૭૦. ગઢપુર પધારી મહારાજે ગુજરાતના ભકતોની ભકિતને વખાણી, પછી તે બધાને સંતોવી હુતાશનીનો સમૈયો કરી રં

Submitted by swaminarayanworld on Wed, 06/07/2011 - 3:59pm

રાગ સામેરી-

પછી નાથ પધારીયા, ગયા તે ગઢડે ગામ ।

દર્શન દઇ દાસને, વળી કર્યાં પૂરણકામ ।।૧।।

જન મળી જીવનને, વળી લળી લાગ્યા પાય ।

નયણે નિરખી નાથને, હૈયે તે હરખ ન માય ।।૨।।

દાસ મળી મહારાજને, વળી પુછેછે બહુ વાલ્યમાં ।

કહો કૃપા કરી અમને, શી લીળા કરી વરતાલમાં ।।૩।।

કેટલાં મનુષ્ય મળ્યાં હતાં, કરતાં પૂજા કઇ પેર ।

કેમ તમને જમાડતાં, પધરાવી પોતાને ઘેર ।।૪।।

પછી પ્રભુજી બોલિયા, સહુ સાંભળજયો હરિજન ।

ભક્તિ જેવી ગુજરાતમાં, તેવી આજ નથી ત્રિભુવન ।।૫।।

રાત્ય દિવસ અમ પાસળે, વળી ઉભા રહે એક પગે ।

મૂર્તિ ન મેલે મિટથી, વળી મટકું ન ભરે દ્રગે ।।૬।।

ગાતાં ગુણ ગોવિંદના, વહી જાય સર્વે જામની ।

કાય નહિ કીર્તન કરતાં, ભાવિક બહુ નર ભામિની ।।૭।।

અતિ દુર્બળ કળ ન પાડે, ફળ ફુલ ખાઇ રહે ।

જયારે અમે જમ્યાનું કહીએ, ત્યારે જમ્યા છીએ એમ કહે ।।૮।।

એકએકથી અધિક અંગે, રંગ છે સતસંગનો ।

એવા જનને જોઇને, આનંદ ઉમંગે અંગનો ।।૯।।

ત્યારે હરિજન બોલિયા, એને નાથ આંહિ તેડાવીએ ।

એવા મોટા હરિજનની, ઓળખાણ્ય અમને પડાવીએ ।।૧૦।।

મહારાજ કહે કોઇ મિષ વિના, એ કેમ આંહી આવે વળી ।

હુતાસનીનો ઉત્સવ કરીએ, તો આવે સર્વે મળી ।।૧૧।।

ત્યારે હરિજન હરખિયા, સાંભળી વાલ્યમની વાતડી ।

નાથ ઉત્સવ આંહી કરો, તો ધન્યભાગ્ય ધન્ય ઘડી ।।૧૨।।

પછી ઠેરાવી ઠીક કર્યું, વળી સંત સર્વે બોલાવિયા ।

સર્વે દેશના સતસંગી, સંઘ લઇ સહુ આવિયા ।।૧૩।।

હતા હુતાશની આગળે, દિવસ દશવિશ વળી ।

સંત ને હરિભક્ત સર્વે, આવિયા ત્યારે મળી ।।૧૪।।

દર્શન કરી દયાળનું, સંત સુખ પામ્યા અતિ ।

પ્રસન્ન વદન કરી હરિ, બોલિયા પ્રાણપતિ ।।૧૫।।

અમે તેડાવ્યા તમને, તે પુન્યમ મોરે દન પાંચમે ।

વહેલા આવ્યા દિન વિશ આડે, તેનું વિચાર્યું નહિ તમે ।।૧૬।।

ભલું તમે ભલે આવ્યા, હવે રહો સહુ રાજી થઇ ।

યાંતો પુરૂં પાડશે પણ, બીજે આવું કરવું નહિ ।।૧૭।।

પછી કરી રસોઇ ચાલતી, પિરશે પોતે પંગત્યમાં ।

જમે જન મગન થઇ, આપે હરિ આરત્યમાં ।।૧૮।।

ભોજન કરી ભાત્ય ભાત્યનાં, વળી શાક પાક સોયામણાં ।

દુધ દહીં દિયે દોવટે, આદાં કેરીનાં આથણાં ।।૧૯।।

બેસે પુરા પાંચસે, પરમહંસની પંગતિ ।

જેમ જેમ ઝાઝું જમે, તેમ અલબેલો રાજી અતિ ।।૨૦।।

એક એકથી અધિક અધિક, રસોઇ રૂડી કરે ।

સુંદર પાક પંગત્યમાં, નિત્ય પ્રત્યે નવલા ફરે ।।૨૧।।

એમ જન જમાડતાં, વળી દિવસ વીશ વહિ ગયા ।

અભયકુંવર ઉત્તમે, તિયાં લગી સંત રાખિયા ।।૨૨।।

પછી આવી હુતાસની, રૂડા રંગ રમવા કરાવિયા ।

કેશુ કેશર કસુંબો વળી, પતંગ રંગ બનાવિયા ।।૨૩।।

હરિ વિરાજતા હતા હિંડોળે, ત્યાં સખા રંગ આવ્યા લઇ ।

નાખ્યો નાથને ઉપરે, પછી રમ્યાની છુટી થઇ ।।૨૪।।

રંગ સોરંગ લાવે સખા, નાખે નાથને બહુપેરે ।

અલબેલો થઇ આકળા, લાલ ચડ્યા લિંબ ઉપરે ।।૨૫।।

પછી જીવને કહ્યું જનને, આ રમવાની રીત્ય નહી ।

કરો તડાં તેવતેવડાં, તો અમે પણ રમીએ સહિ ।।૨૬।।

પછી બાંધી બે મંડળી, વળી શ્યામ સખા સજજ થયા ।

ચાલે બહુ પિચકારિયો, લાલ ઢાલ આડી દઇ રહ્યા ।।૨૭।।

પછી ફાંટુ માંડી ફેંકવા, ગુલાલની લાલે ઘણી ।

તેની ગગનમાં ગરદી ચડી, સોરંગ રંગ રાતાતણી ।।૨૮।।

કનકકંઠી કોટમાં, વળી રૂડી લાગે રમતાં ।

રસબસ થયા રસિયો, ઘણું સખાને મન ગમતા ।।૨૯।।

વાજે વાજાં બહુ વિધ્યનાં, ઢોલ દદામાં ત્રાંસાં તિયાં ।

સ્વર ઉચ્ચે સરણાઇ બોલે, રૂડાં રવાજ વળી કાંશિયાં ।।૩૦।।

સામસામા રમે રંગે, હારે નહિ હિંમત ઘણી ।

નિર્જર આવ્યા નિરખવા, રમત્ય જન જીવનતણી ।।૩૧।।

પછી પ્રભુજી બોલિયા, જીત્યા સવેર્જન તમે ।

મેલો પીચકારી પાણિથી, ફગવામાં મળશું અમે ।।૩૨।।

પછી જન રાજી થયા, જયજય શબ્દે બોલિયા ।

આજ પ્રભુને મળશું, તેણે તનમાં બહુ ફુલિયા ।।૩૪।।

પછી નાવા કાજે નાથજી, ચાલીયા ઘોડે ચડી ।

સખાસંગે શ્યામળો, રમ્યા રસિયો રંગેઝડી ।।૩૪।।

ખુબ ઘોડો ખેલવી, નાહ્યા પછી નાથજી ।

ગાતાવાતા ગામમાંહિ, આવ્યા સખા સાથજી ।।૩૫।।

રૂડી રૂપાળી કરી રસોયો, જુગતે જન જમાડિયા ।

સર્યા મનોરથ મનના, ત્યાં લગી રમાડિયા ।।૩૬।।

પછી નાથ બાથ ભરી, ભેટ્યા સવેર્જનને ।

સંત સવેર્મગન થયા, સ્પર્શી જગજીવનને ।।૩૭।।

અનુપમ ઉત્સવ કરી, ફરી શીખ આપી સંતને ।

સાધુ સવેર્ચાલિયા, રાખી રૂદે ભગવંતને ।।૩૮।।

અનુપમ ઉત્સવ કર્યો, ફાગણસુદી પુન્યમ દને ।

કરી લીલા ગઢડે, તે કરાવી હરિજને ।।૩૯।।

જયા લલિતા જન મોટાં, સતસંગમાં શિરોમણિ ।

પ્રીત્યે વાલ્યમ વશ કર્યા, એની કહીએ મોટ્યપ શું ઘણી ।।૪૦।।

ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદસ્વામિ શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે નારાયણચરિત્રે હુતાસનીનો ઉત્સવ કર્યો એ નામે સિત્તેરમું પ્રકરણમ્ ।।૭૦।।