૩૦ વિરહથી તપેલી ગોપીઓ ભગવાનને વનમાં શોધે છે.

Submitted by swaminarayanworld on Sat, 23/01/2016 - 10:34am

અધ્યાય ૩૦

વિરહથી તપેલી ગોપીઓ ભગવાનને વનમાં શોધે છે.

શુકદેવજી કહે છે- ભગવાન તરત જ અંતર્ધાન થઇ જતાં જેમ હાથણીઓ હાથીને નહિ દેખવાથી પરિતાપ પામે, તેમ ગોપીઓ ભગવાનને નહીં દેખવાથી પરિતાપ પામવા લાગી.૧ ભગવાનની ગતિ, સ્નેહ, લીલા સહિત જોવું, સુંદર ભાષણ, ક્રીડા અને બીજા પણ વિલાસોથી જેઓનાં મન ખેંચાઇ ગયાં હતાં એવી અને તેથી ભગવદ્રૂપ થયેલી વ્રજાંગનાઓ ભગવાનની તે તે લીલા સરખી લીલા કરવા લાગી.૨ પ્યારા શ્રીકૃષ્ણનું ચાલવું, મંદહાસ્ય, જોવું અને ભાષણ ઇત્યાદિક લીલાઓમાં જેઓનાં શરીર તન્મય થઇ ગયાં હતાં એવી અને તેને લીધે ભગવાનની પેઠે જ ક્રીડા અને વિલાસને કરતી ભગવદ્રૂપ ગોપીઓ ‘હું જ કૃષ્ણ છું’ એમ પરસ્પર જણાવવા લાગી.૩  પરસ્પર ભેગી મળીને ઊંચા સ્વરથી ભગવાનનું જ ગાયન કરતી ગોપીઓ ઉન્મત્તની પેઠે એક વનથી બીજા વનમાં શોધવા લાગી, અને ભગવાન કે જે સર્વ પદાર્થોમાં બહાર અને અંદર વ્યાપક છે તેમના સમાચાર વૃક્ષોને પૂછવા લાગી.૪  આ વૃક્ષો ઊંચાં છે તેથી કદાચ શ્રીકૃષ્ણને જોતાં હશે એમ માની ગોપીઓ વૃક્ષાદિકને પૂછે છે- હે પીપળા ! હે વડ ! હે પીપશ ! પ્રેમ સહિત હાસ્ય અને અવલોકનથી અમારા મનની ચોરી કરીને ભગવાન ગયા છે તે તમારા જોવામાં આવ્યા ?૫  આ વૃક્ષો મોટાં છે અને પુષ્પો વગેરેથી ઘણાનો ઉપકાર કરનારાં છે. તેથી તેઓ ઉત્તર આપશે એમ માની ગોપીઓ પૂછે છે કે હે બપોરિયા ! હે આસોપાલવ ! હે નાગ ! હે પુન્નાગ ! હે ચંપક ! માનવતી સ્ત્રીઓના માનને હરનાર મંદહાસ્યવાળા શ્રીકૃષ્ણ, અહીં તમારી પાસે થઇને નીકળ્યા હતા ?૬  હે તુલસી ! ભ્રમરોની સાથે તારું ધારણ કરનાર અને તને અત્યંત પ્યારા શ્રીકૃષ્ણ તારા જોવામાં આવ્યા છે ?૭   હે માલતી ! હે મલ્લિકા ! હે જાતિ ! હે જુઇ ! તમોએ ભગવાનને દીઠા છે ? હાથના સ્પર્શથી તમોને રાજી કરતા અહીંથી ગયા છે?૮  હે આંબા ! હે રાયણ ! હે પનસ ! હે અસન ! હે કોવિદાર ! હે જાંબુ ! હે આકડા ! હે બોરસલી ! હે આમ્ર ! હે કદમ ! હે નીપ ! અને હે બીજાં પણ વૃક્ષો ! તમારો જન્મ પરોપકારને માટે છે અને વળી તમો યમુનાજીને કાંઠે રહેનારાં હોવાથી તીર્થવાસી છો, માટે શૂન્યચિત્તવાળી અમોને શ્રીકૃષ્ણનો માર્ગ કહો.૯  હે પૃથ્વી તેં કયું તપ કર્યું છે ? કેમ કે ભગવાનના ચરણનો સ્પર્શ મળવાથી તને આનંદ થયો છે, અને તેથી તારાં રુવાડાં ઊભાં થયેલાં જણાય છે. આ આનંદ તને હમણાં જ ભગવાનના ચરણનો સ્પર્શ મળવાથી થયો છે, કે વામનાવતારમાં ભગવાનના ચરણથી તું મપાએલી છે તેથી મળ્યો છે ? અથવા વરાહ અવતારમાં ભગવાનના શરીરનું આલિંગન મળ્યું છે તેથી થયો છે ?૧૦  હે મૃગલી સખી ! પોતાના અવયવોથી તમારી દૃષ્ટિને આનંદ આપતા ભગવાન પ્યારીની સાથે અહીં તમારી પાસે આવ્યા હતા ? કેમકે શ્રીકૃષ્ણે પહેરેલી મોગરાના પુષ્પની માળા કે જે પ્યારીને અંગસંગ કરવાના સમયમાં તેના સ્તન ઉપરના કેસરથી રંગાએલી હશે તેનો સુગંધ અહીં આવે છે.૧૧  હે વૃક્ષો ! એક હાથ પ્યારીના ખભા ઉપર ધરી અને બીજા હાથમાં કમળ લઇ અહીં ફરતા અને જેમની પાછળ મદથી મદોન્મત્ત બનેલા ભ્રમરો ઊડ્યા કરે છે, એવા ભગવાન સ્નેહ પૂર્વક જોઇને તમારા પ્રણામનો સ્વીકાર કરે છે કે શું ?૧૨ હે સખીઓ ! આ લતાઓ અવશ્ય શ્રીકૃષ્ણને મળેલી હોવી જોઇએ; કેમકે પોતાના પતિ (વૃક્ષ) ના બાહુને આલિંગન કરી રહેલી છતાં પણ પોતાનાં મોટાં ભાગ્યને લીધે ભગવાનના નખનો સ્પર્શ મળવાથી રોમાંચિત થઇ રહેલી છે, માટે આ લતાઓને પૂછો.૧૩

શુકદેવજી કહે છે- આ પ્રમાણે ઉન્મત્તના જેવાં વચન બોલતી ભગવાનને શોધવાથી વિહ્વળ થયેલી અને ભગવાનમાં જ જેનાં ચિત્ત લાગી રહ્યાં છે, એવી ગોપીઓ ભગવાનની તે તે લીલાઓનું અનુકરણ કરવા લાગી.૧૪  ભગવાનના જેવી લીલા કરતી કોઇ ગોપીએ, પૂતનારૂપ થયેલી બીજી ગોપીનું સ્તનપાન કર્યું. બાળક થઇને રોતી એક ગોપીએ શકટાસુરનું અનુકરણ કરી, ગાડાંરૂપ થયેલી બીજી ગોપીને લાત મારી.૧૫  એક ગોપી તૃણાવર્ત દૈત્યરૂપ થઇને, શ્રીકૃષ્ણના બાળકપણાની ભાવના કરનારી બીજી ગોપીને હરી ગઇ. એક ગોપી શ્રીકૃષ્ણરૂપ થઇને ઘુઘરીઓના ઘમકાર સહિત પગને ઘસડતી ભાંખડીયાભેર ચાલવા લાગી.૧૬  બે ગોપીઓ બલરામ અને કૃષ્ણરૂપ થઇ અને બીજી કેટલીક ગોવાળોરૂપ થઇ. એક ગોપી વત્સાસુરનું અનુકરણ કરીને વાછડા જેવી થઇ, કૃષ્ણરૂપે થયેલી અને ગોવાળોરૂપે થયેલી બીજી ગોપીને પ્રહાર કર્યો. અને એકે બગલારૂપ થયેલીને પ્રહાર કર્યો.૧૭  એક છેટે ગએલી ગાયોને જેમ શ્રીકૃષ્ણ બોલાવતા હતા, તેમ બોલાવીને તેનું અનુકરણ કરતી હતી, વેણુ વગાડતી હતી અને ક્રીડા કરતી હતી, તેને બીજી ગોપીઓ વાહ વાહ કહેતી હતી.૧૮  એક ગોપીના ઉપર હાથ મૂકીને ચાલતી અને ભગવાનમાં જ જેનું મન લાગ્યું હતું, એવી બીજી ગોપી બોલી કે હું કૃષ્ણ છું. મારી સુંદર ચાલ જુઓ.૧૯  એક ગોપીએ વાયુ તથા વરસાદથી બીશો નહીં; તેથી રક્ષણનો ઉપાય હું કરું છું, એમ કહી યત્ન કરીને પોતાનું વસ્ત્ર ઊચું ઉપાડ્યું.૨૦  એક ગોપી બીજી ગોપી ઉપર ચઢી તેના માથાને પગથી દબાવીને બોલી કે હે દુષ્ટ સર્પ ! જતો રહે. ખળ લોકોને શિક્ષા કરવા સારુ હું અવતર્યો છું.૨૧  ત્યાં એક ગોપી બોલી કે હે ગોવાળો ! આ ભયંકર દાવાનળને જુઓ. તરત આંખ્યો મીંચી જાઓ, હું તમારું રક્ષણ જોતજોતામાં કરીશ.૨૨  તેમાં યશોદા બનેલી એક ગોપીએ, માળાથી ખાંડણીઆ સાથે બાંધેલી ગોપીને જોઇ, બીજી સારી આંખોવાળી અને પાતળી ગોપી પોતાનું મોઢું ઢાંકીને ભયનું અનુકરણ કરવા લાગી.૨૩  આ પ્રમાણે વૃંદાવનની લતાઓ અને વૃક્ષોને ભગવાનના સમાચાર પૂછતી અને ભગવાનની લીલાનું અનુકરણ કરતી ગોપીઓ વનના પ્રદેશમાં ભગવાનનાં પગલાં દીઠાં, એને જોઇને વિચાર્યું કે ધ્વજ, કમળ, વજ્ર, અંકુશ અને યવ આદિ રેખાનાં ચિન્હો ઉપરથી અવશ્ય આ મહાત્મા શ્રીકૃષ્ણનાં પગલાં જણાય છે.૨૪-૨૫ પછી તે તે પગલાં ઉપરથી ભગવાનના માર્ગને શોધતી તે સ્ત્રીઓ આગળ જતાં એક સ્ત્રીનાં પગલાંથી મળેલાં ભગવાનનાં પગલાં જોઇ, ખેદ પામીને બોલી કે હાથીની સાથે જેમ હાથણી જાય તેમ ભગવાનની સાથે ગયેલી અને ભગવાનના ખભા ઉપર પોતાનું કાંડું મૂકનારી આ કઇ ગોપીનાં પગલાં છે.૨૬-૨૭  આ ગોપીએ અવશ્ય પ્રભુની આરાધના કરેલી હોવી જોઇએ; કેમકે આપણને છોડી દઇને તેના પર રાજી થયેલા શ્રીકૃષ્ણ તેને એકાંતમાં લઇ ગયા.૨૮ હે સખીઓ! અહો ! આ ભગવાનના ચરણકમળની રજ અત્યંત પવિત્ર છે કે જે રજને બ્રહ્મા, સદાશિવ અને લક્ષ્મીજી પણ પાપ દૂર કરવા સારૂ પોતાના મસ્તક ઉપર ધરે છે.૨૯ બીજી ગોપીઓ બોલી કે- શ્રીકૃષ્ણની સાથે ગયેલી સ્ત્રીના પગલાં જ આપણને અદેખાઇનું મોટું દુઃખ ઉત્પન્ન કરે છે. કારણ કે સર્વે ગોપીઓને ચુંબન કરવા યોગ્ય શ્રીકૃષ્ણના અધરામૃતનું હરણ કરીને પોતે એકલી જ એકાંત સ્થળમાં જઇને ભોગવે છે.૩૦ આ ઠેકાણે એ સ્ત્રીના પગલાં દેખાતાં નથી, પણ તેનું કારણ અવશ્ય એ હોવું જોઇએ, કે ખડના અંકુરથી તેના કોમળ પગ પીડાતા હશે તેથી તે પ્યારીને પ્યારા ભગવાને પોતાના ખભા પર તેડી લીધી હશે.૩૧ આ ઠેકાણે તે પ્યારીને માટે પ્યારા ભગવાને વૃક્ષો ઉપરથી ફુલ વીણેલાં જણાય છે. જુઓ, કે પેનીઓ ઉંચી કરેલી હોવાને કારણે ધરતી પર પગના આગલા ભાગનું જ દબાણ આવવાથી અધુરાં પગલાં છપાયાં છે.૩૨  આ ઠેકાણે તે કામી ભગવાને કામિનીના કેશ ગુંથેલા છે; કેમકે તેના ચોટલામાં ફુલ ગુંથતાં અવશ્ય શ્રીકૃષ્ણ આ સ્થળમાં બેઠેલા હોવા જોઇએ.૩૩

શુકદેવજી કહે છે- શ્રીકૃષ્ણ ભગવાન પોતાથી જ સંતુષ્ઠ, આત્મારામ અને સ્ત્રીઓના વિલાસમાં નહીં લલચાએલા છતાંપણ, સ્ત્રીઓની ભૂંડાઇ અને કામી  પુરૂષોની દીનતા દેખાડવા સારુ તે સ્ત્રીની સાથે રમતા હતા.૩૪  જે ગોપીને શ્રીકૃષ્ણ લઇ ગયા હતા, તે સિવાય બીજી ગોપીઓ આ પ્રમાણે પરસ્પર બતાવતી અને વિવ્હળ થઇ વનમાં ફરતી હતી.૩૫  કામનાવાળી બીજી ગોપીઓને મૂકી દઇને, આ પ્યારા શ્રીકૃષ્ણ મને ભજે છે, માટે સર્વે સ્ત્રીઓમાં હું જ શ્રેષ્ઠ છું. આમ શ્રીકૃષ્ણ જે સ્ત્રીને લઇ ગયા હતા તે સ્ત્રી માનવા લાગી.૩૬  પછી વનના એક પ્રદેશમાં જઇને ગર્વ પામેલી તે સ્ત્રીએ ભગવાનને કહ્યું કે હું ચાલી શકતી નથી, માટે જયાં તમારે જવાની ઇચ્છા હોય ત્યાં મને ઉપાડીને લઇ જાઓ.૩૭  કામી પુરુષો સ્ત્રી આગળ કેવા દીન થઇને રહે છે એ અહીં દર્શાવે છે. આ પ્રમાણે તે સ્ત્રી બોલતાં ભગવાને કહ્યું કે તો પછી મારી કાંધ ઉપર બેસ, પછી તે સ્ત્રી કાંધ ઉપર બેસવાને સજજ થતાં ભગવાન અંતર્ધાન થઇ ગયા. એમ થતાં એ સ્ત્રી પસ્તાઇને બોલવા લાગી કે હે નાથ ! હે સુંદર ! હે પ્યારા ! હાય હાય ક્યાં છો ? ક્યાં છો ? હે સખા ! હું તમારી કંગાલ દાસી છું, તેને દર્શન દો.૩૮-૩૯  એટલામાં ભગવાનના માર્ગને શોધતી શોધતી ચાલી આવતી પેલી સર્વે ગોપીઓએ પોતાના સમીપમાં પ્યારાના વિયોગથી મોહ પામેલી અને દુઃખ પામેલી તે પોતાની સખીને દીઠી.૪૦  ભગવાને પ્રથમ માન આપ્યું અને પછી ભૂંડાઇ જોઇને અપમાન કર્યું, એ સર્વે વાત તેના મોઢાંથી સાંભળીને સર્વે ગોપીઓ મહા વિસ્મય પામી.૪૧  પછી જયાં સુધી ચંદ્રમાનું અજવાળું દેખાયું ત્યાં સુધી તેઓ સખીને સાથે લઇ, વનમાં ભગવાનને શોધવા આગળ આગળ જ ચાલી ગઇ. પછી અંધારું આવ્યું જોઇને તે સ્ત્રીઓ પાછી વળી.૪૨  એ ગોપીઓ કે જેનાં મન ભગવાનમાં જ લાગ્યાં હતાં, તેમનું ભાષણ ભગવાન સંબંધી જ હતું, ભગવાનનાં અનુકરણની લીલા કરતી ભગવદ્રૂપ થઇ ગઇ હતી, તે ગોપીઓને પોતાના ઘરનું સ્મરણ જ આવ્યું નહીં.૪૩  ભગવાનનું જ ધ્યાન કરતી તે ગોપીઓ પાછી યમુનાજીને કાંઠે આવીને ભગવાનના પાછા પધારવાની આશા રાખી, ભેળી થઇને ભગવાનનું ગાયન કરવા લાગી.૪૪

ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો ત્રીશમો અધ્યાય સંપૂર્ણ.