૩૩ ગોપીઓની સાથે રાસલીલા તથા જળલીલા કરતા ભગવાન.

Submitted by swaminarayanworld on Sat, 23/01/2016 - 10:38am

અધ્યાય ૩૩

ગોપીઓની સાથે રાસલીલા તથા જળલીલા કરતા ભગવાન.

શુકદેવજી કહે છે- હે રાજા ! આ પ્રમાણે ભગવાનનાં અત્યંત કોમળ વચન સાંભળીને જેના મનોરથો પૂર્ણ થયા છે, એવી ગોપીઓનો વિરહથી થએલો તાપ મટી ગયો.૧  પછી ત્યાં ભગવાને પોતાને અનુસરનારી, રાજી થયેલી અને પરસ્પરના હાથની સાથે હાથ ગૂંથી લઇને ઊભેલી એ ઉત્તમ વ્રજાંગનાઓની સાથે રાસક્રીડા કરવાનો પ્રારંભ કર્યો.૨  સર્વે ગોપીઓ મંડલાકારથી ઊભી રહી, ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને પોતાની શક્તિથી બે બે ગોપીઓની વચમાં એક એક રૂપથી પ્રવેશ કર્યો અને તેમણે પોતાના બન્ને પડખાની ગોપીઓના કંઠોમાં હાથ મૂક્યા. પ્રત્યેક ગોપી એમ માનવા લાગી કે ભગવાન મારી પાસે જ છે અને મારું જ આલિંગન કર્યું છે. આવી રીતે રાસોત્સવ ચાલું થયો, તેટલી વારમાં ઉત્સાહથી ચિત્ત ખેંચાવાને લીધે પોતપોતાની સ્ત્રી સહિત દેવતાઓ આકાશ માર્ગે જોવા આવ્યા, તેથી સેંકડો વિમાનોની આકાશમાં ભીડ જામી.૩-૪ પછી દુંદુભી વાગવા લાગ્યાં. ફૂલની વૃષ્ટિઓ પડવા લાગી, સ્ત્રીઓ સહિત મોટા મોટા ગંધર્વો ભગવાનના નિર્મળ યશને ગાવા લાગ્યા.૫  રાસમંડળમાં શ્રીકૃષ્ણ સહિત ગોપીઓના કંકણ, ઝાંઝર અને ઘુઘરીઓનો તુમુલ શબ્દ થયો.૬  જેમ બબે સોનાના મણીઓની વચમાં નિલમણી શોભે તેમ સોના જેવા વર્ણવાળી તે બબ્બે ગોપીઓની વચમાં દેવકીના પુત્ર નીલવર્ણવાળા શ્રીકૃષ્ણ શોભવા લાગ્યા.૭  પગ માંડવા, હાથ હલાવવા, મંદ હાસ્ય સહિત ભૃકુટીના વિલાસ, જાણે કટકા થઇ જતી હોય તેમ વળતી કમર, હાલતાં સ્તન, હાલતાં વસ્ત્ર, ગંડસ્થળમાં હાલતાં કુંડળ અને પસીનાવાળાં મોઢાંઓથી શોભતી ભગવાનનું ગાયન કરતી અને જેઓના કેશ તથા કટીમેખળાઓની ગાંઠો ઢીલી પડી જતી હતી, એવી ગોપીઓ મેઘના સમૂહમાં વીજળીઓની પેઠે શોભતી હતી.૮  નાચતી, જાતજાતના સ્વરોથી મધુર કંઠવાળી, રતિમાં પ્રીતિવાળી અને ભગવાનના સ્પર્શથી રાજી થયેલી ગોપીઓ ઊંચા સ્વરેથી ગાવા લાગી, તે ગાયનથી સર્વે જગત શબ્દથી ભરપૂર થઇ ગયું.૯  કોઇ ગોપીએ ભગવાનના સ્વરની સાથે પોતાના સ્વરનો આલાપ ન મળતો હોવાને કારણે તે સમયે જ ધ્રુવ તાલ કરીને પોતાનો સ્વર ઊંચો કર્યો, તેથી ભગવાને રાજી થઇને તેને વાહ વાહ કહી સત્કાર કર્યો અને માન આપ્યું.૧૦  રાસથી થાકેલી અને જેનાં કંકણ તથા મલ્લિકાનાં ફૂલ શિથિલ થઇ જતાં હતાં એવી કોઇ ગોપી પોતાના હાથથી પડખામાં રહેલા ભગવાનનો ખભો પકડી ઊભી રહેતી હતી.૧૧  કોઇ ગોપી કમળ સરખી સુગંધવાળા ચંદનથી લીંપાએલા અને પોતાના ખભા ઉપર રહેલા શ્રીકૃષ્ણના હાથને સુંઘી રુવાડાં ઊભાં થઇ જતાં ચૂંબન કરવા લાગી જતી હતી.૧૨  કોઇ ગોપી નૃત્યને લીધે ચાલતાં કુંડળોની કાંતિથી શોભી રહેલા ગાલને જયારે શ્રીકૃષ્ણના ગાલ સાથે જોડી દેતી હતી, ત્યારે ભગવાન તેને ચાવેલું પાન આપતા હતા.૧૩  નાચતી, ગાતી અને જેનાં ઝાંઝર તથા કટીમેખળા શબ્દ કરતા હતા એવી કોઇ ગોપી થાકી જવાને લીધે પડખામાં ઊભેલા શ્રીકૃષ્ણનો હસ્ત પોતાના સ્તન ઉપર ધારણ કરતી હતી.૧૪  લક્ષ્મીજીના પરમ પ્રિય ભગવાનનો પતિરૂપે સમાગમ પામી, તેમનું ગાયન કરતી અને શ્રીકૃષ્ણના હાથ જેના ગળામાં લાગ્યા હતા એવી ગોપીઓ ભગવાનની સાથે વિહાર કરતી હતી.૧૫  ત્યાં સ્ત્રીઓ સહિત ગાંધર્વો અને કિન્નરાદિક વાજાં વગાડતા હતા અને ગવૈયા બન્યા હતા, છતાં તેઓ સર્વે રાસના આવેશથી મોહ પામતાં અને નાચવા લાગી જતાં કંકણ અને ઝાંઝર જ જેમાં વાજાંનું કામ કરતાં હતાં, અને આવી તે રાસમંડળીમાં ગોપીઓ ભગવાનની સાથે નાચતી હતી, કાન ઉપરનાં પુષ્પના ગુચ્છોથી, કેશથી શોભી રહેલા ગાલથી અને પસીનાથી તેઓનાં મોઢાં શોભી રહ્યાં હતાં. નાચ કરતાં કેશમાંથી ફૂલની માળાઓ ખરી પડતી હતી તેથી એવું જણાતું હતું કે તાલની ગતિથી રાજી થયેલા કેશ જાણે માથાં હલાવીને પગ ઉપર ફૂલની વૃષ્ટિ કરતા હોય.૧૬  ગોપીઓ જેમ ભગવાનની સાથે નાના પ્રકારના વિલાસોથી રમતી હતી તેમ ભગવાન પણ આલિંગન, હાથના સ્પર્શ, સ્નેહથી જોવું, ઉત્તમ વિલાસ અને હાસ્યથી તે ગોપીઓની સાથે રમતા હતા. બાળક જેમ પોતાની સમાન બીજાં બોળકોની સાથે ક્રીડા કરે તેમ પોતાના સાધર્મ્યપણાને પામેલી ગોપીઓ સાથે ભગવાન ક્રીડા કરતા હતા.૧૭  હે રાજા ! ભગવાનનો અંગસંગ મળવાના પ્રેમથી પરવશ થયેલી અને જેની માળા તથા આભરણ ખસી જતાં હતાં એવી ગોપીઓના કેશ, સાડીઓ કે સ્તન ઉપરની ડગલીઓ શિથિલ થઇ જતી હતી. તેઓની સંભાળ રાખવાને પણ સમર્થ રહી ન હતી.૧૮  ભગવાનની રાસક્રીડા જોવાથી દેવતાની સ્ત્રીઓ પણ કામાતુર થઇને મોહ પામી ગઇ અને ચંદ્રમા પણ ગ્રહનક્ષત્રાદિકના મંડળ સહિત વિસ્મય પામી ગયો હતો.૧૯  જેટલી ગોપીઓ હતી તેટલાં જ પોતાનાં શરીર ધારણ કરીને પોતે આત્મારામ હોવા છતાં પણ ગોપીઓની સાથે રમ્યા.૨૦ હે રાજા ! દયાળુ ભગવાન અત્યંત વિહારથી થાકી ગયેલી એ ગોપીઓનાં મોઢાં પોતાના પરમ સુખદાયી હાથથી સાફ કરતા હતા.૨૧  ચળકતાં સોનાનાં કુંડળ અને કેશની કાંતિથી થયેલી ગાલ ઉપરની શોભાવડે અને અમૃત સમાન મંદ હાસ્ય સહિત જોવાથી ભગવાનને માન આપતી અને ભગવાનના નખના સ્પર્શથી પરમ સુખ પામતી વ્રજાંગનાઓે ભગવાનના પવિત્ર ચરિત્રોનું ગાયન કરતી હતી.૨૨ થાકી રહેલા અને જણે લોક તથા મર્યાદાનું ઉલ્લંઘન કર્યું હતું એવા ભગવાન, જેમ હાથી હાથણીઓની સાથે જળમાં પ્રવેશ કરે તેમ ગોપીઓની સાથે થાક ઉતારવા માટે જળમાં પ્રવેશ કર્યો અને તે સમયમાં અંગસંગથી મર્દન પામેલી અને સ્તનનાં કેસરોથી રંગાએલી માળાના ભ્રમરાઓ પણ ગાંધર્વોની પેઠે ગાયન કરતા તેમની પછવાડે ગયા.૨૩  હે રાજા ! જળની અંદર ખડખડાટ હસતી યુવાતિ ગોપીઓ ચોતરફથી ભગવાન ઉપર પાણી ઉડાડતી પ્રેમ પૂર્વક જોતી હતી. બીજી તરફ વિમાનમાં બેઠેલા દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરી ભગવાનની સ્તુતિ કરતા હતા, આવા ભગવાન પોતે આત્મારામ છતાં પણ મોટા હાથીના જેવી લીલાથી જળમાં રમ્યા.૨૪ પછી ભ્રમરો અને સ્ત્રીઓના ટોળાંથી વીંટાએલા ભગવાન, જેમ મદ ઝરતો હાથી હાથણીઓની સાથે ફરે તેમ જળ અને સ્થળનાં પુષ્પોની સુગંધીવાળા પવનથી જેની દિશાઓ અને સ્થળ વ્યાપ્ત હતાં, એવા યમુનાજીના ઉપવનમાં ફર્યા.૨૫  આ પ્રમાણે સત્ય સંકલ્પવાળા, સ્નેહ ભરેલી સ્ત્રીઓના સમૂહમાં રહેલા અને જેને પોતાના વીર્યને સ્ખલિત થવા દીધું નથી, એવા ભગવાને ચંદ્રમાના કિરણોથી શોભી રહેલી શરદઋતુની રાત્રીઓમાં, શરદઋતુમાં કરવાની જે જે લીલાઓ સાહિત્યના ગ્રંથોમાં લખેલી છે તે સર્વે કરી.૨૬

પરીક્ષિત રાજા પૂછે છે- હે મહારાજ ! ધર્મનું સ્થાપન કરવાને માટે અને અધર્મનો નાશ કરવાને માટે જગતના ઇશ્વર ભગવાન પોતે બલરામની સાથે અવતર્યા છે, તો ધર્મની મર્યાદાઓને કહેનારા, કરનારા અને રક્ષણ કરનારા તે ભગવાને માત્ર અધર્મરૂપ અને મહાસાહસરૂપ પરસ્ત્રીઓનો સંગ કેમ કર્યો ?૨૭-૨૮ હે મુને ! ભગવાન પૂર્ણકામ હોવાને લીધે તેમણે કરેલું આ કામ અધર્મરૂપ ન કહેવાય, એમ આપ ધારતા હો તો કાંઇ પણ કામના નહીં હોવા છતાં, આવું નિંદિત કામ શા અભિપ્રાયથી કર્યું ? એ વિષયનો અમારો સંશય દૂર કરો.૨૯

શુકદેવજી કહે છે- બ્રહ્મા, ઇંદ્ર, ચંદ્રમા અને વિશ્વામિત્ર આદિ મહાત્મા પુરુષોએ ધર્મનું ઉલ્લંઘન અને સાહસ પણ કરેલા છે, પરંતુ અગ્નિને જેમ સર્વ પદાર્થનું ભક્ષણ કરવાથી દોષ લાગતો નથી, તેમ તેજસ્વી પુરુષોને ધર્મનું ઉલ્લંઘન કરવાનો કે સાહસ કર્મ કરવાનો દોષ લાગતો નથી.૩૦  આ ઉપરથી એમ સમજવું નહીં કે મોટાઓનું જોઇને બીજા પુરુષો પણ એ પ્રમાણે કરશે. કેમકે દેહાદિકના અભિમાનવાળા જીવકોટિના પુરુષે તો મનથી પણ કદી આવું કામ કરવું યોગ્ય નથી. સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલું ઝેર સદાશિવ પી ગયા હતા, પણ તેને જોઇને બીજો કોઇ ઝેર પીએ તો જેમ મરણ પામ્યા વિના રહે જ નહીં, તેમ મૂર્ખપણાથી બીજો કોઇ આવું કામ કરે તો તેનું અકલ્યાણ થયા વિના રહે જ નહીં.૩૧  આ ઉપરથી સદાચારનું પ્રમાણપણું મટી જાય છે એમ પણ સમજવું નહીં, કેમકે મોટાપુરૂષોનું વચન પ્રમાણરૂપ હોય છે, પણ તેઓનું આચરણ તો કોઇ સમયે પ્રમાણરૂપ ગણાય નહીં. એટલા માટે પોતાના વચનથી વિરુદ્ધ નહીં જતું, એવું જે જે મહાપુરુષોનું આચરણ હોય તે પ્રમાણે જ બુદ્ધિમાને ચાલવું જોઇએ.૩૨  હે રાજા ! દેહાભિમાન વગરના એ મહાત્મા પુરુષોને સત્કર્મ કરવાથી કશો લાભ થતો નથી અને દુષ્કર્મ કરવાથી કશો અનર્થ થતો નથી. અર્થાત્ પ્રારબ્ધકર્મનો ક્ષય કરવો એજ મહાત્મા પુરુષોને કરવાનું હોય છે. બીજું કોઇ પ્રયોજન હોતું નથી.૩૩ આ પ્રમાણે જયારે બીજા મહાત્મા પુરુષોને પણ પાપપુણ્યનો સંબંધ નથી, ત્યારે શ્રીકૃષ્ણ ભગવાન કે જે પશુ, પક્ષી, મનુષ્ય અને દેવતા આદિ પોતાના નિયમ તળે રહેનારાં સર્વ પ્રાણીઓના નિયામક છે, તેમને તો પાપ કે પુણ્યનો સંબંધ હોય જ કેમ ?૩૪ જેના ચરણારવિંદની રજના સેવનથી તૃપ્તિ પામેલા અને યોગના પ્રભાવથી જ સઘળાં કર્મ બંધનોને તોડી નાખનારા મુનિઓ પણ બંધન નહીં પામતાં યથેષ્ટ આચરણ કરે છે, તો પોતાની ઇચ્છાથી અવતાર ધરનાર તે ભગવાનને તો બંધન થાય જ ક્યાંથી ? આ સમાધાન ગોપીઓનું પરસ્ત્રીપણું સ્વીકારીને થાય છે, પણ વાસ્તવિક વિચારીએ તો ભગવાનને કોઇ પરસ્ત્રી જ નથી, કેમકે ગોપીઓના, તેઓના પતિઓના અને સર્વે પ્રાણીઓના અંતર્યામી અને બુદ્ધિઆદિના જે સાક્ષી છે, તે જ ઇશ્વરલીલાથી અહીં દેહધારી થયા હતા. આપણા જેવા ન હતા કે જેથી એને દોષ લાગે.૩૫-૩૬  પોતે પૂર્ણકામ છતાં એવા કામમાં પ્રવૃત્તિ કરી તેનું કારણ એ છે કે પ્રાણીઓ ઉપર અનુગ્રહ કરવાને માટે તેમણે મનુષ્યદેહ ધર્યો હતો. તે દેહ ધરીને એવી ક્રીડા કરી કે જે ક્રીડાઓને સાંભળનારાઓનું  મન તેમનામાં જ લાગે. શૃંગાર રસમાં જેનું મન લાગી રહ્યું હોય એવા અત્યંત બહિર્મુખ લોકોને પણ પોતામાં રુચિ કરાવવા સારુ આવું કામ કર્યું હતું.૩૭  ભગવાનની માયાથી મોહ પામેલા અને તેથી પોતાની સ્ત્રીઓ ભગવાનની પાસે ગઇ છતાં પણ તેઓને પોતપોતાના પડખામાં જ સૂતેલી માનતા ગોવાળોને ભગવાનની ઉપર કાંઇ પણ દ્વેષ આવ્યો નહીં.૩૮  ભગવાન ઉપર પ્રેમ ધરાવનારી ગોપીઓ જો કે પોતાને ત્યાંથી જવાની ઇચ્છા ન હતી તો પણ પાછલી બે ઘડી રાત રહી તે સમયે ભગવાનની આજ્ઞાથી પોતાને ઘેર ગઇ.૩૯  ગોપીઓની સાથે શ્રીકૃષ્ણે વિહાર કર્યાની આ કથાને જે માણસ શ્રદ્ધાથી સાંભળે છે, અથવા વર્ણન કરે છે, તે માણસ ભગવાનમાં પરમ ભક્તિ મળવાથી થોડા કાળમાં ધીર થઇને તુરત હૃદયના રોગરૂપ કામદેવનો ત્યાગ કરે છે.૪૦

ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો તેત્રીશમો અધ્યાય સંપૂર્ણ.