આ પ્રમાણે વાત થતાં પ્રથમથી જ નિશ્ચય કરી રાખ્યો હતો એવા ભગવાન, ચાણૂર મલ્લની સાથે અને બલરામ મુષ્ટિક મલ્લની સાથે યુદ્ધ કરવા લાગ્યા.૧ સામ સામા હાથથી હાથ અને પગથી પગ મેળવીને જીતવાની ઇચ્છાને લીધે એક બીજાને ખેંચવા લાગ્યા.૨  એકબીજાના કોણીઓમાં કોણી, ગોઠણમાં ગોઠણ, માથામાં માથું અને છાતીમાં છાતી અફળાવવા લાગ્યા.૩ હલાવવું, ધક્કો દેવો, બાથમાં લઇને દાબવું, નીચે પછાડવું, મૂકી દઇને આગળ જવું અને પાછળ હઠવું એવી ક્રિયાથી એકબીજાને જય પામતાં અટકાવવા લાગ્યા.૪ ગોઠણ અને પગનો ગોટોવાળી પડેલાને ખસેડવો, ઉપાડીને લઇ જવો, વળગી રહેલાને દૂર કરવો અને પગ આદિ અવયવોનો ગોટો વાળવો, એવી ક્રિયાઓથી એ બબ્બે જણા જયની ઇચ્છાને લીધે એકબીજાના શરીરોને પીડા કરતા હતા.૫  હે રાજા ! જેમાં એક બળવાન અને બીજો નિર્બળ હતો એવું તે મલ્લયુદ્ધ જોઇને દયા આવતાં સર્વે સ્ત્રીઓ ટોળેટોળાં મળીને પરસ્પરમાં આ પ્રમાણે વાતો કરવા લાગી.૬

સ્ત્રીઓ વાતો કરે છે- અરેરે ! ! ! આ રાજાના સભાસદો કે જેઓ રાજાના દેખતાં વિળયા અને નબળાના યુદ્ધને પોતે પણ સ્વીકારે છે, સભાસદોને આ મોટો અધર્મ લાગે છે.૭  જેઓનાં સર્વે અંગ વજ્ર જેવાં કઠણ છે એવા અને મોટા પહાડ જેવડા આ બે મલ્લ ક્યાં ? અને અત્યંત સુકોમળ અંગવાળા તથા જેઓને હજુ યુવાની પણ આવી નથી એવાં આ બે બાળકો ક્યાં ?૮  આ સભામાં અવશ્ય ધર્મનું ઉલ્લંઘન થવાનું છે અને જયાં અધર્મ પ્રવર્તે ત્યાં કદી પણ ઊભું રહેવું ન જોઇએ.૯  (બીજી સ્ત્રી કહે છે) સભાસદોને કેવા કેવા દોષ લાગે છે એ જાણનાર સમજુ માણસે સભા આવવું ન જોઇએ, કેમકે જાણવા છતાં ચુપ રહેનાર અથવા અવળું બોલનાર મૂર્ખ માણસને દોષ લાગે છે.૧૦  શત્રુની ચારે બાજુ ફરતા આ શ્રીકૃષ્ણનું મુખારવિંદ જળનાં બિંદુઓથી કમળના ડોડાની પેઠે પસીનાથી વ્યાપ્ત થઇ રહ્યું છે તે જુઓ.૧૧  બલરામનું મુખ કે જે રાતાં નેત્રવાળું, મુષ્ટિકની ઉપર ક્રોધથી ભરાએલું અને હાસ્યથી થયેલા આવેશને લીધે શોભી રહેલું છે, તેને તમો શું જોતી નથી ?૧૨  અહો આનંદ થાય છે કે મનુષ્ય દેહથી ગૂઢ, વનનાં વિચિત્ર પુષ્પોને પહેરનાર, ગાયોને ચારતા, વેણુ વગાડતા અને જેના ચરણને સદાશિવ અને લક્ષ્મીજી પણ પૂજે છે એવા, આ પુરાણ પુરુષ શ્રીકૃષ્ણ જે વ્રજભૂમિમાં બલરામની સાથે અનેક પ્રકારની ક્રીડા કરતા ફરે છે તે વ્રજભૂમિને ધન્ય છે.૧૩ આ સભાને તો ધિક્કાર છે કે જેમાં આ શ્રીકૃષ્ણ દુઃખ પામે છે, આ ભગવાનનું રૂપ કે જે લાવણ્યને લીધે સુંદર, સ્વાભાવિક, સમયે સમયે નવીન લાગે એવું, યશ, લક્ષ્મી અને ઐશ્વર્યના અવિચળ સ્થાનકરૂપ, બીજાને ન મળે એવું અને જેના રૂપની સમાન અથવા અધિક બીજું કોઇ પણ નથી એવું છે, તે રૂપને ગોપીઓ પોતાના નેત્રોથી જાણે પી જતી હોય તેમ જુવે છે, માટે તે ગોપીઓએ ક્યું તપ કર્યું હશે ?૧૪ આપણાં પુણ્ય તો થોડાં જ છે કેમકે આવા અવસરમાં આ રૂપને જોઇએ છીએ, અને આંસુથી ભરાએલા કંઠવાળી ગોપીઓ તો ભગવાનનું જ ચિંતવન કરતી અને પ્રેમને લીધે ખાંડતાં, છાશ કરતાં, લીંપતાં, હીંચકતાં, બાળકો રમાડતાં, પાણી છાંટતાં અને વાશીદું વાળવું આદિ ક્રિયા કરતાં આ ભગવાનનું જ ગાયન કરે છે, માટે મહાભાગ્યશાળી છે.૧૫  પ્રાતઃકાળે વ્રજમાંથી ગાયોની સાથે જતાં અને સાયંકાળે પાછા વ્રજમાં આવતાં આ ભગવાન વેણુ વગાડે છે, ત્યારે ભાગ્યશાળી ગોપીઓ તે વેણુનાદને સાંભળતી તરત ઘરથી બહાર નીકળી માર્ગમાં આવતા, ભગવાનના દયાથી યુક્ત દૃષ્ટિવાળા અને મંદમંદ હસતા મુખારવિંદને જુએ છે.૧૬

શુકદેવજી કહે છે- હે રાજા ! આ પ્રમાણે સ્ત્રીઓ, જયારે વાતો કરી રહી હતી તે જ સમયે યોગેશ્વર ભગવાને તેઓનો ભય દૂર કરવા માટે શત્રુને મારી નાખવાનું મન કર્યું.૧૭  સ્ત્રીઓની ભય ભરેલી વાતો સાંભળી, પુત્રના સ્નેહને લીધે શોકાતુર થયેલાં અને પુત્ર જેવા કૃષ્ણના બળને નહિ જાણતાં દેવકી અને વસુદેવની જેમ પુત્રભાવે દેખનારા સજજનો પરિતાપ પામવા લાગ્યાં.૧૮  તે અનેક મલ્લયુદ્ધના પ્રકારોથી શ્રીકૃષ્ણ અને ચાણૂર તથા બલરામ અને મુષ્ટિક ન્યાય પ્રમાણે મલ્લયુદ્ધ કરતા હતા.૧૯  ભગવાનના વજ્રપાત જેવા કઠણ પ્રહારોથી અંગ ભાંગી જવા માંડતાં ચાણૂર વારંવાર ગ્લાનિ પામવા લાગ્યો.૨૦  પછી ક્રોધાયમાન થયેલો તે ચાણૂર બાજપક્ષીના જેવા વેગથી ઊછળી, બે હાથની મૂઠીઓ વાળીને ભગવાનની છાતીમાં મારી.૨૧  જેમ ફૂલની માળા લાગવાથી હાથી કંપે નહિ તેમ ચાણૂરના પ્રહારથી ભગવાન કંપ્યા નહિ. પછી ભગવાને ચાણૂરને બેહાથે પકડી, ઘણીવાર ફેરવીને તેના જીવિતને ક્ષીણ કરી નાખતાં જોરથી પૃથ્વી ઉપર પછાડ્યો. જેનાં ભૂષણ, કેશ અને માળા વિખરાઇ ગયાં છે, એવો ચાણૂર ઇંદ્રના ધ્વજની જેમ પડ્યો.૨૨-૨૩ એજ રીતે મુષ્ટિક કે જેણે બલરામને પ્રથમ મુક્કો માર્યો હતો. પછી તે બલરામના પ્રહારથી પીડાતાં ધ્રૂજતો અને મોઢામાંથી લોહી ઓકતો પ્રાણ રહિત થઇને વા વંટોળથી ભાંગેલા ઝાડની જેમ ધરતી ઉપર પડ્યો.૨૪-૨૫  હે રાજા ! પછી ભારે પ્રહાર કરનારા બલરામ પોતાની સામે આવેલા કૂટ નામના મલ્લને અપમાનથી ડાબાહાથથી મૂક્કો મારીને લીલા માત્રમાં મારી નાખ્યો.૨૬  તે સમયમાં શ્રીકૃષ્ણ ભગવાને શલ નામના મલ્લનું માથુ લાત મારીને ભાંગી નાખ્યું અને તોશલ નામના મલ્લના બે ફાડિયાં કરી નાંખ્યાં, તે બે મલ્લ પણ પડી ગયા.૨૭  ચાણૂર, મુષ્ટિક, કૂટ, શલ અને તોશલ માર્યા જતાં અવશેષ રહેલા મલ્લો પ્રાણના રક્ષણની ઇચ્છાથી ભાગી ગયા.૨૮  જયારે વાજાં વાગતાં હતાં ત્યારે, નાચતા અને ચરણમાં ઝણકાર કરતાં ઝાંઝરોવાળા શ્રીકૃષ્ણ અને બળદેવજી પોતાના સરખી ઉંમરવાળા ગોવાળોને અખાડામાં ખેંચી લઇને તેઓની સાથે મળીને રમવા લાગ્યા.૨૯  શ્રીકૃષ્ણ અને બલરામનું કામ જોઇને એક કંસ વિના બીજા સર્વે બ્રહ્માદિક દેવતાઓ અને મનુષ્યો રાજી થયા અને સારું થયું એમ બોલવા લાગ્યા.૩૦ પાંચ મલ્લ માર્યા જતાં અને બીજા ભાગી જતાં કંસ પોતાનાં વાજાં બંધ કરાવી આ પ્રમાણે બોલ્યો.૩૧  કંસ કહે છે- વસુદેવના આ દુષ્ટ પુત્રોને ગામમાંથી કાઢી મૂકો, ગોવાળોનું ધન લૂંટી લો અને દુષ્ટબુદ્ધિવાળા નંદને બાંધી લો.૩૨  વસુદેવ પણ કુબુદ્ધિવાળા અને દુષ્ટ છે, તેને પણ જલદી મારી નાખો અને ઉગ્રસેન મારા પિતા હોવા છતાં પણ પોતાના અનુયાયિઓએ સહિત શત્રુઓ સાથે ભળેલા છે. એટલા માટે તેને પણ જીવતા ન છોડો. ૩૩

શુકદેવજી કહે છે- આ પ્રમાણે કંસે બકવાદ કરતાં કોપ પામેલા શ્રીકૃષ્ણ, પોતાની ચતુરાઇથી ઠેકીને તરત ઊંચા મંચ ઉપર ચઢી ગયા.૩૪  એ પોતાના મૃત્યુરૂપ ભગવાનને આવતા જોઇ હિમતવાળા કંસે તરત આસન પરથી ઊઠીને ઢાલ તલવાર લીધી.૩૫  આકાશમાં જેમ બાજપક્ષી ફરે તેમ હાથમાં તલવાર લઇને ડાબી બાજુ તથા જમણી બાજુ ફર્યા કરતો એવો જે કંસ તેને અસહ્ય ઉગ્ર તેજવાળા ભગવાને, ગરુડ જેમ નાગને પકડે તેમ બળાત્કારથી પકડ્યો.૩૬  કેશ પકડી મસ્તક ઉપરથી ખસી ગયેલા મુગટવાળા એ કંસને ઊંચા મંચ ઉપરથી અખાડામાં નાખ્યો, અને તેની ઉપર સર્વ જગતના આશ્રયરૂપ અને સ્વતંત્ર ભગવાન પોતે પણ અખાડામાં પડ્યા.૩૭  સિંહ જેમ મરેલા હાથીને ખેંચે તેમ ભગવાને સર્વ લોકોના દેખતાં એ મરી ગયેલા કંસને ધરતી ઉપર ખેંચ્યો. તે સમયમાં હે રાજા ! સર્વ લોકોના મોઢામાંથી મોટો હાહાકાર નીકળ્યો.૩૮  કંસ નિરંતર ઉદ્વેગને લીધે પીતાં, બોલતાં, ફરતાં, સૂતાં, અને શ્વાસ લેતાં પોતાની આગળ ભગવાનને જ દેખતો હતો. તેથી બીજાને ન મળે એવા એજ ભગવાનના સ્વરૂપને પામ્યો.૩૯  કંક અને ન્યગ્રોધક આદિ આઠ કંસના નાના ભાઇઓ ક્રોધ કરીને ભાઇનું વેર વાળવા સારુ યુદ્ધ કરવા દોડ્યા.૪૦  તે સમયે અતિ વેગથી ધસી આવેલા અને સજજ થયેલા એ આઠે નાના ભાઇઓને બળદેવજીએ સિંહ જેમ પશુઓને મારે તેમ ભોગળ ઉપાડીને મારી નાખ્યા.૪૧  તે સમયે આકાશમાં દુંદુભિ વાગ્યાં, બ્રહ્મા અને શિવજી આદિ દેવતાઓ પ્રેમથી પુષ્પવડે ભગવાન ઉપર પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા અને અપ્સરાઓ નાચવા લાગી.૪૨  હે રાજા ! પતિઓના મરણથી દુઃખ પામેલી એ કંસાદિકની સ્ત્રીઓ રોતી અને માથાં કૂટતી ત્યાં આવી.૪૩  રણભૂમિમાં સૂતેલા પોતાના પતિઓનું આલિંગન કરી શોક કરતી અને વારંવાર આંસુ ખેરવતી તે ઊંચા સ્વરથી વિલાપ કરવા લાગી. હે નાથ ! હે પ્રિય ! હે ધર્મને જાણનારા ! હે દયાળુ ! હે દીનબંધુ ! તમે પોતે હણાઇ જઇને ઘર અને પ્રજા સહિત અમોને પણ હણી નાખી છે.૪૪-૪૫  હે પુરુષોમાં શ્રેષ્ઠ ! સ્વામી એવા તમારા વિયોગને પામેલી અને જેમાં ઉત્સાહ તથા મંગળ કાર્ય બંધ પડી ગયાં છે, એવી આ નગરી અમારી પેઠે જ શોભા રહિત થઇ છે.૪૬  તમે નિરપરાધી પ્રાણીઓનો બહુજ દ્રોહ કર્યો તેથી આ દશાને પામ્યા છો. પ્રાણીઓનો દ્રોહ કરવાથી કોનું સારું થાય ?૪૭  આ શ્રીકૃષ્ણ સર્વ પ્રાણીઓને ઉત્પન્ન, રક્ષણ અને પ્રલય કરનાર છે, તો તેનો દ્રોહ કરનાર કદી પણ સુખ પામે નહિ.૪૮

શુકદેવજી કહે છે- પછી લોકોના રક્ષક શ્રીકૃષ્ણ ભગવાને એ રાણીઓને આશ્વાસન આપી અને મરી ગયેલાને માટે જે કાંઇ લોકિક કાર્ય કરવાનું હોય તે કરાવ્યું.૪૯  શ્રીકૃષ્ણ અને બલરામે પોતાના માતા-પિતાને બંધનમાંથી છોડાવી ચરણ સ્પર્શ કરીને પોતાના મસ્તકથી તેઓના ચરણમાં પ્રણામ કર્યા.૫૦  પુત્રો પગે લાગ્યા આલિંગન કર્યું નહિં.૫૧

ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો ચુંમાલીશમો અધ્યાય સંપૂર્ણ.