૧૨ શ્રીકૃષ્ણ ભગવાને અઘાસુરનો કરેલો વધ.

Submitted by swaminarayanworld on Tue, 07/02/2012 - 10:38am

અધ્યાય ૧૨

શ્રીકૃષ્ણ ભગવાને અઘાસુરનો કરેલો વધ.

શુકદેવજી કહે છે- કોઇ દિવસે વનમાં જ જમવાના વિચારથી પ્રાતઃકાળમાં ઊઠી સુંદર શીંગડીના શબ્દથી પોતાના મિત્ર ગોવાળિયાઓને જગાડીને, વાછરડાંનું ટોળું આગળ કરી ભગવાન વ્રજમાંથી નીકળ્યા. ૧ સ્નેહી અને સારાં સારાં શીંકાં, છડીઓ, શીંગડી તથા વેણુઓને ધરનારા હજારો બાળકો અને હજારો પોતપોતાનાં વાછરડાંઓને આગળ કરી પ્રીતિથી ભગવાનની સાથે જ નીકળ્યા. ૨  શ્રીકૃષ્ણનાં અસંખ્યાત વાછરડાંની સાથે પોતાનાં વાછરડાંઓને ભેગાં કરી, તેઓને ચારતા એ બાળકો સ્થળે સ્થળે વિહાર કરતા હતા.૩ કાચ, ચણોઠી, મણિ અને સુવર્ણથી શણગારેલા હતા. તોપણ ફળ, પાંદડાં, ગુચ્છ, ફૂલ, મોરપીંછ અને ધાતુઓથી એ બાળકો પોતપોતાનાં શરીરને શણગારતા હતા. ૪  એક બીજાનાં શીંકાં આદિ પદાર્થોને ચોરતા હતા; અને જયારે વસ્તુના માલિકને ખબર પડે ત્યારે લેનારો તે વસ્તુને બીજાની પાસે ફેંકી દેતો હતો, બીજો ત્રીજાની પાસે, ત્રીજો ચોથાની પાસે ફેંકી દેતો હતો. અને પછી હસતાં હસતાં તે વસ્તુ તેના માલિકને પાછી આપી દેતા હતા. ૫  વનની શોભા જોવા સારુ ભગવાન દૂર ગયા હોય તો તેમને ‘‘હું પહેલાં સ્પર્શ કરીશ, હું પહેલાં સ્પર્શ કરીશ’’ એમ બોલી તેની તરફ દોડ લગાવતા હતા. અને શ્રીકૃષ્ણનોે સ્પર્શ કરીને આનંદ મગ્ન થઇ જતા હતા, કોઇ વેણુ વગાડતા હતા, કોઇ ભ્રમરોની સાથે ગાતા હતા, અને કોઇ કોયલની સાથે ટહુકો કરતા હતા. ૬-૭  પક્ષીઓના ઓછાયાની સાથે દોડતા, હંસોની ચાલની નકલ કરીને હંસોની સાથે સુંદર ગતિથી ચાલતા, બગલાઓની સાથે આંખો મીંચીને બેસતા, મોરની સાથે નાચતા, કેટલાક તો વૃક્ષોની શાખાઓ નીચે લટકતાં વાંદરાનાં પૂંછને ખેંચતા, પૂછડાં નહી મૂકતાં વાંદરાઓની સાથે ઝાડપર ચઢી જતા, વાંદરાઓની સાથે મોઢાં મરડતા, વૃક્ષોમાં ઠેકતા, દેડકાંઓની સાથે ઠેકડા દેતા, નદી તથા ઝરણાઓમાં નહાતા, પોતાના પડછાયાની હાંસી કરતા અને પડઘાઓને ગાળો દેતા હતા. ૮-૧૦ બ્રહ્માનંદના અનુભવથી પરમાત્માના દાસભાવને પામેલા એકાન્તિક સાધુ પુરુષોને સાક્ષાત્ પરબ્રહ્મરૂપે જણાતા, અને માયાથી મોહિત થયેલાઓને કેવળ બાળમનુષ્યરૂપે જણાતા એવા શ્રીકૃષ્ણ ભગવાનની સાથે પૂણ્યશાળી એવા ગોવાળિયાઓ વિહાર કરતા હતા. ૧૧   ઘણા જન્મોમાં કષ્ટ વેઠીવેઠીને મનને વશ કરનારા યોગીઓને પણ જેના ચરણની રજ મળતી નથી, તે જ પોતે ભગવાન પ્રત્યક્ષરૂપથી વ્રજવાસીઓની પાસે રહ્યા, માટે તેઓના ભાગ્યનું શું વર્ણન કરવું ? ૧૨  પછી ગોવાળો અને શ્રીકૃષ્ણ ભગવાનની સુખપૂર્વક ક્રીડાઓને નહીં સહન કરી શકતો એવો મોટો અઘાસુર આવ્યો કે જે અઘાસુરના મૃત્યુની વાટ અમૃત પીનાર છતાં પણ પોતાના જીવિતને ઇચ્છનારા દેવતાઓ પણ જોતા હતા. ૧૩  કંસે મોકલેલા તથા પૂતના અને બકાસુરના નાનાભાઇ અઘાસુરે શ્રીકૃષ્ણાદિક બાળકોને જોઇને વિચાર કર્યો કે આ કૃષ્ણ મારા બે સહોદરનો નાશ કરનાર છે, માટે તેના બદલામાં આ કૃષ્ણને તેના સૈન્યની સાથે હું મારીશ. ૧૪  આ છોકરાઓ જયારે મારા સહોદરોને તિલ અને જળરૂપ કરવામાં આવશે. અર્થાત્ શ્રીકૃષ્ણની સાથે આ બાળકોને મારીશ ત્યારે જ ભાઇ બહેનને અંજલી આપી ગણાશે અને ગોપબાળોનું મૃત્યુ થતાં વ્રજવાસીઓ મૃતપ્રાય બની જશે. સંતાનો એ જ પ્રાણીઓના પ્રાણ હોય છે. તેથી સંતાનોનું મૃત્યુ થતાં સર્વે વ્રજવાસીઓ પોતાની મેળે જ મૃત્યુ પામી જશે. ૧૫  આવો નિશ્ચય કરી, એ ખળ અઘાસુર સૌને ગળી જવાની આશાથી અજગરનું મોટું અદભૂતરૂપ ધરીને માર્ગમાં સૂતો. એ અજગર એક યોજન લાંબો હતો, મોટા પર્વત જેવો જાડો હતો, ગુફા જેવું મોઢું ફાડ્યું હતું, નીચલો હોઠ ધરતી પર હતો, ઉપલો હોઠ વાદળાંઓને અડી રહ્યો હતો, ગલોફાં ગુફા જેવાં હતાં, દાઢો પર્વતના શિખરો જેવી હતી, મોઢાની અંદરનો ભાગ અંધારા જેવો હતો, જીભ લાંબી સડક જેવી હતી, શ્વાસ કઠોર પવન જેવો હતો અને આંખો દાવાનળ જેવી હતી. ૧૬-૧૭  આવા અજગરને જોઇ, તેને ભૂલથી વૃન્દાવનની શોભા માનીને સઘળા બાળકો રમતાં રમતાં અજગર સર્પના ફાડેલા મોઢાની ઉત્પ્રેક્ષા કરવા લાગ્યાં કે ‘અહો ! મિત્રો ! આ આપણી સામે જે દેખાય છે તે કોઇ પ્રાણી જેવું દેખાય છે કે નહીં ? અને તેમાં આપણને ગળી જવા સારુ ફાડેલા અજગરના મોઢાં જેવું લાગે છે કે નહીં ? તે કહો.૧૮-૧૯  સાચેસાચ સૂરજના કિરણોથી રાતું વાદળું ઉપલા હોઠ જેવું લાગે છે તે જુઓ. તે વાદળાંની છાયાથી રાતો જણાતો આ કાંઠો નીચલા હોઠ જેવો લાગે છે. આ ડાબી અને જમણી પર્વતની બે ગુફાઓ ગલોફાં જેવી લાગે છે. આ ઊંચા શિખરની પંક્તિઓ અજગરની દાઢો જેવી જણાય છે.૨૦-૨૧ આ લાંબો અને પહોળો માર્ગ જીભ જેવો જણાય છે. અંદરનું આ અંધારું અજગરના મોઢાના મધ્યભાગ જેવું જણાય છે.૨૨ દાવાનળથી ગરમ આ કઠોર વાયુ શ્વાસ સરખો જણાય છે, દાવાનળથી બળી ગયેલાં પ્રાણીઓનો આ દુર્ગંધ અજગરે ખાધેલાં માંસના ગંધ જેવો જણાય છે. ૨૩  આમાં આપણે પેસીશું તો શું આપણને પણ ગળી જશે ? અને જો ગળી જશે તો બગલાની પેઠે આ કૃષ્ણના હાથથી તુરત નાશ પામશે. એમ બોલતા અને ભગવાનના સુંદર મુખની સામું જોતા એ બાળકો તાળીઓ પાડતા પાડતા ગયા. ૨૪  એને રાક્ષસ જાણતા અને સર્વ પ્રાણીઓના હૃદયમાં રહેલા ભગવાને આ પ્રમાણે અજાણ્યા બાળકોની પરસ્પર ભૂલથી થતી વાત સાંભળી, સાચાનું ખોટું ઠરે છે એમ વિચારી તે મિત્રોને અટકાવવાનું મન કર્યું, તેટલામાં તો તે વાછરડાં સહિત બાળકો અઘાસુરના પેટની અંદર પ્રવેશી ગયાં. તેઓ પેટની અંદર આવ્યા તો પણ, પોતાના બે સહોદરના મરણને સંભારતો અઘાસુર ભગવાનના પ્રવેશની વાટ જોતો હતો, તેથી તેણે એ વાછરડાં સહિત બાળકોને પચાવી દીધા નહીં. ૨૫-૨૬  સર્વને અભય આપનાર ભગવાન પોતાના હાથમાંથી નીકળી ગયેલાં અને જેઓનો બીજો કોઇ આશ્રય નથી એવાં દીન પ્રાણીઓને અઘાસુરના જઠરાગ્નિમાં ઘાસ થવાના જાણી, દયાથી યુક્ત થઇને અને દૈવના કર્તવ્યથી વિસ્મય પામીને વિચાર કરવા લાગ્યા કે હવે અહીં શું કરવું ? આ દુષ્ટ  અઘાસુર જીવે નહીં અને આ ભલા પ્રાણીઓ મરે નહીં એ બે વાત શી રીતે થાય ? એમ વિચાર કરી અને પછી તેના ઉપાયનો નિશ્ચય કરી, સર્વજ્ઞ ભગવાન અઘાસુરના મોઢામાં પેઠા. ૨૭-૨૮  એ સમયમાં વાદળાં આડા ઊભેલા દેવતાઓ ભયથી હાહાકાર કરવા લાગ્યા અને અઘાસુરના સંબંધી કંસાદિક રાક્ષસો રાજી થયા. ૨૯  એ હાહાકાર સાંભળી અવિનાશી શ્રીકૃષ્ણ ભગવાન જે અઘાસુર બાળકો સહિત વાછરડાંને ચૂર્ણ કરવા ઇચ્છતો હતો. તેના ગળામાં તરત વૃદ્ધિ પામ્યા. ૩૦  એમ થવાથી ગળું રોકાઇ જતાં આમ તેમ તરફડિયાં મારતા અને જેની આંખો ફાટી પડી છે, એવા અઘાસુરના દેહની અંદર બહુ જ રોકાએલો પવન તેનું બ્રહ્મરંધ્ર ફાડી નાખીને બહાર નીકળી ગયો. ૩૧  પવનની સાથે જ તેની  સર્વ ઇંદ્રિઓ પણ બહાર નીકળી ગઇ. પછી મરણ પામેલા ગોવાળિયા અને વાછરડાંઓને પોતાની અમૃત દૃષ્ટિથી જીવતાં કરી, તેઓની સાથે શ્રીકૃષ્ણ ભગવાન અઘાસુરના મોઢામાંથી બહાર આવ્યા. ૩૨   એ અજગરના પુષ્ટ દેહમાંથી નીકળેલું મહા અદભૂત અને પોતાના પ્રકાશથી દશે દિશાઓને પ્રજવલિત કરતું જે તેજ, ભગવાનના નીકળવાની રાહ જોઇને અકાશમાં રોકાઇ રહ્યું હતું. તે તેજ દેવતાઓ ના દેખતાં ભગવાનમાં પ્રવેશી ગયું. ૩૩  પછી બહુ જ રાજી થયેલા દેવતાઓ એ પુષ્પથી, અપ્સરાઓએ નૃત્યથી, સારું ગાનારાઓએ ગાયનથી, વાજાંવાળા વાજાંથી, બ્રાહ્મણો સ્તુતિઓથી અને પાર્ષદોએ જય જય શબ્દોથી ભગવાનની પૂજા કરી. ૩૪ એ અદભૂત સ્તોત્ર, સારાં વાજાં, ગાયન અને જયઘોષાદિકના અનેક ઉત્સવવાળા મંગળ શબ્દોને પોતાના ધામની અંદર સાંભળી તરત વૃન્દાવનમાં આવેલા બ્રહ્મા શ્રીકૃષ્ણનો મહિમા જોઇને વિસ્મય પામી ગયા.૩૫ હે રાજા ! વૃન્દાવનમાં સૂકાઇ ગયેલું એ અદભૂત અજગરનું ચામડું પણ ઘણા કાળ સુધી વ્રજવાસીઓને રમવાની  ગુફારૂપ થયું હતું. ૩૬  પોતાને મરણથી છોડાવ્યા અને અઘાસુરને સંસારથી છોડાવ્યો એ ચરિત્ર ભગવાને કુમાર અવસ્થામાં કર્યું. તે જોઇને વિસ્મય પામેલાં બાળકોએ, ભગવાનના છઠ્ઠા વર્ષમાં એટલે વચમાં એક વર્ષ વીતી ગયા પછી, આજ શ્રીકૃષ્ણે અઘાસુરને માર્યો. આ પ્રમાણે ગોકુળમાં કહ્યું. ૩૭  માયાથી મનુષ્યના બાળક થયેલા અને વાસ્તવ સ્વરૂપે સર્વના આદિકારણરૂપ પરમાત્મા શ્રીકૃષ્ણના સ્પર્શથી પાપ ધોવાઇ જતાં અઘાસુર પણ નીચ લોકોને ન જ મળે એવા ભગવાનના સામ્યપણાને પામ્યો, એ વાત આશ્ચર્યરૂપ સમજવી નહીં. ૩૮  કેમકે જેની કેવળ મનોમય ર્મૂતિને પ્રહ્લાદાદિક પુરુષોએ બળાત્કારથી મનમાં ધરી હતી તોપણ તેઓને મુક્તિ મળી છે, ત્યારે નિરંતર આત્મસુખના અનુભવથી માયાનો તિરસ્કાર કરનાર એ  ભગવાન પોતે જ અઘાસુરના શરીરમાં પેસતાં અઘાસુરને મુક્તિ મળે, એમાં તો નવાઇ જ શી ? ૩૯

સૂત શૌનકાદિકને કહે છે- હે બ્રાહ્મણો ! આ પ્રમાણે પોતાના રક્ષક ભગવાનનું વિચિત્ર ચરિત્ર સાંભળીને તેમાં જ જેનું ચિત્ત લાગી રહ્યું છે, એવા પરીક્ષિત રાજાએ વ્યાસના પુત્ર શુકદેવજીને પાછો તે સંબંધી જ પવિત્ર પ્રસંગ પૂછ્યો. ૪૦

પરીક્ષિત રાજા પુછે છે- હે મહારાજ ! ભગવાને કુમાર અવસ્થામાં જે ચરિત્ર કર્યું, તે ચરિત્ર બાળકોએ ભગવાનની પૌગંડ અવસ્થામાં કહ્યું, તો કુમાર અવસ્થામાં બનેલી ઘટના પૌગંડઅવસ્થામાં થવી શી રીતે સંભવે ? ૪૧  હે ગુરુ ! હે મોટા યોગી ! એ વિષય મારી પાસે કહો; કેમકે તે સાંભળવાનો મને મોટો ઉત્સાહ છે. ઘણું કરીને એ ભગવાનની જ માયા હોવી જોઇએ, એમાં સંશય નહીં. ૪૨  હે ગુરુ અમે બ્રાહ્મણાદિકની સેવા કરી ન હોવાથી માત્ર નામના જ ક્ષત્રિય છીએ. છતાં પણ આપની પાસેથી ભગવાનની પવિત્ર કથારૂપ અમૃત પીએ છીએ માટે ભાગ્યશાળી છીએ. ૪૩

સૂત કહે છે- હે મોટા વૈષ્ણવોમાં ઉત્તમ શૌનક મુનિ ! આ પ્રમાણે પરીક્ષિત રાજાએ પૂછીને ભગવાનનું સ્મરણ આપતાં પ્રથમ તો શુકદેવજીની સર્વ ઇંદ્રિયો ભગવાનમાં જ લીન થઇ ગઇ, પણ પછી માંડ માંડ બહિર્વૃત્તિ આવતાં શુકદેવજીએ તેમને ધીરજથી ઉત્તર આપવા માંડ્યો. ૪૪

ઇતિ શ્રીમદ્ મહાપુરાણ ભાગવતના દશમ સ્કંધનો બારમો અધ્યાય સંપૂર્ણ.