૩૯ કૃષ્ણ મથુરા જવાથી ગોપીઓનો વિલાપ તથા અક્રૂરજીને યમુનાના જળમાં દિવ્ય દર્શન.

Submitted by swaminarayanworld on Sat, 23/01/2016 - 10:43am

અધ્યાય ૩૯

કૃષ્ણ મથુરા જવાથી ગોપીઓનો વિલાપ તથા અક્રૂરજીને યમુનાના જળમાં દિવ્ય દર્શન.

શુકદેવજી કહે છે- પલંગ પર સુખેથી બેઠેલા અને બલરામ તથા શ્રીકૃષ્ણે ઘણું માન આપેલા અક્રૂરજીના સર્વે મનોરથો સિદ્ધ થયા કે જે તેમણે માર્ગમાં કર્યા હતા.૧  લક્ષ્મીના નિવાસરૂપ ભગવાન પ્રસન્ન થાય ત્યારે કશી વસ્તુ દુર્લભ રહેતી નથી, તોપણ હે રાજા ! ભગવાનના સાચા ભક્તો કોઇ વસ્તુની ઇચ્છા કરતા નથી.૨  દેવકીના પુત્ર ભગવાને રાત્રીનું ભોજન કરીને કંસ સંબંધીઓ સાથે કેવી રીતે વર્તન કરે છે તથા તેમણે બીજું શું કરવા ધારેલું છે એ વિષે અક્રૂરજીને આ પ્રમાણે પૂછ્યું.૩

ભગવાન પૂછે છે હે તાત ! હે સૌમ્ય ! તમો અહીં ક્ષેમ કુશળ આવ્યા છો ને ? તમારું સારુ થજો. આપણા સર્વે બંધુ અને સંબંધીઓ સુખી અને નીરોગી છે ને ?૪ આવી રીતનું પૂછવું પણ આ સમયમાં ઘટતું નથી, કેમકે કુળમાં રોગરૂપ અને અમારો મામો કહેવાતો કંસ જીવે છે, ત્યાં સુધી આપણા જ્ઞાતિજનો અને તેમની પ્રજાનું શું કુશળ પુછું ?૫  અહો ! અમારે માટે અમારા નિરપરાધી મા- બાપને બહુ દુઃખ પડ્યું. તેઓના પુત્રનું મરણ તથા તેઓને બંધન મારે માટે જ થયું છે.૬  હે સૌમ્ય ! જે તમો અમારા પોતાના જ છો, તમારા દર્શનને હું ઇચ્છતો જ હતો, તે આજ થયું, એ ઘણું સારું થયું. હે તાત ! હવે જે તમારે આવવાનું કારણ હોય તે કહો.૭

શુકદેવજી કહે છે- આ પ્રમાણે ભગવાને પૂછતાં યાદવોની સાથે કંસે રાખેલો વૈરાનુંબંધ, કંસે કરેલો વસુદેવના વધનો ઉદ્યમ, જે ધનુર્યાગના સમાચાર લઇને પોતે આવ્યા છે તે, ચાણૂરાદિકના હાથે મરાવી નાખવાને પોતાને દૂતરૂપે મોકલેલ છે તે, અને નારદજીએ કંસની પાસે વસુદેવથી ભગવાનનો જન્મ થયાની વાત કહી તે સર્વે હકીકત અક્રૂરજીએ કહી દેખાડી.૮-૯ અક્રૂરજીનું વચન સાંભળીને શત્રુઓને મારનાર ભગવાન અને બલરામ હસીને પોતાના પિતા નંદરાયની પાસે કંસ રાજાએ આજ્ઞા કર્યાની વાત કહી દેખાડી.૧૦ નંદરાયે પણ ગોવાળોને આજ્ઞા કરી કે સર્વે પ્રકારના ગાયોના દૂધ દહીં વગેરે રસો અને ઉત્તમ વસ્તુઓને સાથે લો અને ગાડાં જોડો. આવતી કાલે મથુરામાં જઇશું, રાજાને દૂધ દહીં વગેરે રસો આપીશું અને મોટો ઉત્સવ જોઇશું, દેશના સર્વે લોકો મથુરામાં જાય છે, આ પ્રમાણે પોતાના ગોકુળમાં કોટવાળ સાથે સાદ ફેરાવ્યો.૧૧-૧૨ આ વાત સાંભળી અને બળદેવ તથા શ્રીકૃષ્ણને મથુરામાં લઇ જવા સારુ અક્રૂરજી વ્રજમાં આવેલ જાણી, ગોપીઓ બહુ જ ખેદ પામી.૧૩  કેટલીક ગોપીના મુખની શોભા, એ વાતથી ઉત્પન્ન થયેલા હૃદયના સંતાપથી નીકળતા શ્વાસથી કરમાઇ ગઇ. કેટલીક ગોપીઓનાં વસ્ત્ર, કંકણ અને કેશની ગાંઠો શિથિલ થઇ જવા લાગી.૧૪  ભગવાનના ધ્યાનને લીધે કેટલીક ગોપીઓની સર્વે ઇંદ્રિયોની વૃત્તિઓ બંધ પડી જતાં મુક્ત લોકોની પેઠે તેમને પોતાના દેહનું પણ ભાન રહ્યું નહિ.૧૫  સ્નેહ પૂર્વક મંદહાસ્યે બોલેલી, હૃદયમાં લાગી રહેલી અને વિચિત્ર પદવાળી ભગવાનની વાતોને સંભારતી કેટલીક સ્ત્રીઓ મૂર્છા પામી ગઇ.૧૬  ભગવાનની સુંદર ચાલ, ચેષ્ટા, સ્નેહ ભરેલા હાસ્ય પૂર્વક જોવું, શોકને મટાડનાર હાંસીનાં વચનો અને ભગવાનની લીલાનું ચિંતવન કરતી તથા વિરહથી બીતી અને ભગવાનમાં જ જેઓનાં ચિત્ત લાગ્યાં હતાં, એવી તે ગોપીઓ ટોળે ટોળાં મળીને રોતી રોતી આ પ્રમાણે બોલવા લાગી.૧૭-૧૮

ગોપીઓ કહે છે- હે દૈવ ! તને કોઇના ઉપર દયા આવતી નથી. એકવાર  મિત્ર અને સ્નેહથી પ્રાણીઓને ભેળાં કરી, તેને હજુ પૂરાં સુખ મળ્યાં ન હોય તે પહેલાં તું વૃથા નોખાં પાડી નાખે છે, માટે તારી ક્રીડા બાળકોની રમત જેવી છે.૧૯ તું શ્યામ કેશથી વીંટાએલું સુંદર ગાલવાળું , સરસ નાસિકાવાળું અને શોકને ટાળનાર મંદહાસ્યથી સુંદર એવું ભગવાનનું મુખારવિંદ એકવાર દેખાડીને પાછું અદૃશ્ય કરે છે, માટે તારું કામ ધિક્કારવા જેવું છે.૨૦  હે વિધાતા ! જે તું ક્રૂર છે, તારા વિના બીજા કોઇથી આવું કામ થાય નહીં, માટે અક્રૂર આવું નામ ધારી તું જ

આવેલ છે. તેં આપેલાં જે ચક્ષુથી ભગવાનના એક એક અંગમાં તારું સર્વે સૃષ્ટિનું ડહાપણ અમે જોયું છે, તે અમારાં ચક્ષુને મૂર્ખની પેઠે તું હરી લઇ અમને આંધળી કરી મેલે છે.૨૧  અરેરે ! ઘર, સ્વજન, પુત્ર અને પતિઓનો ત્યાગ કરી સાક્ષાત્ દાસીપણું પામેલી અને તેમણે કરેલા હાસ્યાદિકથી પરવશ થયેલી આપણને, આ ક્ષણભંગુર સ્નેહવાળા અને જેને નવું નવું જ પ્યારું લાગે છે, એવા શ્રીકૃષ્ણ આપણી સામે જોતા પણ નથી, માટે એમને આપણે રોકીશું.૨૨  મથુરાની સ્ત્રીઓને અવશ્ય આજની રાત્રીનું પ્રભાત સારા શકુનવાળું થયું હશે અને તેના મનોરથ પણ સત્ય જ થયા, કેમ કે જે મથુરાની સ્ત્રીઓ મથુરામાં પધારેલા ભગવાનનું કટાક્ષ વડે શોભતું, મંદ હાસ્યરૂપી અમૃતવાળું જે મુખ છે તેનું પાન કરશે.૨૩  હે સ્ત્રીઓ ! શ્રીકૃષ્ણ જોકે મા-બાપ આદિને પરાધીન છે અને ધીર છે તોપણ તે મથુરાની સ્ત્રીઓના મધની પેઠે મીઠાં ભાષણોથી તેમનું ચિત્ત વશ થઇ જશે. અને તેઓનાં લાજ ભરેલાં મંદહાસ્યથી તથા વિલાસોથી ભમી જશે. તેથી આપણે કે જેઓ ગામડાંની રહેનારી છીએ, તેઓની પાસે પાછા શી રીતે આવશે ?૨૪  આજ મથુરામાં રહેનારી તમામ વર્ણની પ્રજાઓને અવશ્ય મોટો ઉત્સવ થશે કે જેઓ લક્ષ્મીના પ્યારા અને ગુણોના સ્થાનરૂપ શ્રીકૃષ્ણને માર્ગમાં દેખશે.૨૫  આવું કામ કરનારા નિર્દય માણસનું ‘‘અક્રૂર’’ એવું નામ ન હોવું જોઇએ, કેમ કે અત્યંત ક્રૂર સ્વભાવવાળો આ માણસ બહુ જ દુઃખ પામેલી આપણને આશ્વાસન આપ્યા વિના પ્રાણથી પણ પ્યારા શ્રીકૃષ્ણને આપણે ન દેખીએ એવા દૂર સ્થળમાં લઇ જશે.૨૬  અરે ! કઠણ મનવાળા આ કૃષ્ણ રથમાં પણ બેસી ગયા. આ છકેલા ગોવાળો વળી તેની પછવાડે ગાડાંઓમાં બેસી ઉતાવળ કરે છે. આ અનીતિ જોઇને બૂઢ્ઢાઓ કોઇ ના પાડતા નથી. આ સમયમાં કોઇ ગોવાળોને વિઘ્ન, અકસ્માત, વજ્રપાત કે બીજું પણ કાંઇ અનિષ્ટ થતું નથી કે જેથી આને રોકાઇ જવું પડે. માટે આજ દૈવ જ આપણું પ્રતિકૂળ કરવા ધારે છે.૨૭  આપણે બધી ભેળી થઇ ભગવાનને રોકીએ, કુળના બુઢા અને બાંધવો આપણને શું કરી શકશે ? આંખના અડધા પલકારા જેટલો સમય પણ છોડી શકાય નહીં, એવા ભગવાનના પ્રસંગનો વિયોગ આપીને જેના ચિત્તને દૈવે દીન કરી નાખ્યાં છે, એવી આપણને હવે મોતની પણ બીક નથી.૨૮  હે ગોપીઓ ! રાસક્રીડાની સભામાં સ્નેહ ભરેલી રીતે જે ભગવાનનું સુંદર મંદહાસ્ય, સુંદર વિચાર, લીલાપૂર્વક દર્શન અને આલિંગન મળવાથી આપણને ઘણી રાત્રીઓ એક ક્ષણ સમાન લાગી હતી તે ભગવાન વિના વિરહના અપાર દુઃખને આપણે શી રીતે તરી શકીએ ? આ દુઃખ અસહ્ય છે. માટે આપણે અવશ્ય સાહસ કરવું જોઇએ.૨૯  સાયંકાળે બળદેવ સહિત ગોવાળોથી વીંટાએલા, વેણુ વગાડતા અને જેમના કેશ તથા માળા ખરીઓની રજથી ભરાઇ રહેલાં હોય છે, એવા ભગવાન વ્રજમાં પધારતાં મંદહાસ્ય પૂર્વક કટાક્ષના જોવાથી આપણા ચિત્તને હરી લે છે, તે ભગવાન વિના આપણે કઈ રીતે જીવી શકીશું ?૩૦

શુકદેવજી કહે છે- આ પ્રમાણે બોલતી, વિરહથી આતુર થયેલી અને જેઓનાં મન કૃષ્ણમાં જ લાગ્યાં હતાં, એવી વ્રજાંગનાઓ લાજ મૂકી દઇને હે ગોવિંદ ! હે દામોદર ! હે માધવ ! એમ ઊંચા સ્વરથી રોવા લાગી.૩૧  પછી સૂર્ય ઊગતાં અક્રૂરજીએ સ્નાન સંધ્યાદિક સર્વે કર્મ કરીને સ્ત્રીઓના રોવા ઉપર કાંઇ પણ ધ્યાન નહીં આપતાં રથ હાંક્યો.૩૨  નંદાદિક ગોવાળો ઘણા ઉત્તમ પદાર્થો અને ગોરસથી ભરેલા ઘડાઓને ગાડાંઓમાં ભરી તેમની પછવાડે ચાલ્યા.૩૩  ગોપીઓ પ્યારા કૃષ્ણની પાછળ જવા લાગી, ત્યાં કૃષ્ણે પાછું વળી જોવા આદિથી તેઓને કાંઇક રાજી કરી એટલે તેઓ ભગવાનનો પ્રત્યુત્તર મળવાની આશા રાખી ઊભી રહી.૩૪  પોતાના પ્રયાણના સમયમાં આ પ્રમાણે તાપ પામતી તે ગોપીઓને જોઇ ભગવાને ‘‘હું આવીશ’’ એવાં પ્રેમ ભરેલાં વચન દૂતની પાસે કહેવરાવી તેઓની સાંત્વના કરી.૩૫  પછી જયાં સુધી રથની ધ્વજા અને રથની રજ દેખાણી ત્યાં સુધી જેઓએ પોતાનાં ચિત્ત ભગવાનની સાથે જ મોકલ્યાં હતાં, એવી ગોપીઓ ચીતરેલી પૂતળીઓની પેઠે નિશ્ચળ થઇને ઊભી રહી.૩૬  પછી ભગવાનના પાછા ફરવા વિષે નિરાશ થયેલી ગોપીઓ પાછી વળી અને ભગવાનની લીલાનું ગાયન કરવા રૂપ સાધનથી શોક રહિત થઇને રાત્રિ દિવસ વિતાવવા લાગી.૩૭  બલરામ અને અક્રૂરજીની સાથે ભગવાન પણ વાયુ સરખા વેગવાળા રથથી પાપનો નાશ કરનારી યમુના નદીને કિનારે પહોંચ્યા.૩૮  ત્યાં સ્વચ્છ પાણીમાં સ્નાન, પાન કરીને વૃક્ષના સમૂહની પાસે આવી બળદેવ સહિત શ્રીકૃષ્ણ ભગવાન રથમાં બેઠા.૩૯ શત્રુઓની શંકાથી એ બન્ને ભાઇઓને રથમાં બેસાડી તેમની આજ્ઞા લઇને અક્રૂરજીએ યમુનાજીના ધરામાં આવી વિધિ સહિત સ્નાન કર્યું.૪૦  તે જળમાં ડૂબકી મારીને ગાયત્રીના જપ કરતા અક્રૂરજીએ સાથે બેઠેલા તે શ્રીકૃષ્ણ બળદેવને જળમાં દીઠા.૪૧  એ બન્ને વસુદેવના પુત્રો રથમાં બેઠા છે, માટે જળમાં આવવા કેમ સંભવે ? અને અહીં છે તો હવે રથમાં નહીં હોય, એવા વિચારથી અક્રૂરજીએ પાણીથી બહાર નીકળીને જોયું, ત્યાં રથમાં પણ પ્રથમની પેઠે જ બેઠેલા એ બન્ને ભાઇને દીઠા. ત્યારે મેં જે પાણીમાં દીઠા તે શું ખોટા દીઠા ? એવા વિચારથી અક્રૂરજીએ ફરીવાર ડૂબકી મારી, તો ત્યાં પણ ફરીવાર શેષનાગનાં દર્શન થયાં. સિદ્ધ, ચારણ, ગાંધર્વ અને અસુરો પોતાનાં માથાં નમાવીને તેમની સ્તુતિ કરતા હતા. એ શેષનાગને હજાર મસ્તક હતાં, હજાર ફેણોમાં મુકુટ પહેર્યા હતા, વસ્ત્ર શ્યામ હતાં, કાંતિ કમળના નાળની સમાન શ્વેત હતી, અને શિખરોથી ધોળા કૈલાસની પેઠે શોભતા હતા.૪૨-૪૫  એ શેષનાગના કુંડળ આકારે વળેલા શરીર ઉપર શાંતસ્વરૂપ ભગવાનને પોઢેલા જોયા. એ પરમપુરુષ નારાયણની કાંતિ મેઘના સરખી શ્યામ હતી, પીળાં રેશમી વસ્ત્ર પહેર્યાં હતાં, ભુજા ચાર હતી, નેત્ર કમળપત્ર સરખાં રાતાં હતાં. મુખ સુંદર અને પ્રસન્ન હતું, ભૃકુટી સુંદર હતી, નાસિકા, કાન અને કપોળ મનોહર હતાં, હોઠ રાતા હતા, વક્ષઃસ્થળમાં લક્ષ્મીજી હતાં, કંઠ શંખ જેવો હતો, નાભિ ઊંડી હતી, પીપળાના પાંદડા સરખા ઉદરમાં ત્રણ વળીઓ પડતી હતી, કટી અને નિતંબ મોટા હતા, બે સાથળ ઉપર જાડા અને નીચે પાતળા હતા, બે ગોઠણ અને બે પીંડીઓ શોભી રહી હતી.૪૬-૪૯  કાંઇક ઉપડતી ઘૂંટીઓથી અને રાતા નખના સમૂહની કાંતિથી વીંટાએલા હતા, કોમળ આંગળીઓ અને અંગૂઠારૂપ પાંખડીઓથી ચરણકમળ શોભી રહ્યાં હતાં.૫૦  અનેક અમૂલ્ય મણિવાળાં કિરીટ, કડાં, બાજુબંધ, કટિમેખળા, જનોઇ, હાર, ઝાંઝર અને કુંડળોથી દીપી રહ્યા હતા.૫૧  ચાર હસ્તમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કર્યાં હતાં, વક્ષઃસ્થળમાં શ્રીવત્સનું ચિહ્ન હતું, કૌસ્તુભમણિ શોભતો હતો, વનમાળા પહેરી હતી.૫૨  નંદ, સુનંદ આદિ પાર્ષદો, સનકાદિકો, બ્રહ્મા આદિ મોટા દેવો, મરીચિ આદિ નવ બ્રર્હ્મિષઓ અને પ્રહ્લાદ, નારદ તથા ઉપરિચર વસુ આદિ મોટા વૈષ્ણવો નિર્મળ અંતઃકરણથી નોખાનોખા પ્રકારનાં વચનોવડે સ્તુતિ કરતા હતા.૫૩-૫૪  લક્ષ્મી, પુષ્ટિ, સરસ્વતી, કાંતિ, ર્કીતિ, ઇલા, ઊર્જા, વિદ્યા, અવિદ્યા, માયા અને બીજી પણ શક્તિઓ સેવા કરતી હતી.૫૫  આવા ભગવાનને જોઇ બહુ જ રાજી થયેલાં પરમ ભક્તિવાળા રોમાંચિત થયેલાં અને ભાવને લીધે જેનાં નેત્ર તથા અંતઃકરણ આર્દ્ર થઇ ગયાં હતાં, એવા અક્રૂરજી ધીરજ રાખી, મસ્તકથી પ્રણામ કરી, હાથ જોડી, સાવધાન થઇ, ધીરે ધીરે ગદગદ્ વાણીથી આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા.૫૬-૫૭

ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમસ્કંધનો ઓગણચાળીશમો અધ્યાય સંપૂર્ણ.