વિદુર નીતિ અધ્યાય - ૭

Submitted by swaminarayanworld on Sat, 16/01/2016 - 11:27pm

ધૃતરાષ્ટ્ર બોલ્યા :- હે મહાબુદ્ધિમાન વિદુર ! સૂતર પરોવેલી લાકડાની પૂતળીની પેઠે વિધાતાએ આ પુરુષને દૈવને આધિન કરેલો છે, તેથી એ ઐશ્વર્ય અને અનૈશ્વર્યના સંબંધમાં સ્વતંત્ર નથી. આથી તું મને બોધવચનો કહે, હું તે ધીરજથી સાંભળવા બેઠો છું. ૧

વિદુર બોલ્યા :- હે ભારત ! સ્વયં બૃહસ્પતિ પણ જો કસમયે વચન બોલે છે તો તેનું પણ અપમાન થાય છે અને તેની બુદ્ધિ પણ લેખામાં લેવાતી નથી. ૨

મિત્ર

કોઇ વસ્તુ આપવાથી મિત્ર થાય છે, કોઇ પ્રિય ભાષણથી મિત્ર થાય છે અને કોઇ મંત્ર તથા મૂળના બળથી મિત્ર થાય છે. પણ જે સહજ મિત્ર થાય છે તે જ ખરો મિત્ર છે. ૩

જે દ્વેષપાત્ર છે, તે મિત્ર થતો નથી, બુદ્ધિમાન કે પંડિત પણ જણાતો નથી. જેટલાં કામ મિત્ર કરે છે તેટલાં સારાં લાગે છે અને જેટલાં કામ શત્રુ કરે છે તેટલાં કામ અવશ્ય નકામાં લાગે છે. ૪

હે રાજન્‌ ! દુર્યોધનનો જન્મ થયો તે વખતે જ મેં કહ્યું હતું કે, તમે આ એક પુત્રને ત્યજી દો, કારણ કે એના ત્યાગથી સો પુત્રની વૃદ્ધિ થશે અને એનો ત્યાગ ન કરવાથી સો પુત્રનો નાશ થશે. ૫

ઘટાડો પણ ઉત્તમ

જે વૃદ્ધિ, પરિણામે ક્ષયકારી છે, તે વૃદ્ધિને શ્રેષ્ઠ માનવી નહિ, પણ જે ક્ષય પરિણામે વૃદ્ધિ કરે, તે ક્ષય પણ શ્રેષ્ઠ માનવો. હે મહારાજ ! જે ક્ષય છેવટે વૃદ્ધિ કરાવે છે તે ક્ષય જ નથી, પણ મેળવ્યા પછી ઘણાનો નાશ થાય તેને જ આલોકમાં ક્ષય માનવો. ૬-૭

કેટલાક ગુણથી સમૃદ્ધિવાળા હોય છે, તો કેટલાક ધનથી સમૃદ્ધિવાળા હોય છે. તો હે ધૃતરાષ્ટ્ર ! તેમાં જેઓ ધનથી સમૃદ્ધિવાળા હોવા છતાં ગુણથી રહિત છે, તેમનો તમે ત્યાગ જ કરો. ૮

ધૃતરાષ્ટ્ર બોલ્યા :- હે વિદુર ! તું આ બધું શાણાઓને માન્ય એવું તથા હિતકારી બોલે છે, પણ પુત્રને ત્યજવાની મારી હિંમત નથી. બાકી,જ્યાં ધર્મ છે ત્યાં જ જય છે. ૯

વિદુર કહ્યું :- જે મનુષ્ય ઘણો ગુણવાન તથા વિનયવાન હોય છે, તે પ્રાણીઓનાં અલ્પ દુઃખ તરફ પણ કદી ઉપેક્ષા કરતો નથી. ૧૦

નિંદિત સંગ

જેઓ પરનિંદા કરવામાં તથા અન્યને દુઃખ દેવામાં તત્પર રહે છે, તેમ જ જેઓ પરસ્પર વિરોધ જગાવવાનો સતત પ્રયત્ન કરે છે, જેમનાં દર્શન પાપકારી છે, જેમનો સહવાસ મહાભયંકર છે, જેમની પાસેથી પૈસા લેવાથી મોટો અનર્થ થાય છે, જેમને પૈસા આપવામાં મોટો ભય રહે છે, જેમનો વ્યવસાય એકબીજામાં ભેદ પડાવવાનો છે, જેઓ કામી, નિર્લજ્જ તથા શઠ છે, જેઓ પાપી તરીકે પ્રખ્યાત છે, જેમની સાથેનો સહવાસ નિંદાપાત્ર ગણાય છે અને જેઓ બીજા મહાદોષોથી ભરેલા છે તે મનુષ્યોનો ત્યાગ જ કરવો. કારણ કે મિત્રતાનું કારણ સમાપ્ત થતાં જ નીચ મનુષ્યમાં પ્રેમ, મિત્રતાનું ફળ અને સ્નેહનું સુખ નાશ પામે છે. વળી નીચનું થોડું સરખું પણ બૂરું કરવામાં આવે, તો તે મિત્રને અપવાદ આપવાનો તથા તેનો વિનાશ કરવાનો પ્રયત્ન કરે છે અને મૂરખતાને લીધે કોઇ રીતે શાન્ત થતો નથી. માટે તેવા નીચ, ક્રુર તથા ઉચ્છુંખલ મનુષ્યોની સંગતિનો પ્રસંગ આવે તો વિદ્વાન પુરુષે સારી રેઠે બુદ્ધિપૂર્વક વિચાર કરવો અને તેમની સંગતિને દૂરથી જ વર્જવી.૧૧-૧૬

સંગ કરવા યોગ્ય

જે પોતાના દીન, દુઃખી તથા દરિદ્રી જ્ઞાતિબંધુ પર દયા કરે છે, તેનાં પશુ અને પુત્ર વૃદ્ધિ પામે છે. અને તે પરમ કલ્યાણ ભોગવે છે. આથી જેઓ પોતાનું શુભ ઇચ્છતા હોય, તેઓ એ જ્ઞાતિજનોની ઉદય વૃદ્ધિ કરવી, એટલે હે રાજેન્દ્ર ! તમે પણ સારી રીતે કુળની વૃદ્ધિ થાય તે પ્રમાણે આચરણ કરો. હે રાજન્‌ ! જ્ઞાતિને સત્કારનારો કલ્યાણથી મુક્ત થાય છે. હે ભરતશ્રેષ્ઠ ! જ્ઞાતિજનો ગુણરહિત હોય તો પણ તેમનું રક્ષણ કરવું જોઇએ, ત્યારે ગુણસંપન્ન અને તમારી કૃપાના આકાંક્ષી એવા પાંડવો માટે તો કહેવું જ શું ?૧૭-૨૦

હે પૃથ્વીપતી ! તમે વીર પાંડવો ઉપર કૃપા કરો. હે પ્રભુ ! તમે તેમને જીવિકા માટે કેટલાક ગામો આપો. હે નરપતિ ! આ પ્રમાણે કરવાથી લોકમાં તમને યશ પ્રાપ્ત થશે. હે તાત ! તમે વૃદ્ધ છો માટે તમારે પુત્રોને શિખામણ આપવી જોઇએ. ૨૧-૨૨

અને મારે પણ હિતબોધ કહેવો જોઇએ. તમે મને તમારો હિતૈષી જાણો. હે ભરતશ્રેષ્ઠ ! શુભેચ્છક મનુષ્યે પોતાનાં જ્ઞાતિજનો સાથે વિગ્રહ ન કરવો. હે તાત ! તેણે તો તેમની સાથે રહીને સુખ ભોગવવું જોઇએ. જ્ઞાતિજનોની સાથે ભોજન કરવું, વાત-ચિત કરવી તથા પરસ્પર પ્રેમ રાખવો, કદી પણ તેમની સાથે વિરોધ કરવો નહિ. ૨૩-૨૪

જ્ઞાતિજનો સાથે તરવું અને ડૂબવું

આ લોકમાં જ્ઞાતિઓ જ તારે છે અને જ્ઞાતિઓ જ ડૂબાડે છે. સંસારમાં સદ્વર્તનવાળા જ્ઞાતિજનો તારે છે અને દુર્વર્તનવાળા જ્ઞાતિજનો ડૂબાડે છે. ૨૫

તો હે રાજેન્દ્ર ! તમે પાંડવો પ્રત્યે સદ્વર્તન રાખો, એટલે હે માનદાતા ! તેઓથી વીંટાયેલા તમે શત્રુઓથી પરાભવ પામશો નહિ, કોઇ જ્ઞાતિજન શ્રીમંત જ્ઞાતિજનને આશ્રયે જાય અને છતાં તેને દુઃખ ભોગવવાનું આવે, તો હાથમાં ઝેરી બાણવાળા પારધીને આશ્રયે ગયેલા મૃગનો વધ થવાથી જેમ એ મૃગવધનું પાપ પેલા પારધીને લાગે છે, તેમ જ્ઞાતિજનોને તે દુઃખ પડ્યાનું પાપ પેલા શ્રીમંતને લાગે છે. ૨૬-૨૭

નીતિ

હે નરશ્રેષ્ઠ ! યુદ્ધમાં પાંડવો કે તમારા પુત્રો હણાઇ ગયા છે, એ સાંભળીને તમને પછીથી સંતાપ થશે. તો તમે આગળથી જ વિચાર કરો.૨૮

આવરદા પરપોટા જેવી છે. એટલે કામ કરવાથી ખાટલે પડ્યા પડ્યા પશ્ચાતાપ કરવો પડે તે કામ પ્રથમથી જ કરવું નહિ. નીતિશાસ્ત્ર કર્તા શુક્રાચાર્ય સિવાય બીજો કોઇ અન્યાય કરતો નથી એમ સમજવું નહિ, પણ અન્યાય ધ્યાનમાં આવ્યા પછી બાકી રહેલાં કામમાં વિચાર પૂર્વક વર્તવું, એ બુદ્ધિમાનોનું લક્ષણ છે. ૨૯-૩૦

હે નરેશ્વર ! પૂર્વે દુર્યોધને પાંડવો પ્રત્યે જે પાપી વર્તન ચલાવ્યું છે, તે વર્તનનો બદલો કુળમાં વૃદ્ધ એવા તમારે વાળી આપવો જોઇએ. હે નરશ્રેષ્ઠ ! પાંડવોને રાજ્યપદ ઉપર બેસાડીને તમે લોકમાં નિર્દોષ થશો અને વિદ્વાનોમાં પૂજ્ય થશો. ૩૧-૩૨

જે મનુષ્ય ધીર પુરુષોનાં સારાં વચનોનાં પરિણામનો વિચાર કરીને કાર્ય કરવાનો નિશ્ચય કરે છે, તે ચિરકાળ સુધી યશસ્વી રહે છે. મહાકુશળ પુરુષોએ ઉપદેશેલા જ્ઞાનમાંથી જાણવા જેટલું જાણ્યું નહિ, અથવા જાણ્યા છતાં તે પ્રમાણે વર્તન કર્યું નહિ, તો તે ઉપદેશેલું જ્ઞાન નિષ્ફળ છે. ૩૩-૩૪

જે મનુષ્ય પરિણામે પાપફળ આપનારાં કર્મને જાણીને તેનો આરંભ કરતો જ નથી, તે અભ્યુદય પામે છે. પરંતુ જે પૂર્વે કરેલાં પાપનો વિચાર કર્યા વિના પાપ જ કર્યા કરે છે, તે દુર્બુદ્ધિવાળા મનુષ્યને અગાધ ભયંકર નરકમાં નાખવામાં આવે છે. ડાહ્યા મનુષ્યે મસલત કરવાનાં આ છ દ્વારો લક્ષમાં રાખવાં અને સંપત્તિની વૃદ્ધિની ઇચ્છાવાળાએ એ દ્વારોનું નિત્ય રક્ષણ કરવું. મદિરાપાનથી થયેલો મદ, નિદ્રા, અન્યના ગુપ્ત દૂતાદિને ન ઓળખવા તે, પોતાના મુખનો તથા નેત્રાદિનો વિકાર, દુષ્ટ મંત્રીનો વિશ્વાસ અને દૂત આદ્વારો જાણીને હે રાજા ! જે તેને સાચવી રાખે છે અને ધર્મ, અર્થ તથા કામનું સેવન કરવામાં જોડાયેલો રહે છે તે શત્રુને તાબે કરે છે, બૃહસ્પતિ જેવાને પણ શાસ્ત્રના અધ્યયન વિના અથવા વૃદ્ધોની સેવા કર્યા વિના ધર્મ તથા અર્થનું જ્ઞાન થતું નથી. સમુદ્રમાં પડેલું નાશ પામ્યું સમજવું, કાને ન ધરનારને કહેલું વચન મિથ્યા ગયેલું સમજવું, અવિવેકીએ કરેલું શાસ્ત્રનું ભણતર વ્યર્થ ગયેલું સમજવું અને અગ્નિ વિના કરેલો હોમ નિષ્ફળ ગયેલો સમજવો. ૩૫-૪૦

મિત્રતાનું લક્ષણ

બુદ્ધિમાન મનુષ્યે બુદ્ધિપૂર્વક પરીક્ષા કરવી, અનુભવ પૂર્વક વારંવાર યોગ્યતા વિચારવી, બીજા પાસેથી ગુણ-દોષો સાંભળવા અને જાતે જોઇને તપાસ કરવો. એ પછી જ તેણે ડાહ્યાઓ સાથે મૈત્રી બાંધવી. વિનય અપકીર્તિનો નાશ કરે છે, પરાક્રમ અનર્થનો નાશ કરે છે, ક્ષમા નિત્ય ક્રોધનો નાશ કરે છે અને સદાચાર કુલક્ષણનો નાશ કરે છે. હે રાજેન્દ્ર ! ભોગ્ય વસ્તુની સામગ્રી, જન્મસ્થાન, ઘર, આચરણ, ભોજન અને વસ્ત્ર એ ઉપરથી કુળની પરીક્ષા કરવી. જીવનમુક્ત પુરુષ પણ સમીપ આવેલી ઇષ્ટ વસ્તુનો નિષેધ કરતો નથી, તો પછી વિષયાસક્ત માટે કહેવું જ શું ? શાણાને સેવનાર, વિદ્વાન, ધાર્મિક, સ્વરૂપવાન, મિત્રવાળા અને મધુર વાણીવાળા સ્નેહીનું પરિપાલન કરવું. મોટા કુળનો હોય કે હલકા કુળનો હોય છતાં જે મર્યાદાને ઓળંગતો નથી, જે ધર્મની અપેક્ષા રાખે છે અને જે દુષ્કાર્ય કરતાં લજ્જા સેવે છે, તે સેંકડો કુલીનો કરતાં પણ ચડિયાતો છે. જે બન્નેમાં એકનું મન બીજાનામન સાથે, એકનો ગુપ્ત વિચાર બીજાના ગુપ્ત વિચાર સાથે અને એકની બુદ્ધિબીજાની બુદ્ધિ સાથે મળતાં આવે છે, તે બન્નેની મૈત્રી કદી નાશ પામતી નથી. વિદ્વાન મનુષ્યે દુર્બુદ્ધિવાળા મૂર્ખ મનુષ્યનો ઘાસથી ઢંકાયેલા કૂવાની પેઠે ત્યાગ કરવો, કારણ કે તેવાની મૈત્રી નાશ પામે છે. ડાહ્યા માણસે ગર્વિષ્ઠ, મૂર્ખ, ક્રોધી, સાહસિક અને ધર્મભ્રષ્ટ મનુષ્યની મૈત્રી કરવી નહિ. તેણે તો કૃતજ્ઞ, ધાર્મિક, સત્યનિષ્ઠાવાળા, મોટા મનના, દ્રઢ ભક્તિવાળા, જીતેન્દ્રિય, મર્યાદામાં રહેનારા અને દગો નહિ દેનારાને જ મિત્ર કરવો. ઇન્દ્રિયોને વિષયોમાં ન જવા દેવી, એ મૃત્યુ કરતાં પણ વધારે દુષ્કર છે. ત્યારે ઇન્દ્રિયોને અતિશય છૂટી મૂકવાથી દેવતાઓનો પણ નાશ થાય છે. ૪૧-૫૧

આયુષ્ય વર્ધક વસ્તુઓ

કોમળ વૃત્તિ, સર્વ પ્રાણી પ્રત્યે અદેખાઇનો ત્યાગ, ક્ષમા, ધૈર્ય અને મિત્રોનો આદર, એમને વિદ્વાનો આયુષ્ય વધારનારાં કહે છે. જે કોઇ અન્યાયને લીધે બગડ્યું હોય તેને દ્રઢ નિશ્ચય પૂર્વક ન્યાયથી પાછું પૂર્વસ્થિતિમાં લાવવું એ ઉત્તમ પુરુષનું વ્રત છે. મનુષ્ય પડનારાં દુઃખનો ઉપાય જાણે છે, પડતાં દુઃખમાં દ્રઢ નિશ્ચય રાખે છે, અને પડી ચૂકેલાં દુઃખ પછી બાકીનું કાર્ય કેમ કરવું તે જાણે છે, તે અર્થથી ભ્રષ્ટ થતો નથી. મન, વાણી અને કર્મથી મનુષ્ય જે કામ વારંવાર કરે છે, તે કામ તેને ખેંચી જ જાય છે. એથી મનુષ્ય કલ્યાણકારક કર્મ જ કરવાં. ૫૨-૫૫

સુખકર વસ્તુઓ

મંગળ વસ્તુઓનો સ્પર્શ, સહાય સંપત્તિ, શાસ્ત્રજ્ઞાન, ઉદ્યમ, સરળતા અને સત્પુરુષોનું વારંવાર દર્શન, એ સર્વ સમૃદ્રિ આપનારાં છે. ઉદ્યોગ પરાયણતા એ લક્ષ્મી, લાભ અને શુભનું મૂળ છે. ઉદ્યોગ પરાયણ મનુષ્ય મહાન થાય છે અને અનંત સુખ ભોગવે છે. હે તાત ! સમર્થ મનુષ્યે સદૈવ સર્વના ઉપર ક્ષમા રાખવી. એના જેવું કલ્યાણકારક અને પરમ હિતકારી બીજું કશું જ નથી. શક્તિહીન મનુષ્યે સર્વ ઉપર ક્ષમા રાખવી અને સમર્થ મનુષ્યે ધર્મને અર્થે ક્ષમા રાખવી. જેને અર્થ તથા અનર્થ સમાન છે, એવા ઉદાસીન મનુષ્યને પણ ક્ષમા નિત્ય હિતાવહ છે. જે સુખનું સેવન કરતાં મનુષ્ય ધર્મ તથા અર્થથી ભ્રષ્ટ થતો નથી, તે સુખ ભલે સેવવું, પણ મૂઢની જેમ કદી આચરણ કરવું નહિ. દુઃખથી પીડાતો મનુષ્ય, પ્રમત્ત, નાસ્તિક, આળસુ, ઇન્દ્રિયાધીન અને નિરુત્સાહી એટલાઓને વિશે લક્ષ્મી વસતી નથી. સરળતાવાળો પુરુષ પોતાની સરળતાથી અયોગ્ય કામ કરતાં શરમાય છે, ત્યારે દુષ્ટબુદ્ધિવાળાઓ તેને અશક્ત માનીને સતાવ્યા કરે છે. ૫૬-૬૨

લક્ષ્મી ક્યાં જતી નથી ?

જે મનુષ્ય અતિશય શરળ, અતિશય દાની, અતિશય શૂરવીર અને અતિશય વ્રતી છે, તેમ જ જે ડહાપણનું અભિમાન રાખે છે, તેની પાસે લક્ષ્મીભયથી ફરકતી પણ નથી. લક્ષ્મી અતિ ગુણવાન પાસે રહેતી નથી, તેમ અતિશય ગુણહીનની પાસે પણ રહેતી નથી. તે ગુણને ચાહતી નથી તેમ ગુણહીનતાથી પણ રિઝાતી નથી. ૬૩-૬૪

લક્ષ્મીનિવાસ અને વેદાદિનું ફળ

ઉન્મત્ત ગાયની જેમ એ અંધ લક્ષ્મી તો કોઇક જ ઠેકાણે ઠરીને રહે છે. અગ્નિહોત્ર પાળવું એ વેદાધ્યયનનું ફળ છે, સુશીલતા અને સદાચરણ એ શાસ્ત્રાધ્યયનનું ફળ છે, રતિસુખ અને પુત્ર પ્રાપ્તિ એ સ્ત્રી પરણ્યાનું ફળ છે અને દાન કરવું તથા ભોગવવું એ ધનનું ફળ છે. જે મનુષ્ય અધર્મથી સંપાદન કરેલા ધન વડે પરલોકના સાધનભૂત યજ્ઞ, દાન વગેરે કર્મો કરે છે તે મરણ પછી, ધન કુમાર્ગથી આવેલું હોવાને લીધે યજ્ઞ, દાન વગેરેનું ફળ ભોગવતો નથી. જંગલમાં, ભયંકર ઝાડીમાં, મોટી આપત્તિમાં, ગભરાટના સમયમાં અને હથિયારો ઉગામેલાં હોય તે વખતે હૃદયબળવાળાઓને ભય લાગતો નથી. ૬૫-૬૭

વૈભવનું મૂળ

ઉદ્યોગ, ઇન્દ્રિય નિગ્રહ, દક્ષતા, સાવધાની, ધૈર્ય, સ્મરણશક્તિ અને વિચારપૂર્વક કાર્યારંભ, એમને ઐશ્વર્યનું કારણ જાણો, તપસ્વીઓનું બળ તપ છે, બ્રહ્મવેત્તાઓનું બળ બ્રહ્મ છે, દુર્જનોનું બળ હિંસા છે અને ગુણવાનોનું બળ ક્ષમા છે. જળ, મૂળ, ફળ, દૂધ, હવિષ, બ્રાહ્મણની ઇચ્છા, ગુરુનું વચન અને ઔષધ આ આઠના સ્વીકારથી ઉપવાસાદિ વ્રતનો ભંગ થતો નથી. પોતાને જે પ્રતિકૂળ લાગે એ બીજા પ્રત્યે પણ કરવું નહિ, આ સર્વ સાધારણ ધર્મ છે અને ઇચ્છા પ્રમાણે વર્તવાથી અધર્મ થાય છે. શાંતિથી ક્રોધને જીતવો, સૌજન્યથી દુર્જનને જીતવો, દાનથી કુપણને જીતવો અને સત્યથી અસત્યને જીતવું. ૬૮-૭૨

અવિશ્વાસ કરવા યોગ્ય વસ્તુ

સ્ત્રી, ઠગ, આળસુ, બીકણ, ક્રોધી, અભિમાની, ચોર, કૃતઘ્ની અને નાસ્તિક આટલાંનો વિશ્વાસ કરવો નહિ. જે મનુષ્ય અભિવંદન કરવાના સ્વભાવવાળો હોય છે તથા વૃદ્ધોની સેવા કરે છે, તેનાં કીર્તિ, આયુષ્ય, યશ અને બળ એ ચાર સારી રીતે વૃદ્ધિ પામે છે. ૭૩-૭૪

મનન કરવા યોગ્ય વસ્તુ

જે ધન અત્યંત કષ્ટથી મળતું હોય, ધર્મનું ઉલ્લંઘન કરવાથી મળતું હોય અથવા શત્રુને પગે પડવાથી મળતું હોય, તે ધનમાં તમે મન રાખો નહિ. વિદ્યા વિનાનો પુરુષ, સંતાનોત્પત્તિ વિનાનું મૈથુન, જીવિકા વિનાની પ્રજાઅને રાજા વિનાનું રાજ્ય શોચનીય છે. પ્રાણીઓને મુશાફરીથી ઘડપણ આવે છે, પર્વતોને પાણીથી ઘડપણ આવે છે, સ્ત્રીઓને અસંભોગથી ઘડપણ આવે છે અને મનને કઠોરવાણીથી ઘડપણ આવે છે. અભ્યાસ ન કરવો એ વેદનો મેલ છે, વ્રતનો ત્યાગ કરવો એ બ્રાહ્મણનો મેલ છે, બાહ્લિક દેશ પૃથ્વીનો મેલ છે, અસત્ય ભાષણ એ પુરુષનો મેલ છે, કુતૂહલ સાધ્વીનો મેલ છે, પતિનું પરદેશ ગમન સ્ત્રીને મલિન કરે છે, સોનાને રૂપુ મલિન કરે છે, રૂપાને કથિર મલિન કરે છે, કથિરને સીસું મલિન કરે છે અને સીસાને માટી મલિન કરે છે. ૭૫-૮૦

બહુ નિદ્રા કરવાથી નિદ્રા ન જીતાય, કામ ભોગવવાથી સ્ત્રીને ન જીતાય, ઇંધણાં નાખવાથી અગ્નિને ન જીતાય અને મદ્યપાન કરવાથી મદિરાને ન જીતાય. ૮૧

જેણે દાનથી મિત્રને વશ કર્યો છે, જેણે યુદ્ધથી શત્રુઓને જીત્યા છે અને જેણે ખાનપાનથી સ્ત્રીઓને વશ કરી છે, તેનું જીવતર સફળ છે. ૮૨

હે ધૃતરાષ્ટ્ર ! હજાર રૂપિયાવાળા પણ જીવે છે અને સો રૂપિયાવાળા પણ જીવે છે, માટે તમે આખા રાજ્યની ઇચ્છા છોડી દો, કારણ કે કોઇ પણ સ્થિતિમાં જીવાતું નથી એમ નથી. ૮૩

આ પૃથ્વીમાં જે કાંઇ સુવર્ણ, ડાંગર, જવ, પશુઓ અને સ્ત્રીઓ છે, તે બધું એકને મળે, તો પણ તૃપ્તિ થતી નથી. આ જોઇને ડાહ્યો મનુષ્ય મોહ પામતો નથી. ૮૪

હે રાજન્‌ ! હું તમને ફરીથી પણ કહું છું કે, જો તમને તમારા પોતાના પુત્રોમાં અને પાંડવોમાં સમભાવ હોય, તો તમે બન્ને પ્રત્યે સમાનતાથી વર્તો.૮૫

ઇતિ શ્રીમહાભારતે ઉદ્યોગપર્વ અંતર્ગત પ્રજાગરપર્વમાં વિદુરનીતિવાક્યનો સપ્તમો અધ્યાયઃ ।।૭।।