૨૯ રાસલીલાના સમારંભમાં શ્રીકૃષ્ણભગવાનનું અંતર્ધાન થવું.

Submitted by swaminarayanworld on Sat, 23/01/2016 - 10:33am

અધ્યાય ૨૯

રાસલીલાના સમારંભમાં શ્રીકૃષ્ણભગવાનનું અંતર્ધાન થવું.

શુકદેવજી કહે છે- શરદઋતુથી જેમાં મલ્લિકા ફૂલી રહી છે અને જેમાં રમવાની પોતે પ્રતિજ્ઞા કરી હતી એવી રાત્રીઓને જોઇ, યોગમાયાને ધારણ કરી ભગવાને રાસલીલા કરવાનો વિચાર કર્યો.૧ જયારે ભગવાને રમવાની ઇચ્છા કરી તે જ સમયે ઘણા કાળે પ્રાપ્ત થયેલ પતિ જે પોતાની પ્યારીના મુખને જેમ કેસર લગાવે, તેમ પૂર્વ દિશારૂપી સ્ત્રીના મુખને, પોતાની સુખકારી કિરણોની રતાશથી લેપન કરતો અને લોકોના તાપને મટાડતો ચંદ્રમા, ભગવાનને પ્રસન્ન કરવાને માટે ઉદયને પ્રાપ્ત થયો. ૨ તે દિવસે પૂર્ણિમા હોવાથી ચંદ્ર અખંડ અને ગોળાકાર હતો, લક્ષ્મીના મુખની સમાન શોભાયમાન હતો, નવીન કુંકુમની સમાન લાલ વર્ણવાળો હતો, આવા ચંદ્રમાને ઉદય પામેલો જોઇને અને તેના કોમળ કિરણોથી રંજિત વનને જોઇને, ભગવાને કામિની સ્ત્રીઓના મનને હરણ કરનારો વેણુનાદ કર્યો. ૩  જે કામદેવને વધારનાર તે ગીતને વ્રજવાસી સ્ત્રીઓએ સાંભળ્યું, તેથી તેઓનું ચિત્ત શ્રીકૃષ્ણમાં આસક્ત થયું, એક બીજાને પોતાના જવાની ખબર ન પડે એ રીતે પ્યારા શ્રીકૃષ્ણની પાસે પહોંચી ગઇ. તે સમયે ચાલવાના વેગથી કુંડળો ડોલી રહેલાં હતાં. ૪  કેટલીક ગોપીઓ ગાયને દોહતી હતી તે ગાયોનું દોહવું છોડીને ચાલી, બીજી ચૂલા ઉપર મૂકેલાં દૂધને વગર ઉતારે ચાલી, કેટલીક કંસાર ચૂલા ઉપર મૂકીને વગર ઉતારે ચાલી. ૫  કેટલીક પીરસતી હતી તે મૂકીને ચાલી, કેટલીક નાનાં બાળકોને ધવરાવતી હતી તે નાનાં બાળકોને મૂકીને, કેટલીક પતિની સેવા કરતી હતી, કેટલીક ભોજન કરતી હતી તે સર્વે અધૂરું મૂકીને શ્રીકૃષ્ણ પાસે આવી. ૬  કેટલીક લીપતી હતી, કેટલીક અંગોને સ્વચ્છ કરતી હતી, કેટલીક આંખો આંજતી હતી તે સર્વે મૂકી દઇને ભગવાન પાસે આવી. કેટલીક તો ઉતાવળને લીધે વસ્ત્રો પણ અવળાં સવળાં પહેરીને આવી. ૭  મોહ પામેલી તે સ્ત્રીઓને પોતાના પતિ, મા-બાપ ભાઇઓ અને બંધુઓએ વારવા છતાં પણ ભગવાનમાં જ જેનાં ચિત્ત ખેંચાવાને લીધે પાછી વળી નહિ. ૮  કેટલીક ગોપીઓથી કોઇ રીતે નીકળી શકાયું નહીં એવી ગોપીઓ પરમભાવવાળી હોવાને  લીધે ઘરની અંદર જ આંખો મીંચીને શ્રીકૃષ્ણનું ધ્યાન કરવા લાગી. ૯ એ ધ્યાન કરનારી ગોપીઓ શ્રીકૃષ્ણમાં કામભાવે આસક્ત થઇ હતી તોપણ, જેમ અમૃતને બીજું કાંઇ સમજીને પીધા છતાં પણ પીનારને મરણનો ભય મટે છે, તેમ તે ત્રણ ગુણનું બંધન ટળી જતાં નિર્ગુણ પણાને પામી. પ્રારબ્ધ કર્મનું બંધન હોય ત્યાં સુધી દેહ રહિત થવાય નહિ એવો સિદ્ધાંત છે, તો તે પ્રમાણે તેનું પુણ્ય પાપાત્મક પ્રારબ્ધ પણ તુરત જ મટી ગયું;  કેમકે શ્રીકૃષ્ણના સહન ન થાય એવા વિરહના તીવ્ર તાપનું દુઃખ ભોગવવાથી તેઓનાં પાપ બળી ગયાં અને ધ્યાનથી મળેલા શ્રીકૃષ્ણના આલિંગનથી પ્રાપ્ત થયેલા પરમ સુખના ભોગથી તેઓનાં પુણ્ય પણ બળી ગયાં. પ્રથમ વિરહનું દુઃખ પણ અત્યંત થયું, પછી આલિંગન સુખ પણ અત્યંત થયું, તેથી સર્વે પાપ અને પુણ્યનો એક સામટો ક્ષય થવાથી પ્રારબ્ધકર્મ તૂટી જતાં દેહ પડી ગયો અને ભગવત્પ્રાપ્તિ થઇ. ૧૦-૧૧

પરીક્ષિત રાજા પૂછે છે- હે શુકદેવજી ! આ ગોપીઓ શ્રીકૃષ્ણને કેવળ કામના કરવા યોગ્ય જાણતી હતી, અર્થાત્ પરં પતિ તરીકે જાણતી હતી, પણ ‘‘પરબ્રહ્મ’’ તરીકે જાણતી ન હોતી, તો પણ વિષયમાં લંપટ બુદ્ધિવાળી તે ગોપીઓનો ગુણના પ્રવાહરૂપ સંસાર કેમ નિવૃત્ત થયો ? અર્થાત્ મોક્ષ કેમ થયો ? ૧૨

શુકદેવજી કહે છે- આ વાત તમને આગળ કહી છે કે શિશુપાળ ભગવાનનો દ્વેષ કરવા છતાં પણ મુક્તિ પામ્યો, ત્યારે ભગવાન ઉપર પ્રેમ રાખનારની મુક્તિ થાય તેમાં શું કહેવું ? ૧૩  હે રાજા ! અવિનાશી, અપ્રમેય એવા ભગવાન પોતે ગુણોના નિયંતા છતાં પણ નિર્ગુણ છે. તેમનો અવતાર મનુષ્યોના કલ્યાણને માટે જ છે. (માટે શ્રીકૃષ્ણ ભગવાનને જીવ તુલ્ય કહેવા એ સંભવતું નથી.) ૧૪ ભગવાનમાં જેઓ નિરંતર કામ, ક્રોધ, ભય, સ્નેહ, સંબંધ કે ભક્તિભાવ રાખે છે તેઓ ભગવાનમયપણું પામે છે. અર્થાત્ નિર્ગુણપણાને પામે છે. ૧૫  અજન્મા અને યોગેશ્વરોના ઇશ્વર શ્રીકૃષ્ણ ભગવાન કે જેથી સ્થાવરાદિકને પણ મુક્તિ મળે છે, માટે તેમના વિષયમાં તમારે જરા પણ વિસ્મય પામવું જોઇએ નહિ. ૧૬ નિપુણ વાદિઓને મધ્યે પણ શ્રેષ્ઠ ભગવાન શ્રીકૃષ્ણ તે ગોપીઓને સમીપમાં આવેલી જોઇ, વાણીના વિલાસથી તેમને મોહિત કરતા આ પ્રમાણે બોલ્યા. ૧૭

શ્રીકૃષ્ણ ભગવાન કહે છે-  હે મહા ભાગ્યશાળી ગોપીઓ ! તમો ભલે આવી હું તમારું શું પ્રિય કામ કરું ? (સર્વને ઉતાવળી આવેલી જોઇને કહ્યું,) વ્રજમાં સર્વે કુશળ તો છે ને ?તમારા આવવાનું કારણ કહો. ૧૮  (ગોપીઓને મંદ હાસ્ય કરતી જોઇને કહ્યું,) આ રાત્રિ ભયંકર પ્રાણીઓએ સેવેલી છે અને પોતે પણ ભયંકરરૂપવાળી છે, માટે વ્રજમાં પાછી જાઓ. હે સુંદરીઓ ! રાત્રીને વિષે સ્ત્રીઓએ અહીં ઊભાં ન રહેવું જોઇએ. ૧૯  તમારા મા-બાપ, દીકરા, ભાઇઓ અને પતિઓ તમને ઘરમાં નહીં જોઇને શોધતા હશે, માટે સંબંધીઓને ત્રાસ ન આપો. ૨૦  વિકસિત ફૂલવાળું, પૂર્ણચંદ્રથી રંગાએલું અને યમુનાના પવનથી શોભી રહેલું આ વન તમોએ જોઇ લીધું, તો હવે તરત વ્રજમાં જાઓ અને તમારા પતિની સેવા કરો, હે સતીઓ ! તમારાં વાછરડાં અને છોકરાં રડતાં હશે. માટે તેઓને ધવરાવો. ૨૧-૨૨  (ક્રોધથી ક્ષોભ પામેલાં નેત્રવાળી ગોપીઓને જોઇને ભગવાને કહ્યું.) અથવા તમો મારા ઉપર સ્નેહના બંધનથી ખેંચાઇને અહીં આવેલી હો તો એ તમોને યોગ્ય છે, કારણ કે મારા ઉપર સર્વ લોકો પ્રીતિ રાખે જ છે. ૨૩  હે ભલી સ્ત્રીઓ ! નિષ્કપટપણાથી પતિનું તથા પતિના સંબંધીઓનું સેવન કરવું, અને છોકરાંઓનું પોષણ કરવું એ સ્ત્રીઓનો ઉત્તમ ધર્મ છે. ૨૪  પતિ દુષ્ટ સ્વભાવનો, દુર્ભાગી, વૃદ્ધ, જડ, રોગી કે નિર્ધન ગમે તેવો હોય તોપણ એ મહાપાપી ન થયો હોય, ત્યાં સુધી પોતાનું શુભ ઇચ્છનારી સ્ત્રીઓએ તેનો ત્યાગ ન કરવો. ૨૫  સારાં કુળની સ્ત્રીને જાર પુરુષનું સુખ સ્વર્ગની હાનિ કરનાર, ર્કીતિને તોડનાર, તુચ્છ, કષ્ટરૂપ અને નિંદિત છે. ૨૬  સાંભળવાથી, દર્શનથી, ધ્યાનથી અને કીર્તનથી જેવો મારામાં ભાવ રહે છે તેવો સાથે રહેવાથી રહેતો નથી, માટે ઘેર જાઓ. ૨૭

શુકદેવજી કહે છે- આ પ્રમાણે શ્રીકૃષ્ણનું અપ્રિય વચન સાંભળીને ખેદ પામેલી અને જેઓનો સંકલ્પ ભાંગી ગયો છે, એવી ગોપીઓ બહુ ચિંતામાં પડી. ૨૮ શોકના નિઃસાસાથી જેઓના લાલ હોઠ સૂકાતા હતા, એવાં પોતાનાં મોઢાં નીચાં કરી પગના અંગૂઠાથી ધરતી ખોતરતી, આંખનાં આંસુઓથી સ્તન ઉપરના કેસરને ધોતી અને બહુજ દુઃખથી દબાએલી ગોપીઓ ઊભી થકી કાંઇ પણ બોલી નહીં. ૨૯ સ્નેહ પામેલી અને ભગવાનની પ્રાપ્તિને માટે જ સંસારનાં સર્વે સુખનો ત્યાગ કર્યો છે, એવી ગોપીઓની રોઇ રોઇને આંખો પણ સૂજી ગઇ હતી. જે શ્રીકૃષ્ણ ગોપીઓને અતિ પ્યારા હતા છતાં પણ શત્રુની પેઠે બોલતા હતા, તેમને જોઇને ગોપીઓ કાંઇક ક્રોધના આવેગથી ગદગદ્ કંઠે આ પ્રમાણે કહેવા લાગી.૩૦

ગોપીઓ કહે છે- હે પ્રભુ ! આપને આવું ક્રૂર વચન ન બોલવું જોઇએ. હે સ્વતંત્ર ! અમે સર્વે વિષયોનો ત્યાગ કરી આપના ચરણારવિંદને સેવનારી છીએ, આવી અમોને, જેમ નારાયણ મુમુક્ષુઓને ભજે છે તેવી રીતે ભજો, અર્થાત્ અમોને અનુકૂળ થાઓ અને અમારી કામનાઓ પૂર્ણ કરો. પરંતુ અમારો ત્યાગ કરો મા.૩૧ હે કૃષ્ણ ! ધર્મને જાણનારા આપે કહ્યું કે પતિ, સંતાન અને સંબંધીઓને અનુસરવું એજ સ્ત્રીનો સ્વધર્મ છે, તો તે સર્વે સ્વધર્મ આપના સેવનથી જ સિદ્ધ થશે, કેમ કે સર્વે ઉપદેશનાં વાક્યો ઇશ્વરની સેવાને જ લાગુ પડે છે, અને આપ જ સર્વ પ્રાણીઓના અંતરાત્મા હોવાથી ઇશ્વર, પ્રિય અને બંધુ છો. અથવા તમે જો ધર્મના ઉપદેશક હો અને અમે જો ધર્મને જાણવાને ઇચ્છતી હોઇએ, તો ધર્મને જાણનારા તમોએ જે કહ્યું તે યોગ્ય ગણાય, પરંતુ તમે ધર્મના ઉપદેશક નથી પણ સર્વના અંતરાત્મા છો, અને અમે ધર્મ જાણવાને ઇચ્છતી નથી, પણ ધર્મના ફળરૂપ આપની સેવાને જ ઇચ્છીએ છીએ, માટે આપનું કહેવું યોગ્ય નથી, અથવા પતિ આદિની સેવા કરવી એ ધર્મ છે એમ જે આપે કહ્યું તે આપની સેવાથી અમને સિદ્ધ થશે.૩૨ શાસ્ત્રમાં નિપુણ પુરુષો પોતાના આત્મારૂપ આપનામાં જ પ્રીતિ રાખે છે. પીડા આપનારા પતિ અને પુત્રાદિકમાં પ્રીતિ રાખવાનું શું પ્રયોજન છે ? એટલા માટે હે પરમેશ્વર ! અમારા ઉપર કૃપા કરો. હે કમળ સરખાં નેત્રવાળા ! ઘણા કાળથી આપમાં ધરેલી આશાને તોડી નાખો નહિ.૩૩  આપે અમોને પાછું જવાનું કહ્યું પણ તે અમારાથી થઇ શકે તેમ નથી, કેમ કે જે અમારું ચિત્ત આજ દિવસ સુધી સુખેથી ઘરમાં લાગતું હતું તે આપે હરી લીધું છે અને જે હાથ ઘરના કામકાજમાં લાગતા હતા તે પણ આપે હરી લીધા છે. અમારા પગ તમારા ચરણારવિંદ પાસેથી પગલું પણ ખસતા નથી; માટે વ્રજમાં શી રીતે જઇએ અને શું કરીએ ?૩૪  હે શ્રીકૃષ્ણ ! તમારા હાસ્ય સહિત જોવાથી અને સુંદર ગાયનથી ઉત્પન્ન થયેલા અમારા કામાગ્નિને તમારા અધરામૃતની પિચકારીથી ઠારી નાખો, અને નહીં ઠારો તો એક કામાગ્નિ અને બીજો વિરહાગ્નિ આ બન્ને અગ્નિથી  બળી જઇને યોગીઓની પેઠે ધ્યાન કરીને પણ તમારા ચરણારવિંદને પામીશું. અર્થાત્ મરી જઇને પણ અમે આપને છોડીશું નહિ.૩૫  હે કમળ નેત્ર ! વનમાં રહેનારા મુનિ લોકો ઉપર પ્રેમ ધરાવનારા આપનું ચરણારવિંદ કે જેની સેવા કરવાનો અવકાશ લક્ષ્મીજીને પણ કોઇ સમયે જ મળે છે, એ ચરણનો જયારથી અમોએ સ્પર્શ કર્યો છે અને તે સ્પર્શ કરવાનો આપે આનંદ આપ્યો છે, ત્યારથી અમો બીજાની પાસે ઊભી રહી પણ શક્તી નથી. (અમારા તુચ્છ પતિઓ અમને ગમતા નથી.)૩૬  જે લક્ષ્મીજીની દૃષ્ટિ પોતા ઉપર પડે તેને માટે બીજા દેવતાઓ પ્રયાસ જ કરે છે, તે લક્ષ્મીજી પોતે તમારા વક્ષઃસ્થળમાં આગવું સ્થાન પામ્યા છતાં પણ, આપના ચરણારવિંદની જે રજમાં તુલસી શોક્યની પેઠે ભાગ પડાવનાર છે અને વળી જે રજ સર્વ દાસોએ સેવેલી છે, તે રજને લક્ષ્મીજી પણ ઇચ્છે છે તો તે લક્ષ્મીજીની પેઠે અમે પણ તે જ રજને પ્રાપ્ત થએલી છીએ.૩૭  એટલા માટે હે દુઃખોને મટાડનારા ! અમે યોગીઓની પેઠે તમારી સેવાની આશાથી ઘરબાર છોડી દઇને આવેલી છીએ, માટે અમારા ઉપર કૃપા કરો. હે પુરુષોત્તમ ! તમારા સુંદર મંદ હાસ્ય સહિત જોવાને લીધે ઉત્પન્ન થયેલા તીવ્ર કામદેવથી તપી ગયેલી અમોને દાસીપણું આપો.૩૮  કેશથી વીંટાએલું, ગંડસ્થળમાં કુંડળની શોભાવાળું અને અધર ઓષ્ઠમાં સુધાથી ભરેલું તમારું મુખારવિંદ જોઇને, અભય આપનારા તમારા બે ભુજદંડને જોઇને, અને લક્ષ્મીજીને એક ક્રીડાના સ્થાનકરૂપ તમારા વક્ષઃસ્થળને જોઇને, અમો તમારી દાસી થવા જ માગીએ છીએ.૩૯  હે કૃષ્ણ ! આપે વ્યભિચારને નિંદિત કહ્યો, પણ તમારા સુંદર પદવાળાં વેણુગીતથી અને ત્રૈલોક્યમાં સર્વોત્તમ સુંદરતાવાળું આ તમારું રૂપ  જોવાથી મોહ પામેલી કઇ સ્ત્રી પોતાના ઉત્તમ પતિવ્રતાપણાના ધર્મથી ભ્રષ્ટ ન થાય ? જે ગીત સાંભળીને તથા રૂપ જોઇને ગાયો, પક્ષીઓ, ઝાડ અને મૃગનાં પણ રુંવાડાં ઊભાં થઇ જાય છે.૪૦  જેમ આદિપુરુષ નારાયણ દેવલોકની પીડાને હરે છે તેમ તમે અવશ્ય વ્રજના ભય અને પીડાને હરવા સારુ જન્મ્યા છો.એટલા માટે હે દીનબંધુ ! અમો દાસીઓનાં કામદેવથી તપી ગયેલાં સ્તન ઉપર અને મસ્તક ઉપર આપનાં હસ્તકમળ ધરો.૪૧

શુકદેવજી કહે છે આ પ્રમાણે તે વ્રજાંગનાઓના કાલાવાલા સાંભળીને યોગેશ્વર ભગવાને હસીને પોતે આત્મારામ હોવા છતાં પણ દયાથી તે ગોપીઓને રમાડી.૪૨ મળેલી અને પ્રિયના દર્શનથી પ્રફુલ્લિત મુખોવાળી તે ગોપીઓથી વીંટાએલા, ઉદાર લીલાવાળા, અને સુંદર હાસ્યમાં તથા દાંતોમાં મોગરાના ફૂલ સરખી શોભાવાળા ભગવાન નક્ષત્રોથી વીંટાએલા ચંદ્રમાની પેઠે શોભવા લાગ્યા.૪૩ અનેક સ્ત્રીઓના યૂથના અધિપતિ, સ્ત્રીઓને ગવરાવતા, અને પોતે ગાતા, વૈજયંતી માળાને ધારણ કરતા અને વનને શોભાવતા ભગવાન તે વનમાં ફરતા હતા.૪૪ પછી ભગવાન યમુનાનદીના તરંગોથી આનંદને પામતાં ચંદ્રવિકાસી કમળોની સુગંધવાળા વાયુથી સેવાયેલો, શીતળ રેતીવાળો, એવો યમુના નદીનો કાંઠો, તેના ઉપર જઇને ગોપીઓની સાથે હાથ લાંબા કરવાથી, આલિંગનથી, હાથ, કેશ, સાથળ, નાડી અને સ્તનના સ્પર્શથી, હાસ્યનાં વચનથી, નખની અણીઓવડે ચિહ્નો કરવાથી, ક્રીડાથી, જોવાથી અને હાસ્યથી વ્રજાંગનાઓના કામદેવને બહુ જ વૃદ્ધિ પમાડતા શ્રીકૃષ્ણ ભગવાન તે ગોપીઓને રમાડવા લાગ્યા.૪૫-૪૬  આ પ્રમાણે મહાત્મા અને જ્ઞાની શ્રીકૃષ્ણથી જેઓને માન મળેલું છે, એવી ગોપીઓ પૃથ્વીની સર્વે સ્ત્રીઓના આત્માથી પોતાના આત્માને શ્રેષ્ઠ માનવા લાગી.૪૭  બ્રહ્માને અને રુદ્રને પણ વશ કરનાર ભગવાન, તે ગોપીઓના સૌંદર્યપણાના અભિમાનથી ઉત્પન્ન થયેલો મદ તથા અભિમાનને જોઇ તેને દૂર કરવા અને પછી પ્રસન્ન થવાને માટે ત્યાં જ અંતર્ધાન થઇ ગયા.૪૮

ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો ઓગણત્રીશમો અધ્યાય સંપૂર્ણ.