૩૨ ગોપીઓના વિરહથી પીગળેલા શ્રીકૃષ્ણ ભગવાને પ્રગટ થઇ, માન આપી, ગોપીઓને શાંત કરી.

Submitted by swaminarayanworld on Sat, 23/01/2016 - 10:37am

અધ્યાય ૩૨

ગોપીઓના વિરહથી પીગળેલા શ્રીકૃષ્ણ ભગવાને પ્રગટ થઇ, માન આપી, ગોપીઓને શાંત કરી.

શુકદેવજી કહે છે- હે રાજા ! આ પ્રમાણે ગાતી અને વિચિત્ર પ્રકારે પ્રલાપ કરતી ગોપીઓ ભગવાનનાં દર્શનની ઇચ્છાથી ઊંચે સ્વરે રોવા લાગી.૧  તે સમયે પીતાંબર તથા માળાને ધરનાર, સાક્ષાત્ કામદેવને પણ મોહ પમાડનાર અને જેમનું મુખારવિંદ હસતું હતું એવા ભગવાન તે ગોપીઓની વચમાં પ્રકટ થયા.૨ તે પ્રિય શ્રીકૃષ્ણને આવ્યા જોઇ જેની દૃષ્ટિઓ પ્રીતિથી પ્રફુલ્લિત થઇ ગઇ છે. એવી સર્વે સ્ત્રીઓ જેમ પ્રાણ આવવાથી ઇન્દ્રિયો ઊઠે તેમ એક સામટી ઊભી થઇ.૩  કોઇ ગોપીએ પ્રેમથી ભગવાનનું હસ્તકમળ પોતાની અંજલીમાં લીધું, કોઇએ ચંદનથી શોભી રહેલા ભગવાનના હાથને પોતાના ખભાપર ધર્યો.૪  કોઇએ ભગવાનનું ચાવેલું પાનબીડું પોતાના હાથમાં લીધું, કામજવરથી તપી રહેલી કોઇ ગોપી ભગવાનનું ચરણ કમળ પોતાના સ્તન ઉપર ધર્યું.૫  સ્નેહના કોપથી પરવશ થયેલી કોઇ ગોપી હોઠ ડંસીને તથા ભ્રમર ચઢાવીને કટાક્ષ નાખવાથી જાણે પ્રહાર કરતી હોય તેમ જોવા લાગી.૬  નહીં મીંચેલી આંખોથી ભગવાનના મુખારવિંદને જોયા છતાં પણ વારંવાર જોયા કરતી કોઇ ગોપી જેમ ભગવાનના ચરણને સેવવાથી સત્પુરુષો તૃપ્તિ ન પામે તેમ તૃપ્તિ ન પામી.૭  નેત્રરૂપ દ્વારથી ભગવાનને હૃદયમાં લઇ, આંખો મીંચી જઇ, જેનાં રુંવાડાં ઊભાં થઇ ગયાં હતાં એવી કોઇ ગોપી યોગીની પેઠે ભગવાનનું આલિંગન કરીને આનંદમાં જ ડૂબી ગઇ.૮ ભગવાનના દર્શનના પરમ આનંદથી સુખ પામેલી તે સર્વે ગોપીઓએ જેમ ઇશ્વરને પામી મુમુક્ષુ લોકો તાપ છોડી દે, જેમ બ્રહ્મવેત્તાને પામી સંસારી લોકો તાપ છોડી દે, અને જેમ સુષુપ્તિના સાક્ષીને પામી વિશ્વ અને તૈજસ જીવ તાપ છોડી દે, તેમ વિરહનો તાપ છોડી દીધો.૯  હે રાજા ! તે સમયે શોક રહિત થયેલી તે વ્રજાંગનાઓથી વીંટાએલા શ્રીકૃષ્ણ, જેમ સત્વાદિક શક્તિઓથી ઇશ્વર શોભે, ઉપાસક પુરુષ જેમ જ્ઞાનાદિક શક્તિથી શોભે, અને જીવ જેમ ચોવીસ તત્ત્વાત્મક શક્તિઓથી શોભે તેમ અત્યંત શોભવા લાગ્યા.૧૦  તે સમયે શ્રીકૃષ્ણ ભગવાન તે સ્ત્રીઓને લઇ યમુનાના કાંઠા ઉપર પધાર્યા. એ સુખકારી કાંઠામાં ખીલી રહેલાં કુંદ અને મંદારના પુષ્પોના સુગંધવાળા પવનને લીધે ભ્રમરો ઊડતા હતા.૧૧ શરદઋતુના ચંદ્રમાનાં કિરણોના સમૂહથી રાત્રીનું અંધારું મટી ગયું હતું, યમુનાજીએ પોતાના તરંગોથી કોમળ રેતી પાથરી દીધી હતી.૧૨  જેમ કર્મકાંડમાં પરમાત્મા નહીં દેખાવાને લીધે તે તે કામનાઓથી અપૂર્ણ જેવી જણાતી શ્રુતિઓ, જ્ઞાનકાંડમાં પરમાત્માને દેખી તેના આનંદથી પૂર્ણ થવાને લીધે સર્વે કામનાને છોડી દે છે, તેમ પ્રથમ ભગવાનનાં દર્શનથી આતુર થયેલી ગોપીઓએ ભગવાનનાં દર્શનના આનંદથી પૂર્ણકામ થઇને હૃદયના સર્વે સંતાપ છોડી દીધા. (ગીત પૂર્ણ) 

આવી રીતે પૂર્ણકામ થયા છતાં પણ પ્રેમને લીધે તે ગોપીઓ અંતર્યામી એવા શ્રીકૃષ્ણને માટે સ્તન ઉપરના કેસરોથી રંગાયેલાં  પોતાનાં ઉત્તરીય વસ્ત્રોથી આસન કરી આપ્યું.૧૩  ગોપીઓએ માન આપેલા, ગોપીઓની સભામાં બેઠેલા, ત્રૈલોક્યની શોભાના એક સ્થાનકરૂપ શરીરને ધારણ કરતા અને યોગેશ્વરોના અંતઃકરણમાં આસન કરનારા ભગવાન, તે ગોપીઓએ આપેલા આસન પર બેસીને શોભવા લાગ્યા.૧૪  ભગવાનના ચરણ અને હસ્તને પોતાના ખોળામાં લઇ ચાંપતી એવી ગોપીઓ હાસ્ય તથા લીલા સહિત જોવાથી શોભતી એવી ભૃકુટીના વિલાસથી, કામદેવને વધારનાર ભગવાનનો સત્કાર કરી, બીજી વાતોનો પ્રસંગ લાવીને કાંઇક રીસને લીધે ગોપીઓ આપ્રમાણે ભગવાનને પૂછ્યું.૧૫

ગોપીઓ પૂછે છે હે કૃષ્ણ ! કેટલાક પુરુષો પોતાને ભજનારાને પોતાના ભજનના પ્રમાણમાં ભજે છે, કેટલાક તેના ભજનની અપેક્ષા નહીં રાખતાં નહીં ભજનારાઓને પણ ભજે છે અને કેટલાએક ભજનારાઓને પણ ભજતા નથી. આ વિષયનું અમારી પાસે સારી રીતે વિવેચન કરી કહો.૧૬

શ્રી ભગવાન કહે છે હે સખીઓ ! જેઓ પરસ્પરને ભજે છે એટલે ભજનારાઓને ભજે છે, તેઓ બીજાને ભજતા નથી પણ પોતાને જ ભજે છે, કેમકે એ લોકોનું ભજન કેવળ પોતાનો સ્વાર્થ મેળવવાના ઉદ્યમરૂપ હોય છે, એ ભજન વાસ્તવિક રીતે ગાય, ભેંસની ચાકરી કર્યા જેવું સ્વાર્થરૂપ હોય છે, માટે તેવા ભજનમાં સાચો સ્નેહ નહીં રહેવાને લીધે સુખ નથી અને દેખીતા ફળનો ઉદેશ હોવાને લીધે ધર્મ પણ નથી.૧૭  હે સુંદરીઓ ! નહિ ભજનારાઓને પણ ભજનારા બે પ્રકારના છે. એક તો દયાળુ લોકો અને બીજા માતા-પિતા જેવા સ્નેહી લોકો. તેમાં સંસૃતિના દુઃખને પામેલા જનોને જોઇને સ્વાર્થથી રહિત કેવળ દયાળુ સાધુપુરુષો પોતાને નહિ ભજનારા એવા જનોને પણ ભગવાનના જ્ઞાનનો ઉપદેશ આપીને સંસાર થકી તારે છે. માટે દયાળુ થઇને ભજવામાં નિર્દોષ ધર્મ રહ્યો છે. અને માતા પિતા પોતાને નહિ ભજનારા એવા પણ પુત્રોનું પોષણ કરે છે. તેમાં સાચો પ્રેમ રહ્યો છે.૧૮  હવે ત્રીજા પ્રશ્ન વિષે કહું છું. જેઓ ભજનારાઓને પણ ભજતા નથી, ત્યારે નહીં ભજનારાઓને તો ક્યાંથી ભજે ? એવા હોય છે તેઓ ચાર પ્રકારમાં સમાય છે. એક તો આત્મારામ, બીજા પ્રિય પદાર્થ દેખવામાં આવતાં પણ પોતે પૂર્ણકામ હોવાને લીધે ભોગની ઇચ્છા વગરના અર્થાત્ જેઓને સર્વે સંપૂર્ણ હોવાથી કોઇ પદાર્થની અપેક્ષા નથી તેઓ. ત્રીજા અકૃતજ્ઞ (ઉપકારને નહીં જાણનારા) ચોથા ગુરુદ્રોહી. છેલ્લા પ્રશ્નમાં શ્રીકૃષ્ણ આવી જાય છે એમ માની ગોપીઓ સામ સામા આંખના ઇશારા કરી એકબીજાને જણાવવા લાગી અને છાનું માનું હસવા લાગી તે જોઇને શ્રીકૃષ્ણ કહેવા લાગ્યા.૧૯  હે સખીઓ ! હું તેમાંથી કોઇ પણ પ્રકારનો નથી, પણ પરમ દયાળુ અને પરમ સ્નેહી છું; કેમકે ભજનારાઓનું મારામાં નિરંતર ધ્યાન રહે તેને માટે, હું ભજતો હોય તેને પણ ભજતો નથી. જેમ નિર્ધન માણસ પોતાને મળેલું ધન જતું રહેતાં તેની ચિંતાથી એવો વ્યાકુળ થઇ જાય છે કે તેને બીજું ભૂખ તરસ આદિનું પણ જ્ઞાન રહેતું નથી, અર્થાત્ તેનું ધ્યાન નિરંતર ધનમાં જ રહે. એજ રીતે તમો યોગ્ય અયોગ્ય નહીં જોવાથી લોકનો, ધર્મ અધર્મ નહીં જોવાથી વેદનો, અને સ્નેહ છોડી દેવાથી સંબંધીઓનો પણ મારે માટે ત્યાગ કર્યો છે, તમારું ધ્યાન મારામાં જ નિરંતર રહે તેને માટે હું અંતર્ધાન થઇ ગયો હતો, અને એવી રીતે અદૃષ્ય રહીને પણ તમારાં પ્રેમનાં વચન સાંભળતો હતો. માટે, હે પ્યારી સ્ત્રીઓ ! તમે મને ન જુઓ એ રીતે હું તમોને ભજતો હતો, અને તમારા પ્રેમના આલાપ સાંભળતો હતો, તેથી પ્રિયતમ એવો જે હું તે મારા ઉપર દોષારોપણ કરવાને તમે યોગ્ય નથી.૨૦-૨૧  આ વાત પડતી મૂકીને હવે વાસ્તવિક વાત કહું છું તે સાંભળો. જે તમો મારી સાથે નિર્દોષ રીતે જોડાએલી છો, તેથી દેવતાઓના જેટલી આયુષ્યથી પણ હું તમારા ઉપકારનો બદલો વાળી શકું તેમ નથી. કારણ કે તોડી ન શકાય એવી ઘરરૂપી સાંકળોને તોડી નાખીને તમોએ મારું સેવન કર્યું છે, માટે એ તમારા ઉપકારનું ઋણ તમારી સુશીલતાથી જ મારા ઉપરથી ઊતરવું જોઇએ, પણ મેં કરેલા પ્રત્યુપકારથી ઊતરે એમ નથી.૨૨

ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો બત્રીશમો અધ્યાય સંપૂર્ણ.