૧૦૪. શ્રીહરિ કહે, "તમે જે જે કહ્યું એ તો તે તે અવતારોએ કર્યું છે તેવું અમે તો કાંઇ કર્યું નથી તો અમન

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 4:42pm

રાગ સામેરી-

નાથ કહે સહુ સાંભળો, જેણે કરી કહ્યા ભગવાન ।

આ તને તે નવ કર્યું, અમથું કરો છો અનુમાન ।।૧।।

વેદ અમે વાળ્યા નથી, નથી શંખાસુર આદિ મારિયા ।

જેણે કરી ભગવાન જાણો, તે મત્સ્ય પ્રભુ મોયેર્થિયા ।।૨।।

પિઠ્ય ઉપર ગિરી ધરી, નથી મથીયો અમે મેરાણ ।

ચૌદ રત્ન લીધાં તેતો, કૂર્મ પ્રભુ પ્રમાણ ।।૩।।

હિરણ્યાક્ષ હણી પૃથવી, વાળી નથી આ વાર ।

જે પ્રાક્રમે પ્રભુ કહ્યા, એતો વરાહ અવતાર ।।૪।।

હિરણ્યકશિપુ મારીને, કરી જન પ્રહ્લાદની સાર ।

એહ પ્રતાપે પ્રભુ ખરા, તે તો નૃસિંહ અવતાર ।।૫।।

પંડ વધારી ભરી પૃથિવી, બળી છળીને લીધું રાજ ।

તેહ અમે કિધું નથી, એતો વામનજી મહારાજ ।।૬।।

તાતને હેતે હણ્યા ક્ષત્રિ, ફેરી ફરશિ એકવિશ વાર ।

તે પ્રતાપે પ્રભુ કહોતો, એતો પરશુરામ અવતાર ।।૭।।

ખર ડુખર ને કુંભકર્ણ, નથી માર્યો મેં રાવણ રાજ ।

એતો પ્રભુ રઘુનાથજી, બાંધી પાજ પત્ની કાજ ।।૮।।

કાળી નાથી કર ગિરિ ધરી, ઇંદ્રનું માન ઉખાડિયું ।

બ્રહ્માને મન ભંગ કરી, વિશ્વ માને મુખમાં દેખાડિયું ।।૯।।

અઘાસુર બકાસુર કેશી, વત્સ ધેનુકાસુર વૃષભ ।

વ્યોમાસુર ભૌમાસુર વળી, મુરદાનવ મધુકૈટભ ।।૧૦।।

કંસ ને વળી કાલયવન, શંખચૂડ ને શાલવ સહિ ।

બાણાસુર શિશુપાળ સરખા, જરાસંધ જેવા કહિ ।।૧૧।।

દંતવક્રાદિ દુષ્ટ દમ્યા, રમ્યા વ્રજયુવતિ સંગ ।

એહ પ્રાક્રમે કૃષ્ણ પ્રભુ, તેતો અમે ન કર્યાં અંગ ।।૧૨।।

જોઇ દુષ્ટ યજ્ઞ કરતા, મદ્ય ને માંસારી થયા ।

તેને મોહ પમાડી જીવ તાર્યા, તે પ્રભુ બુધ્ધજી કહ્યા ।।૧૩।।

પાખંડી બહુ પ્રકટી, સત્યધર્મ નાશ કરશે ।

જીવને શુધ્ધ બોધ દેવા, કલકિ તન ધરશે ।।૧૪।।

એહ આદિ અનંત દેહ, ધર્યા ધરણી ઉપરે ।

ખળબળ ખંડન કરી, તાર્યા જન બહુ એણિપેરે ।।૧૫।।

એમ અનેક અવતારમાં, બહુ બહુ કરીયાં કાજ ।

એહ માયલું અમમાં, કહો શું દીઠું તમે આજ ।।૧૬।।

એહ પ્રાક્રમે પ્રભુપણું, અમમાંહી એકે નથી ।

ન માનો તો જુવો નજરે, કહું તમને હું શું કથી ।।૧૭।।

એમ વાત કરી હરિ, સવેર્સંત સાંભળતાં ।

સુણી વચન વાલાતણાં, મુનિ મરકી બોલ્યા વળતાં ।।૧૮।।

નભ કહે હું નભ નહિ, કહે પવન હું નહિ પવન ।

તેજ કહે હું તેજ નહિ, એમ કહ્યું શ્રીભગવન ।।૧૯।।

જળ કહે હું જળ નહિ, ધરા કહે હું ધરા નહિ ।

સિંધુ કહે હું સિંધુ શાનો, તેમ પ્રભુ કહે હું પ્રભુ નહિ ।।૨૦।।

સૂર્ય કહે હું સૂર્ય શિયો, શશિ કહે હું શશિ નથી ।

એનો ઉત્તર એક ન મળે, જને વિચાર્યું મનથી ।।૨૧।।

એમ આવ્યું એ વાતમાં, સંતજને સમઝી લયું ।

આપણે તો આનંદ છે, પણ બીજાનું તો ઘર ગયું ।।૨૨।।

એવું સુણી સંત સવેર્ , લાગ્યા શિશ ડોલાવવા ।

કેવી વાત કરી હરિ, દુષ્ટ જન ભૂલાવવા ।।૨૩।।

હરિજન મન હરખિયાં, જોઇ જીવનની જુગતિ ।

આવી વાતે અન્ય જનનું, અવળું થાશે અતિ ।।૨૪।।

મસ્તજાતિ ભગવાનની, ઇચ્છા આવે તેમ ઓચરે ।

સંત સુણી સુખ પામે, અસંત ને અવળું કરે ।।૨૫।।

સંત સર્વે લીલા જાણી, ચિત્તમાં નિત્ય ચિંતવે ।

અસંત કહે આપણ જેવા, મનુષ્ય કરી મન લેખવે ।।૨૬।।

મનુષ્ય જાણી મોટા મોટા, ભ્રમિને ભૂલા પડ્યા ।

આપ બુદ્ધિએ અનુમાન કરી, થડ મુકી ડાળે ચડ્યા ।।૨૭।।

મનુષ્ય ચરિત્ર જોઇને, પારવતી નવ પ્રિછિયાં ।

રોતા દેખી શ્રીરામને, ભવાની ભૂલી ગયાં ।।૨૮।।

પનંગારી પાર્ષદ મોટો, નિત્ય રહે હરિને સંગે ।

નાગપાશે નાથ બાંધ્યા, દેખીને ભૂલ્યો અંગે ।।૨૯।।

બ્રહ્મા આવ્યા ભાળવા, ભૂલ્યા અન્ય આચારમાં ।

ચરિત્ર જોઇ મહારાજનાં, વિધિ પડ્યા વિચારમાં ।।૩૦।।

હર્યાં વત્સ વળી બાલકાં, પછી આવીને પેખીયું ।

બહુ વિધિએ વિલોક્યું, પણ અણુ ન્યૂન ન દેખિયું ।।૩૧।।

એવા એવાને એમ થયું, તો અવરનો શિયો આશરો ।

ચરિત્ર જોઇ ચળે નહિ, તેહ ભક્ત હરિનો ખરો ।।૩૨।।

નરતન ધરી નાથજી, કાંઇ કાંઇ હોયે કરતા ।

સુતા બેઠા જાગતા, ખાતા પીતા ઓચરતા ।।૩૩।।

જે જે ચરિત્ર કરે હરિ, તે જનનાં મન હરવા ।

લલિત લીળા લાલની, છે મુનિને ધ્યાન ધરવા ।।૩૪।।

એમ સમઝી સંત સર્વે, મોહ ન પામે મનમાં ।

જેમ જેમ લીલા જુવે, તેમ તેમ રહે મગનમાં ।।૩૫।।

જે જે વાત હરિએ કરી, તે સર્વે સંતે સાંભળી ।

પાડી ના પ્રભુપણાની, પણ સંતની મતિ નવ ચળી ।।૩૬।।

પછી સંત બોલિયા, મુનિ વિચારી મનથી ।

મત્સ્યાદિ દેહે કર્યાં પ્રાક્રમ, તેતો તમે કર્યાં નથી ।।૩૭।।

પણ જેવું જણાય છે અમને, તેવું કહેશું કરભામિને ।

સમઝી સમાગમ કર્યો છે, જાણી અંતરજામીને ।।૩૮।।

આગળ તમે જે ઓચર્યા, તેનું એમ જણાય છે આજ ।

નિરસંશય નિશ્ચય કરી, કહેશું કર જોડી મહારાજ ।।૩૯।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીહરિ મનુષ્યચરિત્ર કથન નામે એકસોને ચોથું પ્રકરણમ્ ।।૧૦૪।।