ગઢડા મઘ્ય ૪૨ : સગુણપણું-નિર્ગુણપણું અક્ષરને વિષે છે – કુંચીનું

Submitted by Parth Patel on Wed, 16/02/2011 - 3:28am

ગઢડા મઘ્ય ૪૨ : સગુણપણું-નિર્ગુણપણું અક્ષરને વિષે છે – કુંચીનું

સંવત્ ૧૮૮૦ના માગશર વદિ ૧૨ દ્વાદશીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી ભગવદાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પ્રશ્ર્ન પુછયો જે, “હે મહારાજ ! ભગવાનના એક એક રોમને વિષે અનંત કોટિ બ્રહ્માંડ રહ્યાં છે તે કેવી રીતે રહ્યાં છે, અને બ્રહ્માંડમાં કયે કયે ઠેકાણે ભગવાનના અવતાર થાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “પુરૂષોત્તમ ભગવાનનું જે અક્ષરધામ તેના બે ભેદ છે. એક સગુણપણું ને બીજું નિર્ગુણપણું અને પુરૂષોત્તમનારાયણ છે તેને તો સગુણ ન કહેવાય. ને નિર્ગુણ પણ ન કહેવાય. અને સગુણ નિર્ગુણ ભેદ તો અક્ષરને વિષે છે. તે અક્ષર નિર્ગુણપણે તો અણુ થકી પણ અતિ સૂક્ષ્મસ્‍વરૂપે છે અને સગુણ સ્‍વરૂપે તો જેટલું મોટું પદાર્થ કહેવાય તે થકી પણ અતિશય મોટું છે. તે અક્ષરના એક એક રોમને વિષે અણુની પેઠે અનંત કોટિ બ્રહ્માંડ રહ્યાં છે, તે કાંઇ બ્રહ્માંડ અક્ષરને વિષે નાનાં થઇ જતાં નથી. એ તો અષ્‍ટાવરણે સહવર્તમાન હોય પણ અક્ષરની અતિશે મોટપ છે તેની આગળ બ્રહ્માંડ અતિશે નાનાં દેખાય છે. જેમ ગિરનાર પર્વત છે. તે મેરૂ આગળ અતિશે નાનો દેખાય અને લોકાલોક પર્વતની આગળ મેરૂ પર્વત અતિશે નાનો દેખાય, તેમ બ્રહ્માંડ તો આવડાં ને આવડાં હોય પણ અક્ષરની અતિશે મોટપ છે તેની આગળ અતિ નાનાં દેખાય છે, માટે અણુ સરખાં કહેવાય છે. અને અક્ષરબ્રહ્મ તો જેમ સૂર્યનું મંડળ છે તેમ છે,  તે સૂર્ય જ્યારે માથે આવે ત્‍યારે સૂર્યને યોગે કરીને દશે દિશાઓ કલ્‍પાય છે. તેમ અક્ષરધામ છે. અને  તે અક્ષરને ઉપર, હેઠે ને ચારે પડખે સર્વ દિશામાં બ્રહ્માંડની કોટિઓ છે. અને ભગવાન જે પુરૂષોત્તમ તે તો અક્ષરધામને વિષે સદાય વિરાજમાન રહે છે ને તે સત્‍યસંકલ્‍પ છે, અને અક્ષરધામને વિષે રહ્યા થકાજ જે બ્રહ્માંડમાં જે જે રૂપ પ્રકાશ્‍યાં જોઇએ તેવા તેવા રૂપને પ્રકાશ કરે છે. જેમ એ શ્રીકૃષ્ણ ભગવાને રાસક્રીડા કરી ત્‍યારે પોતે એક હતા, તે જેટલી ગોપાંગનાઓ હતી તેટલા રૂપે થયા, તેમ પુરૂષોત્તમ ભગવાન બ્રહ્માંડ બ્રહ્માંડ પ્રત્‍યે જ્યાં જેવું રૂપ પ્રકાશ્‍યું જોઇએ ત્‍યાં તેવા રૂપને અક્ષરધામમાં રહ્યા થકા પ્રકાશે છે, અને પોતે તો સદાય અક્ષરધામમાં રહે છે. અને જ્યાં પુરૂષોત્તમની મૂર્તિ છે, ત્‍યાંજ અક્ષરધામનું મઘ્‍ય છે.” ઇતિ વચનામૃતમ્ ગઢડા મઘ્યનું  ||૪૨|| ૧૭૫ ||