ગઢડા મઘ્ય ૧૨ : રાજનીતિનું

Submitted by Parth Patel on Wed, 16/02/2011 - 2:34am

ગઢડા મઘ્ય ૧૨ : રાજનીતિનું

સંવત્ ૧૮૭૮ ના શ્રાવણ વદિ ૬ છઠ્ઠને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં આથમણે બારણે ઓરડાની ઓસરીએ શ્રીવાસુદેવનારાયણના મંદિરની આગળ વિરાજમાન હતા. અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “એક વાર્તા કરીએ છીએ તે સર્વે સાંભળો અને આ જે વાર્તા કરીશું તેમાં એકજ સાધન કલ્‍યાણને અર્થે કહીશું. તે એકને વિષે સર્વે સાધન આવી જાય એવું એક બળવાન કલ્‍યાણનું સાધન છે તે કહીએ છીએ જે, દેહને વિષે જે જીવ છે તે એમ જાણે છે જે, ‘કામ-ક્રોધાદિક ભૂંડી પ્રકૃતિઓ છે તે મારા જીવ સાથે જડાણી છે.’ એવી રીતે કામાદિક જે જે પ્રકૃતિ જેને વિષે મુખ્‍ય હોય તે પ્રકૃતિને યોગે કરીને પોતાના જીવને કામી, ક્રોધી, લોભી ઇત્‍યાદિક કુલક્ષણે યુક્ત માને છે. પણ જીવને વિષે તો એ એકે કુલક્ષણ છે નહિ.  એતો જીવે મૂર્ખાઇએ કરીને પોતાને વિષે માની લીધાં છે. માટે જેને પરમપદ પામવા ઇચ્‍છવું તેને કાંઇક પોતાને વિષે પુરૂષાતન રાખવું પણ છેક નાદાર થઇને બેસવું નહિ અને એમ વિચાર કરવો જે,”જેમ આ દેહમાં ચાર અંત:કરણ છે,દશ ઇન્‍દ્રિયો છે, પંચ પ્રાણ છે, તેમ હું જીવાત્‍મા છું.” તે પણ આ દેહને વિષે છું, તે સર્વ થકી અધિક છું, ને એ સર્વનો નિયંતા છું, પણ એમ ન માનવું જે,’હું તો તુચ્‍છ છું ને અંત:કરણ, ઇન્‍દ્રિયો તો બળવાન છે.’ જેમ કોઇક રાજા હોય ને તે બુદ્ધિહીન હોય પછી એનાં ઘરનાં મનુષ્ય હોય તે પણ તેનું વચન માને નહિ. પછી એ વાર્તાની જ્યારે ગામનાં મનુષ્યને ખબર પડે ત્‍યારે ગામમાં પણ કોઇ હુકમ માને નહિ. પછી દેશનાં મનુષ્ય એ વાત સાંભળે ત્‍યારે દેશનાં મનુષ્ય પણ કોઇ એનો હુકમ માને નહિ. પછી તે રાજા ગ્‍લાનિ પામીને અસમર્થ થઇને બેસી રહે અને કોઈ ઉપર હુકમ ચલાવે નહિ. તેમ રાજાને ઠેકાણે જીવ છે, અને ઘરનાં મનુષ્યને ઠેકાણે અંત:કરણ છે, ને ગામનાં ને દેશનાં મનુષ્યને ઠેકાણે ઇન્‍દ્રિયો છે. તે જ્યારે એ જીવ નાદાર થઈને બેસે ને પછી અંત:કરણ ઉપર હુકમ કરીને પરમેશ્વર સન્‍મુખ રાખવાને ઈચ્‍છે ત્‍યારે અંત:કરણ એનું કહ્યું કરે નહિ અને ઇન્‍દ્રિયોને વશ રાખવા ઇચ્‍છે, તો ઇન્‍દ્રિયો પણ વશ રહે નહિ. પછી એ જીવ કાયાનગરને વિષે રાજા છે, તો પણ તે રાંકની પેઠે ઓશિયાળો થઈ રહે છે. અને જ્યારે રાજા નાદાર થાય ત્‍યારે તેના નગરને વિષે મનુષ્ય હોય તે સાંઢ થઈને બેસે છે, ને રાજાનું લેશમાત્ર ચાલવા દે નહિ. તેમ આ જીવના કાયાનગરને વિષે પણ જે કામાદિક રાજા નથી, તે રાજા થઇને બેસે છે અને એ જીવનું લેશમાત્ર ચાલવા દેતા નથી. માટે જેને કલ્‍યાણને ઇચ્‍છવું તેને એવું નાદારપણું રાખવું નહિ, ને જે પ્રકારે પોતાનાં ઇન્‍દ્રિયો ને અંત:કરણ તે સર્વે પોતાના હુકમમાં વર્તે એવો ઉપાય કરવો. જેમ રાજા હોય તે રાજનીતિના ગ્રંથ ભણીને પોતાના રાજ્યમાં પોતાનો હુકમ ચલાવે, પણ રૈયતનો દબાવ્‍યો દબાય નહિ. અને જો રાજનીતિ ન જાણતો હોય તોતે વસ્‍તી હુકમ ન માને, તેને મારવા જ માંડે પછી પોતાનો દેશ હોય તે ઉજ્જડ થઇ જાય અને કાંતો કોઇ હુકમ જ માને નહિ, તેણે કરીને પોતે દુ:ખિયો થકો વર્તે, એવી રીતે રાજનીતિ જાણ્‍યા વિના બે વાતે બગાડ થાય છે. તેમ જીવ પણ રાજનીતિને જાણ્‍યા વિના કાયાનગરમાં હુકમ કરવા જાય તો એમાંથી સુખ થાય નહિ.”

પછી મુકતાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પુછયું જે, “કલ્‍યાણને ઇચ્‍છે તેને કેમ રાજનીતિ ભણવી ?” ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “રાજનીતિ એમ ભણવી જે, પ્રથમ તો ભગવાનનું માહાત્‍મ્‍ય સારી પેઠે જાણવું. પછી ભગવાનની મૂર્તિનું ઘ્‍યાન કરીને મનને વશ કરવું, ને ભગવાનની કથા સાંભળીને શ્રોત્રને વશ કરવા, પણ ગ્રામ્‍યવાર્તા હોય તે સાંભળવા દેવી નહિ. તેમજ ત્‍વચા તે ભગવાન ને ભગવાનના જન તેનો જ સ્‍પર્શ કરે, અને નેત્ર તે પરમેશ્વર ને તેના દાસ તેનું જ દર્શન કરે. અને જે રસના તે અખંડ ભગવદ્ગુણને જ ગાય ને, ભગવાનનો પ્રસાદ હોય તેનો જ સ્વાદ લે અને નાસિકા તે ભગવાનનાં પ્રસાદિ જે પુષ્પાદિક તેનો જ સુગંધ લે, પણ કુમાર્ગે કોઇ ઇન્‍દ્રિયને ચાલવા દે નહિ. એવી રીતે જે વર્તે તેનો દેહરૂપી નગરને વિષે હુકમ કોઇ ફેરવે નહિ. અને એવી રીતે પુરૂષ પ્રયત્‍ને યુક્ત જે વર્તે ને નાદારપણાનો સારી પેઠે ત્‍યાગ કરે, એજ કલ્‍યાણને માર્ગે ચાલ્‍યો તેને સ્‍વભાવ જીત્‍યાનો અતિશય મોટો ઉપાય છે. અને એ પુરૂષપ્રયત્‍નરૂપ જે ઉપાય છે તેને સાવધાન થઇને કરે તો જેટલાં કલ્‍યાણને અર્થે સાધન છે તે સર્વે પુરૂષપ્રયત્‍ન રૂપી સાધનને વિષે આવે છે. માટે પુરૂષપ્રયત્‍ન છે તે જ કલ્‍યાણને અર્થે સર્વે સાધન થકી મોટું સાધન છે.” ઇતિ વચનામૃતમ્ ગઢડા મઘ્યનું  ||૧૨|| ||૧૪૫||