લોયા ૧૮ : નિશ્વયનું

Submitted by Parth Patel on Wed, 16/02/2011 - 1:18am

લોયા ૧૮ : નિશ્વયનું

સંવત્ ૧૮૭૭ ના પોષ સુદિ ૧ પડવાને દિવસ રાત્રિને સમે સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ ગામ શ્રીલોયા મઘ્‍યે સુરા ભક્તના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને માથે ધોળો ફેંટો બાંઘ્‍યો હતો ને બીજે ધોળે ફેંટે કરીને બોકાની વાળી હતી તથા ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી તથા ચોફાળે સહિત રજાઇ ઓઢી હતી તથા ધોળો ખેસ પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. તે સમયમાં સંઘ્‍યા આરતી તથા સ્‍તુતિ પરમહંસ કરી રહ્યા પછી શ્રીજીમહારાજે કહ્યું જે, ”કીર્તન ગાઓ.” પછી વાજીંત્ર વજાડીને મુકતાનંદ સ્વામી આદિક પરમહંસે કીર્તન ગાયાં.

પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”હવે કીર્તન રાખો, હવે તો અમે વાર્તા કરીશું, અને અમે આ વાત કરીએ તેમાં જેને આશંકા ઉપજે તે પુછજ્યો.” એમ કહીને બોલ્‍યા જે, ”ભગવાનનો નિશ્વય થવો તે સૌથી મહા કઠણ છે. તે નિશ્વયની વાર્તા અતિ અટપટી છે માટે કહેતાં બીક લાગે છે જે, ‘શું જાણીએ વાત કરીએ ને તેમાંથી કોઇને અવળું પડે ? ને તેણે જે પોતાના અંગની દૃઢતા કરી હોય તે અંગ આ વાતે કરીને ત્રુટી જાય તો તે મૂળગેથી જાય,’ અને એ વાત કર્યા વિના પણ ચાલતું નથી. અને એ વાત જો સમજતાં ન આવડે તો દુષણ પણ ધણાં આવે, અને આ વાત સમજે નહિ ત્‍યાં લગણ તેના નિશ્વયમાં પણ કાચ્‍યપ ઘણી રહે છે. તે સારૂં વાત કરીએ છીએ જે, ભગવાને વરાહનો દેહ ધાર્યો તે ભૂંડનું રૂપ તે અતિ કુરૂપ કહેવાય, તથા મત્‍સ્‍ય અવતાર ધાર્યો ત્‍યારે માછલા જેવું જ રૂપ હતું, તથા કચ્‍છાવતાર ધાર્યો ત્‍યારે બીજા કાચબા જેવું જ રૂપ હતું, તથા નૃસિંહાવતાર ધાર્યો ત્‍યારે વાધના જેવું ભયાનક રૂપ હતું. તથા વામનાવતાર ધાર્યો ત્‍યારે તે વામનરૂપના હાથપગ ટુંકા ને કેડ ધીંગી, ને શરીર ધીંગુ એવા ટુકડા હતા, તથા વ્‍યાસાવતાર ધાર્યો ત્‍યારે તે વ્‍યાસ કાળા હતા ને શરીરમાં મુવાળા ઘણા હતા ને શરીર ગંધાતું હતું, ઇત્‍યાદિક જે ભગવાને આકૃતિયો ધારણ કરી હતી, ત્‍યારે તેને તે કાળે જે જે મળ્‍યા તેમણે તેવા રૂપનું ઘ્‍યાન કર્યું છે. અને તે ઘ્‍યાને કરીને તે તે ભગવાનના રૂપને પામ્‍યા છે. તેમાં જે વરાહને મળ્‍યા તે શું ધામને વિષે ભગવાનને વરાહરૂપ જ દેખે છે ? અને મત્‍સ્‍યને મળ્‍યા તે શું ધામને વિષે મત્‍સ્‍યરૂપ જ દેખે છે ? અને કૂર્મને મળ્‍યા તે શું ધામને વિષે કૂર્મરૂપ જ દેખે છે ? અને નૃસિંહને મળ્‍યા તે શું ધામને વિષે નૃસિંહરૂપ જ દેખે છે ? અને હયગ્રીવને મળ્‍યા તે શું ધામને વિષે ઘોડારૂપ જ દેખે છે ? અને જેણે વરાહને પતિભાવે ભજ્યા તે શું ભૂંડણ થઇ, ને સખાભાવે ભજ્યા તે શું ભૂંડ થયો ? અને મત્‍સ્‍યને પતિભાવે ભજ્યા તે શું માછલી થઇ, ને સખાભાવે ભજ્યા તે શું માછલો થયો ? અને કૂર્મને પતિભાવે ભજ્યા તે શું કાચબી થઇ, ને સખાભાવે ભજ્યા તે શું કાચબો થયો ? અને નૃસિંહને પતિભાવે ભજ્યા તે શું સિંહણ થઇ, ને સખાભાવે ભજ્યા તે શું સિંહ થયો ? અને હયગ્રીવને પતિભાવે ભજ્યા તે શું ઘોડી થઇ, ને સખાભાવે ભજ્યા તે શું ઘોડો થયો ? માટે જો ભગવાનનું મૂળરૂપ વરાહાદિક જેવું જ હોય તો તો તે તે અવતારના ભકતોને તેના ઘ્‍યાને કરીને તદાકારપણું થાય. ત્‍યારે તો કહ્યું તેમ જ થયું જોઇએ. પણ એ વાત એમ નથી.

ત્‍યારે તમે કહેશો જે, ‘તે ભગવાનનું કેવું રૂપ છે ? તો કહીએ છીએ જે, ભગવાન તો સચ્‍ચિદાનંદરૂપ છે, ને તેજોમય મૂર્તિ છે, અને જેના એક એક રોમને વિષે કોટિ કોટિ સૂર્ય જેવો પ્રકાશ છે, ને કોટિ કામદેવને પણ લજ્જા પમાડે એવા તે ભગવાન રૂપાળા છે, અને અનંતકોટિ બ્રહ્માંડના પતિ છે, રાજાધિરાજ છે, સર્વના નિયંતા છે, સર્વના અંતર્યામી છે, અને અતિશય સુખરૂપ છે. અને જેના સુખની આગળ અનંત રૂપવાન સ્‍ત્રીયોને જોયાનું જે સુખ તે તુચ્‍છ થઇ જાય છે, અને આલોક પરલોક સંબંધી જે પંચવિષયનાં સુખ તે ભગવાનની મૂર્તિના સુખ આગળ તુચ્‍છ થઇ જાય છે, એવું ભગવાનનું સ્‍વરૂપ છે, તે સ્‍વરૂપ સદા દ્વિભુજ જ છે, ને પોતાની ઇચ્‍છાએ કરીને કયારેક ચતુર્ભુજ પણ જણાય છે, અષ્‍ટભુજ પણ જણાય છે, અને સહસ્રભુજ પણ દેખાય છે. અને તેજ ભગવાન મત્‍સ્‍ય, કચ્‍છ, વરાહાદિક રૂપને તથા રામકૃષ્ણાદિક રૂપને કોઇક કાર્યને અર્થે ધારણ કરે છે, પણ જે એ પોતાનું મૂળ રૂપ છે તેને તજીને એ અવતારનું ધારણ નથી કરતા, તેજ ભગવાન પોતે અનંત ઐશ્વર્ય ને અનંત શકિત સહિત જે મત્‍સ્‍યકચ્‍છાદિક રૂપને ધારણ કરે છે. અને જે કાર્ય નિમિત્ત જે દેહનું ધારણ કર્યું હોય, તે કાર્ય થઇ રહે છે ત્‍યારે તે દેહનો ત્‍યાગ પણ કરે છે. તે ભાગવતમાં કહ્યું છે-

“ભૂભાર:ક્ષપિતો યેન તાં તનૂ વિજહાવજ: | કંટકં કંટકેનૈવ દ્વયં ચાપીશિતુ: સમમ્ ||”

જે જે દેહે કરીને ભગવાને પૃથ્‍વીનો ભાર ઉતાર્યો તથા જીવોને દેહાભિમાનરૂપી જે ચૈતન્‍યમાં કાંટો ખુંચી રહ્યો હતો તેને કાઢીને ને કાઢવાના કાંટારૂપ જે પોતાનો દેહ તેને પણ ત્‍યાગ કર્યો. અને રાક્ષસને મારવાને અર્થે ભગવાને નૃસિંહરૂપ ધાર્યું, ને પછી તે કાર્યને કરીને પછી તે દેહનો ત્‍યાગ કરવાને ઇચ્‍છયા પણ તે સિંહને કોણ મારે ? પછી પોતાની ઇચ્‍છાએ કરીને કાળરૂપ શિવ તે શરભનું રૂપ ધારીને આવ્‍યા ને નૃસિંહને ને શરભને યુદ્ધ થયું. પછી બેય જણે દેહ મૂકયો તેણે કરીને શિવ શરભેશ્વર મહાદેવ થયા અને નૃસિંહજીએ દેહ મૂકયો તે નારસિંહી શિલા થઇ; માટે ચિત્રામણમાં જ્યાં જ્યાં મત્‍સ્‍યકૂર્માદિક ભગવાનના અવતારનાં ચિત્રામણ કરે છે ત્‍યાં ત્‍યાં થોડોક મત્‍સ્‍ય, કચ્‍છાદિકનો આકાર કરીને પછી તે ઉપર શંખ, ચક્ર, ગદા, પદ્મ, વૈજયંતી માળા, પીતાંબર વસ્ત્ર, કીરીટ-મુકુટ, શ્રીવત્‍સનું ચિહ્ન, ઇત્‍યાદિક ચિહ્ને સહિત ભગવાનની મૂર્તિને લેખે છે, તો જો ભગવાનનું રૂપ અનાદિ એવું જ છે. અને શ્રીકૃષ્ણ ભગવાને પ્રથમ જન્‍મસમયમાં વસુદેવ દેવકીને ચતુર્ભુજરૂપે દર્શન દીધું, અને અક્રુરને ચતુર્ભુજરૂપે દર્શન જળને વિષે દીધું તથા રૂકિમણીને મૂર્છા આવી ત્‍યારે પણ ચતુર્ભુજરૂપે દર્શન દીધું, અને અર્જુને પણ એમ કહ્યું જે,

“તેનૈવ રુપેણ ચતુર્ભૂજેન સહસ્ત્રબાહો ભવ વિશ્વમૂર્તેઃ! |”

માટે અર્જુન પણ ચતુર્ભુજરૂપે દેખતા અને યાદવાસ્‍થળી કરીને પીંપળાની હેઠે શ્રીકૃષ્ણભગવાન બેઠા હતા તે સમયમાં ઉદ્ધવજીએ તથા મૈત્રેયઋષિએ ભગવાનનું રૂપ ચતુર્ભુજ, શંખ, ચક્ર, ગદા, પદ્મ, પીતાંબર સહિત દીઠું અને શ્રીકૃષ્ણભગવાન તો શ્‍યામ હતા, ને તેનું રૂપ તો કોટિ કામને લજ્જા પમાડે એવું કહ્યું છે, માટે એવા મનુષ્ય જેવા જણાય છે તેને વિષેજ પૂર્વે કહ્યો એવો પ્રકાશ ને સુખ તે સર્વે રહ્યાં છે. તે જેને ઘ્‍યાન-ધારણા, સમાધિનું અંગ હોય તેને એની એ મૂર્તિ છે તેજ કોટિ કોટિ સૂર્યના પ્રકાશેયુક્ત દેખાય છે, પણ મશાલ દીવાનું કામ પડતું નથી. અને એવો પ્રકાશ એ ભગવાનને વિષે છે, ને તે નથી દેખાતો તે તો એ ભગવાનની એવી ઇચ્‍છા છે, અને એ ભગવાન ઇચ્‍છે જે, ‘એવો પ્રકાશવાન હું આ ભક્તને દેખાઉ, તોતે પ્રકાશેયુક્ત એવી એજ મૂર્તિને દેખે છે. માટે જેને ભગવાનનો નિશ્વય હોય, તે તો એમ સમજે જે, ‘ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, બ્રહ્મપુર એ ધામનાં જે ઐશ્વર્ય, સમૃદ્ધિ તથા પાર્ષદ, તેણે સહિત એ ભગવાન છે. અને એમની સેવાના કરતલ તો રાધિકા લક્ષ્મી આદિક છે. એવા પરમભાવે સહિત ભગવાનને દેખે છે. અને જે મૂઢ છે તે માણસ જેવા દેખે છે. તે શ્રીકૃષ્ણભગવાને ગીતામાં કહ્યું છે-

“અવજાનન્‍ત્‍િા માં મૂઢા માનુષીં તનુમાશ્રિતમ્ | પરં ભાવમજાનન્‍તો મમ ભૂતમહેશ્વરમ્ ||”

માટે જે મૂઢ છે તે ભગવાનના એવા પરમભાવને જાણ્‍યા વિના ભગવાનને વિષે પોતાના જેવા મનુષ્યભાવને પરઠે છે. તે મનુષ્યભાવ તે શું ? તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્‍સર, આશા, તૃષ્ણા, ઇત્‍યાદિક અંત:કરણના ભાવ છે. તથા હાડ, ચામ, મળ, મૂત્રાદિક, તથા જન્‍મ, મરણ, બાળ, યૌવન, વૃદ્ધ એ સર્વે દેહના ભાવ છે ઇત્‍યાદિક જે મનુષ્યભાવ, તે સર્વે ભાવને ભગવાનને વિષે પરઠે છે. માટે એવા ભાવનો પરઠનારો જે હોય તેને ભગવાનના નિશ્વય જેવું જણાય છે. તો પણ તેનો નિશ્વય કાચો છે, અને એ જરૂર સત્‍સંગમાંથી પડશે. અને એ ભગવાન તો પરમ દિવ્‍યમૂર્તિ છે, ને ભગવાનને વિષે તો એ મનુષ્યભાવનો લેશ નથી. માટે એ ભગવાનમાંથી મનુષ્યભાવને ટાળીને દેવભાવ લાવવો, પછી બ્રહ્માદિકનો ભાવ લાવવો, પછી પ્રધાનપુરૂષનો ભાવ આવે, પછી અક્ષરનો ભાવ આવે, પછી અક્ષરાતીત એવા પુરૂષોત્તમ તેનો ભાવ આવે છે. જેમ વ્રજના ગોપને આશ્વર્યરૂપ શ્રીકૃષ્ણભગવાનનાં ચરિત્ર દેખીને પ્રથમ તો દેવભાવ આવ્‍યો, પછી ગગર્ાચાર્યનાં વચનને સાંભળીને નારાયણનો ભાવ આવ્‍યો, પછી એમ કહ્યું જે, ‘તમે તો નારાયણ છો માટે અમને તમારૂં ધામ દેખાડો,’ ત્‍યારે અક્ષરધામ દેખાડયું. એવી રીતે ભગવાનને વિષે જેને દિવ્‍યભાવ છે તેને પુરો નિશ્વય જાણવો. અને એમ કહે છે જે, ‘આને પ્રથમ ભગવાનનો નિશ્વય નહોતો ને હવે થયો’ તે શું એ પ્રથમ ભગવાનને નહોતો દેખતો ? દેખતો તો હતો પણ મનુષ્યભાવે સહિત દેખતો હતો. અને પછી જ્યારે નિશ્વય થયો ત્‍યારે દિવ્‍યભાવે સહિત દર્શન કર્યું ત્‍યારે એને નિશ્વય થયો જાણવો. અને જ્યારે ભગવાનને વિષે એવો દિવ્‍યભાવ ન સમજે ત્‍યારે એને વાતે-વાતે ધોખો થાય ને ગુણ અવગુણ લીધા કરે છે જે, ‘આનીકોરનો પક્ષ રાખે છે ને અમારો પક્ષ રાખતા નથી તથા આને વધુ બોલાવે છે ને અમને નથી બોલાવતા અને આને ઉપર વધુ હેત છે ને અમારી ઉપર નથી.’ એવી રીતે ગુણ અવગુણ પરઠયા કરે છે તેણે કરીને એનું અંતર દિવસે દિવસે પાછું પડીને અંતે તે વિમુખ થાય છે. માટે ભગવાનને વિષે તો મનુષ્યભાવ ન જ પરઠવો, અને ભગવાનના ભક્તને વિષે પણ મનુષ્યભાવ ન પરઠવો, કાં જે, દેહે કરીને તો ભગવાનના ભક્તમાં કોઇક આંધળો હોય, લુલો હોય, કોઢિયો હોય, બહેરો હોય, વૃદ્ધ હોય, કુરૂપ હોય, અને તે જ્યારે દેહ મુકે છે ત્‍યારે શું ભગવાનના ધામમાં એવા આંધળા લુલા જ રહે છે ? નથી રહેતા, એ તો સર્વ મનુષ્યપણાના ભાવ છે તેને મુકીને દિવ્‍યરૂપ થાય છે, બ્રહ્મરૂપ થાય છે. માટે હરિના ભક્તને વિષે મનુષ્ય ભાવ ન પરઠાય તો પરમેશ્વરને વિષે કેમ પરઠાય ? અને આ જે વાત છે તે સુઝે તો આજ સમજો તો એટલી સમજવી છે અને સુઝે તો સો વર્ષ કરીને સમજો તો પણ એટલી સમજવી છે. અને આ વાત સમજીને એની દૃઢતાની ગાંઠ પાડયા વિના છુટકો નથી. માટે આ અમારી વાત છે તે સર્વે હરિભક્તને યાદ રાખીને પરસ્‍પર કરવી. અને જ્યારે કોઇને અણસમજણે કરીને ધોખો થાય ત્‍યારે તેને આવાતે કરીને ચેતાવી દેવો. અને આ જે અમારી વાર્તા છે તેને નિત્‍ય પ્રત્‍યે દિવસમાં એકવાર કરવી, એમ અમારી આજ્ઞા છે તેને ભુલશોમાં, જરૂર ભુલશોમાં.” એમ કહીને શ્રીજીમહારાજ સર્વે હરિભક્તને ‘જય શ્રીસ્વામિનારાયણ’ કહીને હસ્‍તા થકા પોતાને ઉતારે પધાર્યા. એવી રીતે શ્રીજી મહારાજની વાર્તા સાંભળીને સર્વ સાધુ તથા સર્વે હરિભક્ત તે શ્રીજીમહારાજને સર્વે અવતારના કારણ અવતારી જાણીને દિવ્‍ય ભાવની અતિશય દૃઢતા કરતા હવા. ઇતિ વચનામૃતમ્ લોયાનું ||૧૮||૧૨૬||