વિદુર નીતિ અધ્યાય - ૬

Submitted by swaminarayanworld on Sat, 16/01/2016 - 11:22pm

વિદુર બોલ્યા :- વૃદ્ધ પુરુષ આવે છે ત્યારે તરુણના પ્રાણ નીકળીને આગળ આવે છે, પણ એ તરુણ તે વૃદ્ધની સામે જઇને તથા તેને અભિવંદન કરીને પુનઃ પ્રાણોને પોતાની અંદર પ્રાપ્ત કરે છે. પોતાને ઘેર કોઇ સત્પુરુષ આવે, ત્યારે ધીર પુરુષે પ્રથમ તેને બેસવા માટે આસન આપવું. પછી પાણી લાવીને તેના પગ ધોવા, તે પછી તેનું કુશળ પૂછીને પોતાની સ્થિતિ નિવેદન કરવી અને પછી તેને આદરપૂર્વક ભોજન કરાવવું. ૧-૨

જે ગૃહસ્થાશ્રમીના ઘરમાં તેના લોભને લીધે, રાજ્યાદિમાં ધનવાનપણાની ખ્યાતિ થવાના ભયથી કે કુપણતાને કારણે મંત્રવેત્તા પુરુષને જળ, મધુપર્ક અને ગાય ન મળે, તે ગૃહસ્થનું જીવતર ફોગટ છે, એમ આર્યપુરુષો કહે છે. ૩

આતિથ્યને પાત્ર કોણ નથી ?

વૈદ્ય, શસ્ત્ર ઘડનાર, બ્રહ્મચર્યથી ભ્રષ્ટ થયેલો, ચોર, ક્રુર, મદ્યપાન કરનારો, ગર્ભપાત કરનારો, સૈનિક, અને વેદવિક્રય કરનારો એટલા જણા જળને આપવાને માટે પણ યોગ્ય નથી, તો પણ તેમાંનો કોઇ અતિથિ તરીકે પોતાને ત્યાં આવ્યો હોય, તો તેનું પ્રેમથી સ્વાગત કરવું. ૪

અતિથિ કોણ કહેવાય ?

મીઠું, રાધેલું અન્ન, દહીં, દૂધ, મધ, તેલ, ઘી, તલ, માંસ, ફળ, મૂળ, શાક, લાલ વસ્ત્ર, સર્વ સુગંધી પદાર્થો અને ગોળ એટલી વસ્તુ વેચવા યોગ્ય નથી, (પરંતુ એ વેચનારો અતિથિ તરીકે આવ્યો હોય તો તેનું સ્વાગત કરવું.)૫

જે રોષ રહિત છે, માટીનું ઢેફું, પથ્થર તથા સોનાને સમાન ગણે છે, શોકમુક્ત છે, સ્નેહ તથા વેરથી પર છે, નિંદા તથા પ્રશંસાથી ઉપરામ પામ્યો છે, સુખ તથા દુઃખને સમાન લેખે છે, અને જે ઉદાસીનની પેઠે રહે છે, તેને ખરો ભિક્ષુ અતિથિ જાણવો. ૬

સામો વગેરે ધાન્ય, મૂળ, ઇંગોરિયાં તથા શાકભાજી ઉપર નિર્વાહ કરનાર, મનને સારી પેઠે વશ રાખનાર, અગ્નિહોત્રના કાર્યમાં કુશળ, વનમાં વાસ કરનાર, અતિથિ સત્કારમાં સાવધાન અને પુણ્યકર્મ કરનાર પુરુષને અતિથિ જાણવો. ૭

ન કરવા યોગ્ય અને કરવા યોગ્ય

બુદ્ધિમાન પુરુષનો અપકાર કરીને ‘હું દૂર છું,’ એવા વિશ્વાસથી બેસી રહેવું નહિ, કારણ કે બુદ્ધિમાનના બુદ્ધિરૂપી હાથ ઘણા લાંબા હોય છે, એટલે તે હાથથી તે અપકાર કરનારાનો નાશ કરે છે. ૮

અવિશ્વાસુ મનુષ્યનો વિશ્વાસ કરવો નહિ, તેમ વિશ્વાસુનો પણ અતિ વિશ્વાસ રાખવો નહિ, કારણ કે વિશ્વાસથી ઉત્પન્ન થયેલો ભય મૂળને પણકાપી નાખે છે. ૯

પુરુષે કોઇની ઇર્ષ્યા કરવી નહિ, પોતાની સ્ત્રીનું રક્ષણ કરવું, જે મળે તે પોષ્યવર્ગને વહેંચી આપવું, પ્રિય બોલવું, સ્ત્રિઓની સાથે કોમળ રહેવું, મધુર બોલવું પણ તેઓને વશ થઇ જવું નહિ. પૂજવા યોગ્ય મહાભાગ્યશાળી, પવિત્ર અને ઘરને અજવાળનારી સ્ત્રીઓ ઘરની લક્ષ્મી કહેવાય છે, માટે તેમનું વિશેષ પ્રકારે રક્ષણ કરવું જોઇએ. ૧૦-૧૧

પિતાને અંતઃપુરનું રક્ષણ સોંપવું, માતાને રસોડું સોંપવું, ગાય વગેરે પશુઓ ઉપર પોતાની પેઠે કાળજી રાખનારો હોય એવાની નિમણૂક કરવી અને ખેતી ઉપર જાતે જ કામે જવું. ૧૨

જેનું જે કારણ તેમાં તે લય પામે.

સેવકો પાસે વ્યાપાર કાર્ય કરાવવું અને પુત્રો દ્વારા બ્રાહ્મણની સેવા કરાવવી. પાણીથી અગ્નિ ઉત્પન્ન થયો છે, બ્રાહ્મણોથી ક્ષત્રિયો ઉત્પન્ન થયા છે અને પાષાણથી લોઢું ઉત્પન્ન થયું છે. ૧૩

તેમનું તેજ સર્વવ્યાપક છે, પરંતુ તે પોતાના ઉત્પત્તિસ્થાનમાં શાંત થઇ જાય છે. ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલા સજ્જનો નિત્ય અગ્નિના જેવા તેજસ્વી હોય છે. છતાં તેઓ કાષ્ઠમાં ગુપ્ત રહેલા અગ્નિની પેઠે બહારથી શાંત તથા ગુપ્ત રહે છે. ૧૪

જે રાજાની મસલતને બહારનું તથા ઘરનું કોઇ જાણતું નથી અને જે દૂતો દ્વારા બીજાની મસલતોને જાણી લે છે, જે કામ કરવાનાં હોય તે કામ પહેલાંથી જાહેર કરે નહિ અને કર્યા પછી જ બતાવે છે, તે રાજા ઘણા કાળપર્યંત રાજ્ય ભોગવે છે. એમ કરવાથી મસલત ફૂટતી નથી. ૧૫-૧૬

ગુપ્ત વિચાર કરવાનાં સ્થાનો

પર્વત ઉપર ચઢીને અથવા મહેલના એકાંતમાં જઇને અથવા ઘાસ વિનાના અરણ્યમાં જઇને મસલત કરવાથી તે ફૂટતી નથી. હે ભારત ! ઉત્તમ મસલત જાણવાને માટે મિત્ર સિવાય બીજું કોઇ અધિકારી નથી. ૧૭-૧૮

મંત્રીની પરીક્ષા

મિત્ર હોય છતાં તે પંડિત હોય અને પંડિત હોય છતાં બહુ બોલકો હોય, તેને પણ ગુપ્ત વિચાર જણાવવો નહિ. રાજાએ પરીક્ષા કર્યા વિના કોઇને પણ પોતાનો મંત્રી કરવો નહિ. કારણ કે અર્થ પ્રાપ્તિ અને મંત્રરક્ષણ, એ બન્ને મંત્રીને આધીન હોય છે. જે રાજાના ધર્મ, અર્થ તથા કામ સંબંધી સર્વ કાર્યો સિદ્ધ થયા પછી જ સભાસદોના જાણવામાં આવે છે, તે રાજા સર્વે રાજાઓમાં શ્રેષ્ઠ છે, એવા ગુપ્ત મસલતવાળા રાજાનાં કાર્યો અવશ્ય સિદ્ધ થાય છે. ૧૯-૨૧

જે રાજા મોહને લીધે અશુભ કાર્યો કરે છે, તે રાજા અશુભ કર્મની દુષ્ટતાને કારણે જીવથી માર્યો જાય છે. ૨૨

સુખ દુઃખનાં કારણ

પ્રશંસાપાત્ર કામ કરવાથી સુખ મળે છે અને તે ન કરવાથી પશ્ચાતાપ થાય છે, એવું વિદ્વાનું માનવું છે. ૨૩

જેમ બ્રાહ્મણ વેદ ભણ્યા વિના નિમંત્રણને યોગ્ય ગણાતો નથી તેમ સંધિ, વિગ્રહાદિ છ ગુણોની સમજ વિનાનો પુરુષ મસલત સાંભળવાને યોગ્ય ગણાતો નથી. ૨૪

પૃથ્વી કોને વરે છે ?

હે રાજા ! સ્થિતિ, વૃદ્ધિ તથા ક્ષયને જાણનારો, સંધિ આદિ છ ગુણના જ્ઞાન વડે પોતાના સ્વરૂપને ઓળખનારો અને સત્કારપાત્ર શીલવાળો રાજા પૃથ્વીને સ્વાધીન કરે છે. ૨૫

જે રાજાનો ક્રોધ તથા હર્ષ સફળ છે, જે પોતે કામ કરીને તેની વારંવાર દેખરેખ રાખે છે અને જે પોતે જ ભંડારની સંભાળ લે છે, તેને આ વસુંધરા ધન આપ્યા જ કરે છે. ૨૬

રાજાએ રાજપદથી તથા છત્રથી જ સંતુષ્ટ રહેવું અને સંપત્તિ સેવકોને વહેંચી આપવી, પણ એકલાએ જ સર્વ લઇ લેવું નહિ. ૨૭

કોણ કોની પરીક્ષા કરી શકે ?

બ્રાહ્મણ બ્રાહ્મણના સ્વરૂપને, પતિ પત્નીના સ્વરૂપને, રાજા આમાત્યના સ્વરૂપને ઓળખે છે, અને રાજાના સ્વરૂપને રાજા જ ઓળખે છે. વધ કરવા યોગ્ય શત્રુ વશમાં આવ્યો હોય તો તેને જતો કરવો નહિ. શક્તિ ન હોય તો નીચા વળીને તેની સેવા કરવી, પણ બળ હોય તો તેનું કાસળ કાઢી નાખવું, કારણ કે તેવો શત્રુ જીવતો જાય, તો થોડા જ સમયમાં તેનાથી ભય ઉત્પન્ન થાય છે. ૨૮-૨૯

દેવતા, રાજા, બ્રાહ્મણ, વૃદ્ધ, બાળક અને રોગી એટલાની સાથે પ્રસંગ પડતાં સર્વદા પ્રયત્ન પૂર્વક ક્રોધને વશ રાખવો. ૩૦

ડાહ્યા મનુષ્યે મૂર્ખાઓએ સેવેલા નિરર્થક કલેશનો ત્યાગ કરવો, કારણ કે એવા ત્યાગથી લોકમાં કીર્તિ મળે છે અને કોઇ અનર્થ થતો નથી.૩૧

જેમ સ્ત્રીઓ નપુંસક પતિને ઇચ્છતી નથી, તેમ જેની રીઝ નિષ્ફળ હોય અને જેની રીસ પણ નિર્થક હોય, તેવા રાજાને પ્રજા ઇચ્છતી નથી. બુદ્ધિ કાંઇ ધનનો લાભ કરાવતી નથી, અને મૂર્ખતા કંઇ ધનની હાની કરાવતી નથી, પણ બુદ્ધિમાન આલોક તથા પરલોકના વૃત્તાંતને જાણે છે, અને મૂર્ખએ જાણતો નથી. ૩૨-૩૩

હે ભારત ! મૂર્ખ મનુષ્ય હમેશાં વિદ્યા, શીલ અને અવસ્થામાં મોટા, વળી ધનમાં અને જાતિમાં ઊંચા એવા પુરુષોનું અપમાન કરે છે. જે મનુષ્યદુરાચારી, મૂર્ખ, ઇર્ષ્યાખોર, અધર્મિ, દુષ્ટ વાણીવાળો તથા ક્રોધી હોય છે, તેના પર જલદી સંકટો આવી પડે છે. ૩૪-૩૫

શત્રુ પણ મિત્ર થાય છે.

છેતરપીંડી ન કરવી, દાન આપવું, ઠરાવેલી મર્યાદાનું પાલન કરવું અને મીઠી વાણી બોલવી, એટલાથી પ્રાણીઓને પોતાના પક્ષના કરી લેવાય છે. જે અવળું બોલતો નથી, ચતુર, કૃતજ્ઞ, બુદ્ધિમાન અને સરળ પ્રકૃતિનો છે તેનો ભંડાર ક્ષીણ થઇ ગયો હોય તો પણ તેને સેવક, મિત્ર વગેરે પરિવાર આવી મળે છે. ૩૬-૩૭

ધૈર્ય, શાંતિ, ઇંદ્રિયનિગ્રહ, પવિત્રતા, દયા, કોમળ વાણી, અને મિત્રદ્રોહનો ત્યાગ આ સાત લક્ષ્મીને વધારે છે. ૩૮

ત્યાગ કરવા લાયક રાજા

હે નરનાથ ! જે રાજા પોષ્યવર્ગને આપ્યા વિના જ ખાઇ જાય છે, જે દુષ્ટ મનનો છે, કૃતઘ્ની છે અને જે નિર્લજ્જ છે તેનો ત્યાગ કરવો. ૩૯

પોતે દોષવાન છતાં જે ઘરમાના દોષરહિત મનુષ્યોને કોપાવે છે, તે જાણે સાપવાળા ઘરમાં રહેતો હોય તેમ રાત્રે સુખે ઉંઘવા પામતો નથી. ૪૦

કોને રાજી રાખવો ?

હે ભારત ! જો મનુષ્યો ગુસ્સે થાય તો પોતાના યોગક્ષેમમાં અડચણ આવે છે, તે મનુષ્યોને દેવોની જેમ નિત્ય પ્રસન્ન રાખવા. જે ધનાદિ અર્થો, સ્ત્રી, પ્રમાદી, પતિત અને અનાર્યને હાથે ગયા હોય છે, તે સર્વ ભાગ્યે જ પાછા મળે છે. ૪૧-૪

૨હે રાજન્‌ ! જ્યાં સ્ત્રી, ધૂર્ત અથવા બાળકની સત્તા ચાલતી હોય, ત્યાંના લોકો નદીમાં પથ્થરની નાવમાં બેઠેલા પેઠે ડૂબી જાય છે. ૪૩

પંડિત

હે ભારત ! જેઓ મૂખ્ય કાર્યમાં જ પ્રવૃત્ત થાય છે અને વધારે ભાંજગડમાં પડતા નથી, તેઓને હું પંડિત માનું છું, કારણ કે ફોકટની પંચાયતમાં પડનાર તો કલેષકારી થઇ પડે છે. ૪૪

ધૂર્તો જેનાં વખાણ કરે છે, ચારણ જેના વખાણ કરે છે અને વેશ્યાઓ જેનાં વખાણ કરે છે, તે મનુષ્ય કદી જીવી શક્તો નથી. ૪૫

હે ભારત ! તમે મહા ધનુર્ધારી તથા અમાપ પરાક્રમી પાંડવોનો ત્યાગ કરીને, દુર્યોધનને મોટું ઐશ્વર્ય આપ્યું છે. પરંતુ ઐશ્વર્યના મદથી મૂઢ થયેલો બલિરાજા જેમ ત્રણ લોકના રાજ્યથી ભ્રષ્ટ થયો હતો, તેમ તમે પણ દુર્યોધનને થોડા સમયમાં રાજ્યથી ભ્રષ્ટ થયેલો જોશો. ૪૬-૪૭

ઇતિ શ્રીમહાભારતે ઉદ્યોગપર્વ અંતર્ગત પ્રજાગરપર્વમાં વિદુરનીતિવાક્યનો છઠ્ઠો અધ્યાયઃ ।।૬।।