તરંગઃ - ૧૦૦ - શ્રીહરિ ગઢપુરને વિષે દેહોત્સવ કરીને લાખો વિમાને સહિત પોતાના અક્ષરધામમાં પધાર્યા

Submitted by swaminarayanworld on Sat, 13/02/2021 - 12:16pm

પૂર્વછાયો

હે રામશરણ સુણો હવે, ત્યાર પછીની વાત । દુર્ગપુરમાં દયા કરી, રહ્યા છે જગતાત ।।૧।। 

અપાર લીલા વડે આપીયું, ભક્તને સુખ અનુપ । ત્યાર પછી વિચાર કર્યો, ભુવનપતિના ભૂપ ।।૨।।

 

ચોપાઇ

 

હવે પ્રાણપતિયે તે વાર, કર્યો પોતાને મન વિચાર । જેને માટે ધર્યો તો આ દેહ, સર્વે સિદ્ધ કર્યું છે મેં એહ ।।૩।। 

કર્યું અધર્મનું ઉચ્છેદન, એકાંતિક ધર્મ સ્થાપ્યો પાવન । ચારે વર્ણના મનુષ્ય જેહ, ધર્મે સહિત વર્તે છે તેહ ।।૪।। 

હવે નથી બાકી કાંઇ કામ, થયા પૂરણ મનોરથ હામ । માટે સ્વધામે જવું જરુર, અલબેલે ધાર્યું એમ ઉર ।।૫।। 

પછે સંત અને હરિજન, બાઇ ભાઇ આદિ જે પાવન । સૌને તેડાવ્યાં પોતાની પાસ, સભા કરી બેઠા અવિનાશ ।।૬।। 

બેઉ દેશના આચાર્ય આવ્યા, મહાપ્રભુ તણે મન ભાવ્યા । રામપ્રતાપ ને નંદરામ, બંધુવર્ગ આવ્યો છે તે ઠામ ।।૭।। 

ઠાકુરરામ પુન્યપાવન, ગોપાળજી નિરમળ મન । વૃંદાવન અને સીતારામ, બદ્રીનાથજી રૂડું છે નામ ।।૮।। 

મુક્તાનંદ બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ તે યોગધામી । નિત્યાનંદ આદિ સૌ ત્યાગી, સભામાંહી બેઠા છે સદભાગી ।।૯।। 

પુન્ય પવિત્ર ઉત્તમરાય, એ આદિ સર્વે ગૃહસ્થ કેવાય । જીવુબા લાડુબા રાજબાઇ, સુવાસની આદિક છે ત્યાંઇ ।।૧૦।। 

બાઇ ભાઇ બેઠાં યોગ્ય રીતે, પ્રભુજીના સામું જોઇ પ્રીતે । ત્યારે બોલ્યા શ્રીહરિ વચન, ગંભીર વાણીથી પુન્ય પાવન ।।૧૧।। 

સર્વે સાંભળજ્યો એક ચિત્તે, સંત આચાર્ય આદિ તે પ્રીતે । શિક્ષાપત્રી જે કરી છે અમે, એ પ્રમાણે વર્તજ્યો તમે ।।૧૨।। 

પોતાના ધર્મમાં નિત્ય રેજ્યો, સૌને સારો ઉપદેશ દેજ્યો । સુણો આચાર્ય નિર્મળ મન, તમે બેઉ છો દત્તક તન ।।૧૩।। 

મારી આજ્ઞાને અનુસરજ્યો, મુજ વચન ઉર ધરજ્યો । દેવ બ્રાહ્મણ ને સાધુ જન, તેને જાણજ્યો મારૂં છે તન ।।૧૪।। 

વિષ્ણુ શિવ ગણેશ પાર્વતી, સવિતાદિને માનજ્યો અતિ । દેવ બ્રાહ્મણ ને સાધુ જન, સદા તેને પાળજ્યો દૃઢ મન ।।૧૫।। 

તેની વૃત્તિની પૃષ્ટિ કરજ્યો, સત્ય વચન ઉર ધરજ્યો । એ આદિ મારી આજ્ઞા અશેષ, શિક્ષાપત્રીમાં છે તે વિશેષ ।।૧૬।। 

પાળજ્યો ને પળાવજ્યો તમે, એ આજ્ઞા કરીએ છીએ અમે । હવે અમારે જાવું સ્વધામ, કરવાં હતાં તે કર્યાં કામ ।।૧૭।। 

કોઇ કરશોમાં તમે કલેશ, મુજ ભક્તિ કરજ્યો હમેશ । એવાં સુણી વાલાનાં વચન, સર્વે ઉદાસી થઇ ગયા મન ।।૧૮।। 

હે પ્રાણપતિ હે મહારાજ, શું વચન બોલ્યા પ્રભુ આજ । તમ વિના તો નવ જીવાય, હૃદે ધીરજ કેમ ધરાય ।।૧૯।। 

નવ થાય વિયોગ સહન, તમો વિના ઠરે નહિ મન । એવી સુણીને પ્રેમની વાણ, ધીરજ આપેછે જીવનપ્રાણ ।।૨૦।। 

સર્વે ધીરજ રાખોને ભાઇ, મુંઝાશોમાં તમે મનમાંઇ । અમારાં જન્મ કર્મ ચરિત્ર, અતિશે ઉતમ છે પવિત્ર ।।૨૧।। 

તેનો પાર નહિ કોઇ પામે, એક ભજનથી દુઃખ વામે । માટે માનજ્યો મુજ વચન, સર્વે ધીરજ રાખજ્યો મન ।।૨૨।। 

ક્ષણ માત્ર નથી અમે દૂર, સત્સંગમાં છૈએ જરૂર । મારા ભક્તનો જ્યાં છે નિવાસ, ત્યાં નિરંતર છું હું પ્રકાશ ।।૨૩।। 

માટે વિયોગ નવ ધરશો, કેડે શોક ક્લેશ ન કરશો । જ્યારે જ્યારે સંભાળશો મન, ત્યારે ત્યારે દેશું દરશન ।।૨૪।। 

એ આજ્ઞા કરી સહુ જનને, પોતે વિચાર્યું છે નિજ મને । નિજ અક્ષરભુવન જ્યાંય, પૃથ્વી શુદ્ધ કરાવી છે ત્યાંય ।।૨૫।। 

સિદ્ધાસન વાળી બેઠા પોતે, સંત આશ્રિત સર્વેને જોતે । મનની વૃત્તિ કરી છે સ્થિર, એક ચિત્તેથી શ્રીનરવીર ।।૨૬।। 

ધર્યું પોતે પોતાનું જે ધ્યાન, એવા ભક્ત પોતે ભગવાન । તે સમે આકાશ માર્ગે એવ, દર્શન કરવા આવ્યા દેવ ।।૨૭।। 

તે સમે વ્યોમ વિષે સર્વત્ર, ચડ્યું છે મેઘાડંબર છત્ર । ત્યારે અક્ષરમુક્ત અપાર, આવ્યા વિમાન લઇ તે ઠાર ।।૨૮।। 

શ્રીહરિની પૂજા કરી સાર, ચંદન પુષ્પ વડે નિરધાર । કરી પ્રાર્થના કરભામી, નમસ્કાર કર્યા શિર નામી ।।૨૯।। 

પછે પ્રેમથકી તેણીવાર, બેસાર્યા છે વિમાન મોઝાર । નિજ અક્ષરમુક્તની સાથ, ચાલ્યા ધામ વિષે દીનોનાથ ।।૩૦।। 

મળ્યા આકાશમાં સહુ દેવ, કરી પ્રાર્થના તતખેવ । જયકારના શબ્દ ઉચ્ચારે, પ્રસંશા કરે છે વારે વારે ।।૩૧।। 

પધાર્યા ધામમાં મહારાજ, કરી સૌનાં તે રૂડાં કાજ । સંવત્ અઢાર છાશી મોઝાર, જયેષ્ઠસુદી દશમી નિરધાર ।।૩૨।। 

૧ભૌમદિવસનો જે મધ્યાહ્ન, તે સમે પધાર્યા ભગવાન । સંત હરિજન હતા પાસ, અતિ મન થયા છે નિરાશ ।।૩૩।। 

અવધપ્રસાદ રઘુવીર, બન્ને દત્તપુત્ર મતિ ધીર । તે બેઠા છે શ્રીહરિને પાસ, અતિ મન થયા છે ઉદાસ ।।૩૪।। 

પછે ધીરજ મનમાં ધારી, ક્રિયા કરવા લાગ્યા તે સારી । વેદ વિધિએ ક્રિયા કરીને, વિમાને પધરાવ્યા હરિને ।।૩૫।। 

ઉત્સવ કરતા સહુ ત્યાંય, લઇ ચાલ્યા લક્ષ્મીબાગમાંય । કર્યો ત્યાં જઇ અગ્નિ સંસ્કાર, વેદવિધિતણે અનુસાર ।।૩૬।। 

સંત સેવક સર્વે સમાન, ઘેલે કર્યાં છે જળમાં સ્નાન । પછે આવ્યા છે પોતાને ઘેર, કરી ઉત્તર ક્રિયાની પેર ।।૩૭।। 

ત્યાં બેઉ પુત્રોએ તેણીવાર, કર્યાં છે દાનપુણ્ય અપાર । લાખો બ્રાહ્મણને ત્યાં જમાડ્યા, દાન આપી સંતોષ પમાડ્યા ।।૩૮।। 

દેશ પ્રદેશના હરિજન, આવ્યાતા કરવા દરશન । સૌને કરાવ્યાં ભોજન પાન, રૂડી રીતે કરી સનમાન ।।૩૯।। 

પછી સર્વે ગયા નિજ ઘેર, ગુણ ગાતા થકા રૂડી પેર । અવધપ્રસાદ રઘુવીર, ઉત્તમરાજા આદિ જે ધીર ।।૪૦।। 

તે રહ્યા પોતે પોતાને સ્થાને, જેમ આજ્ઞા કરી ભગવાને । નિત્ય વર્તે છે નિર્મળ મન, ભાવે કરે છે પ્રભુનું ભજન ।।૪૧।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિ ગઢપુરને વિષે દેહોત્સવ કરીને લાખો વિમાને સહિત પોતાના અક્ષરધામમાં પધાર્યા એ નામે સોમો તરંગઃ ।।૧૦૦।।