ગઢડા પ્રથમ – ૬૮ : અષ્‍ટ પ્રકારની પ્રતિમામાં અને સંતમાં અખંડ રહ્યાનું

Submitted by swaminarayanworld on Thu, 20/01/2011 - 9:57pm

ગઢડા પ્રથમ – ૬૮ : અષ્‍ટ પ્રકારની પ્રતિમામાં અને સંતમાં અખંડ રહ્યાનું

સંવત્ ૧૮૭૬ ના ચૈત્ર શુદિ ૯ નવમીને દિવસ સ્‍વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની આગળ લીંબડાના વૃક્ષ હેઠે ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળું હીરકોરનું ધોતિયું બાંઘ્‍યું હતું અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, અમે એક પ્રશ્ર્ન પુછીએ છીએ. ત્‍યારે મુનિએ કહ્યું જે પુછો, પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે “ઓગણતેરા કાળમાં અમને એક મહિના સુધી જ્યારે નિદ્રા આવે ત્‍યારે એમ ભાસતું જે, અમે પુરૂષોત્તમપુરીને વિષે જઇને શ્રીજગન્નાથજીની મૂર્તિને વિષે પ્રવેશ કરીને રહ્યા છીએ, અને તે મૂર્તિ તો કાષ્‍ઠની જણાય પણ તેને નેત્રે કરીને અમે સર્વને દેખતા, અને પૂજારીનો ભકિતભાવ તથા છળકપટ સર્વ દેખતા, અને એવી રીતે આપણા સત્‍સંગમાં જે સમાધિનિષ્‍ઠ પુરૂષ હોય તે પણ સમાધિએ કરીને બીજાના દેહમાં પ્રવેશ કરીને, સર્વેને દેખે છે, અને સર્વ શબ્‍દને સાંભળે છે. અને શાસ્ત્રમાં પણ એવાં વચન છે જે ‘શુકજી વૃક્ષમાં રહીને બોલ્‍યા હતા,’ માટે મોટા જે સત્‍પુરૂષ હોય અથવા જે પરમેશ્વર હોય તે જ્યાં ઇચ્‍છા આવે ત્‍યાં પ્રવેશ કરે છે, માટે તે પરમેશ્વરે પોતાની આજ્ઞાએ કરીને જે મૂર્તિ પૂજવા આપી હોય તે મૂર્તિ અષ્‍ટ પ્રકારની કહી છે, તેમાં પોતે સાક્ષાત પ્રવેશ કરીને વિરાજમાન રહે છે, તે મૂર્તિને જે ભગવાનનો ભક્ત પૂજતો હોય ત્‍યારે ‘જેમ પ્રત્‍યક્ષ ભગવાન વિરાજતા હોય અને તેની મર્યાદા રાખે, તેમ તે મૂર્તિની પણ રાખવી જોઇએ, અને તેમજ સંતના હૃદયમાં ભગવાનની મૂર્તિ રહી છે, તે સંતની પણ મર્યાદા રાખવી જોઇએ, તે તો એ ભક્ત લેશમાત્ર રાખતો નથી, અને મૂર્તિનેતો ચિત્રામણની અથવા પાષાણાદિકની જાણે છે, અને સંતને બીજા માણસ જેવા જાણે છે અને ભગવાને તો શ્રીમુખે એમ કહ્યું છે જે, ‘મારી અષ્‍ટ પ્રકારની જે પ્રતિમા તથા જે સંત તેને વિષે હું અખંડ નિવાસ કરીને રહું છું.’ અને એ ભક્ત તો ભગવાનની પ્રતિમા આગળ તથા સંત આગળ ગમે તેટલાં ફેલફતુર કરે છે, પણ લેશમાત્ર ભગવાનનો ડર રાખતો નથી. એને ભગવાનનો નિશ્વય છે કે નથી ?” એ પ્રશ્ર્ન છે, ત્‍યારે પરમહંસ બોલ્‍યા જે, “જ્યારે એ ભગવાનને અંતર્યામી જાણીને મર્યાદા નથી રાખતો, તો એને ભગવાનનો નિશ્વય જ નથી.”

પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “એને નિશ્વય તો નથી અને ઉપરથી પાખંડ જેવી ભકિત કરે છે, ત્‍યારે એનું કલ્‍યાણ થશે કે નહિ થાય ?” પછી સંત બોલ્‍યા જે, “એનું કલ્‍યાણ નહિ થાય.” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, જેને ભગવાનની મૂર્તિને વિષે નાસ્‍તિકપણું આવે, અને સંતને વિષે નાસ્‍તિકપણું આવે તેને એટલે જ નહિ રહે. એને તો જેનું ભજન સ્‍મરણ કરે છે એવા જે પ્રત્‍યક્ષ ભગવાન તેને વિષે પણ નાસ્‍તિકપણું આવશે, અને એ ભગવાનનાં ગોલોક, બ્રહ્મપુર આદિક ધામ તેને વિષે પણ નાસ્‍તિકપણું આવશે, અને જગતની જે ઉત્‍પત્તિ, સ્‍થ્‍િાતિ અને પ્રલય તેને પણ કાળે કરીને ને માયાયે કરીને ને કર્મે કરીને માનશે, પણ પરમેશ્વર વતે કરીને નહિ માને, એવો પાકો નાસ્‍તિક થશે.

પછી મુકતાનંદ સ્‍વામીએ પુછયું જે, “એ નાસ્‍તિકપણાનો હેતુ તે કોઇ પૂર્વનું કર્મ છે, કે કોઇ કુસંગ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, નાસ્‍તિકપણાના હેતુ તો નાસ્તિકના ગ્રંથ સાંભળવા એ જ છે. અને નાસ્‍તિકના ગ્રંથને વિષે જેને પ્રતીતિ હોય તેનો જે સંગ તે પણ નાસ્‍તિકપણાનો હેતુ છે. અને વળી કામ, ક્રોધ, લોભ, અહંકાર, માન અને ઇર્ષ્યા એ નાસ્‍તિકપણાના હેતુ છે, કેમ જે એ માંહિલો એકે સ્‍વભાવ વતર્તો હોય ત્‍યારે નારદ, સનકાદિક જેવા સાધુ વાત કરે તોય પણ મનાય નહિ, અને એ નાસ્‍તિકપણું મટે કયારે, તો જ્યારે શ્રીમદ્ભાગવત જેવા આસ્‍તિકગ્રંથને વિષે કહી જે જગતની ઉત્‍પત્તિ, સ્‍થ્‍િાતિ અને પ્રલય રૂપ એવી ભગવાનની લીલા તેને સાંભળે તથા ભગવાનનું અને સંતનું માહાત્‍મ્‍ય સમજે, ત્‍યારે એનું નાસ્‍તિકપણું જાય અને આસ્‍તિકપણું આવે. ઇતિ વચનામૃતમ્ ગઢડા પ્રથમનું ||૬૮||