તરંગઃ - ૯૫ - શ્રીહરિ વિચરણ

Submitted by swaminarayanworld on Sat, 13/02/2021 - 12:03pm

પૂર્વછાયો

કલ્યાણકારી છે શ્રીહરિ, તેમનાં ચરિત્ર અમૂલ્ય । ચિત્ત દઇ સુણે સદા, તે થાય મુક્તને તુલ્ય ।।૧।।

 

ચોપાઇ

 

ઓળા ગામમાં દેવાધિદેવ, તિયાં પુંખાણા છે વાસુદેવ, પછે હિંડોળો બંધાવ્યો માવ, તેમાં ઝુલ્યા નટવર નાવ ।।૨।। 

ગામ કલોલમાં હરિ આવ્યા, પૂર્વ ભાગોળમાં મન ભાવ્યા । સંજયને પાટીદાર આદિ, આવ્યા મોટા મોટા મરજાદી ।।૩।। 

તેમણે કર્યું છે સનમાન, એક રાત્રિ રહ્યા તેહ સ્થાન । સંતપાળા કાઠી હરિજન, સમાધિ કરાવી છે જીવન ।।૪।। 

કુવા કાંઠે પોતે હરિ બેઠા, સર્વે જન ઉભા રહ્યા હેઠા । તે જોઇ સુબે કરી ઉપાધિ, છોડાવી દીધી હરિયે સમાધિ ।।૫।। 

ઘણી વાત તિયાં પોતે કરી, સુબાને ગુણ આવ્યો છે જરી । તેને અષ્ટ ભુજાયે દેખાયા, એવા હરિ જગ છતરાયા ।।૬।। 

ગામ ધમાસણામાં ભૂધર, હિંડોળામાં ઝુલ્યા નટવર । કેશવ સુતાર જેનું નામ, તેને ઘેર જમ્યા ઘનશ્યામ ।।૭।। 

જમેલો પ્રસાદ વધ્યો જેહ, ગામના કુવામાં નાખ્યો તેહ । પછે બોલ્યા મનોહર શ્યામ, હરિજન થશે બધુ ગામ ।।૮।। 

અડાલજની વાવે ગયા છે, સંત સહિત તેમાં નાહ્યા છે । વાવ કરાવી છે તેને ધન્ય, મોક્ષનો વર આપ્યો જીવન ।।૯।। 

ગામ મનીપુરમાં જીવન, હિંડોળામાં ઝુલ્યા છે મોહન । અનેક રૂપે દર્શન દીધાં, હરિજનનાં કારજ સીધાં ।।૧૦।। 

તળાવને તીરે સભા કરી, કુવાના થાળામાં શીરો ભરી । ઘેરોઘેર જઇ પ્રાણપતિ, મુક્ત સહિત જમ્યા છે અતિ ।।૧૧।। 

ગામ ખોખરામાંહી ખાંતિલે, રંગડો વાળ્યો છેલછબીલે । અસુર નાશ પમાડ્યા પળે, ગામના ગોંદરે તેહ સ્થળે ।।૧૨।। 

ગામ અશલાલીમાં સભા ભરી, સંત વેંચ્યા છે વિગતિ કરી । રામપ્રતાપ ને ઇચ્છારામ, બેઉ પુત્ર સાથે તેહ ગામ ।।૧૩।। 

બીજી વાર જેતલપુર ધામે, તિયાં વેંચાણ કરીછે શ્યામે । ત્રીજી વાર વેંચ્યા વડતાલે, ત્યારે નક્કી કર્યું છે તે લાલે ।।૧૪।। 

વળી તે ગામે જોબનપગી, હતો પાપનો પર્વત ઠગી । સર્વે ફેલમાં તે ફસેલ, તેને ઉધાર્યો છે રંગરેલ ।।૧૫।। 

વડોદરામાં વાલમ આવી, દિગ્વિજે કર્યો મનભાવી । સયાજીરાવને વર આપ્યા, બ્રહ્મમોલમાં તેને સ્થાપ્યા ।।૧૬।। 

૧સૂર્યપુરમાં જગજીવન, કર્યા અનેક જીવ પાવન । પારશીમાં અરદેશર નામે, તેનો મોક્ષ કર્યો ઘનશ્યામે ।।૧૭।। 

ધર્મપુરે ધર્મપુત્ર ગયા, કુશળબા પર કરી દયા । પોતે રાજ અર્પણ કર્યું, રાજા બલીની પેઠે તે ઠર્યું ।।૧૮।। 

હાથરોલીમાં શ્રીહરિ ગયા, ભગુખાંટ પર કરી દયા । ઘોડાસરમાં પાલખી પર, રાજાયે બેસાર્યા નટવર ।।૧૯।। 

ગામ કઠલાલમાં શ્રીહરિ, કુવામાં જળ નાખ્યું છે જરી । અનંત જીવના મોક્ષ સારું, એવું કામ કર્યું તિયાં વારૂ ।।૨૦।। 

ગામ વડથલે ગયા હરિ, ઘણી વાર આવ્યા ફરી ફરી । તિયાં ચોરાશી કીધી છે સારી, વિપ્રને ઘી જમાડ્યું છે ધારી ।।૨૧।। 

ગામ તોરણામાં મુક્તનાથ, ઘણા સંત હરિજન સાથ । રણછોડ ભક્તની ગાદી પર, પોતે બેઠા છે શ્યામસુંદર ।।૨૨।। 

ગામ લસુંદ્રામાં વનમાળી, પોતે આવ્યા છે એકીલા ચાલી । રામક્ષેત્રમાં નાહ્યા છે ઘણું, તેમાં ફેર નથી એક અણું ।।૨૩।। 

ઉના ટાઢા પાણીના છે કુંડ, ત્રણ ઋતુમાં રે છે અખંડ । સંખ્યામાંતો સવાસો કેવાય, ઘણા જન આવી તેમાં નહાય ।।૨૪।। 

તે તીરથ પાવન કરીને, વિપ્રને દાન આપ્યાં ઠરીને । પછે મહાદેવમાં રહ્યા રાત, શિવગિરે જમાડ્યા વિખ્યાત ।।૨૫।। 

તિયાં ભક્ત ભાણાભાઇ નામ, તેને ઘેર ગયા ઘનશ્યામ । બીજા જીવણદાસ પટેલ, દીઠા ચતુર્ભુજ રંગરેલ ।।૨૬।। 

ત્રીજા રણછોડ ઇચ્છાભાઇ, કરાવી સમાધિ સુખદાઇ । પોતાનો નિશ્ચે સૌને કરાવી, ઘણા રહ્યા છે ત્યાં મન ભાવી ।।૨૭।। 

ઉંટડીયામાં હરિ ગયા છે, મુક્ત મંડળ સાથે રહ્યા છે । તિયાં વાત્રક ગંગા છે સારી, સંઘ સહિત નાહ્યા મુરારી ।।૨૮।। 

ગામ પ્રાંતિજમાં મહારાજ, બોખે ન્હાવા ગયા સુખસાજ । નારાયણધરામાંહી વ્હાલે, જળક્રીડા કરી ભક્તિબાળે ।।૨૯।। 

મઘરને કરાવી સમાધિ, યોગકળા તિયાં બહુ સાધી । પછે નિકળ્યા જળથી બાર, વડ હેઠે સભા કરી સાર ।।૩૦।। 

મુક્તાનંદ બ્રહ્માનંદ જેહ, લાવ્યા કમળ મુનિઓ તેહ । તેના હાર રૂડા બનાવીયા, સર્વે શ્રીહરિને ધરાવીયા ।।૩૧।। 

તુલજારામ વણિક બાળ, તેને ઘેર જમ્યા છે દયાળ । જુના મંદિરમાં રહ્યા રાત, ત્રીજે દિન ચાલ્યા છે પ્રભાત ।।૩૨।। 

સલકી ગામ દેવ મુરારી, કોળીને જમાડ્યા સુખકારી । ફુલડોલનો ઉત્સવ કરી, હિંડોળામાં ઝુલ્યા છે શ્રીહરિ ।।૩૩।। 

ખારી નદીમાં ન ખુટે વારિ, એવો વર આપ્યો તિયાં ધારી । પછે સંત હરિજન સહુ, ફરતા કીર્તન ગાયાં છે બહુ ।।૩૪।। 

શ્રીહરિ ગામ વેલાલમાંહી, અઢાર ઘેર જમ્યા છે ત્યાંહિ । માઢ હેઠે થૈ નિકળે જેહ, મોક્ષનો વર આપ્યો છે તેહ ।।૩૫।। 

કણભા કુજાડ્ય બેઉ ગામ, તિયાં પધાર્યા સુંદરશ્યામ । બાવીસ રૂપે થૈ પોતે જમ્યા, સાર્યો મનોરથ સૌને ગમ્યા ।।૩૬।। 

ગામડીના મંદિરમાં માવ, ગયા છે સૌનો દેખીને ભાવ । તિયાં કેરીઓ જમ્યા છે અતિ, તેની ગણના ન થાય રતિ ।।૩૭।। 

હરિ વિચરણનો જે વિસ્તાર, બાલ ચરિત્રમાં તેનો સાર । વિવેકી જન જાણજ્યો મને, કર્યાં ચરિત્ર બહુ જીવને ।।૩૮।। 

આતો સંક્ષેપમાં કરી વાત, તમે જાણજ્યો સર્વે પ્રખ્યાત। હરિ ચરિત્રનો નહિ પાર, કેટલાંક લખું વારમવાર ।।૩૯।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિ વિચરણ એ નામે પંચાણુમો તરંગઃ ।।૯૫।।