તરંગઃ - ૯૪ - શ્રીહરિ વિચરણ

Submitted by swaminarayanworld on Sat, 13/02/2021 - 12:02pm

ચોપાઇ

ગામ દેવડામાં મહારાજ, આવ્યા હરખાનું કરવા કાજ । ઘરાણે બેડુ મુકી જમાડ્યા, શ્રીહરિને આનંદ પમાડ્યા ।।૧।। 

પછી રાજી થઇ સુખસાજ, આપ્યું દ્રવ્ય સાર્યું તેનું કાજ । હતો નિર્ધન તેહ જન, તેનો અર્થ સાર્યો ભગવન ।।૨।। 

બે હજાર મણ દાળ લીધી, તેની વખારો ભરાવી દીધી । એવી રીતે તેનું કષ્ટ કાપી, ચાલ્યા છે મોક્ષનો વર આપી ।।૩।। 

વિજાપુરે વજીબાને ઘેર, ઘણીવાર આવ્યા રૂડી પેર । ત્યાંની લીલા બહુ વર્ણવાણી, લખે લખતાં મેં ન લખાણી ।।૪।। 

વિસનગરે બ્રાહ્મણ જમાડ્યા, અઢી માસ આનંદ પમાડ્યા । શોભારામને અંધજ કીધો, મોતીરામને શિરપાવ દીધો ।।૫।। 

વળી વડનગરમાં મુરારી, બીજે રૂપે ગયા સુખકારી । તિયાં પણ લીલા બહુ કરી, અઢી માસ સુધી ફરી ફરી ।।૬।। 

નાગધરામાં નાહ્યાછે ઘણા, સંત સાથે રાખી નહિ મણા । થાળ જમ્યાછે તેહ ઠેકાણે, ગળનાળા ઉપર પ્રમાણે ।।૭।। 

વળી એક દિન ભગવાન, વિશ્વામિત્રીમાં કરીને સ્નાન । સંતસાથે જળક્રીડા કરી, નાગધરે આવ્યા છે શ્રીહરિ ।।૮।। 

૧શકટ ઉપર પોઢી ગયા, સપ્ત દિવસ પોતે ત્યાં રહ્યા । વળી હાટકેશ્વર મહાદેવ, તેમાં ગયાછે શ્રીવાસુદેવ ।।૯।। 

પછી સરોવરના કિનારે, ધર્મશાળામાં ગયા નિરધારે । તેમાં જમાડ્યા સર્વે સંત, રાજી થયા છે મોટા મહંત ।।૧૦।। 

ઝુમખરામ ત્યાં ભાવસાર, તેણે કર્યાં મિષ્ટાન્ન તૈયાર । સંઘને જમાડ્યો તતકાળ, બહુ રાજી થયાછે દયાળ ।।૧૧।। 

ત્યારે બીજા હરિજન ભાવ, ઘણો લીધો છે લાખેણો લાવ । બ્રાહ્મણ ક્ષત્રી વૈશ્ય વેપારી, સેવાઓ કરેછે ત્યાં સારી ।।૧૨।। 

વળી કોઠા નામે એક સર, તેમાં નાહ્યા છે શ્રીનટવર । વળી દ્રાવ્ય નામે છે તળાવ, તેમાં નાહ્યા મનોહર માવ ।।૧૩।। 

સિદ્ધપુરના સમૈયે ગયા, ચોરાશી કરીને તિયાં રહ્યા । બિંદુસરોવરમાં તે હરિ, ઘણાં દાન આપ્યાં ત્યાં ઠરી ।।૧૪।। 

ગામ ઉંઝે આવ્યાછે શ્રીહરિ, ગળનાળાપર સભા કરી । વળી બીજે દિન સુખધામ, હિંડોળે ઝુલ્યા સુંદર શ્યામ ।।૧૫।। 

ગામ મેસાણામાં મહારાજે, ક્ષિપ્રા કરાવી સુખસાજે । તેમાં ઘી નખાવ્યું છે અપાર, સંતને જમાડ્યા તેણીવાર ।।૧૬।। 

ગામ વસાઇમાં દયા કરી, તલાવડીમાં નાહ્યા છે હરિ । હાલમાં તિયાં મેળો ભરાય, હરિજન ન્હાવા નિત્ય જાય ।।૧૭।। 

ગામ મેઉ વિષે ભગવાન, હિંડોળામાં ઝુલ્યા છે નિદાન । વડહેઠે સભા કરી સારી, બહુ વાત કરી સુખકારી ।।૧૮।। 

ચતુર્ભુજરૂપે થયા પોતે, દર્શન કર્યાં છે જોતે જોતે । પછે ભુખણને ઘેર થાળ, સંતસહિત જમ્યા દયાળ ।।૧૯।। 

ગામ લંઘનપુરમાં લાલ, તિયાં ગયા છે દીનદયાળ । દીધો પરચો પટેલને તિયાં, સોનબાઇને ઘેર જમીયા ।।૨૦।। 

ખોરજમાં તે ખાંતીલો આવી, ઘોડલાં ખેલાવ્યાં મન ભાવી । બાંધ્યો હિંડોળો આંબાને ડાળ, તેમાં ઝુલ્યા છે દીનદયાળ ।।૨૧।। 

નારદીપુરમાં મહારાજ, ચોરાશી કરીને સુખસાજ । બ્રાહ્મણોને તૃપ્ત બહુ કીધા, ઘણા લાવ નાનાભૈયે લીધા ।।૨૨।। 

કર્જિસણની નાવે ગણતી, ત્યાંતો લીલાઓ કરીછે અતિ । ગામ તળાવ ને સીમવૃક્ષ, તિયાં ફર્યાછે જઇ પ્રત્યક્ષ ।।૨૩।। 

વડુગામમાં પ્રથમ પેલે, સંતને પાત્ર આપ્યાં છે છેલે । જેરામદાનો કુવો ખોદાવ્યો, સારો મોહોલ ઉપર કરાવ્યો ।।૨૪।। 

ડાંગરવામાં દીનદયાળ, દહીં દુધ જમ્યા છે કૃપાળ । જતનબાઇ હેત કરીને, ઘણું જમાડ્યા પ્રેમ ધરીને ।।૨૫।। 

વળી તે ગામમાં ઘણું આવે, વેણીદાસને ત્યાં અતિ ભાવે । કોઠીમાંથી ન ખુટે બાજરી, એવો વર આપ્યો તેને હરિ ।।૨૬।। 

ગામ રાજપુરમાં રંગીલા, આવ્યા છોગાળા છેલછબીલા । યોગકળા તિયાં બહુ સાધી, ચકલાંને કરાવી સમાધિ ।।૨૭।। 

ધુડ નાખવા આવ્યાતા જન, તે દેખીને ડર્યા બહુ મન । પછી કાળનું માગ્યું વચન, રાજી થઇને આપ્યું જીવન ।।૨૮।। 

ગામ કડીના તળાવમાંહી, સંતદાસ બુડ્યા વળી ત્યાંહી । જઇ નિકળ્યા બદ્રિકાશ્રમે, નરનારાયણના આશ્રમે ।।૨૯।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિ વિચરણ એ નામે ચોરાણુમો તરંગઃ ।।૯૪।।