સારસિદ્ધિ કડવું - ૪૮ ભાગ્ય જાગ્યાં આજ જાણવાં, કોટિ થયાં કલ્યાણ; । પદ - ૧૨

Submitted by swaminarayanworld on Sun, 07/03/2021 - 8:55pm

સારસિદ્ધિ સુંદર ગ્રંથ છે સારોજી, સહુ શાણા મનમાં વિચારોજી

પ્રગટ ઉપાસીને લાગશે પ્યારોજી, દુઃખ ટળી સુખનો આવશે વારોજી ।।૧।।

ઢાળ 

વારો આવશે સુખનો, સાંભળતામાં સાર શિરોમણિ ।।

પ્રીત થાશે પ્રભુ પ્રગટમાં, ઘનશ્યામ માંઈ ઘણી ઘણી ।। ર ।।

અન્ય સુખથી મન ઉતારી, પ્રગટમાં સુખ પેખશે ।।

લોકાલોકની લાલચ્ય મેલી, સુખ ધર્મસુતમાં લેખશે ।। ૩ ।।

જગસુખ અભાવની જુગતી, અતિ કહિ છે જો કથીકથી ।।

સમજયા સરખી સુલભ છે, વાત અતિ રતી ઊંડી નથી ।। ૪ ।।

વૈરાગ્ય ભકત ધર્મની, વાત સારી પેઠ્યે સૂચવી ।।

જ્ઞાનની પણ થોડી ઘણી, ચોકસપણે ચોખી ચવી ।। પ ।।

અસંત સંતની વારતા, તેહ પણ કાંઈક કહી છે ।।

સાંગોપાંગ સમજવા, ઘણી ઘણી ગ્રંથોમાં રહી છે ।। ૬ ।।

સાર સાર શોધી કહ્યું, જે જે જાણ્યામાં મારે આવિયું ।।

તેહ તેહ તપાસી તને મને, કાંઈક કાંઈક કા’વિયું ।। ૭ ।।

મુમુક્ષુને મગન કરવા, આમાં વાત છે વિધવિધની ।।

નથી છાની છે વાત છતી, પ્રભુ પ્રગટ પ્રસિદ્વની ।। ૮ ।।

ખરા ખપવાળાને ખોળતાં, માનો વાત આવી તે મળે નહિ ।।

ત્યાર તરછટ તાંદુલા, કરી દીધા છે સુંદર લહિ ।। ૯ ।।

આ ગ્રંથ ગાશે સુણશે, રે’શે એમાં કહ્યું એવી રીત ।।

નિષ્કુળાનંદ એ નરનાં, ઊઘડશે ભાગ્ય અમિત ।। ૧૦ ।। કડવું ।।૪૮।।

 

 

રાગ:-ધોળ 

(‘સંત વિના સાચી કોણ કહે’ એ ઢાળ.)

ભાગ્ય જાગ્યાં આજ જાણવાં, કોટિ થયાં કલ્યાણ;

ઉધારો ન રહ્યો એહનો, પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ.. ભાગ્ય ।।  ।।

અનાથપણાનું મે’ણું ઊતર્યું, સદા થયા સનાથ;

ડર ન રહ્યો બીજા દેવનો, ગ્રહ્યો હરિયે હાથ.. ભાગ્ય ।। ર ।।

કંગાલપણું કે’વા ન રહ્યું, સદા મનાણું સુખ;

મસ્તી આવી રે અતિ અંગમાં, દૂર પલાણાં દુઃખ.. ભાગ્ય ।। ૩ ।।

અણસમજણ અળગી થઈ, સમી સમજાણી વાત;

પાંપળાં સર્વે પરાં પળ્યાં, મળ્યા શ્રીહરિ સાક્ષાત.. ભાગ્ય ।। ૪ ।।

કસર ન રહી કોઈ વાતની, પામ્યા પ્રભુ પ્રગટ પ્રસંગ;

ખોટ્ય મટીને ખાટ્ય થઈ, રહી ગયો છે રંગ.. ભાગ્ય ।। પ ।।

ભૂધર મળતાં ભલું થયું, ફેરો ફાવ્યો આ વાર;

સુખતણી સીમા શી કહું, મને મોદ અપાર.. ભાગ્ય ।। ૬ ।।

આજ આનંદ વધામણાં, હૈયે હરખ ન માય;

અમળતી વાત તે આવી મળી, શી કહું સુખની સીમાય.. ભાગ્ય ।। ૭ ।।

આજ અમૃતની એલી થઈ, રહી નહિ કાંઈ ખોટ;

એક કલ્યાણનું કયાં રહ્યું, થયાં કલ્યાણ કોટ.. ભાગ્ય ।। ૮ ।।

રાંકપણું તો રહ્યું નહિ, કોઈ મ કે’શો કંગાલ;

નિરધનિયા તો અમે નથી, મહા મળ્યો છે માલ… ભાગ્ય ।। ૯ ।।

કોણ જાણે આ કેમ થયું, આવ્યું અણચિંતવ્યું સુખ;

ઢાળો અલૌકિક ઢળી ગયો, મળ્યા હરિ મુખોમુખ.. ભાગ્ય ।। ૧૦ ।।

ધન્ય ધન્ય અવસર આજનો, જેમાં મળિયા મહારાજ;

નિષ્કુળાનંદ ડંકો જીતનો, વાગી ગયો છે આજ.. ભાગ્ય ।।।।

ઇતિ શ્રીનિષ્કુળાનંદમુનિ વિરચિતા સારસિદ્ધિ સંપૂર્ણ ।